Leena Vachhrajani

Abstract

4.0  

Leena Vachhrajani

Abstract

તું ડર નહીં

તું ડર નહીં

3 mins
146


“તું ડર નહીં”

“સુકેતુ… બહુ જ વીજળી થાય છે.” 

“સીમા ડર નહીં. વીજળી ઘરની બહાર થાય છે.”

“તું સમજીશ જ નહીં કોઈ દિવસ.”

અને સીમાનો રડમસ અવાજ સાંભળીને સુકેતુને સહેજ હસવું આવી ગયું. 

“અરે ! તું ચાલીસની થઈ. આમ તો ગામ આખાથી ડરતી નથી. અને આ વીજળીથી ઘરમાં બેઠાં આટલું કેમ ડરે છે !”

“તું નીકળ્યો ? બસ એટલું કહે.”

“હા, હું પહોંચવામાં છું.”

અને ફોન કાપીને સુકેતુ વિચારે ચડ્યો. 

“સીમાનો આ ફોબિયા દૂર કરવો જ રહ્યો. આજે હું અહીં છું. કાલે બહાર ગયો હોઉં. એનાથી આગળ ભવિષ્યમાં હું હોઉં ન હોઉં, સીમા દર ચોમાસે આટલું વિહ્વળ થાય એ ન ચાલે.” 

ઘરમાં પ્રવેશતાં જ ધાર્યું હતું એમ

હંમેશની જેમ ગાજવીજ થાય ત્યારે એક ખૂણામાં ભરાઈ ગયેલી સીમા નજરે પડી.

“સીમા આટલું ઢીલા ન થવાય ડાર્લિંગ.”

અને સીમા સુકેતુને વળગીને જોરથી રડી પડી.

“તને ખબર છે ! જેવી ગાજવીજ શરુ થાય એવાં મારાં હાથ પગ ઢીલાં થઈ જાય છે. પરસેવો વળી જાય છે. ધબકારા વધી જાય છે. કાંઈ સૂઝ નથી પડતી.”

“હા, મને ખબર છે પણ એ ખોટો ડર છે.”

“જે હોય તે. મને વીજળી સહન નથી થતી.”

કલાકે બહારનું તોફાન અને ઘરમાં સીમાના મનનું તોફાન શમી ગયું પણ સુકેતુના મનમાં વિચારોનું તોફાન ચાલુ હતું.

પછી રવિવારની રજામાં સરસ મોસમ હતી. બહાર વાદળાં ઘેરાયાં હતાં. વરસાદ પડું પડું થઈ રહ્યો હતો. અને.. 

સુકેતુને એક વિચાર ફરક્યો.

“સીમારાણી, ચાલ થોડું શોપિંગ કરી આવીએ.”

સીમાને શોપિંગ બહુ ગમતું એટલે ઝટ તૈયાર થઈ ગઈ. 

ગાડીમાં સરસ ગીતો સાંભળતાં સાંભળતાં બંને મોલ તરફ આગળ વધ્યાં ત્યાં રસ્તા પર એક બાજુ વાદળી પ્લાસ્ટિક ઢાંકેલાં કામચલાઈ રહેઠાણની હાર હતી. બે મહિનાનાં છોકરાંથી લઈને એંસી વર્ષના બુઝુર્ગ સુધી ગરીબ વર્ગ મોસમને માણતો કે સહેતો રહી રહ્યો હતો. 

સુકેતુને નસીબ બરાબર સાથ આપી રહ્યું હતું. વીજળીના ચમકારા શરુ થયા. સીમાના ચહેરા પર ભાવ બદલાવા માંડ્યા. એના ચહેરા પર ડર છલકવા માંડ્યો. હાથ પગ પાણી પાણી થવા માંડ્યાં.

“સુ..કે..તુ.. ઘેર ચાલ.”

“સીમા ઘેર જ જઈએ છીએ. હું તારી તકલીફ સમજું છું. બસ તું એક વાર આ ફૂટપાથ પર વસતા લોકો સામે નજર કર. જ્યારે ગાજવીજ અને તોફાન થાય છે ત્યારે આ લોકો પાસે વાદળી પ્લાસ્ટિકના આશરા સિવાય કશું જ નથી હોતું. ખુલ્લામાં એ લોકોનું ઘર છે. એ લોકોને જોઈને સહેજ તારી સાથે સરખામણી કરજે કે, તું તો કેટલી સલામત જિંદગી જીવે છે ! હા, ફોબિયા હોવો એ ગુનો નથી પણ એને પંપાળીને જીવવું એ ભૂલ છે.”

સીમા સ્તબ્ધ હતી. વાત તો સાચી જ હતી. પણ પોતાને જે ડર હતો એય સાચો હતો. 

બંને ઘેર પહોંચ્યાં ત્યાં સુધીમાં વરસાદ રહી ગયો હતો.

સુકેતુએ સીમાને બાથમાં લઈને કહ્યું,

“જો આજે તું બહાર હતી તો ડર લાગ્યો પણ એ સમય જાણે ઝડપથી પસાર થઈ ગયો એવું ન લાગ્યું ?”

“હા સુકેતુ, ખોટું નહીં બોલું. ખુલ્લા આકાશમાં વીજળીની બીક તો બહુ લાગી પણ આસપાસની ભીડ વચ્ચે હું સલામત છું એવું વધુ લાગ્યું. થેન્ક યુ. તેં મને ડરનો ડર ભગાડવાનો ઉકેલ બતાવી દીધો.” 

બીજે દિવસે સુકેતુ ઓફિસ પહોંચ્યો. બપોરે આકાશ ઘેરાયું. વીજળીના ચમકાર અને વાદળના ગડગડાટ શરુ થયા. 

સુકેતુએ ફોન કર્યો.

“હલ્લો સીમારાણી શું કરો છો ?”

અપેક્ષાથી વિરુધ્ધ જવાબ મળ્યો.

“સુકેતુ, ડર તો બહુ લાગે છે પણ મનોમન પેલા ઘર વગરના લોકો યાદ કરું છું તે સ્વસ્થ રહી શકી છું.” 

“બસ તો હવે યાદ રાખવું કે,

બીક તો એવી છે કે જે બીવે એને બીવડાવે.”

સુકેતુનો ભવિષ્યનો અને સીમાનો વર્તમાનનો ડર ગાયબ થઈ જવાની ખુશી બંને મહેસૂસ કરી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract