Raman V Desai

Classics

0  

Raman V Desai

Classics

તેજલ પરણી ગઈ

તેજલ પરણી ગઈ

11 mins
858


ઘેમરપટેલને ઘેર લગ્ન થઈ ગયાં. તેજલ પરણી અને તે કાંઈ પણ ઝઘડા વગર. તેનું મુખ છેલ્લા થોડા દિવસોથી ઊતરેલું જ રહેતું. પરંતુ લગ્નને દિવસે તેણે મુખ ઉપર આનંદ ઉપસાવ્યો. મંગી ડાકણ ખરી પણ ધારી એટલી ખરાબ ન નીકળી એમ મુખી, તેમનાં સગાંવહાલાં અને ગામલોકને પણ લાગ્યું. લગ્ન વખતે ગામમાં અનેક અજાણ્યા માણસો આવે - વરપક્ષ તરફથી કે કન્યાપક્ષ તરફથી અને ઘેમરમુખીની પ્રતિષ્ઠા એટલી ભારે હતી કે તાલુકાના શેઠશાહુકાર અને અમલદારો પણ દુઃખ વેઠી લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. લગ્ન થતી વખતે તેજલની નજર દૂર બેઠેલા એક યુવાન ઉપર પડી.

'માનસીંગ આવ્યો ખરો !' તેજલના મનમાં વિચાર આવ્યો. પરંતુ એ જ વિચાર સાથે તેના મુખ ઉપર ભયંકર ગ્લાનિ છવાઈ રહી. કોની સાથે બ્રાહ્મણ તેનો હસ્તમેળાપ કરાવતો હતો ? મોતીજીની જગાએ માનસીંગ હોવો જોઈએ ને !

પરંતુ તેણે જરા વાર રહી સંતોષ માન્યો. લગ્ન તો માત્ર નામનું જ, આટલો પ્રસંગ ટાળી પિતાની આંખમાં ધૂળ નાખવા પૂરતું જ હતું. લગ્ન થઈ ગયા પછી ઘેમરમુખીની ચૉકી ઓછી થવાની અને તેને માનસીંગ સાથે જતા રહેવાની સગવડ મંગી જરૂર કરવાની. ભલે ને આખો મેવાસ આકળો થાય? મોતીજીને છેવટે ફારગતી કરી અપાશે – જોકે એનો બાપ અને એની મા એ પ્રસંગ પછી તેનું મુખ તો નહિ જ જુએ ! તેયે કોણે કહ્યું? વખત જતાં બધાં સમજી જશે.

લગ્ન થઈ રહ્યા પછી એકબે દિવસ જાન રહી. ઘેમરમુખીએ ખૂબ ખર્ચ કર્યો. પરંતુ બીજા જ દિવસથી ઝીણી ઝીણી વાત સંભળાવા લાગી કે તેજલને સાસરે વિદાય કરવાની નથી. તખતાજીનાં ઠકરાણી ખૂબ ગુસ્સે થયાં; અને તેને લીધે તખતાજી પણ ગુસ્સે થયા. મોતીજીએ ગુસ્સો કરવો કે નહિ તેની સમજ પડી નહિ – જોકે વધારેમાં વધારે ગુસ્સે થવાનું કારણ મોતીજીને હતું. તખતાજીએ ઘેમરમુખીને બાજુએ બોલાવી પૂછ્યું : 'મુખી ! આ શી વાત ચાલે છે ? તેજલને મોકલવાના નથી શું ?'

‘એની મા ના પાડે છે. નોરતાંની નોમે કુશ્પી માતા અને વાઘણી માતાને નાળિયેરચુંદડી ચડાવી દશરાનો મેળો જોઈ છોકરી આવશે.'

‘મુખી ! એ તો ન બને. મોતીજીની મા રૂસણું લેશે.'

‘હું કહું તે માનો ને ઠાકોર ! આટલું જો ન કર્યું હોત તો તેજલનાં લગન પણ ન થાત. અને મોતીજીની માને કહીએ કે એવાં રૂસણાં ન ચાલે ! એ રૂસણાંની ટેવમાં તો એક દીકરો ખોયો !' ઘેમરમુખીએ જૂની વાત ઉકેલી બન્નેનાં મોં બંધ કર્યા.

ત્રીજે દિવસે જાનને રાખવાનો આગ્રહ કરતા ઘેમરમુખી અને આગ્રહ કરાવતા તખતાજી સમક્ષ એક માઠા ખબર આવ્યા.

‘ઠાકોર ! કાલ રાતે આગ લાગી અને તેમાં તમારું ઘર, ડહેલી અને ભેંસો બળી ગયા.' એક ખેપિયાએ આવી સમાચાર આપ્યા.

‘શું કહે છે તું ? એ કોનું કામ ? મારા ઘરને આગ ?' તખતાજી ભભૂક્યા.

‘અને હજી તો તે પૂરી હોલવાઈ પણ નથી.' ખેપિયાએ કહ્યું.

આ સમાચાર પછી તખતાજીથી જાન લેઈ ત્યાં રહેવાય એમ ન હતું; તેજલને લેઈ જવાનો આગ્રહ પણ થાય એમ રહ્યું નહિ. મુખી જેવાની દીકરીને લઈ જઈને બેસાડવી ક્યાં ? ઘેમરમુખીએ મોતીજીને સંઝેરમાં રહેવા વિનવણી કરી, પરંતુ પોતાનો દીકરો ઘરજમાઈ બનવાની શરૂઆત કરે એ તખતાજીને રુચ્યું નહિ – જોકે મોતીજીને તો એ સૂચના અનુકૂળ આવી. પરંતુ બાપની બેવકૂફી પોષવાનો પુત્રનો ધર્મ હજી આ જંગલી અસંસ્કૃત પ્રજામાં જળવાઈ રહ્યો હતો, એટલે મોતીજીને પોતાની જાન સાથે જ પાછા ફરવું પડ્યું.

ગામ થાળે પડ્યું. છતાં જમાઈની મિલકત આગમાં બળી જાય એ ઘેમરમુખીને તો ન જ ગોઠે, ગામમાં અને સીમમાં રખડતી મંગીને એક દિવસ ઘેમરમુખીએ પૂછ્યું : ‘મંગી ! તારી નજર છેક તખતાજીના ઘર સુધી પહોંચી, શું ?'

‘મારી નજર તો કોણ જાણે ! પણ પેલા હરિસીંગની ચેહમાંથી તણખો ઊડ્યો હશે.'

'કયો હરિસીંગ ?'

‘હતો એક તખતાજીનો ભત્રીજો.' કહી મંગી ચાલી ગઈ. એને સંઝેર ગામમાં હવે કોઈ હેરાન કરતું નહિ. ડાકણ બનીને જાદુઈ શક્તિ પ્રાપ્ત કરી છે, એવી માન્યતા આખા ગામમાં અને ગામ બહાર પણ ફેલાઈ હતી. સહુને એની બીક લાગવા માંડી, અને તેની નજર ન પડે એની સહુએ કાળજી પણ રાખવા માંડી. ઘેમરમુખીની દીકરીને જોતજોતામાં લગનની હા પડાવનાર મંગીને મારવા ઝૂડવાની બિલકુલ મનાઈ હતી. મારવા ઝૂડવાથી તે મરતી પણ ન હતી એવી ખાતરી લોકોની થઈ ગઈ. ને જ્યાં સુધી ડાકણનો જીવ ન જાય ત્યાં સુધી તેની અનિષ્ટ કરવાની શક્તિ કાયમ જ રહેતી. મરતાં મરતાં પણ એકાદ બોલ એ બોલી જાય તો વજ્રલેપ સરખો ચોંટી મારનારની સાત પેઢી સુધી પહોંચે એવી ભીતિથી હવે ગામનું કોઈ માણસ મંગીને હેરાન કરતું નહિ. બને ત્યાં સુધી મંગીની નજરે ન પડાય તો સારું એમ સહુ માનતા હતા; અને કદી કદી બાળક છોકરાંને મંગી રમાડવા પ્રયત્ન કરતી ત્યારે બાળકના ભાવિ માટે ચિંતા કરી માબાપ બહુ જ ઝડપથી બાળકોને તેની પાસેથી ખસેડી લેતાં.

‘મુખી ! મને ગામમાં કોઈ કામ નથી આપતું.' એક દિવસ મંગીએ ફરિયાદ કરી.

‘તારે કામ શું કરવા કરવું પડે ?'

‘મારે ખાવું તો ખરું ને ! મને ભૂખતરસ લાગે છે.' મંગીએ કહ્યું.

‘ભૂખ લાગે એટલે મારે ત્યાં ચાલી આવજે.'

