Leena Vachhrajani

Abstract

4  

Leena Vachhrajani

Abstract

તઘલખી દુનિયા

તઘલખી દુનિયા

2 mins
208


મા બાપની એકની એક લાડકી અમી માર્કેટિંગમાં ડિસ્ટિંક્શન સાથે માસ્ટર્સ થઈ. એમ.બી.એ.ની ડિગ્રી કોન્વોકેશન સમારંભમાં તેને સુપરત કરવામાં આવી. પપ્પા તો અમી દીકરી નહીં દીકરો છે એમ જ બધાને કહેતા ફરે. મમ્મી પણ લાડકી દીકરી માટે ઓછી ઓછી થાય. માસ્ટર્સ થયેલી દીકરી માટે હવે મુરતિયા શોધવાની વાત મમ્મી પપ્પા વચ્ચે શરૂ થઈ. પણ અમીએ જોબ કરવાનો આગ્રહ કાયમ રાખ્યો. દુબઈની એક મોટી કંપનીમાં સારા પગારની જોબ મળતાં અમી આંખોમાં સપનાં લઈને દુબઈ પહોંચી. પપ્પાની નોકરી હજી ચાલુ હતી એટલે મમ્મી પપ્પા સાથે ન જઈ શક્યાં એનો ત્રણેયને સહેજ વસવસો થતો પણ અમીની આંખે દુનિયાની ઝાકઝમાળ સાંભળીને મા બાપ દીકરીના સુખે રાજી થતાં. ધીરે ધીરે કંપનીના કાયદા, ફાયદા, ગેરફાયદાથી અમી પરિચિત થતી ગઈ. બસો કર્મચારીના સ્ટાફમાં બે ચાર નક્કામા, લફંગા લોકોથી અમી દૂર જ રહેતી. છતાં એ દિવસે કંપનીમાં નવા વર્ષની ઉજવણીની શાનદાર પાર્ટીમાં રાકેશ સાથે માથાકૂટ થઈ જ ગઈ. 

અમીએ એની સાથે ડાન્સ કરવાની ના પાડી અને એ તથા એના માથાભારે મિત્રોએ પાર્ટીમાંથી ઘેર જતી અમીને આંતરીને એને જેમતેમ કહેવાનું ચાલુ કર્યું. એ તો અમીની પાછળ જ બીજા ચાર કર્મચારી પણ પાર્ટીમાંથી નીકળ્યા એટલે અમી બચી ગઈ.

બીજે દિવસે અમીએ બોસને ફરિયાદ કરી. તો બોસે એની અપેક્ષા વિરુધ્ધ જવાબ આપ્યો.“જો અમી, આપણે આપણા દેશમાં રહેતા હોઈએ તો કોઈ પણ બબાલને પહોંચી વળાત. પણ આ તો સુલતાનનો દેશ. અહીંના કાયદા, કાનૂન, રિવાજ બહુ જડ અને કડક છે એટલે આ દેશમાં આવી નાની વાતમાં કોઈ સાથે ધડ ન કરવી સારી. તને ન ગમે તો રાકેશ જેવા લોકોથી દૂર રહેવું. અને આ એકવીસમી આધુનિક સદી છે એમાં મિત્રતા, અમુક સંબંધો આ બધી બાબત બહુ સામાન્ય ગણાતી થઈ ગઈ છે. હું આવી નાની વાતનું મોટું સ્વરૂપ બનાવીને મારી કંપનીને નુકસાન પહોંચાડવા નથી માંગતો.”

અમી સ્તબ્ધ હતી. નવા દેશમાં ઉજળું ભવિષ્ય બનાવવા જતાં ક્યાંક પોતે જાત ન ખોઈ બેસે એ વિચારે રાત આખી અસ્વસ્થ હતી. પારકો દેશ, પારકા લોકો, પારકી સામાજિક વ્યવસ્થા પોતે નહીં સ્વિકારી શકે એ મનમાં બેસતું જતું હતું. અમીને બહુ અફસોસ થતો હતો કે મમ્મી તો કદાચ પ્રેમમાં દુબઈ જવાની ના પાડી રહી હતી પણ પપ્પાએ તો અનુભવથી તેની સામે સારાં નરસાં બધાં પાસાં રજૂ કર્યાં હતાં તોય પોતે નહોતી માની. 

બે દિવસ સતત મનોમંથન બાદ અમીએ રાજીનામું આપી દીધું. પપ્પા મમ્મીને ફોનમાં જણાવ્યું કે પોતે પરત આવવા માંગે છે. અને અમી પોતાનાં સ્વમાનને અખંડ રાખીને સ્વદેશ પાછી ફરી. એકવીસમી સદીનાં મા બાપે વધુ પૂછપરછ કે મ્હેણાં માર્યા વગર દીકરીને ઉમળકાભેર આવકારી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract