ઉભરો
ઉભરો
સીડી પ્લેયરમાં " આજ મેં ઉપર આસમાં નીચે" ગીત જોરશોરથી વાગી રહ્યું હતું. કલ્પનાના જન્મદિનનો ઉત્સાહ આખાય ઘરને ફાડીને બહાર નીકળી રહ્યો હતો. બીલ્કેશે કલ્પનાની પસંદગી મુજબ સ્કાય બ્લ્યુ શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું. બધાં જ મહેમાનો સાજ સજાવટ અને સરભરાના બે મોંઢે વખાણ કરી રહ્યાં હતાં. લગ્ન પછીનાં પચ્ચીસ વર્ષમાં એક જ વાર માંગણી કરી હતી એ જ વીંટી બીલ્કેશ ભેટમાં લાવ્યો હતો. તેનો દીકરો રવીશ આજે પહેલી વાર પૂછ્યું, " મા તારે શું જોઈએ છે?" મમ્મીની જગ્યાએ મા અને શું જોઈએ છે આ સાંભળીને કલ્પનાની આંખોમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યાં. નિરાલીએ પણ આજે કહ્યું કે મા તું અંગ્રેજી ભલે નથી સમજતી પણ અમને કાયમ સમજે છો. બધાની બધી જ જરૂરિયાતો પૂરી કરે છો, બધાની પસંદગી જાણે છો, બધાની જન્મ તારીખ તને યાદ છે, તારા જેવી રસોઈ અને તારા જેવો ઘર સંસાર કોઈ ચલાવી જ ન શકે. પણ આ બધામાં તે તારી જાત તો સાવ ખોઈ જ નાખી એટલે મારા તરફથી તને અને પપ્પાને આ સાત દિવસની ટ્રીપની ટિકિટ અને એ પણ સાવ એકલા...કલ્પના સહેજ શરમાઈ અને બધાં હસી પડ્યા.
કલ્પનાને તો જાણે પોતે હવામાં હોય એવું જ લાગતું હતું. સાસુએ આશીર્વાદ આપી કહ્યું કે બેટા મારે જેવી મારે મારી દીકરી કોમલ છે એમ જ તું છો, ઉલટાની તું તો એના કરતાં પણ ચડિયાતી છો. સસરાએ પણ આશીર્વાદ આપ્યા. આંખમાંથી આંસુની ધાર થઈ. હૃદયમાં જાણે લાગણીનો તો ઉભરો આવ્યો....
રસોડામાં મુકેલી ચા આજે પાછી ઉભરાઈ ગઈ. બીલ્કેશે રાડ પાડીને કહ્યું, " ચા પાવાની છે કે હોટેલેથી મંગાવીએ "
અને ફરી ઉતાવળે મ્હોંતાને બદલે હાથેથી ઉતારવા જતાં દાજી ગયેલા હાથે ચાનો કપ લઈ ઉતાવળે ચાલતાં સાડીના છેડેથી આંખ લૂછતી લૂછતી "કોઈ દિવસ બહાર પીવા દીધી છે.." , એમ તારીખીયા સામે જોઇને તે બબડી.