Kalpesh Patel

Romance Tragedy

5.0  

Kalpesh Patel

Romance Tragedy

ટાઈમ.- એક 'અહેસાસ'

ટાઈમ.- એક 'અહેસાસ'

7 mins
1.0K


"ટાઇટન સોલોડાઈન" વિથ રોઝ ગોલ્ડ કેઇસ"

આ ઘડિયાળ માટે, મે વરસોથી સ્વપ્ન સેવેલું,  લગ્નના ચોથા ફેરે મારા સાસુ સુનંદાબેન જ્યારે તે મને આપી રહ્યા હતા ત્યારે, ચોળીમાં બાજુમાં બેઠેલી કૃતિકા મારી સામું મીઠું હસી રહી હતી. હું ધર્મ સંકટમાં હતો. મને ઊંચા શોખ રાખવા ગમતા અને રાખતો પણ ખરો, તેમજ તેને પોસવા મહેનત કરતો પછી તેની લૂફ્ત લેતો. આમ કોઈ ઉદ્યમ વગર આવી મોંઘેરી જણસ થોડી લેવાય ? તે વિચારે અસમંજમાં હતો, ત્યાં નાની સાળી આવી અને બોક્સમાંથી "ટાઇટન સોલોડાઈન" કાઢી જમણા હાથે પહેરાવી દીધી. અને આંખો નચાવતા બોલી, "જમણા હાથની ઘડિયાળનો "ટાઈમ' સાસરાનો...છે હો જીજાજી...".

જીવનની આપાધાપીમાં દરેકના જીવનમાં કયારેક કઇંક એવુ બની ગયું હોય છે જે તેનું જીવનભરનું સંભારણું બનીને રહેતું હોય છે. ના તેની યાદમાંથી છટકી શકે, કે ના તેને વાગોળી શકે. ક્યારેક એ યાદો ગરમા ગરમ ડામ દઈ કનડે. તો ક્યારેક રોમેરોમમાં તડપ બનીને પ્રસરતી હોય છે. દિલની વેદના બનીને રહેતી હોય છે. આવી કડવી યાદોનાં તીખારા સૂતેલી રાખમાંથી ભડકા પેદા કરી વર્તમાનના જીવનને ડરાવે છે.

લગ્ન રંગે ચંગે, પતી ગયા, હનીમૂનમાં મકાઉ ફરી આવ્યા, ફોટા, સીડી, વગેરે જોયા અને લોકોને બતાવ્યા પણ ખરા. આજે વૈશાખી પૂનમે લગ્નને પૂરા ત્રણ વરસ થયા હતા. આજની એનિવર્સરીના ડિનરનો પ્રોગ્રામ મારે સાસરે હતો. કૃતિકા સવારથી ત્યાં પહોચી ગઈ હતી. મે તૈયાર થઈ, મારા ગેટ અપને આખરી ઓપ આપી, રેવલોનનું ચાર્લી રેડ પરફૂમ સૂટ ઉપર છાંટયું. અને "ટાઇટન સોલોડાઈન" વિથ રોઝ ગોલ્ડ કેઇસ" ઘડિયાળનો મોગરો પ્રેસ કરી ચાલુ કરી. તારીખ અને સમય સેટ કરી, તેને વટથી ઠઠારી. આખાય શરીરમાં પરમ આનંદની મોજું ઉમટી આવ્યું આહ આહ ! શું ઘડિયાળ ? અને શું ટેક્નોલોજી  ? ટાઈમ, તારીખ, વાર, અને તિથિ બતાવતી ચંદ્રની કળા !

પણ ઉમળકો ઉમટ્યા ભેગો મને જૂની આગના ભડકે લપેટવા લાગ્યો. જેનાથી હું સદાય ભાગતો ફરતો હતો. ઘડિયાળમાં ઝળકી રહેલ "ફૂલ–મૂન", અર્થાત પુનમનાં ચાંદે, મારી સૂતેલી પીડાને જીરવવા મજબૂર કરી રહી હતી. આ માળુ લોકોનું કેવુક છે ? "પૂનમના અજવાળા અને અમાસના અંધારા", "છતાય વાસ્તવમાં 'હોળી પૂનમે' અને દિવાળી અમાસે" 

પૂનમનાં ચાંદનો સીધો સબંધ મારા પ્રિયજનની મારાંથી જુદાઈનો છે, મારી પ્રિયજનના મોત સાથેની મુલાકાતનો છે. અંગત માનેલાને, મોતને ભેટતાં નજરે નીરખ્યાનો નાતો. છે.

