STORYMIRROR

Raman V Desai

Classics

2  

Raman V Desai

Classics

ઠગ ૧૧

ઠગ ૧૧

6 mins
15.4K


કોતરમાં રાત્રિ


તેણે મૂકેલા આરોપોનો હું જવાબ દઈ શકત. સાધુએ બીજી બાજુ પણ જોવી જોઈએ એમ ધારી હું અંગ્રેજોનો બચાવ કરવા જતો હતો. એટલામાં તે ફરી બોલી ઊઠ્યો :

‘સાથે સાથે હું હિંદીઓનો પણ વાંક નથી કાઢતો એમ ન માનશો. તેમની મૂર્ખાઈ, તેમના સ્વાર્થ, તેમનો ઘમંડ અને તેમની અવ્યવસ્થતા એટલાં બધાં તીવ્ર બની ગયાં છે કે તેઓ તમારી ગુલામી સ્વીકારીને પણ પોતાના ભાઈઓ સાથે લડે છે. તમારા જેવી બુદ્ધિશાળી પ્રજાને બીજું શું જોઈએ ?

‘શું અમે એવા સંજોગોનો જ લાભ લઈએ છીએ ?’ મેં પૂછ્યું.

‘માફ કરજો. પરંતુ જ્યાં ન હોય ત્યાં એવા સંજોગો ઊભા કરીને પણ તમે લાભ લો છો ! એટલા માટે જ મેં તમને ઠગ કહ્યા. અમારામાં અને તમારામાં ફેર એટલો જ કે અમે પ્રામાણિક ઠગ છીએ. - ખુલ્લી રીતે ઠગ કહેવાઈએ છીએ, અને તમે પ્રામાણિકપણાને ખુશીથી બાજુએ મૂકો છો. અમારા કરતાં તમે વધારે માણસોને છેતર્યા છે, વધારે લૂંટ કરેલી છે, વધારે પ્રાણની ખુવારી કરી છે. હવે કહો, ખરેખરા ઠગ કોણ ?’

સાધુની આંખ ચમકી ઊઠી. એ ચમકતી આંખો ફોડી નાખવાનું મને મન થયું.

અચાનક મારી સામેનું બારણું ખૂલ્યું અને ધીમેથી ઊઘડતા દ્વાર પાછળ મને લાગ્યું કે મેં મારા બહાદુર નોકર દિલાવરને જોયો. મારી ભ્રમણા મટે તે પહેલાં તો બારણું બંધ થયું. મારો આભાસ ખરો હતો કે કેમ તેની ખાતરી થઈ નહિ, છતાં હું ખૂબ ચમકી ઊઠયો.

શું દિલાવર દુશ્મનને મળી ગયો ? કે તે છુપાતો છુપાતો અહીં સુધી આવી પહોંચ્યો ? સાધુએ તેને જોયો કે નહિ તેની ખાતરી કરવા મેં તેની સામે જોયું. પરંતુ બારણું ઊઘડ્યાની તેને ખબર ન હોય એમ સાધુએ ઊઠવા માંડ્યું, અને મને જણાવ્યું :

‘આપ હવે આરામ લો. બહુ આશ્ચર્યો જોયાં એટલે મનને સ્થિર કરવાની જરૂર છે. અમે દુશ્મન હોઈશું પરંતુ આપની જાતને હાનિ નથી થવાની એમ ખાતરીપૂર્વક માનજો.’ આટલું બોલી તે ઓરડામાંથી બહાર ગયો અને હું આરામ લેતો પલંગ ઉપર આડો પડ્યો. મન અને તન બંને થાકી ગયાં હતાં, પરંતુ મને ઊંધ ન આવી, છતાં મેં આંખો મીંચી દીધી. પરંતુ કાંઈ ભ્રમણા થતાં તે આંખો પાછી ખૂલી ગઈ.

આંખો ખોલીને જોઉં છું તો જે બારણું પ્રથમ ઊઘડી. બંધ થયું હતું તે ફરી ઊઘડ્યું, અને મને ફરીથી દિલાવર જેવી આકૃતિ જણાઈ. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ નથી એમ ખાતરી કરી તેણે બારણું પૂરેપૂરું ખોલી અંદર પ્રવેશ કર્યો અને પોતાની પાછળ દ્વાર બંધ કર્યા. હવે મારી ખાતરી થઈ કે મારો નિમકહલાલ દિલાવર જ અહીં ઊભો હતો.

