STORYMIRROR

Raman V Desai

Classics

2  

Raman V Desai

Classics

ઠગ-૧૨

ઠગ-૧૨

11 mins
14K


જાળીમાંથી જોવા માટે દિલાવરે મને નમ્રતાભર્યો ઠપકો દીધો. તેના કહેવા પ્રમાણે આખો ડુંગર કોરી કાઢી તેમાં રહેવાનાં સ્થાનક ઠગ લોકોએ બનાવ્યાં હતાં, અને કોઈને પણ ખબર ન પડે એમ અણધારી જગાએ ઠગ લોકોનો વસવાટ નીકળી આવતો. નાની ફાટો, કુદરતી ગુફાઓ, ટેકરાઓનો પોલાકાર વગેરે કુદરતી અનિયમિત સ્થળોનો લાભ લેવાઈ કૃત્રિમ જાળીઓ, અજવાળું તથા હવા આવવાનાં સ્થાન ને જવા-આવવાના માર્ગ યોજાતા હતા, અને પરસ્પરથી એ સ્થળો એવાં ગૂંથાયલાં હતાં કે એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જવાનો કોઈ ગુપ્ત માર્ગ જરૂર તેમાં રાખવામાં આવેલો હોય જ ! બહુ કાળજી રાખવા છતાં કોઈને શંકા પણ ન પડે એવા સ્થાનથી સામાવાળિયાની હિલચાલ તરફ નજર રાખતો કોઈ ને કોઈ ઠગ ડુંગરના ગમે તે ભાગમાં બેઠેલો જ રહેતો. ડુંગરને આમ કોરી રહેવા લાયક બનાવવો અને તે સાથે તેને સુરક્ષિત અને શંકા રહિત સ્થાન જેવો બનાવી નાસવા, સંતાવા અગર કેદ પૂરી રાખવાની સાવધાનીભર્યો બનાવવો, એમાં કોઈ ઊંચા અને અટપટા સ્થાપત્યની જરૂર રહે છે. હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે મળી આવતી ડુંગર કોતરેલી ગુફાઓ જોતાં હિંદના સ્થપતિઓ પ્રાચીન કાળથી આવી સ્થિતિઓમાં કુશળતા ધરાવતા હશે એમ હું માનું છું. આવી સ્થિતિમાં દિલાવરનો ઠપકો વાસ્તવિક હતો.

પરંતુ મારી નજરે પેલી યુરોપિયન બાલિકા પડી હતી. શું આવા ભયંકર સ્થાનમાં લાવી તેને રાખવામાં આવી હતી ? પોતાની પુત્રીના હરણ પછી કૅપ્ટન પ્લેફૅરની સ્થિતિ અત્યંત દયાજનક થઈ પડી હતી. તે જીવતી છે કે નહિ તેની ખબર પણ પડવાનો સંભવ જ્યારે રહ્યો નહિ ત્યારે પિતાની હાલત ઘેલા જેવી થઈ ગઈ હતી. આવા સંજોગોમાં તે છોકરી મારી નજરે પડે અને હું એમ ને એમ નાહિંમત થઈ ચાલ્યો જાઉ, એમાં મારી મરદાનગીને ખામી લાગે એમ હતું.

દિલાવરને મેં આ વાત સમજાવી. પરંતુ તેણે ભય બતાવ્યો કે ચારે પાસથી અમારી હિલચાલ તપાસવા મથતા ઠગ લોકોની નજર ચુકાવી આટલે છૂટી આવ્યા પછી જાણી જોઈ તેમના સ્થળ આગળ વધારે વખત

રોકાવું અને તેમની દૃષ્ટિએ પડવું એ સલામતીભર્યું ન હતું. સ્થળ જોયું એટલે ફરીથી વધારે સાધનો સાથે આવી કૅપ્ટનની દીકરીને છોડાવી જવામાં વધારે સલામતી છે એમ તેણે મને સૂચવ્યું.

તેની સૂચના અલબત્ત વ્યવહારુ હતી; મેં પણ તે માન્ય રાખી, જોકે મારા હૃદયને આ વ્યવહારુપણું જરા ડંખ્યું. ટેકરાની નીચે ઊતરી જવા માટે અમે તૈયારી કરવા માંડી અને ઉપરથી કોઈએ તાળી પાડી. ઉપર નજર નાખતાં મને ભાસ થયો કે જાળીમાંથી ગોરા હાથ બહાર નીકળી તાળી પાડતા હતા. પ્રભાતની રોશની શરૂ થઈ લાગી. પ્રભાતનાં આછાં અજવાળામાં પણ તે હાથ ઉપરનો ગૌર રંગ તેને ઓળખાવી આપતો હતો. દિલાવરે પોતાની નામરજી બતાવવા બની શકે એટલું કડવું મુખ કર્યું અને મને સાહસમાં ન પડવાની સલાહ આપી. પરંતુ હવે મારે તેની પાસે ગયા સિવાય છૂટકો જ ન હતો. તેણે તાળી પાડી ચોક્કસ મને ઇશારત કરી બોલાવ્યો હતો. હવે ન જવું એ ચોખ્ખી નામરદાઈ હતી.

હું ફરી પાછો સહજ ઉપર ચડી ગયો અને જાળી નજીક આવતાં જાળી પાસેની દીવાલમાં જ એક ન જણાતી ડોકાબારીમાંથી મિસ પ્લેફૅરે અમને અંદર લીધા, મને જોઈ તે બાળા અત્યંત ખુશ થઈ. અમને બંનેને તેણે ખુરશી ઉપર બેસાડ્યા, અને આવી ભયંકર જગ્યાએ અમો કેવી રીતે આવી શક્યા તે જાણવા ઇચ્છા દર્શાવી. તે મને સહજ ઓળખતી હતી. ક્વચિત્ તેના પિતાની પાસે જતો આવતો. તેણે મને જોયો હતો. જોકે મને તેનું મુખ યાદ ન હતું.

પોતાના પિતાની ખબર પૂછતાં તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. મેં તેને બધી હકીકત ટૂંકમાં જણાવી અને તેને મારી સાથે ચાલી આવવા જણાવ્યું.

‘મારાથી નાસી શકાય એમ છે જ નહિ. બીજું તો કાંઈ દુઃખ મને અહીં નથી, પરંતુ પિતાને મળવાની હવે તીવ્ર ઇચ્છા થઈ છે.' મિસ પ્લેફરે જવાબ આપ્યો. તે મટીલ્ડાને નામે ઓળખાતી.

‘તો પછી મારી સાથે આવવા કેમ ના પાડો છો ? હું તમને અત્યારે લઈ જઈ શકીશ.' મેં કહ્યું.

‘આપની ભૂલ છે. બીજું કોઈ મને લઈ જઈ શકે એમ નથી.’ આમ કહેતાં સામે પડેલી બાજઠ ઉપર મૂકેલી એક છબી તરફ તેની નજર ગઈ. મારી પણ નજર ત્યાં જ ફરી, અને જોઉ છું તો પેલા યુવકની સુંદર તસ્વીર મારા જોવામાં આવી.

‘આ ભયંકર છોકરો અહીં પણ છે શું ?' હું બોલી ઊઠ્યો.

મિસ પ્લેફૅરે જણાવ્યું :

‘એ છબી મેં હાથે ચીતરી છે.'