..ફાગણની પૂનમની એટલે હોળીની રાત, કોઇની કાળરાત્રી બન્યાની વાત છે. ત્યારે હું ૧૨વર્ષનો હોઇશ. આ ઉંમરે, મે મોત સાથે પહેચાન તો ક્યાં બનાવી હોય ?  છ્તાં ય મારા ૧૨ વર્ષના હાથમાં એક જીંદગીએ શ્વાસ મૂક્યાની આ વાત છે, એક હસતી રમતી ૧૧ જ વર્ષની છોકરીની આ વાત છે.મારી સોસાયટીની પાછળની સોસાયટીમાં મારા ઘરથી બિલકુલ પાછળજ એનુ ઘર હતુ. એનાં ઘરનો કલબલાટ હમેંશા મારાં કાનોને સાંભળવો ગમતો. પછી એ પછડાતા વાસણનો હોય કે, કપડાને પડતાં ધોકા કે ઝપટાતાં બારી બારણાનો હોય, અથવા વાતચીતનો હોય.જે હોય તે, પણ એ અવાજ મારા એકાકીપણાનો સાથીદાર હતો. મમ્મી પપ્પાના સ્કૂલે નોકરીએ ગયા પછીનો, તે મારો સથવારો હતો..તેના ઘરના કલશોરથી જ મારુ મન ભરાતુ હતુ.

આજથી લગભગ ૧૪ વર્ષ પહેલાની વાત છે પહેલા તો કેવું ? કે ટીવી તો બધા પાસે હતા જ નહિ કે આજના બાળકોની જેમ ખોડાઇને જ રહીએ. કે ન હતા મોબાઈલ કે મોબાઈલ ગેમ્સ આખો દિવસ એમાં પસાર કરી શકીએ. અમે તોય જે હાથ હતું તેમાં મસ્ત રહેતા. સાતતાળી, થપ્પો, દોરડાકુદ, ચૌખંડાને નારગોળ. ખોખો ને કબ્બડી જેવી કેટલીયે રમતો સાથે જ રમતા. ક્યારેક અમારા ગામમાં સર્કસ આવે કે જાદુગરના ખેલ આવે ત્યારે તો જાણે અમારે માટે ઉત્સવ આવ્યો હો. સર્કસ આવીને જતુ રહે તો પણ અમારા સર્કસનાં દાવ તો ચાલુ જ રહેતા. એની જેમ ખેલ કરવાની અમે થોડી ઘણી કોશિશ કરતાં હતા. દર રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય. એ પણ સાઇકલ લઈ. ખૂબ મજાના દિવસો હતા. હા પણ બધા સાથે રમવા કરતાં મને તે પાછલી સોસાયટીવાળી ૧૧ વરસની માયા સાથે રમવું ગમતું. એ મારી ટીમમાં રહે એ માટે કોઈવાર કાવા-દાવા – અંચાઇ કરવાનો મને છોજ નહતો લાગતો, ને એવું કઈ એનું પણ હતું.

અને આવા જ મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી મિત્ર માયાને રમતા રમતા ચક્ક્રર આવ્યા ને પડી ગઇ. ડોકટરને દેખાડ્યુ. થોડી દવા આપી, થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામના ડોક્ટરને કઇં વધારે ખબર ન પડી. અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું. ત્યાં પણ એ લોકો ભેગો હું ગયેલો પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં. મગજની એ બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ જ જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા. દોરાધાગા, ભુવા જતી માનતા–બાધા કરવાનુ પણ એ શિક્ષિત મા–બાપ ચુક્યા નહી.

ધીમે ધીમે વરસ પૂરા બે વિત્યા ! ટાઈમ રંગ બતાવતો ગયો. અને મારી ઉપર એનો અને તેની ઉપર મારો રંગ ચડતો ગયો. અમારી દોસ્તીએ પ્રીતની કેડી ક્યારે પકડી તે કોઈને ખબરજ ન રહી. અવિરત વીતી રહેલા ટાઈમે તેના કાળની કેડી જાણે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ. પણ મારૂ મન કે તેના મા –બાપ, આ વાતને સ્વીકારવા તૈયાર થાય ? અને અમે જ શું કામ. એ મીઠડી માયાને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે, એને જાણતા લોકોમાં કોઈ જ તેને ગુમાવવા તૈયાર ન હતું. તેના મા – બાપ અને બધા સ્નેહીજનો ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એની અને મારી છૂપી વેદનામાં મને કઈ સુજતું નહતું. આખરે તેની યાદદાસ્ત પણ સાથ છોડવા લાગી હતી. પણ હજુ હું તેની પાસે હોવું , ત્યારે તે આંખો અચૂક મલકતી.

પાછલા વરસોમાં ગમતી વસ્તુઓની અમારા બન્ને વચ્ચે ક્યારેક થતી જીદ તો આપોઆપ જ છુટવા લાગી હતી. હમેંશની જેમ માંદગીના બિછાને પણ મને જોઇને એની અઠ્યાવીસી દેખાડવા જતી પણ તેનું શરીર સાથ નહતું આપતું અને ક્યારેક એકલા હોઈએ ત્યારે તે મારી સામે ધીમુ મલકી લેતી હતી. મારી મમ્મીએ મુંબઈથી મંગાવેલો હલવો એની મમ્મીને આપી હું તેને ખવડાવવાનો આગ્રહ રાખતો હતો. પણ બધાની આશા ખુટી ગઇ હતી પણ મને તો ક્યાં ખબરજ હતી કે એની પાણીદાર આંખોનુ તેજ ધીમેધીમે ઓલવાતુ જતુ હતુ. અને હવે બધાને નિરુપાય થઈને તાકી રાખ્યા સિવાય એના હાથમા કઈં જ ન હતુ. આજથી દોઢ દાયકા પહેલા તો મેડીકલ સાયન્સ પણ ક્યાં એટલું ડેવલોપ હતું, કે કોઈ એડવાન્સ ઉપાયનો અખતરો પણ શક્ય બને ?

આમ બધા જ ઉપચારોથી ત્રસ્ત થઇને, અંતે બધાએ ભગવાનનું શરણું સ્વીકારી તેના નામની રોજ સાંજે પુજા કરતાં. માયાના આયુષ્ય માટે નહિ, પણ એની પીડા ઓછી કરે એનાં માટે જ કરવા લાગેલા. ને એના આખા આયખાની પીડામાંથી છુટકારો અપાવે એ દિવસ પણ આવ્યો.

એ ફાગણ માસની પુનમનો દિવસ હતો. મારા મમ્મી અને તેનાં મમ્મીના વાડકી વ્યવહારે વીકસેલા બહેનપણા પણ અમારી જેમ જ અંખંડ હતા. તેઓ બન્ને હોળીની પુજાની તૈયારીમા પડ્યા.  કપરા સમયે માયા પાસે બેસવાનું વિકટ અને કપરું કામ મારુ ભાગે હતું. હજુ તો હું એના માથા પાસે તેનો હાથ પકડીને બેઠો જ હતો, કે તેને આંચકી આવવા લાગી અને આવી રીતે એને ઘણી વાર આંચકી આવતી એટલે મેં માસીને અવાજ દીધો. અને માસીએ બહારથી જ મને કીધું કે "એને થોડું પાણી પા, ત્યાં લગી હું હોળીનાં ફેરા ફરી,ખજૂર પધરાવી આવું છુ". ત્યાં જ મારો અવાજ સાંભળીને દોડતા માસા પણ આવ્યા અને મેં તથા માસાએ પાણી પાયુ.એક ચમચી પાણી પીધુ ના પીધું અને બીજી ચમચી હું ભરી પીવારવું એટલી વારમાં તો એ તેની મોટી મોટી આંખે મારી સામે અતૂટ જોતી રહી ગઈ.આંચકી હવે બંધ થઈ ગઈ હતી તે સાથે તેની કારમી પીડા પણ હવે  બંધ. આમ એનો શ્વાસ છુટી ગયો અને અમારી 'અખંડ' મૈત્રીને તોડી ગયો..!

આજે વૈશાખ મહિનાની પૂનમના દીવસે અમારી વિશુદ્ધ દોસ્તી સાથે ખેલાયેલુ હોળીનું ઉજવણું યાદ આવે છે. એની આંખો જોઈને જ હું માસીને વળગી ખૂણામાં જઈને જે ચીસો પાડીરહેલો એ ચીસોએ મને ઘણી રાતો જગાડયો હતો.કેટલું દુખ ,અને કેવડી વેદના ?  આજની પૂનમે કરૂણ ક્ષણોની યાદ સાથે અમારી નાનકડી જીંદગીના ગુલાબી પ્રસંગો પણ યાદ આવી ગયા.

અમે સાથે જીવેલા હતા. સ્કુલનો સથવારો, રમતોમાં અડિખમ રહેનારો તેના જીદ્દી સ્વભાવને લઈને મારી સાથે હમેંશા જીતનારી, આખરી રમતમાં એ મારો સાથ છોડી. મને એકલો મૂકી એની જીવનની સફરને ટૂકાવીને છુટી ગઈ.

માયાની છેલ્લી વેળાની ફાટી અને ખુલ્લી રહેલી તેની જિજીવિષા ભરેલી મોટી આંખો અત્યારે પણ નજરે આવી ગઈ છે. એની એ છેલ્લી નજર મને હજુય આકરી લાગે છે..મને તો ક્યાં ખબર હતી. મને 'માયા' લગાવી રસ્તે રઝળવી જનારી માયાની સફર આટલી અધૂરી હશે ?

એ પછી મારી રમતો અધૂરી હતી. મારા એ બાળપણના દિવસો અકાળે પૂરા થઈ ગયેલા. એ આજ લગી દરેક પુનમને અજવાસને સથવારે મારી સાથે એટલી વણાયને રહી ડગલે ને પગલે એની યાદ મને અપાવતી રહી

એપછી ઘરમાંથી એનો અવાજ આવતો તેની માંદગી દરમ્યાન જ બંધ થઈ ગયો હતો પણ એ સૂતી તો હતી. તેની હયાતીના પુરાવા એ પલંગ દેતો તો હતો જ. પણ હવે તો એ પણ નહીં. એની હાજરી એ પલંગ પર પણ નહીં. એ ઓરડો પણ ખાલી અને મારૂ હ્રદય પણ ખાલી . એના એ મૃત્યુએ મારા બાળમાનસ પર કરેલા આઘાતે, મને ક્યારેય કોઇની નજીક ન જવા દીધો.

અને આજે આ સાસુમાં એ આપેલા "ટાઇટન સોલોડાઈન" વિથ રોઝ ગોલ્ડ કેઇસ" ઘડિયાળમાં આજની ઝળકતી પૂનમે મને અહેસાસ કરાવ્યો કે મારૂ બાળમાનસ હજુ પણ મારા મનમા જીવંત છે. મારા જીવનમાં  કોઇની પણ એનું સ્થાન લેવાની ચેસ્ટા મને તેનાં થી દૂર કરી દે છે. ભલેને પછી એ સાદી મૈત્રી કેમ ન હોય ? આજની પૂનમના અજવાશે ,મને એ વાતનો અહેસાસ કરાવ્યો કે, "માયાનું મારી જિંદગીમાં હોવું એ એક દુખદ સ્વપ્ન હતું", કારણકે મૃત્યુ સાથે બધાએ એક વાર મુલાકાત કરવી જ પડે છે . એ કડવું સત્ય "ટાઇટન સોલોડાઈન" ટાઈમ પીસ (કાંડા ઘડિયાળ) અત્યારે સમજાવી રહ્યું હતું !

જે જિંદગીમાં યાદગાર ટાઈમ (ક્ષણો-સમય ) ન હોય, તેવી  જિંદગી ફિક્કી હોય છે. ગમે તેવા દારુણ ટાઈમને  મધુર બનાવી સાચવવો   કે વેડફી નાખવો  એ આપણે નક્કી કરવાનું છે. કૅમેરાનું તો કામ ટાઈમને  ક્લિક કરવાનું હોય છે . તેણે ઉપજાવેલી તસવીર, આપણને તે સમયના સ્મરણ તરફ દોરી જાય છે. જીવનમાં ગઈ કાલની વિતેલી પળો વર્તમાન પર કદીય બોજ ન બનવી જોઈએ, પરંતુ એનો અનુભવ સાથે લઈને આપણે ચાલવું રહ્યું , નહિ કે  એને માથે ઉપાડીને ફર્યા કરવું .

મારા ઘરની બારીમાંથી પાછળની સોસાયટીમાં દેખાતાં માયાનાં ઘરની યાદો ઉપર તે ક્ષણે પરદો પડી ગયો હતો.  આખરે  'માં'ની પસંદગીને માન આપી, ત્રણ વરસ પહેલાની પૂનમે કૃતિકા સાથે કરેલા મેરેજ પછી ,તેને મારી જિંદગીમાં અપનાવવાનો "ટાઈમ' સાસુમાંએ આપેલી ઘડિયાળે આજે બાતવ્યો . અને વીતેલ ટાઈમ (ક્ષણ-સમય) અંગે મારો  અભિગમ આત્મસાધ થવાની સાથે મારી પરિવારિક જિંદગીનો ચહેરો બદલાઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance