Shobha Mistry

Abstract Tragedy

4.5  

Shobha Mistry

Abstract Tragedy

તું પતંગ, હું દોર

તું પતંગ, હું દોર

2 mins
265


ચલી ચલી રે પતંગ મેરી ચલી રે,

ચલી, બાદલો કે પાર, હો કે દોર પે સવાર

સારી દુનિયા યે દેખ દેખ જલી રે.

આજે સવારથી બધાની અગાસી અને ધાબા પરથી આ ગીતનો અવાજ આવી રહ્યો હતો. અધૂરામાં પૂરું ટી. વી. પર પણ આવા જ ગીતો વાગી રહ્યાં હતાં. બંસરીએ ઘરના બારી બારણાં સજ્જડ બંધ કરી દીધાં. છતાંયે બુલંદ અવાજે વાગતાં ગીતના શબ્દો ઘરમાં પ્રવેશી જ જતાં હતાં. એણે કાન પર પોતાના હાથ સજ્જડ રીતે દબાવી દીધાં પણ છતાંયે....! એની આંખોમાં આંસુ આવી ગયાં. "બેટા, ક્યાં સુધી તું આમ દૂર ભાગતી રહીશ ? એ ગોઝારી ઘટનામાંથી બહાર આવી જા. દુનિયામાં એના સિવાય પણ જીવવા જેવું ઘણું છે." કેતનાબહેને દીકરીને સમજાવ્યું. તેમ બંસરી વધુ જોરથી મમ્મીને વળગીને રડવા લાગી. એની આંખ સામે બે વર્ષ પહેલાંની ઉત્તરાયણ આવી ગઈ.

અમદાવાદમાં પતંગ મહોત્સવમાં ભાગ લેવા રોનક અને બંસરી મિત્રો સાથે સજ્જ થઈને ગયાં હતાં. સૌ ખૂબ ઉત્સાહમાં હતાં. ખુલ્લા મેદાનમાં દેશવિદેશથી પધારેલાં પતંગપ્રેમીઓ ઉપરાંત ભારતદેશના જુદા જુદા રાજ્યોમાંથી પણ પતંગપ્રેમીઓ આવ્યાં હતાં. વાતાવરણ ખૂબ રંગબેરંગી અને ઉત્સાહિત લાગતું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પતંગ ચગાવી મહોત્સવનો પ્રારંભ કર્યો અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. થોડી જ વારમાં આકાશમાં રંગબેરંગી અને જુદાં જુદાં આકારના પતંગો છવાઈ ગયાં. પતંગ ચગાવનાર સાથે એની દોર પકડનાર ફીરકીબાજોના અવાજ પણ વાતાવરણને એક અલગ જ રંગત આપી રહ્યાં હતાં. સૌ ખુશીઓથી ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં. 

પતંગપ્રેમીઓ સાથે મેદાનમાં ટી. વી. વાળા કવરેજ લેવા આંટાફેરા કરી રહ્યાં હતાં. પવન બરાબર ફૂંકાઈ રહ્યો હતો. રોનકનો પતંગ આકાશને ચૂમવા માટે તલપાપડ થઈ રહ્યો હતો. અચાનક એનો પતંગ ભર દોરીએ કપાયો. રોનક નિરાશ થયો પણ તરત જ બીજો પતંગ ચડાવવાની તૈયારી કરવા લાગ્યો. બંસરી કપાયેલાં પતંગની દોર ફીરકી પર ઝડપથી વીંટાળી રહી હતી. અચાનક એનું ધ્યાન રોનક પર ગયું. રોનક એનું માથું પકડીને ચક્કર ખાઈ પડ્યો. 

મેદાનમાં હાજર ડૉક્ટરની ટીમ તરત જ સારવાર કરવા હાજર થઈ ગઈ પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ત્યાં મેદાનમાં જ સારવાર મળે તે પહેલાં રોનક પતંગની દોર પર સવાર થઈ ઈશ્વરને મળવા પહોંચી ગયો હતો. આ જોઈ બંસરી હતપ્રભ થઈ ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાર્ડિયાક એટેકનું કારણ બતાવવામાં આવ્યું પણ બંસરી તો એના માટે પતંગને જ કારણરૂપ માનવા લાગી. તું પતંગ, હું દોર ગાતી બંસરીનો પતંગ ભરદોરીએ કપાઈ ગયો. 

બંસરી માટે એ અકસ્માત બહુ આઘાતજનક બની રહ્યો. ઉત્તરાયણ, પતંગ અને દોર એના દુશ્મન બની ગયાં. દરેક ૧૪ મી જાન્યુઆરી એના માટે વિષાદયોગ લઈને આવતો અને એનું હૈયું ચીરીને જતો. એના મમ્મી, પપ્પા કે મિત્રોની સમજાવટ એના માટે નકામી હતી. એ તો એક જ ગીત ગાતી રહેતી, "તું પતંગ, હું દોર." 


Rate this content
Log in

Similar gujarati story from Abstract