તેના બોલમાં અજબ માર્દવ આવ્યું. અને તેની છબી સામેની હાલત આંખમાં એવી અપૂર્વ મીઠાશ મેં જોઈ કે તેથી હું આશ્ચર્ય પામ્યો. આ છોકરી પેલા ઠગને ચાહતી તો નહિ હોય ? મારા મનને ગૂંચવતો એક પ્રશ્ન ઊભો થયો અને તત્કાળ પહેલે દિવસે જોયેલી આયેશા સાંભરી. ખરે ! સ્ત્રીઓને આકર્ષવાની પણ એ ઠગમાં આવડત હતી - જોકે તેનો દેખાવ કોઈ પણ યુવતીને ગમે તેવો હતો - છતાં ગોરી યુવતી કાળા પુરુષથી આકર્ષાઈ એ મને જરા પણ ગમ્યું નહિ, હું વિચાર કરું છું એટલામાં તેના મુખ ઉપર અચાનક ભયની છાયા ફરી વળી, અને તેણે એકદમ પોતાનું મુખ આડું ફેરવી લીધું. આ ફેરફારનું કારણ કલ્પતાં પહેલાં તો ઓરડાની સામે આવેલું બારણું ઊઘડી ગયું અને બારણા વચ્ચે એક કદાવર મનુષ્ય ઊભેલો મારા જોવામાં આવ્યો.

પાંચેક ક્ષણ એ ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો. તેના મુખ ઉપર આનંદ દેખાતો હતો. દિલાવરે મને ઇશારત કરી. ત્યાંથી એકદમ જાળી પાસે થઈ નાસી જવા સૂચવ્યું. પરંતુ સાહસનો મારો શોખ હજી ઓછો થયો ન હતો, એટલે તેની સૂચના મેં માની નહિ. અને આ નવીન પ્રસંગમાંથી શું નીકળી આવે છે એ જોવા મેં ધીરજ રાખી.

પેલો કદાવર મનુષ્ય ધીમે ધીમે આગળ વધ્યો. તેનું સ્થાન એક તેના જેવા જ કદાવર અને જબરજસ્ત માણસે લીધું. તેને પાસે આવતો જોઈ મટીલ્ડાએ આંખો ઉપર હાથ મૂકી દીધા, અને તે એક ઝીણી ચીસ પાડી ઊઠી. પેલા મનુષ્યના મુખ ઉપર સ્મિત આવતું દેખાયું. મને તત્કાળ લાગ્યું કે મટીલ્ડાને આ માણસનો કશો કડવો અનુભવ થયો હોવો જોઈએ. આ પ્રસંગમાં મારાથી બની શકે તેટલી સહાય આપવા માટે હું તત્પર થયો, અને ખુરશી ઉપરથી ઊભો થઈ હું બૂમ પાડી ઊઠ્યો :

‘ખબરદાર ! એટલે જ રહો.'

મુખ ઉપરનું સ્મિત ચાલુ રાખી તેણે પોતાનો નીચલો હોઠ સહજ દાંત નીચે દબાવ્યો.

‘કાલ બચી ગયા તેમાં જોર રાખો છો કે ? આજ બચવું મુશ્કેલ છે.’ તેણે ભાર દઈ જણાવ્યું. તેના સૂર ઉપરથી મને લાગ્યું કે આ પુરુષ આયેશાનો પ્રેમ ચાહનાર પેલો આઝાદ હોવો જોઈએ.

‘મુશ્કેલ શબ્દ નામરદો માટે રહેવા દો.’ મેં કહ્યું. ‘અહીં તો ગોરાઓ

સાથે કામ છે. સ્ત્રીઓને ડરાવવા જેટલું તે કામ સહેલું નથી.’

‘મારે પણ ગોરાઓ સાથે કામ પાડવું છે. મારે પણ ગોરો બનવું છે; એટલા માટે તો હું આ મેમને લેવા આવ્યો છું !' તેના આ ક્રૂર લાગતા શબ્દો સાંભળી મટીલ્ડાને કાને હાથ દીધા.

'કેમ મેમસાહેબ ! હવે તો જોડે આવું છે ને ? આજે ચાલવાનું નથી. સુમરા કરતાં હું ખોટો છું? એક આંખ ઝીણી કરી તેણે મટીલ્ડાને સંબોધીને કહ્યું.

‘મારે કાંઈ જવું પણ નથી અને કાંઈ આવવું પણ નથી. મને હેરાન કરશો તો ઈશ્વર તમને પૂછશે.’ મોટીલ્ડાએ અત્યંત કરુણ સ્વરથી જણાવ્યું.

