તું તો છે અનેરી શક્તિ નો ભંડાર
તું તો છે અનેરી શક્તિ નો ભંડાર
એક નાનકડી વાર્તા ક્યાંક વાંચી કે, એક માનવી પર ઈશ્વર પ્રસન્ન થઈને એક પારસમણિની ભેંટ આપે છે. અને કહે છે કે, "હું તને એક મહિનાની મુદત આપુ છું. એક મહિનામાં તુ જેટલું સોનું બનાવે એટલું તારું."
એ માણસ માર્કેટમાં જઈ લોંખડનો ભાવ પૂછે છે. વેપારી કહે છે, "હજુ લોખંડના ભાવ ઘટશે" અને એ વેપારી આવી જ રીતના દિવસો પસાર કરી નાખે છે. અને આમને આમ મહિનો પૂરો થઈ ગયો.
આપણું પણ કઈક આવું જ છે. આપણાને અમુક મુદ્દત સુધી જ, આ અનેરી શક્તિઓનો ભંડાર એવું પારસમણિ, ઈશ્વરે પ્રદાન કર્યું છે. પરંતુ આપણે ભીતર ડોકિયું કરવાની બદલે, હંમેશા આજુ બાજુ જ નજર દોડાવીએ છીએ. અને આમ જ જીવન પસાર થઈ જાય છે.
જેમ નદી કિનારે વીરડાનું પાણી પીવું હોય તો, વીરડો ગાળવો પડે. તેમાંથી ડહોળું પાણી નીકાળવું પડે, ત્યારે એ પીવા લાયક બને. મનનું પણ કઈક આવું જ છે. ખોતરવું પડે નકારાત્મક વલણને દૂર કરવું પડે. તો જ આ મનની અગાઢ શક્તિઓ બહાર આવે.
એક શિલ્પી પથ્થર ની મુરત બનાવે છે. તો શું કરે છે ? ફક્ત વધારાનો ભાગ કાપી, અને સુંદર પ્રતિમા બનાવે છે. આપણે જ આપણાં ઘડવૈયા. મનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરી, જાતનું મહત્વ વધારી શકીએ. બસ ઈશ્વરે આપેલી આ અમૂલ્ય જિંદગીને, યોગ્ય રીતે જીવી બીજાનું જીવન પ્રજ્જવલિત કરી શકીએ. એવી શુભ કામના.
