Raman V Desai

Classics

2  

Raman V Desai

Classics

ઠગ ૩

ઠગ ૩

5 mins
7.6K


મારા તંબુમાં


મારા શરીરને સખત ઠંડી લાગવા માંડી. મારે ગળે ફાંસો દેવાયો હતો તેનો ગૂંગળાટ થઈ બેભાની આવતાં મૃત્યુનાં દ્વાર હું દેખી ચૂક્યો હતો. શું મારો નવીન જન્મ થયો ? અગર તો શું મને સ્વપ્ન આવ્યું હતું ?

હું સફાળો બેઠો થઈ ગયો. એક મોટા વૃક્ષની છાયામાં કામળી પાથરેલી હતી અને મારા દેહ ઉપર પણ કામળી ઓઢાડેલી હતી. સવાર પડવા આવ્યું હશે એમ મને લાગ્યું. હું અહીં ક્યાંથી ? કઈ જગ્યાએ ? મારા મનને મેં સ્થિર કર્યું. ધીમે ધીમે અજવાળું વધવા લાગ્યું અને ટાઢમાં બંને કામળીઓ ઓઢી મેં રસ્તો ખોળવાનું શરૂ કર્યું. તુરત મને સમજાયું કે હું મારી છાવણી કરતાં પા ગાઉથી વધારે દૂર નહોતો. મને હિંમત આવી અને પગ જોરમાં ઊપડ્યો.

રખવાળોના તંબુ પાસે આવતાં જ તેણે મને ઓળખ્યો અને સલામ કરી. તેમના મોં ઉપરથી જ મને લાગ્યું કે મારી ગેરહાજરીથી છાવણીમાં ગભરાટ ફેલાયો હતો. આખી રાત માણસો શોધખોળમાં રોકાયા હતા. હું મારા તંબુમાં ગયો. મારી સાથે શિકારે આવેલા તેમ જ બીજા અમલદારોએ આવી બહુ ખુશી પ્રદર્શિત કરી.

‘કોઈ ઠગની સાથે ઝપાઝપી થઈ લાગે છે.' એક જણે મારું નિરીક્ષણ કરી કહ્યું.

‘શા ઉપરથી કહો છો ?' મેં પૂછ્યું.

‘આ ગળે ઠગનો રૂમાલ વીંટ્યો છે ને ? આપની જીતનું આ ચિહ્ન આપ ઠીક લાવ્યા છો.'

મેં સંમતિ આપતાં હાસ્યનો ડોળ કર્યો, પરંતુ હું ચમકી ઊઠ્યો. મને અત્યાર સુધી ખબર જ નહોતી કે રાતનો રેશમી રૂમાલ હજી મારા ગળાથી ખસ્યો જ નથી. બનેલા બનાવની હકીકત નિરાંતે બપોર પછી કહેવા અને તત્કાળ સહેજ આરામની જરૂર હોવાનું કહી સર્વને મેં વિદાય કર્યા, અને મારે ગળે લટકતો રૂમાલ મેં કાઢ્યો. રૂમાલને એક છેડે કાંઈ બાંધેલું હોય એમ લાગ્યું. મેં તે છોડી જોયું અને એક નાની કાગળની કાપલી બહાર આવતાં મેં આશ્ચર્ય સાથે વાંચવા માંડી :

“આપને વચન આપ્યા પ્રમાણે આપને સહીસલામત પહોંચાડ્યા છે. આજ રાતે હું આપને મળીશ.”

મારું મન વધારે તીવ્ર બન્યું. હું ઠગ લોકોની જ વચમાં ફસાયો હતો. એ વાત સિદ્ધ જ હતી. કાલ રાતે મારે ગળે વીંટાળાયેલો રૂમાલ સાક્ષી રૂપ હજી મારા હાથમાં જ હતો, અને મને બચાવી કાળજીપૂર્વક મારે સ્થાને પહોંચાડવાનું પરોપકારી કાર્ય પણ થયું હતું. આ બધું શું ? આ ગૂંચવણનો ગમે તેમ કરી ઉકેલ મેળવવો જ જોઈએ ! આશ્વર્યની વાત તો એ જ કે પેલો યુવક આજ રાતે મને મળવાનો હતો ! હું બહાર જવાનો નથી. પછી તે મારા તંબુમાં જ આવવો જોઈએ ને ! ગમે તે રીતે યુક્તિપ્રયુક્તિ કરી, લાલચ અને ભય બતાવીને પણ આ બાબત ઉપર અજવાળું પડાવવું જ જોઈએ એવા નિશ્ચયો મેં કરવા માંડ્યા.