હું બેઠો થયો. દિલાવરને મેં ધારીને જોયો અને પાસે બોલાવ્યો. આ કદાવર સૈનિકને જોઈ મને પાછી હિંમત. આવી. મારી ટુકડીમાં સૌથી વધારે શક્તિમાન સૈનિક તરીકે દિલાવર ગણાતો. તેની બહાદુરીના અનેક પ્રસંગોને નીરખી મેં એને અંગરક્ષક બનાવ્યો હતો. બહુ જ થોડું બોલતો. છતાં તેની વફાદારી ઉપર મને પૂર્ણ ભરોસો હતો. એ બાતમી જરૂર લાવશે એમ માનીને જ મેં એને તે દિવસે યુવકની પાછળ મોકલ્યો હતો.

‘દિલાવર ! તું ક્યાંથી ?' મેં પૂછ્યું.

‘અરે સાહેબ ! પણ આપ આ ભયંકર જગાએ ક્યાંથી સપડાઈ ગયા? આ તો સુમરા ઠગનું મકાન છે.' તેણે આશ્ચર્યથી પૂછ્યું.

‘સુમરો ઠગ ! અહીં રહે છે ?’ મારાથી પુછાઈ ગયું. સુમરા ઠગનું નામ આખા હિંદુસ્તાનમાં જાણીતું હતું. તેની ક્રૂરતા ભલભલાને કંપાવતી, છતાં તેની બહાદુરીનાં વર્ણનો ઘેર ઘેર થતાં. તેની બુદ્ધિ આગળ હિંદના મોટા મોટા મુત્સદીઓ હારી બેસતાં, મોટા મોટા રાજ્યકર્તાઓ છૂપી રીતે તેની સલાહ લેતા. તેનામાં કોઈ ગૂઢ દૈવી શક્તિનો આરોપ થયો હતો, અને તેને માટે એની એવી અદ્ભુત વાતો ચાલતી હતી કે જે કલ્પનામાં જ બની શકે. એકેએક નવાઈનો પ્રસંગ બને તેમાં સુમરા ઠગનો હાથ માનવામાં આવતો. તેને જ પકડવાથી સમગ્ર ઠગ લોકોનું બંધારણ તૂટી પડશે એમ માનવામાં આવતું. પણ સુમરો ક્યાં ?

સુમરા ઠગને નામે ઓળખાતો સમરસિંહ કોણ હતો. તે ભાગ્યે જ કોઈ જાણતું. કોઈ કહેતું કે તે વૃદ્ધ હતો, કોઈ કહેતું કે તે યુવક હતો; કોઈ એમ માનતું કે એક બુદ્ધિશાળી સ્ત્રી સુમરાનો વેશ લઈ ઠગ લોકોનું નિયંત્રણ કરતી હતી. કોઈ માનતું કે તે સાધુ છે; કોઈ કહેતું કે તે ગૃહસ્થ છે અને રજવાડી ઠાઠમાં રહે છે. પરંતુ અમારી બાતમી સુમરા વિષે ચોક્કસ થઈ શકી જ નહિ. બધી તપાસને અંતે એક જ વાત આગળ આવતી : સુમરાને પકડો, ઠગ લોકો વેરાઈ જશે. પરંતુ સુમરો કોણ છે ? ક્યાં રહે છે? એને કેમ પકડાય ? એ પ્રશ્નો સદાય અસ્પષ્ટ રહેતા.

એ સુમરાના મકાનમાં હું આજ પુરાયો હતો ! ભયનો એક ઝાટકો મારા દેહને લાગ્યો. ત્રણચાર દિવસના મારા અજબ અનુભવોથી મને ખાતરી થઈ કે હું સુમરા ઠગના સકંજામાં સપડાયો છું. વળી સુમરાને માટે આવી વાતો કેમ થતી હશે તે પણ હું અનુભવોથી સમજી શક્યો. પરંતુ સુમરો કોણ ? પેલો વૃદ્ધ સાધુ કે રમતિયાળ યુવક ?

દિલાવરે સુમરાનું નામ લીધું તેની સાથે મને આ બધા વિચારો આવી ગયા. તેણે તો મને જણાવ્યું જ હતું કે આ જ સ્થાન સુમરાનું છે. દિલાવરને પાસે જોઈ મને પાછી હિંમત આવી.

‘દિલાવર ! હવે શો રસ્તો લેવો ?' મેં પૂછયું. 'તું અને હું બંને સપડાયા છીએ.'

‘નહિ જી, હું સપડાયો નથી.' દિલાવરે ધીમેથી કહ્યું. ‘આપ એકદમ ચાલો. આ મકાનમાંથી ગમે તે રસ્તે આપણે નીકળી જવું જોઈએ.’

'તેં રસ્તો જોયો છે ?'

'હા જી. ચાલો જલદીથી.'

