ઠંડીને પણ ધ્રુજાવી !
ઠંડીને પણ ધ્રુજાવી !
મનુષ્યની જરૂરિયાત શું હોય?
સહું કોઈ સાવ આડશ વિના કહે કે રહેવા ઘર, ખાવા અન્ન, પહેરવાં કપડાં, પાસે થોડુંક બેંક બેલેન્સ અને સારી એવી, સંસ્કારી, સુશીલ, ઓછું બોલતી અને સુંદર પત્ની !
ખરું ને?
તો શું આ બધાં વિના જીંદગી ફિક્કી લાગે એમ જ ને!
કોઈ આવીને ગરીબોની જરૂરીયાતોનું ટૂંકું લિસ્ટ બતાવી જાય, ત્યારે નિર્ભિકપણે આપણે એમ કહીએ, 'એ તો ટેવાયેલા છે!'
અનુભૂતિ અને નિરખવું ભિન્ન છે. છતાંય એમનાં પ્રત્યે થોડીક ખરી પણ લાગણી આપણે બતાવીએ છીએ.
પ્રશ્ર્ન એ થાય કે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને હજુ ચાલી રહી છે. મોટેભાગે ગરીબનો દિકરો ગરીબ અને અમીરોનો અમીર બને છે. કેટલાક અપવાદમાં તેઓ ઘણી ઉંચાઈએ પહોંચી જતા હોય છે. પણ એના પાછળ તનતોડ મહેનત અને કેટલાય વર્ષોથી એમનાં ઉપર ગુજરેલી ઉપેક્ષાઓનું સામટું ભેગું થયેલું બળ હોય છે. જે કયારેક તારે છે અને કયારેક ડૂબાડે છે. એવું નથી કે અમીર ડૂબે નહી પણ તેના પાર થવાં હજાર હથિયાર હોય છે જ્યારે ગરીબને તો તરણાં ઓઠે ડુંગર!
ઘણી બધી સ્કીમો, ઘણાં બધા પગલાં પણ તેમને ઠેરનાં ઠેર જ રાખી રહ્યા છે. કહેવાય છે મોટા પરિવર્તન કયારેય થતાં નથી અને થાય તો દશા બદલી કાઢે છે. ગરીબોનું કંઇક આવું જ છે. સુખદ વાત એ છે કે ગરીબ કયારેય પોતાને ગરીબ માનતો નથી અને સવારથી લઈને સાંજ સુધી કમાયેલાં રોટલાંને સર્વસ્વ માને છે. એવું નથી કે એમની ઈચ્છાઓ મોટી નથી હોતી પણ એ એમની જરૂરિયાતોને જ ઈચ્છાઓમાં ખપાવી દે છે.
ગઈકાલે ઠઠમઠ સ્વેટરમાં તતડેલાં હોઠે સવારે જ્યારે બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે રોડનાં નાકે ગટરનાં ભૂંગળાના ઘરમાં ઠંડીને ડરતાં ડરતાં બહાર આવતી જોઈ...
મેં જઇ ઠંડીને પૂછયું તો મને કહે કે હું એમને શું ધ્રુજાવવાની ?
એમની સહનશીલતાએ મને ધ્રુજાવી દીધી !