આઝાદ એ સુમરા સરખો જ બીજો ભયંકર ઠગ હતો. એનું નામ પણ ઘણું જાણીતું હતું. સુમરા અને આઝાદ વચ્ચે મટીલ્ડા તેમ જ આયેશાને માટે હરીફાઈ ચાલતી હોય એમ મને શક ગયો. હજી દુનિયાને સ્ત્રીઓ માટે લડવું પડે છે એ વિચારથી મને ખેદ થયો. પૂર્વ પ્રદેશના સત્તાધારીઓ અને સાધનવાળા પુરુષો હજી એક કરતાં વધારે સ્ત્રીઓ મેળવવામાં માન સમજે છે એ વિચારે મને તેમના તરફ ધૃણાની લાગણી થઈ આવી.

આઝાદે એક ડગલું આગળ ભર્યું. અને હું મટીલ્ડા અને આઝાદની વચ્ચે આવી ઊભો.

‘ઠગને પકડનાર સાહેબ કે ?' અટ્ટહાસ્ય કરીને આઝાદે મારી મશ્કરી કરી. હાસ્ય પૂરું થતા પહેલાં તો આંખ કપરી કરી તે આગળ વધ્યો અને બોલ્યો :

‘વચ્ચેથી ખસે છે કે નહિ ? આ સુમરો ન હોય કે તને બચાવે.'

મેં હસીને જણાવ્યું :

‘હું જોઉં છું કે આવડા વજનદાર શરીરથી તું શું કરી શકે છે !’

વીજળીની ઝડપથી આઝાદ મારા પર તૂટી પડ્યો. આટલી ત્વરાને માટે હું તૈયાર ન હતો. છતાં મારામાં જેટલું બળ હતું તેટલું એકત્રિત કરી મેં આઝાદ સાથે દંદ્રયુદ્ધ આરંભર્યું. આઝાદે ધાર્યું હશે કે આટલા હુમલાથી હું માત થઈ જઈશ અને તેથી જ તેણે કોઈ હથિયારનો ઉપયોગ પ્રથમ ન કર્યો; ઠગ લોકો અંગ્રેજો કે ગોરાઓને પોતાના ભોગ ભાગ્યે જ બનાવતા, અને અમારી રાજસત્તા વધતી હોવાથી અમને સીધા છંછેડવા એ પણ તેમને અનુકૂળ નહિ હોય. ગમે તેમ પણ તેણે હથિયાર વાપર્યું હોત તો હું ભાગ્યે જ બચત. તેને તત્કાળ જણાયું કે તેના ધાર્યા જેટલો નબળો હું ન હતો. ઠગના એક જાણીતા આગેવાન સાથે સીધો સામનો કર્યાનો આ મારે પહેલો જ પ્રસંગ હતો; અને આવા અનેક ઠગ લોકોની ટોળીઓને વિનાશ કરવાનું કંપની સરકારે મને જ સોંપ્યું હતું, એ વિચારથી મારામાં બમણી હિંમત અને બમણું બળ આવ્યાં. આઝાદને મેં લડતો જ રાખ્યો, અને થોડી ક્ષણમાં તેણે જાણી લીધું કે મારી સાથે હથિયાર વાપર્યા વગર છૂટકો નથી. એનો આ વિચાર હું સમજી ગયો. અને તેના હાથ અને શરીરને જરા પણ ફુરસદ ન મળે એવી પેરવીથી મેં લડવા માંડ્યું. હથિયારનો ઉપયોગ કરવાની તેને તક મળી જ નહિ.