દિવસનાં કાર્યો યંત્રોની માફક થયે ગયાં. ઠગ લોકોની શોધખોળ માટે મોકલવા આવતી રોજની ટુકડીઓ ચારે પાસ ફરી આવી. રાતની હકીકત સાંભળવાની મારા સાથીદારોની ઈંતેજારીને મેં બીજો વાયદો કરી ને વધારે તીવ્ર બનાવી. એમ કરતાં શિયાળાનો ટૂંકો દિવસ પૂરો થયો અને રાત પડવા માંડી.

મારા ભરોંસાના પાંચ સૈનિકોને મેં તૈયાર રહેવા સૂચવ્યું. હું પણ હથિયારથી સજ્જ થઈ બેઠો. રાત્રે કોઈ મળવા આવે તો તુરત મને ખબર કરવી એવી સૂચના સૈનિકોને આપી દીધી; અને દીવાને અજવાળે કામના કાગળો વાંચતો એક ખુરશી ઉપર હું મારા તંબુની ઓરડીમાં બેઠો.

રાત વધ્યે જતી હતી. રાહ જોતાં જોતાં મને કંટાળો આવવા લાગ્યો. અચાનક દૂર શિયાળ રડી ઊઠ્યાં. હું સતેજ થઈ ગયો. તંબુના દ્વાર તરફ નજર કરતાં તેમાંથી એક આકૃતિ આવતી મેં જોઈ. હું બબડી ઊઠ્યો :

‘ચોકીદારો શું મરી ગયા ? મેં કહ્યું જ હતું કે મને પૂછ્યા વગર કોઈને આવવા ન દેશો.’ પરંતુ મારો અવાજ પેલી આકૃતિના સાંભળવામાં આવ્યો નહિ - અગર સાંભળ્યા છતાં તે આકૃતિએ તેની દરકાર કરી નહિ.

આકૃતિ અલબત્ત પેલા યુવકની જ હતી. હસતો હસતો તે મારી પાસે આવ્યો. મેં પણ તેને અણગમતો આવકાર આપી મારી સામે ખુરશી ઉપર બેસાડ્યો. દ્વાર પાસે રોકેલા માણસો તરફનો મારો અણગમો હું છુપાઈ શક્યો નહિ અને તેને કહ્યું :

‘કોઈ બહાર નહોતું કે શું ? તમારા આવ્યાની કોઈ માણસે મને ખબર ન કરી !’

‘એમાં તેમનો વાંક નથી.' યુવકે જણાવ્યું. 'અહીંથી પચાસેક કદમ ઉપર એક મોટો ભડકો થતાં સઘળા સ્વાભાવિક રીતે તે તરફ ગયા અને હું અંદર ચાલ્યો આવ્યો.'

‘ભડકો થયો ? તો કાંઈ આગ લાગી હશે. મારે પણ તપાસ કરવી જોઈએ.’ મેં આતુરતા બતાવી કહ્યું.

‘નહિ નહિ સાહેબ ! એ તો બધાને ચમકાવવા અને ખસેડવા મેં થોડો રાળનો ભડકો કર્યો. આપને ઊંચા જીવનું કારણ નથી.' યુવકે જણાવ્યું. તેનું મુખ હસતું જ રહ્યું. મેં ઘણાં આનંદી માણસો જોયાં હતાં, પરંતુ આવો કુદરતી હસમુખો યુવક હજી મેં જોયો નહોતો. તેની મોટી કાળી ચમકતી આંખોના તેજને ઝીલવું મને સહજ કપરું લાગ્યું. જોકે તે પરવા વગરનું સાહજિક હસતું મુખ કોઈ બાળકની નિર્દોષતાનો ખ્યાલ આપતું હતું. તેની આંખ અને તેના મુખ વચ્ચે આવો તફાવત કેમ હોઈ શકે તેનો મને વિચાર આવ્યો.

