ત્રાજવું
ત્રાજવું
" ત્રાજવું " એટલે કે જે સમતોલન જાળવી રાખતું હોય, જે વધ - ઘટ ને બરોબર માપી શકતું હોય,..
બસ, તો પ્રેમમાં પણ કઈક એવુંજ છે, જ્યાં ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ આવેજ છે.
બધુંજ સરસ, મનમરજી અને ઈચ્છા અનુસાર થતું હોય, તો શું વાત હોય નહિ, પરંતુ આ જીવન છે, અને પ્રેમ એ એક એવી ગાડી છે જ્યાં ક્યારેક ઉતાવળ તો ક્યારેક રુકાવટ આ આવીને જ રહેશે..
પ્રેમમાં ભરતી ની જો હું વાત કરું તો, એક આહ્લાદક અનુભવની સાથે એકબીજાને પુષ્કળ પ્રેમનાં દરિયામાં ડૂબકી મારવાની ઈચ્છા હોતી હોય છે, અને બે એકબીજામાં ગળાડૂબ પ્રેમીઓ આનો સ્વાદ લેતાં જ હોય છે, પરંતુ પ્રેમની કોઈ કિંમત નથી હોતી, પ્રેમ પોતાનામાં જ એક અમૂલ્ય ઉદાહરણ છે.
ક્યાંક એકબીજામાં પ્રતીત થતો પ્રેમ છે, તો ક્યાંક તૂટતાં હૃદયની હાર છે.. ક્યાંક એકબીજામાં ઓતપ્રોત થઈ લાગણીઓ વહેતી હોય છે, તો ક્યાંક એકબીજાથી દૂર થતાં વિચાર પણ નથી આવતાં. ક્યાંક વણ બોલે એકબીજામાં ખોવાઈ જવાય છે, તો ક્યાંક નહિ બોલવાનું કહી દેવાય છે.
ક્યાંક રૂપને નહિ જોતાં, મન વંચાઈ જાય છે, તો ક્યાંક એકમેક સાથે ઘણાય વર્ષો રહી સમજાતું નથી.
જ્યાં બોલી ને જતાવવું પડે ત્યાં લાગણી ભર્યા " વેણ " નકામા...
જ્યાં મનની વાત કહી દેવાઈ હોય અને છતાં ન સમજાયું હોય, એ લાગણી નકામી....
જ્યાં સંબંધોમાં મીઠાશ એ કટું શબ્દોનું સ્થાન લઈ લીધું હોય એ ભાવના નકામી....
જ્યાં સાથી સંગાથી ન હોય ત્યાં સાથે રહેવાનો સાથ નકામો...
જ્યાં સમજદારીની વ્યાખ્યા પૂરવાર ન થતી હોય એ વિશ્વાસ નકામો...
એકજ સોસાયટીમાં રહેતાં બે અલગ અલગ કપલની વાત કરીએ... ચાલો એમનું ત્રાજવું એમનાં પ્રેમનું કેટલું સમતોલન જાળવે છે.!?..
હર્ષા અને જયેશ ખૂબ સમજું, એકબીજાને પ્રેમની સાથે માન અને સન્માન પણ કરતાં. એકબીજાની બધીજ વાતો ને સહજરીતે કહ્યાં વગર સમજી લેતાં, પોતપોતાનાં કામ પતાવી એકબીજાને સમય આપવો, એકબીજાને સાંભળવા.. ખૂબ મહત્વની વ્યાખ્યા જે સમતોલન ને ખરી રીતે સાચવવાનું કામ કરતી હોય છે એ એટલે એકબીજા સાથે થોડો યોગ્ય સમય વિતાવવો.
યોગ્ય સમય પર કરેલાં યોગ્ય કામ એ સાચેજ યોગ્ય સમય પર કારગર નીવડે છે, પરંતુ ત્યારે જ જ્યારે આપણી બંને તરફથી સંબંધ નિભાવવાની ક્ષમતા સક્ષમ હોય, પરિપૂર્ણ હોય... ત્યારે અને ફકત ત્યારેજ એ કાર્ય માં બંનેનો સહયોગ દેખાતો હોય છે.
જ્યારે બીજી બાજુ પંકજ અને જ્યોતિ બેવ વચ્ચે પુષ્કળ પ્રેમ, પરંતુ અધિકાર જતાવ્યા સિવાય કોઈ કાર્ય જ ન દેખાય. પ્રેમમાં હક્ક, કે અધિકાર અદ્રશ્ય રહી કાર્ય કરતો હોય, જે જતાવવો પડે એ પ્રેમ શું કામનો ? એકબીજાને મનદુઃખ કર્યા વગર વાતની સમજદારી પૂર્વક વાત ની પતાવટ થઈ જાય તો યોગ્ય છે, સતત એકબીજાને સંભાળવા કે....." સાંભળવા " એ વધુ મહત્વ નું છે.
જબરદસ્તીથી જતાવું પડે એ લાગણી અને માંગણી શું કામની ? પ્રેમની આપ લે માં સ્વેચ્છાને જ સ્વીકાર્ય કરવું જોઈએ.
ક્યાંક કઈક જોડાતું હોય.... તો કયાંક કઈક તૂટતું હોય....
ક્યાંક જોડાઈ રહેવા માટે કરાતા પ્રેમભર્યા પ્રયત્નોની માળ...
ક્યાંક છૂટવા કરતાં અનહદ પ્રયાસ...
આ બે વચ્ચેનું માપદંડ નક્કી થાય એટલે જ " ત્રાજવું "..
જે સમતોલન ભરતી ઓટ વચ્ચે... ક્યારેક વધારે તો ક્યાંક ઓછું જણાય છે આ જિંદગીની સચ્ચાઈ છે કે દરેક વખતે પરિસ્થિતિ કોઈની પણ એકસરખી નથી રહેતી, અને ના રહી શકે...
થોડું ઉપર નીચે થયા વગર સમતોલન સાચે જ જાળવવું અશક્ય છે. અને પ્રેમમાં ભરતી ઓટ આવે, આવવીજ જોઈયે કદાચ, ન આવે તો ક્યાં સમજાય છે, લાગણી નું સ્થાન..!
એકમેકને સમજવાથી, અને થોડું સાચવી અને સાંભળી લેવાથી ઘણા પ્રશ્નોના જવાબ આપો આપ મળતાં જાય છે, અને એમાંથીજ બીજી સારી ઘણી બાબતોનો ઉદ્દભવ થતી હોય છે.
બસ, ભરતી અને ઓટ એ સંબંધની એક એવી સીડી હોય છે જ્યાં ક્યારેક ગતિ વધતી હોય અથવા ઓછી થતી હોય છે. પરંતુ, કોઈપણ ઓટથી આપણી આપણાં પાર્ટનર સાથેની ગતિ અટકવી ન જોઈએ, ભલેને મંદ મંદ ચાલે પરંતુ, ચાલતી રહેવી જોઈએ.

