તુમ જીઓ હજારો સાલ
તુમ જીઓ હજારો સાલ


એક ભવ અને કેટલા અનુભવ..થોડા સમય પહેલાં અંગતની પાર્ટીમાં સરસ ટેરેસ રેસ્ટોરન્ટમાં જમીને નીચે બધા વિદાય થવાની તૈયારીમાં હતા.
રેસ્ટોરન્ટના દરવાજા બહાર આવજો આવજોની વિધી ચાલતી હતી અને અમે ગોળ કુંડાળું કરીને ઉભાં હતાં. ત્યાં જ બરાબર અમારા કુંડાળાની વચ્ચે ઉપરથી નાનું બાળક પછડાયું. અને..
બધાં સ્તબ્ધ હતાં.
અમે કંઈ વિચારીએ એ પહેલાં એનાં મા-બાપ દેકારો કરતાં નીચે દોડી આવ્યાં. 'એકસો આઠ એમ્બ્યુલન્સ' તાત્કાલિક બોલાવવામાં આવી. બાળક કોઈ જ રિસ્પોન્સ નહોતું કરતું. એમના ગયા પછી આસપાસનું વાતાવરણ એકદમ ભારેખમ થઈ ગયું. બધાં જેમતેમ સ્વસ્થ થયાના ડોળ સાથે છૂટાં પડ્યાં.
ઘેર આવીને પણ એ જ વાતનો ઉલ્લેખ થઈ જતો.
કેટલાય દિવસો સુધી મનમાં એક અજંપો રહ્યો. લગભગ અમારા આખા ગૃપમાં એની વાત નીકળતી રહેતી.
લગભગ બે મહિના પછી મમ્મીને ન્યુરોસર્જનની રુટીન એપોઇન્ટમેન્ટમાં હું લઇને ગઈ.
અમારો નંબર આવ્યો અને અમે કેબિનમાં ડોક્ટરની સામે ગોઠવાયાં ત્યાં એમનો ફોન રણક્યો.
અમને બેસાડીને ડોક્ટરે ફોન રિસીવ કર્યો.
એમની વાતચીત પરથી મને સમજાયું કે બે મહિના પહેલાં એક બાળકને રેસ્ટોરન્ટની અગાશીમાંથી પડી જતાં બેભાનાવસ્થામાં લવાયું હતું એના વિષય પર ચર્ચા હતી. મને એ આખો બનાવ નજર સમક્ષ તાદ્રશ્ય થયો.
ફોન પત્યા પછી મેં આતુરતા સાથે પૂછ્યું. આખી વાત ડોક્ટરને જણાવી.
એમણે કહ્યું કે, એનું નામ વિશ્વમ છે. એને લાવવામાં આવ્યો ત્યારે મને પણ બહુ આશા નહોતી કે એ બચી જશે. પણ કદાચ પ્રાર્થનાની શક્તિ કામ કરી ગઈ અને બાળક હવે લગભગ સ્વસ્થ છે. મને એ પળે મારા બાળક માટે થાય એટલો અનહદ આનંદ થયો. ઘેર આવીને જેટલાને એ ઘટનાની જાણ હતી એ બધા સાથે વાત શેર કરી.
ડાયરીના પાના પર પણ આ અવિસ્મરણિય વાત ઉતારી છે.
“જિંદગી લે કે આઈ હૈ, બિતે દિનોંકી સૌગાત,
ઘેરે હૈં અબ મુજે યાદેં બેહિસાબ.”