"તમે શું ખરચ્યું?"
"તમે શું ખરચ્યું?"


"મોટાભાઈ , સુરતમાં માંડ-માંડ ભાડું ભરૂ છું." નિલેશ ટાંકામાંથી પાણીની ડોલ ભરતાં- ભરતાં બોલ્યો.
"માડી અમને એકલાને કાઈ મકાન દઈને નથી વયા જવાના, ત્યારે તો કોઈ ભાગ નહીં મુકો અને અમેય સુરતમાં જ રહીએ છીએ . ક્યાંય મફતમાં નથી રહેતા. ભાડું તો અમારેય થાય છે. રેવું હોય તો ભાડું થાય" સુરેશની વહુ શાંતા મોઢું મચકોડતી બોલી.
"ભાભી તમને અને મોટાભાઈ બંનેને મારી પરિસ્થિતિની ખબર જ છે", નિલેશે ડોલ બાથરૂમમાં મુકતાં કહ્યું.
" કોઈની પરિસ્થિતિ સારી નથી. અમારેય છોકરાં છે. આ તો તારા ભાઈ મોઢાના મોળા એટલે મારે બધેય આંખ્યે થવું પડે.", શાંતા ઉજીડોશીના ખાટલા પાસે જઈને બોલી. "સો વાતની એક વાત, હું આ જૂના મકાનના રિપેરિંગ માટે ખર્ચો નહીં આપી શકું અને મારો ભાગ જોતો હોય તો એકાદ વર્ષ ખમવું પડશે."
નિલેશે પોતાની બેગમાંથી ટુવાલ કાઢતાં કહ્યું. "હા તે અમારેય ક્યાં ઉતાવળ છે. આવતા વર્ષે વાત ."
" તમારા ભાઈ એકલા તો ખર્ચો નહીં કરે. જાવ નાહી લ્યો. અમે તો કેદુના નાહી રહ્યાં. વતનમાં હાલ્ય, વતનમાં હાલ્ય! આયા આવીને દર વખતે દિવાળી બગાડવાની." શાંતા બબડતી- બબડતી રસોડામાં જતી રહી. નિલેશ નહાવા જતો રહ્યો. સુરેશ સૂતો હતો. તેના બાળકો પણ સૂતા હતા. નિલેશની વહુ બાજુના ગામે તેનું પિયર હતું એટલે મળવા ગઈ હતી. ગામનું ઘર હવે પડું-પડું થઈ રહ્યું હતું અને એનાં કરતાંયે એક આખી ઉજળી પરંપરા અને સંસ્કૃતિ ખતમ થવાને આરે હતી તેનો ઉજીડોશીને ભારે વસવસો હતો. દર વર્ષે બંને ભાઈઓ ઝઘડીને જતાં રહેતાં. ઉજીડોશી આગળ કઇ મરણમૂડી નહોતી. ઉનાળામાં ને શિયાળામાં તો બહાર ખાટલો ઢાળીને પડી રહેતી પણ ચોમાસામાં બિચારી મૂંઝાતી. જોકે કોઈને ફરિયાદ નો કરતી. બે-બે દીકરા હોવાં છતાં તે ગામડે એકલી પડી હતી. બેમાંથી એકેય સુરત લઈ જવાનું નામ નહોતા લેતા. પાડોશી ક્યારેક પૂછે તો શાંતા અને રેખા બેય કહેતી ," અમારા બા આયા પખતાણમાં રયેલાં એટલે ન્યા સુરત નો ફાવે."
બપોર પછી રેખા આવી. શાંતા તૈયાર જ હતી. "લ્યો આવ્યા બેન બા. અમારે ઢસરડા કરવાના ને રાણીબા ને રાખડવાનું. આ તારા ધણી એ આજ લગીન આ ઘર પાછળ એક રૂપિયો નથી ખરચ્યો."
"મોઢું સંભાળીને બોલજો મોટીબેન. તમે ૪૦૦૦ રૂપરડી દીધી એમાં સંભળાવવાની કાઈ જરૂર નથી અમેય એક વાર ૧૨૦૦ રૂપિયા ભાંગ્યા છે." રેખા મક્કમતાથી બોલી.
ક્યારનાયે આ ખેલ જોઇ રહેલ ઉજીડોશી બોલ્યાં,"એમ તો મારેય ખર્ચો થયો છે."
શાંતા, સુરેશ, નિલેશ અને રેખા આશ્ચર્યના ભાવથી વિધવા ઉજીડોશીને જોઈ રહ્યાં. "હું આવી તેદુની તો મેં કોઈ દી નથી ભાળ્યું. તમે વળી શું ખરચ્યું?" શાંતા ઉધડો લેતાં બોલી. ગળગળા થઈ ઉજીડોશી બોલ્યાં, " જીવતર. "