‘ત્યારે તમે મને પણ ચમકાવવાનો નિશ્ચય કરી આવ્યા છો કે શું ? કાલે રાતે મને ઓછો ચમકાવ્યો નથી !’ મેં કહ્યું.

‘હું બહુ જ દિલગીર છું. તેમ થવા દેવાનો મારો જરા પણ ઇરાદો નહોતો. પરંતુ આપની જિજ્ઞાસા અમને પ્રતિકૂળ થઈ પડે એટલી હદ સુધી પહોંચી હતી.' તેણે જવાબ આપ્યો. ‘પણ એ તો મેં ધારેલું જ હતું. હું પણ આપની જગ્યાએ હોઉં તો એમ જ કરું ! અને કેટલોક અનુભવ જાતે કરવો એ જ વધારે સારું છે, નહિ ?'

‘પરંતુ મને એક જ નવાઈ લાગ્યા કરે છે કે તમે મને બચાવ્યો કેમ ?' મેં પ્રશ્ન કર્યો.

‘શા માટે આપને ન બચાવીએ ? આપ તો અમારા મહેમાન હતા.’ તેણે પ્રશ્નનો જવાબ આપ્યો.

‘પણ હું તમારો દુશ્મન છું એ તો તમે જાણો જ છો !’ મેં ભાર દઈ જણાવ્યું.

આ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યનો રણકાર આખા તંબુમાં ફેલાયો.

‘એટલે તમે મને ઠગ ધારી જ લીધો કે શું ? આપ ઠગ લોકોના દુશ્મન છો કે મારા ?' હસતે હસતે તેણે જણાવ્યું.

મને પણ હસવું આવ્યું. મેં કહ્યું : ‘જો તમે ઠગ નહિ તો કોણ છો તે જણાવવું જોઈએ. હું તો તમને ઠગ માન્યા જ કરીશ.’

તેનું મુખ સહજ ગંભીર થયું અને કોઈ વિદ્વાન વાચાળને શોભે એવું મુખ કરી તે બોલ્યો :

‘ખરી વાત છે. જગતમાં કયો માણસ ઠગ નથી ? અમારા પંડિતો તો કહે કે ઈશ્વર જે શક્તિ વડે આ સંસાર રચે છે એ શક્તિ - માયા - પણ ઠગ છે.'

આ રમતિયાળ લાગતો છોકરો મોટે મોંએ હિંદુઓનો માયાવાદ સમજાવતો હતો. એ જોઈ હું હસ્યો. મેં તેને સ્પષ્ટ કહ્યું :

‘આપણી મુદ્દાની વાતને ફિલસૂફીની ચર્ચામાં ઘસડી જવા હું માગતો નથી. તમે કોણ છો એ તમારે મને કહેવું જોઈએ.’

‘કહીશ...કોઈક દિવસ વખત આવ્યે.' તેણે બેદરકારીથી જણાવ્યું. ‘વખત હમણાં જ છે. તમારે સમજવું જોઈએ કે તમે મારા તંબુમાં છો.’ મેં ગંભીર થવા માંડ્યું. બળ દેખાડ્યા વગર આ છોકરો પોતાની હકીકત નહિ કહે એમ લાગવાથી મેં બળ બતાવવાની તૈયારી કરવા માંડી.

‘એટલે ?' તેણે પૂછ્યું.

‘એટલેબેટલે કાંઈ નહિ. તમે જાણો છો કે હું ઠગ લોકોનો નાશ કરવા માટે નિમાયલો છું. મને પૂરેપૂરો શક જાય છે - અરે મારી પાસે સાબિતી જ છે કે તમે ઠગ છો. વળી તમે મારા તંબુમાં છો એ વાત તમારે ભૂલવી ન જોઈએ.' મેં ગોરીસત્તાનો તેને અનુભવ આપવા માંડ્યો.

'તમારા તંબુમાં છું તેથી તો હું વધારે નિર્ભય છું.' તેણે હસતે મુખે આસાએશ ભરેલી ઢબે જવાબ આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics