તૃપ્ત લાગણી
તૃપ્ત લાગણી


જેમ મેહુલો અતૃપ્ત ધરતી પર વરસે એમ કેયુરનો પ્રેમ કેયુરી પર વરસી રહ્યો. વાત કરીએ કેયુરની. કેયુરના લગ્ન થયે પાંચ વરસ થયાં હતાં. એની પત્ની મયુરી ખૂબ પ્રેમાળ હતી. માતાપિતાની કાળજી લેતી. સ્વભાવ પણ ખૂબ જ સાલસ. બધાનું મન જીતી લે એવો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. ખૂબ સુખમય પરિવાર હતો. બંનેના પ્રેમ સ્વરૂપે ત્રણ વરસની દીકરી હતી. દીકરી પણ પરાણે વ્હાલી લાગે એવી. જાણે પરી જ જોઈ લો!
કેયુરને પોતાની દીકરી ખૂબ જ વહાલી હતી. એકવાર મયુરી કોઈક કામસર પોતાની સહેલી સાથે એક્ટિવા પર જઈ રહી હતી. સામેથી ટ્રક આવી રહ્યો હતો. મયુરીની સહેલીનું ધ્યાન નહોતું. અચાનક જોયું તો એનું બેલેન્સ હલી ગયું. બંને પડી ગયા અને કાળમુખો ટ્રક બંને પર ફરી વળ્યો. કેયુરની હાલત ખૂબ ખરાબ હતી. એના જીવ કરતાંય વ્હાલી પત્ની એણે ગુમાવી હતી. અને બીજું એની નાનકડી કુમળી દીકરી ગોરલને કોણ સાચવશે ? અચાનક વિધાતાને શું સૂઝ્યું. મારો આટલી મહેનતથી બનાવેલો માળો પીંખી નાખ્યો.
પણ હવે વલોપાત કર્યા સિવાય કંઈ થઈ શકે એમ નહોતું ! કેયુર ખૂબ મથતો પણ એ મયુરીની જેમ ગોરલનું ધ્યાન રાખી શકે એમ નહોતો. નાનકડી કુમળી કળી જેવી ગોરલને માનો પ્રેમ કેમ આપવો ? ગોરલ પણ દિવસેને દિવસે સુકાઈ રહી હતી. એની વિહ્વળ આંખો માને શોધતી હતી. એને માનો એ કુમળો છાંયો ન્હોતો મળી રહ્યો.
કેયુર ને કોઈકે બીજા લગ્ન માટે કહ્યું. કેયુર પોતાની મયુરીનું સ્થાન બીજા કોઈક ને કેમ આપે ? કદાચ એ બીજા લગ્ન કરે તો નવી આવનાર સ્ત્રી પોતાની પ્યારી દીકરીને માનો પ્રેમ આપી શકશે ? કદાચ એ મારી દીકરીનું સરખું ધ્યાન ન આપે તો ! હજારો વિચારોનું વંટોળ કેયુરના મન માં ઊઠી રહ્યું હતું. કોઈકે કહ્યું કે પેલા દાના ભાઈની દીકરી ખૂબજ સરસ છે. દાનાભાઈ પાસે પૈસા નથી એટલે રુપાળી દીકરી આમને આમ ઘરડી થઈ જશે પરણ્યા વગર. બધાને દીકરીના ગુણ કે ખાનદાની નથી દેખાતી. બધાને તો કરિયાવર ના ઢગલા જોઈએ છે.
દાનાભાઈની દીકરી એટલે કેયુરી. કામકાજમાં અવ્વલ. ખૂબ ગુણવાન. પરિવારમાં બસ દાનાભાઈ અને કેયુરી. માંડ બે ટંક ખાવાનું મળે. એટલી બધી ગરીબી. કેયુરી પણ યુવાન થઈ પણ એની ગરીબી એને ભાવિ ભરથારના સપનાં જોવાની પરવાનગી ન્હોતી આપતી. કેયુરનું મન ન્હોતું પણ માતાપિતાની ઈચ્છા આગળ નમવું પડ્યું. માતાપિતા જઈને કેયુરીને જોઈ આવ્યા. કેયુર એ સાથે આવવાની ના પાડી. બંને કેયુરીને જોઈ આવ્યા. બંનેને કેયૂરી ખૂબ ગમી અને લગ્ન માટે હા પણ પાડી દીધી. કેયુરના માતાપિતાએ દાનાભાઈને કહ્યું કે અમારે કરિયાવરમાં કઈ નથી જોઈતું ,બસ કેયૂરીને અમારા ઘરે મોકલી દો. વાત પાકી કરીને બંને ઘરે આવ્યા. ખૂબ જ સાદાઈથી ઘડિયા લગ્ન લેવાયાં.
કેયુરી સાસરે આવી. પહેલીવાર કેયુરને જોયો. એણે સપનાંમાં પણ ન્હોતું વિચાર્યું કે આવું ઘર અને આવો વર મળશે ! કેયુરની આંખોમાં એક પ્રકારની ઉદાસી દેખાઈ. કેયુરીને લોકો એ કહ્યું હતું કે કેયુર એની પહેલી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. એણે ગોરલને જોઈ. જોતાં જ વ્હાલ કરવાનું મન થાય એવી રૂપકડી દીકરી હતી !
પહેલી રાતે કેયુરી ઓરડામાં બેઠી હતી. કેયુર આવ્યો અને સીધુંજ કેયુરીને કહ્યું," જો કેયુરી, હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને હજુ પણ કરું છું. મારી દીકરી માટે થઇને અને માતાપિતાની ઈચ્છાને કારણે માટે લગ્ન કરવા પડ્યા છે. મારા તરફથી જરાય પ્રેમની અપેક્ષા ન રાખતી." આટલું કહીને કેયુર ઓરડામાંથી બહાર નીકળી ગયો.
કેયુરીને કંઈ સૂઝ્યું નહિ. કદાચ હજુ પણ નસીબમાં વેઠવાનું બાકી હશે. એમ વિચારી સૂઈ ગઈ. સવારે વહેલા ઊઠી ઘરના બધા કામ આટોપી લીધા. અને પછી ગોરલ ને લઈને બેસી ગઈ. કેયુર દરરોજ આવું કરતી. ફટાફટ બધું પતાવીને ક્યારે એ ગોરલ ને લઈને બેસે એની ઇન્તેજારી રહેતી. જાણે કે પોતાની દીકરી હોય એમ એને ખૂબ વ્હાલ કરતી. વ્હાલથી ખવડાવતી,પીવડાવતી. એની દરેક વસ્તુની કાળજી લેતી. સાસુ સસરાની સેવાચાકરી કરતી. કેયુરી ગોરલને સાથે લઈને જ સૂતી. ગોરલ પણ હવે કેયુરી સાથે રહેવા ટેવાઈ ગઈ હતી. કેયુર બધું જોયા કરતો.
કેયુરના હૃદયમાં કેયુરી માટે માન ઉપજ્યું. પોતે જન્મ નથી આપ્યો છતાં કેયુરી ગોરલનું કેટલું બધું ધ્યાન આપે છે. હવે મને મારી દીકરીની ચિંતા નથી. ધીરે ધીરે હવે એ થોડી ઘણી વાત ચીત કરતો. બંને થોડું હસી લેતા.
વાતાવરણ માં પલટો આવ્યો. ચોમાસાની શરૂઆત થવા જઈ રહી હતી. અને થયું એવું કે વાતાવરણમાં ફેરફારને કારણે ગોરલને શરદી થઈ ગઈ. એમાં તો કેયુરી બેચેન થઇ ગઈ. ડોક્ટરને બતાવી આવી. સાસુને પૂછીને દેશી ઉપચાર કરવા લાગી. આખી રાત ગોરલના માથે હાથ ફેરવતી જાગતીજ રહી. કેયુર પણ થોડી થોડી વારે આવીને જોઈ જતો. કેયુરીએ આંખનું મટકું ય ન માર્યું. ગોરલ સાજી થઈ ત્યારે એને શાંતિ થઈ.
ગોરલને હવે સારું હતું અને એ સૂતી હતી. કેયુર બાજુના ઓરડામાં હતો. પોતાની સાસુને ગોરલની બાજુમાં બેસાડી કેયુરી સવારના કામ પતાવવા બહાર આવી.
કેયુરે કેયુરીને બોલાવી. કેયુરી ને થયું કે કંઇક કામ હશે. પણ ખરેખર કેયુર ના મનમાં કેયુરી માટે પ્રેમ ઉમડ્યો હતો. કેયુરી જેવી ઓરડામાં દાખલ થઇ એવો જ કેયુર એને ભેટી પડ્યો. અચાનક આવા અણધાર્યા બદલાવથી થોડી વાર તો કેયુરીને કાઈ સમજાયું નહિ.
બહાર મેઘો ધરતી પર ઓળઘોળ થવા તડપી રહ્યો હતો,એવી જ હાલત કેયુરની હતી. બહાર અતૃપ્ત ધરતી મેહુલાંના પ્રેમ થી ભીંજાઈ રહી હતી અને અંદર કેયુરી કેયુરના પ્રેમથી !
જેમ મેહુલો અતૃપ્ત ધરતી પર વરસે એમ કેયુરનો પ્રેમ કેયુરી પર વરસી રહ્યો !