મને ઝાંખું ઝાંખું જણાયું કે આ ગરબડમાં દિલાવરે મટીલ્ડાને ઊંચકી જે બારીમાંથી અમે આવ્યા હતા. તે બારીમાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો. હું ખુશ થયો. પરંતુ અચાનક પેલો બારણામાં ઊભેલો મનુષ્ય ધસી આવ્યો; તેની પાછળ છસાત માણસો બહાર પડ્યા અને જેવો દિલાવર બારીમાં પેસવા જાય છે, તેવો જ તેને સહુએ ઝાલી લીધો. મટીલ્ડા લગભગ બેભાન જેવી થઈ ગઈ હતી. દિલાવરનું બળ જેવું તેવું ન હતું. એની મને ખબર હતી. મારી આખી ટુકડીમાં મને તેના ઉપર પૂરો વિશ્વાસ હતો. એક પ્રસંગે પૂરપાટ દોડતા ઘોડાને તેણે માત્ર પોતાના બળથી જ ઝાલી અટકાવી દીધો હતો. એક વખત જરા જરૂરના પ્રસંગે એક કલાકમાં વીસ ગાઉ જેટલે દૂર જઈ તેણે સંદેશો પહોંચાડ્યો હતો. નવરાશના વખતમાં છ-સાત માણસોની સાથે તે કુસ્તીઓ કર્યા કરતો, અને આ પ્રદેશની તેની માહિતી એટલી બધી હતી કે તે કદી ભૂલો પડતો જ નહિ, તે માત્ર બોલતો ઘણું જ થોડું.

મટીલ્ડાને મૂકી. તેણે એ સાત માણસો સાથે યુદ્ધ આરંભ્યું. અત્યંત છૂટથી તેણે પોતાના બળનો પ્રભાવ બતાવ્યો, અને તેમને પોતાનાથી દૂર કર્યા. ફરી તેણે મટીલ્ડાને ઉપાડી અને બારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો. આઝાદે તે જોયું અને એકદમ તે મારી પાસેથી ખસ્યો અને દિલાવર ઉપર ધસ્યો. હું વિચારમાં પડ્યો, થાક્યો, અને જોઉં છું તો દિલાવર ઉપર કટાર ઉગામી આઝાદ ઘા કરવાની તૈયારીમાં હતો. અમે બધા તે બાજુ તરફ દોડ્યા. મને રોકવાનો આઝાદના માણસોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થયો નહિ. જેવી કટાર આઝાદે દિલાવર ઉપર ઉગામી તેવો જ મેં આઝાદનો હાથ પકડી લીધો. કટાર દિલાવર ઉપર ન પડતાં તે દૂર ઊડીને પડી અને આઝાદનો ઘા ખાલી ગયો. દિલાવરના હાથમાંથી મટીલ્ડા છૂટી થઈ ગઈ. વીજળીની ઝડપથી દિલાવર બારીમાંથી બહાર પડ્યો, અને સઘળા જોતા રહીએ એટલામાં તો તે કોઈ દોરડું પકડી સડસડાટ નીચેની ભયંકર ખીણમાં ઊતરી પડ્યો.

આઝાદે ક્રોધાવેશમાં પોતાની કટાર નીચે ઊતરતાં દિલાવર ઉપર ફેંકી અને તે ગરજી ઊઠ્યો :

‘કમબખ્ત ! દગાખોર ! દુશ્મનોમાં ભરાયો છે !’ ઊતરતો દિલાવર સહેજ સંકોચાયો, કટાર તેની પાસે થઈ નીચે ચાલી ગઈ અને કટારની પાછળ તે પણ ઊતરી ગયો. દિલાવર નાસી છૂટ્યો અને આઝાદ અંદર આવતાં બબડી ઊઠ્યો :

‘આવા માણસોથી ખાસ ચેતવું જોઈએ. સામા પક્ષમાં ભરાઈ જનાર બેવફા આદમીઓથી જ બધી ખરાબી છે, દિલાવરનું શિર જે મારી પાસે લાવશે તેને ખુશ કરીશ.’

આ ઉપરથી એમ તો સ્પષ્ટ થયું જ કે દિલાવર પ્રથમ ઠગ લોકોના પક્ષમાં હતો. એકાએક આઝાદે નિશાની કરતાં તેના માણસોએ મટીલ્ડાને ઉપાડી, અને જે દ્વારમાંથી તેઓ અંદર ધસ્યા હતા. તે દ્વારમાં તેને લઈને ચાલતા થયા. મટીલ્ડાએ એક નિરાધારપણું દર્શાવતી ચીસ પાડી, અને તેને હું મુક્ત કરવા જાઉ તે પહેલાં તો તેઓ અદૃશ્ય થયાં.

હું અત્યંત ક્રોધાવેશમાં આઝાદ ઉપર તૂટી પડ્યો. આ વખતે એ બળવાન ઠગે મને એક જબરજસ્ત ધક્કો માર્યો અને હું જમીન ઉપર પડતો રહી ગયો. બીજી વખત ધસું છું ત્યાં તો તે પણ પેલા બારણામાં થઈને પસાર થઈ ગયો; પસાર થતે થતે તેણે બારણું પણ બંધ કર્યું. મારા ગુસ્સાનો પાર રહ્યો નહિ. બારણાને મેં જોરથી લાતો ખેંચી કાઢી, હાથથી હચમચાવ્યું; પરંતુ મારા નિષ્ફળ પ્રયત્નથી એક પણ બારણું ડગ્યું નહિ. આઝાદને મેં મોટેથી પોકાર્યો અને અંગ્રેજીમાં બની શકે તેટલી ગાળો દીધી. જોકે મારા શબ્દો સાંભળવા તે થોભ્યો નહિ જ હોય એમ હું જાણતો હતો. છતાં આવેશમાં આવી હું બૂમ પાડ્યે ગયો. બૂમનો કાંઈ અર્થ રહ્યો નહિ. ડુંગરની કરાડમાંથી કોરી કાઢેલા એક ઓરડામાં હું પાછો કેદી થઈ બેઠો.

સૂર્યનાં અજવાળાં હવે જણાતાં હતાં. મારે શું કરવું તે મને સમજાયું નહિ. ઓરડામાં આમતેમ આાંટા મારતા રાતનો ઉજાગરો અને સવારની મારામારીનો થાક મને જણાવા લાગ્યો. એક ખુરશી ઉપર હું બેસી ગયો, લાંબા પગ કર્યા અને મને લાગ્યું કે મને નિદ્રા આવવા માંડી.

કેટલીક વારે ખડખડાટ થતાં હું જાગ્યો. સહજ આંખ ઉઘાડી જોતાં એક અજાણ્યો માણસ ઓરડાના એક ગુપ્ત સંચમાંથી કાંઈ કાઢતો જણાયો. હું કાંઈ બોલ્યો નહિ, મેં સૂવાનો ડોળ ચાલુ રાખ્યો. તેણે થોડી વારમાં કેટલાક બાંધેલા કાગળો કાઢ્યા અને બહુ જ તપાસ કરી, ઘણા કાગળો જોઈ તે બાજુએ મૂક્યા, અને તેને મહત્ત્વનો લાગતો એક કાગળ કાઢી બીજા બાંધી પાછા મૂકી દીધા. આસપાસ જોઈ તેણે તાકું બંધ કર્યું. તાકું બંધ થતાં ત્યાં જાણે સાધારણ ભીંત હોય એવો દેખાવ થઈ ગયો. વચમાં વચમાં તે મારા તરફ જોતો હતો અને હું જાગતો નથી એમ ખાતરી થતાં તે કાગળો તપાસવાના કામે લાગતો. તાકું ખોલવાની તરકીબ પણ મેં સમજી લીધી. ધીમે પગલે તે મારી તરફ આવ્યો. ઊંઘના સર્વે ચિહ્નો મેં મુખ ઉપર પ્રગટ કરી દીધેલાં જ હતાં, એટલે તે બાબતની તેને ખાતરી થઈ અને પ્રસન્ન ચિત્તે તે ઓરડામાંથી ચાલ્યો ગયો.

તે ગયો અને બીજું કોઈ આવતું નથી એમ પ્રતીતિ થતાં હું ઊભો થયો. દ્વારને અંદરથી બંધ કર્યું, અને હું પેલા ભેદી તાકા તરફ ગયો. એક નાની ખીલી દબાવતાં ભીંત ખસી ગઈ અને તેને સ્થાને પેલું તાકું ખૂલી આગળ આવ્યું. અંદરથી કાગળનું પોટકું કાઢી લઈ મારી ખુરશી ઉપર આવી હું પાછો બેઠો. કાગળો ખોલતાં હું આભો જ બની ગયો !

મારા આશ્વર્યનો અનુભવ અદ્ભુત છે. પરંતુ કાગળો જોતાં મને જે અજાયબીની લાગણી થઈ તે હું કદી ભૂલીશ નહિ. મારી આંખો ફાટી ગઈ અને બે હોઠ છૂટા પડી ગયા. આ ભયંકર ઠગ લોકો માત્ર લોકોનાં ગળાં દબાવી ફાંસિયાઓનો જ ધંધો કરે છે એમ સર્વનો ખ્યાલ હતો, પરંતુ કોઈએ સ્વપ્નને પણ ધાર્યું નહિ હોય કે હિંદુસ્તાનમાં તો શું પણ હિંદુસ્તાન બહારનાં રાજ્યો સાથે પણ મસલતો ચલાવતી આ ભયાનક ઠગમંડળી તો અનેક રાજકીય કારસ્તાનો કર્યા કરતી હતી અને પોતાનો મુખ્ય ઉદ્દેશ બહાર ન પડે એ અર્થે સહુને ભુલાવામાં નાખવા માટે ફાંસિયાનો ધંધો કરતી હતી.

હિંદુસ્તાનમાંથી તિબેટ, ચીન અને અફઘાનિસ્તાનમાં જવાના રસ્તાઓના નકશા હિંદુસ્તાનના કેટલાય છુપા માગોં અને છૂપાં પરંતુ મજબૂત સ્થાનોનાં ચિત્રો મારા જોવામાં આવ્યાં. એ જોઈને મને તેમની વ્યવસ્થાશક્તિ માટે માન ઉત્પન્ન થયું. પરંતુ જ્યારે કેટલાક કાગળો મારા વાંચવામાં આવ્યાં ત્યારે જ મને સમજાયું કે આ ટોળીના આગેવાનો હિંદુસ્તાન અને હિંદુસ્તાન બહાર ચાલતી કેટલીક પ્રચંડ ચળવળોમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેમને હૈદર અને ટીપુ સાથે સંબંધ હતો; સિંધિયા, હોલ્કર, પેશ્વા અને ભોંસલે તેમની સહાય મેળવવા સ્પર્ધા કરતા, રજપૂતાનાનાં રાજ્યો અને શીખ લોકો પણ તેમની મિત્રાચારીની યાચના કરતા ! પરંતુ એટલેથી ન અટકતાં તેમનો વ્યવહાર નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ અને કાબુલ સુધી લંબાયો હતો. વળી તાર્તરી અને રશિયા જેવા દૂરના પ્રદેશમાંથી તેમની સાથે મસલતો ચાલતી હતી. એ વાત મારા

જાણવામાં આવી ત્યારે હું આશ્ચર્યમાં ડૂબી જ ગયો. છૂપી રીતે આટલા આટલા લોકો, રાજાઓ અને પ્રજાઓ સાથે સંબંધ રાખતી ટોળીનો શો ઉદ્દેશ હશે ? મને સમજ ન પડી. પેલા યુવક અને સાધુની બુદ્ધિ માટે મને માન હતું તે એકદમ વધી ગયું, અને મને સમજાયું કે આવી વિસ્તૃત અને ગૂંચવણભરી ચળવળના આગેવાનોમાં ઊંચા પ્રકારની દક્ષતા અને ચાલાકી નિઃસંશય જરૂર હોય.


Rate this content
Log in

Similar gujarati story from Classics