હું તત્કાળ ઊભો થયો. જે દ્વારમાંથી દિલાવર આવ્યો હતો. તે દ્વારમાં થઈ અમે બહાર નીકળ્યા. મને લાગ્યું કે આ મકાનમાં હું પ્રથમ આવ્યો હોઈશ. પેલા યુવકે આશ્રય આપ્યો હતો તે જ સ્થાનનો આ એકાદ ભાગ હશે એમ લાગ્યું.

ઓરડાની બહાર ચૉગાન હતું. ચંદ્રની આછી ચાંદની ખીલી નીકળી હતી. મકાનના પડછાયા નીચે ચૂપકીથી અમે આગળ વધ્યા.

ચૉગાનની આસપાસ પાછો એક નાનો કોટ હતો. એ કોટની પાર શી રીતે જવાશે તેનો મને વિચાર થયો. અચાનક એક નાનો દીવો મારા જોવામાં આવ્યો. દીવાની આસપાસ એક નાની બારી પણ મારા જોવામાં આવી. દિલાવરે મને સાવધ રહેવા મારો હાથ દાબી સૂચના કરી અને સહજ પણ અવાજ ન થાય એવી રીતે અમે બંને આગળ ચાલ્યા. બારી પાસે કોઈ પહેરો ભરતો હતો. એમ મને લાગ્યું, અને હું વિચાર કરું છું એટલામાં દિલાવરે છલંગ મારી પેલા પહેરેગીરને પકડ્યો અને નીચે ગબડાવી પાડ્યો. તે બૂમ પાડે તે પહેલાં તેના મુખમાં લૂગડાનો ડૂચો દાબી દીધો, અને અમે બારીમાંથી બહાર નીકળી પડ્યા.

‘સાહેબ ! આપણે ભયાનક રસ્તો લેવો પડશે. દિલાવરે કહ્યું.

'હરકત નહિ.' મેં જણાવ્યું.

થોડીવારે એક કોતર આગળ અમે આવ્યા. અંધારું તો હતું જ, છતાં ચંદ્રની ચાંદની એ પ્રદેશને વધારે ભયંકર બનાવી રહી હતી. હું જરા થોભ્યો એટલે મને દિલાવરે કહ્યું :

‘અહીં ઠગ લોકોને ચડવાઊતરવાનો છૂપો રસ્તો છે. નીચે ઊંડી ખીણ છે, અને તેમાં ઊતરવા માટે દોરડાંની નીસરણીઓ બાંધેલી છે. આપ ઊતરી શકશો ?’

વિચિત્રતા અને મુશ્કેલીઓએ મને તદ્દન ધીટ અને મરણિયો બનાવી દીધો હતો. મેં હિંમત ધરી હા પાડી. નીચે સેંકડો ફીટ ઊંડી ખીણ અને ઊતરવાના આધારમાં માત્ર દોરડાંની નીસરણી ! પગ લપસે કે દોરડું તૂટે તો ? મેં ઘણા ભયંકર પ્રસંગો જોયા હતા; મૃત્યુ શું તેની પણ ઝાંખી કરેલી હતી. પરંતુ આ અનુભવ તદ્દન નવો અને હૃદયને હલાવી નાખે એવો હતો. અંધકારને પ્રત્યક્ષ કરતું ચંદ્રનું અજવાળું ભયંકરતાને પણ ભયંકર બનાવી રહ્યું હતુ.

પ્રથમ દિલાવર ઊતર્યો, અને તેની પાછળ હું પણ ઊતરવા લાગ્યો. ઊતરતે ઊતરતે ચંદ્રની ચાંદનીમાં દીપી રહેલો આસપાસનો સુંદર અને ભવ્ય દેખાવ મને આકર્ષી રહ્યો. પરંતુ સૃષ્ટિસૌન્દય અનુભવવા હું આવ્યો નહોતો. દૃશ્યના વિચાર છોડી હું નીચે ઊતરતો ચાલ્યો, ઊતરતાં ઊતરતાં મારો જીવ તાળવે જ ચોંટેલો રહ્યો.

અડધે ઊતરી રહ્યા હોઈશું ત્યા એક ટેકરો આવ્યો, અને થાક ખાવા અમે બંને જણ ઊભા રહ્યા. કોતરની ભીંતમાં એક જાળી જેવો આકાર જણાયો. મારી ઉત્કંઠા વધી, અને જાળીમાં નજર કરું છું તો ત્યાં પણ એક સુંદર મકાનનો ભાગ જોવામાં આવ્યો. તેના ઓટલા ઉપર એક સુંદર યુરોપિયન બાળા પલંગ ઉપર બેસી આંખો ચોળતી હતી. શું આ પ્લેફૅર સાહેબની દીકરી તો નહિ હોય ? મને વિચાર આવ્યો. તે સાથે તે છોકરીની નજર પણ જાળી તરફ ગઈ. તે જ ક્ષણે દિલાવરે મને પાછો ખેંચ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics