ટેમ્પો
ટેમ્પો
લતાનાં મહેશ સાથે પ્રેમલગ્ન બંનેનાં ઘરનાં આ લગ્ન માટે રાજી ન હોવાથી, મિત્રોની મદદથી ભાગીને લગ્ન કર્યાં હતાં. મહેશ લતાને તકલીફ ન પડે એનું ધ્યાન રાખતો.
મહેશનો પોતાનો ટેમ્પો. સાલસ અને મહેનતું સ્વભાવને કારણે સારું એવું ભાડું મળી રહેતું. લતા પણ સિલાઈ કામ કરી થોડી કમાણી કરી લેતી.
લતા એકલી કંટાળે એટલે સાંજે મહેશ લતાને ટેમ્પોમાં ફરવા લઈ જાય. સંતોષી લતા પણ જાણે રોલ્સરોય ફેન્ટમ કારમાં બેઠી હોય એવાં ઠાઠથી મહેશની બાજુમાં બેસે !
એક દિવસ લતાએ કહ્યું," મારે ટેમ્પો ચલાવતાં શીખવું છે. ન કરે નારાયણ ને તમને કોઈ દિવસ કંઈ તકલીફ થાય તો ભાડું જતું કરવું ન પડે."
મહેશની લાખ ના છતાં લતા ટેમ્પો ચલાવતાં શીખી, લાઈસન્સ મેળવીને જ રહી. કોઈ દિવસ મહેશને બાજુમાં બેસાડી લતા ટેમ્પો ચલાવતી ! મહેશ જોઈને રાજી થતો કહેતો,"વાહ, તું તો મારા કરતાં પણ સરસ ચલાવે છે. "
લગ્નનાં ચાર વર્ષ પછી લતા ગર્ભવતી બની. પૂરાં માસે સુંદર પરી જેવી દીકરી જન્મી. નામ રાખ્યું 'પરી'.
હવે તો પરીને લઈને સહેલ કરવા જતાં. દીકરી મોટી થઈ. શાળાએ જતી દીકરીને કોઈ તકલીફ ન પડે એટલે મહેશ ટેમ્પો લઈને મૂકવા જતો. લતા લેવા જતી.
એક રવિવારે ત્રણે જણા એંધલની ટેકરી પર ચામુંડામાનાં દર્શન કરવા ગયાં. પરીને ખૂબ જ મજા આવી. પરીની ખુશી જોઈ માવતર ખુશ. પરીએ તો કહી દીધું," મારી પરીક્ષા પૂરી થાય એટલે પાછાં આવીશું. " પિતાએ વચન આપ્યું," જરૂર તે દિવસે બપોર પછી કોઈ ભાડું નહીં કરું આપણે જરૂર આવીશું." બસ આટલું કહી પરીની ઈચ્છા મુજબ બહાર પાંવભાજી ખાઈને ઘરે આવ્યાં.
કુદરતને પરિવારની ખુશી મંજૂર ન હોય એમ રાત્રે સૂતેલો મહેશ સવારે ઊઠ્યો જ નહીં. ઊઠાડવા આવેલી લતા મહેશ ન ઊઠતાં ચીસ પાડી ઊઠી.
લતાની ચીસથી ગભરાયેલી પરી બાજુમાંથી રમાબેનને બોલાવી લાવી. રમાબેન તો જોઈને અવાક્ ! કળ વળતાં બધાંને બોલાવી અંતિમ વિધીની તૈયારી કરી.
લતાએ સ્વસ્થ થઈ કહ્યું,"અગ્નિદાહ હું જ આપીશ પરીને સાથે રાખીને. તમે જ મારાં સગાં છો." આમ લતાએ તમામ વિધી પૂર્ણ કરી.
પંદર દિવસ બાદ ટેમ્પો લઈને નીકળી, ટેમ્પો સ્ટેન્ડ પર ટેમ્પો ઊભો રાખ્યો. લોકો જોતાં જ રહ્યાં. સ્થળ પર ટેમ્પો ઊભો રાખવામાં, ભાડું મેળવવામાં શરૂઆતમાં તકલીફ પડી,પણ ડરે એ બીજા. એણે મહેશને કામ આપનારને મળી પોતાને કામ આપવા વિનંતી કરતાં કામ મળવા માંડ્યું. એની હિંમત જોઈ બધાંએ સહકાર આપવા માંડ્યો.
ભાડું ન હોય ત્યારે સિલાઈ કામ કરતી. દીકરીને શાળાએથી લાવી જમવાનું પતાવી સાથે જ રાખે. તકલીફોને ગણકાર્યા વિના પરીને મોટી કરી ભણાવી.
પરી ભણવામાં હોશિયાર. સી. એ. કર્યું. સારા પગારની નોકરી મળી. માતાને તકલીફ મુક્ત કરી આરામની જિંદગી આપી.