‘તેજલના હાથે અપાવો તો આવું.' મંગીએ હસીને કહ્યું. તેનું મુખ, તેનું હાસ્ય, તેનો પહેરવેશ અને તેનો દેખાવ બિહામણાં બનતાં જતાં હતાં. મંગી એક વાર ગામની સુંદરી ગણાતી; અનેક આંખોનું તે આકર્ષણ બની હતી; હવે તેના મુખ સામે જોવાને કોઈ ભાગ્યે જ તૈયાર હતું. છતાં ઘેમરમુખીએ કહ્યું : 'અરે તેજલ આપશે ! પછી કાંઈ ? તું બધે રખડવાનું છોડી દે.'

છતાં તે રખડતી. ભૂખી થાય ત્યારે તે ઘેમરમુખીને ત્યાં આવી જમતી અગર બીજે કોઈ સ્થળે ખાવાનું માગતી. એને ના કહેવાની પણ કોઈની હિંમત રહી ન હતી, જોકે તેના ગયા પછી તેના નામ ઉપર ગાળોનો વરસાદ વરસતો.

તે સૂતી પણ ગમે ત્યાં. કોઈ વાર તે પોતાની કે અભાજીની ઝૂંપડીમાં જઈને સૂતી; કોઈ વાર કુશ્પી માતાના મંદિરને ઓટલે પડી રહેતી; કોઈ વાર વાઘેણી માતાને વડે પણ રાત ગાળતી. સ્થળ અને કાળ તેને માટે મર્યાદા રહિત બની ગયાં હતાં.

શરૂઆતમાં બાળકો તેની પાછળ દોડતાં અને મંગી હસતી. પરંતુ માબાપોએ બાળકોને મંગી પાછળ દોડવાની સખત બંધી કરી દીધી હતી. ઘણુંખરું મંગી બોલતી જ નહિ. એને કોઈ કાંઈ કહે નહિ ત્યાં સુધી એ ગંભીરતાપૂર્વક કે કદી હસતે મુખે બેસતી અગર રખડતી. કોઈ તેને ચીડવે અગર તેની ટીકા કરે ત્યારે તે ગાળો દેતી. શાપ આપતી અને ગામલોકનાં બહાર ન પડેલાં કરતૂકોને જાહેર કરતી. એની ગાળો, એના શાપ અને એના કટાક્ષ એટલાં અસરકારક હતા કે થોડા સમયમાં જ તેને છોડતાં સહુ કોઈ હિંમત હારી જતું. ઘડીમાં તે ઘેલી લાગતી અને ઘડીમાં તે સહુને સ્વીકારવી જ પડે એવી સલાહ પણ આપતી.

તે ગામ બહાર જતી ત્યારે સહુને લાગતું કે તે કાંઈ મેલા પ્રયોગો કરવા જાય છે. ગામમાં મૃત્યુ થતાં તે મંગીની અસરનું પરિણામ ગણાતું. ગામમાં કોઈ માંદું પડતું તોય સહુને મંગીની જ નજર લાગ્યાનો વહેમ આવતો. ક્વચિત્ તે એકલી બેઠી બેઠી બબડતી અગર હસતી. કોઈ કોઈ વાર ચોધાર આંસુએ તે રડતી પણ ખરી – પરંતુ રડવાનો પ્રસંગ તે જવલ્લે જ શોધતી હતી. રાત્રે તે સ્મશાનમાં દાટેલાં બાળકોનાં મડદાં ખોદી કાઢી મેલી વિદ્યાના પ્રયોગો કરતી એવી પણ વાતો ચાલતી, અને કદી કદી જૂની ઓળખીતી સ્ત્રીઓ તેને પૂછવાની હિંમત કરતી ત્યારે તે ઉગ્રતાપૂર્વક બધી જ વાતોનો સ્વીકાર કરી સહુને ચેતાવતી પણ ખરી.

આવી બાઈ માટે એક જ ઇલાજ ઘેમરમુખીએ શોધ્યો હતો : તેજલ સાસરે જાય પછી એકાદ દહાડો મંગીને વિચાર પણ કરવાની તક ન મળે એટલી ઝડપે કાપી નાખવી - અગર ચોમાસામાં ભરેલી નદીમાં હડસેલી દેવી ! કોઈને એ વાતની ખબર તો પડે જ નહિ. કારણ ઘણી વાર ઘેમરમુખીનો ડાબો હાથ પણ જાણી શકતો ન હતો કે મુખીનો જમણો હાથ શું કરી રહ્યો છે ! બન્નેની પેરવી તો તેમણે કરી જ રાખી હતી. પરંતુ તેજલને વળાવવાના દિવસ સુધી મુખીએ રાહ જોઈ, અને તેજલ તથા મંગીને બહુ જ ખુશ રાખ્યાં.

એ દિવસ આવતાં કાંઈ વાર લાગે છે ? ચોમાસું જરા કાચું પડ્યું. તેની બીજી કશી હરકત ન હતી; પાક તો આમે ગામમાં સાધારણ જ થતો હતો; ઓછો વરસાદ હોય તો મુખીનો કાર્યપ્રદેશ વધારે વિસ્તૃત બને. પણ મુખ્ય હરકત એ હતી કે મંગીને ધકેલી દેવા જેટલા પૂર કુશ્પીમાં હજી સુધી આવ્યાં નહિ. પાણી આવ્યાં ત્યારે પાછલા ભાગમાં - છેક આસોની શરૂઆતમાં.

નવરાત્રમાં કુશ્પીમાતાને ટેકરે આખા ગામની સ્ત્રીઓ અને યુવતીઓ ભેગી થતી અને ગરબા ગાતી. તેજલ પણ ત્યાં જતી અને અત્યંત આનંદપૂર્વક ગરબામાં ભાગ લેતી હતી. તેજલનું રૂપ મંગીને પણ ગમે એવું થયું હતું, એનો અવાજ પણ કોયલ જેવો ટહુકતો અને રણકતો હતો. બધા ગામને બહુ મઝા પડી. તેમાંયે ઘેમરમુખી દીકરીના લગ્નને બહાને સારી ઉદારતા બતાવી રહ્યા હતા. માત્ર આ નવરાત્રમાં વરસાદ ઘણો થયો. અને ડુંગરામાં તો હદ બહારનો થયો લાગ્યો. કુશ્પીનાં પાણી બન્ને કાંઠે ભરાઈ ગયાં અને સંઝેરમાં વરસાદ બંધ પડ્યો તોય પાણીનાં પૂર વધ્યે જ ગયાં. તે એટલા બધાં વધ્યાં કે ટેકરાને એક રાતમાં ડુબાડી દેશે કે શું એવો ભય સહુને ઉત્પન્ન થયો.

પૂર આવવા છતાં દશેરાનો મેળો અટક્યો નહિ. સામે પારના ગામમાંથી લોકો ન આવી શક્યા, તોય આ પારની વસ્તીએ મેળામાં સારો ભાગ લીધો. નાની નાની દુકાનો ગામમાં ગોઠવાઈ હતી. પાણીનો ભય હોવા છતાં કુશ્પી માતાના ટેકરા ઉપર પણ મુખીની મહેરબાનીથી કેટલાક લોકોએ દુકાનો નાખી. નટ, જાદુગર અને બહુરૂપીના ખેલ પણ ચાલુ થઈ ગયા અને લોકોએ મેળાનો આનંદ લેવા માંડ્યો.

નદીમાં પાણી ભરેલાં હતાં એટલે રેતીના પટમાં ઘોડાની શરત થઈ શકી નહિ. અને ચોગાન એટલું મોટું ન હતું કે ઘોડાઓ દોડી શકે. વળી ચોગાનમાં માણસોની ભીડ પણ ભારે હતી. તોય તીરકમાન, બનાટી અને તલવારની રમતો ઠીક પ્રમાણમાં રમાવા લાગી. લોકોના ટોળાં ઊભરાવા લાગ્યા, અને જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ સર્વનો ઉત્સાહ વધવા લાગ્યો. વાંસળીઓ વગાડતા શોખીન મહેવાસીઓ અને ઉત્સવમાં ઘેલી બનેલી મહેવાસી નારીઓ ઉતાવળે, દોડતાં. રમતાં જેટલો આનંદ લેવાય તેટલો લેતાં હતાં.

મંગી માતાના ઓટલા નીચે એક ખૂણામાં લપાઈને બેઠી હતી. તેની આંખમાં જીવ આવ્યો. તેજલ સારાં રૂપાળાં ઘરેણાં લૂગડાં પહેરીને આવી, અને તેની પાછળ એક યુવક પણ સારાં કપડાં પહેરેલો આવતો દેખાયો. તેણે ઠાકોરશાહી સાફો બાંધ્યો હતો, સાફાને છોગે ફૂલ લટકતાં હતાં; તેના હાથમાં સોનાનાં કલ્લાં હતાં; તેની આંખ પણ કાજળથી આંજેલી હતી; ચકચકતાં અવાજદાર કાળાં બૂટ તેણે પહેર્યા હતાં, અને તેના હાથમાં એક નેતરની સોટી હતી. બીજા બધા પુરુષોમાં તે જુદો પડી આવતો હતો. - જેમ તેજલ અન્ય સ્ત્રીઓમાં ભાત પાડતી હતી તેમ.

મંગીની પાસે થઈને જતી એક છોકરીએ કહ્યું :

‘પેલો મોતીજી ! જોયો ? શું તેજલનું ભાગ્ય છે !' કહી તે છોકરી આગળ ચાલી ગઈ.

મંગીના મુખ ઉપર સ્મિત આવ્યું. એ સ્મિતમાં વ્યવસ્થિત ક્રૂરતા ભરેલી હતી.

મોતીજીને ખાસ આગ્રહ કરી ઘેમરસીંગે બોલાવ્યો હતો. તેજલ જે દિવસે વિદાય થવાની હતી. નવરાત્રી અને દશેરાના ઉત્સવ મેળામાં મોતીજી પણ આવીને ભળે, તેજલનું મન તેનાથી માને એવા સંજોગો ઊભા થાય, અને બન્નેને સાથે જ વિદાય કરાય તો વધારે સારું અને વધારે પ્રતિષ્ઠાભર્યું, એમ માની ઘેમરમુખીએ પણ ખાસ આગ્રહ કરી જમાઈને પોતાને ઘેર બોલાવ્યો હતો. મેળાના પ્રસંગે જમાઈએ ખૂબ સુશોભિત વસ્ત્રો પહેર્યા હતાં અને મહેવાસના આગેવાનના જમાઈને શોભે એવી છટા પણ સ્ફુટ કરી હતી.

મંગીએ માત્ર બડબડાટ કર્યો : ‘ઠાકોરનો દીકરો ! હાથમાં તલવાર હોય કે સોટી ?... અને પેલી છોકરીને તેજલના ભાગ્યની અદેખાઈ આવે છે ! શી જાત થઈ ગઈ છે !'

મંગીના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો. એણે પાછળ જોયું, તેજલનું મુખ હસી રહ્યું હતું.

'કેમ? બીક તો નથી ને ?' મંગીએ પૂછ્યું.

'ના રે ! મરવાને તૈયાર હતી, તો આ તો તરવાનું છે !' તેજલે કહ્યું.

'આ બધા ભાર સાથે નહિ તરાય.'

‘આંખ મીંચીને ઉઘાડતામાં બધું બની જશે.’ કહી તેજલ ગરબામાં ભાગ લેવા ચાલી ગઈ.

ગરબાની આસપાસ પુરુષોનું ટોળું ભેગું થયું હતું. મંદિરનું એક નાનકડું આસન બાજુએ પથરાયું હતું. તેના ઉપર કોઈને બેસવા દેવામાં આવતું નહિ. માત્ર મોતીજી આવ્યો એટલે પાસે ઊભેલા માણસે તેને વિવેક કરીને આસને બેસાડ્યો. મોતીજીએ ટોળા સાથે ગરબા જોવા માંડ્યા. ગરબા ગાનારીઓનો ઉત્સાહ માતો ન હતો; ટેકરાની કરાડે ઊછળતી કુશ્પીનો ઉત્સાહ પણ માતો ન હતો. ગરબા ખૂબ જામ્યા.

એકાએક સાધારણ કપડાં પહેરેલો એક યુવક હાથમાં તલવાર ઝાલી ટોળામાંથી બહાર નીકળ્યો. ચારે પાસ તેણે નજર નાખી. ગરબા સહજ જોયા. તેજલની અને તેની આંખ મળી; એણે આંખ ફેરવી લીધી અને મોતીજી તરફ ગર્વભર્યા ડગલાં માંડતો પહોંચી ગયો.

‘ઠાકોર ! જગા કરો; બેસવા દો.' તેણે મોતીજીને કહ્યું.

‘બેસ ! આટલી બધી જગા છે ને ?' આસન વગરની ધૂળવાળી જમીન મોતીજીએ બતાવી. અલબત કૈંક પુરુષો ધૂળ ઉપર ઊભા કે બેઠા હતા.

‘ત્યાં બેસનારો હું નહિ, ઠાકોર ! એક વખત ફરી કહું છું. કાં તો મને બેસવા દો કે તમે આસન ઉપરથી ઊઠી બધા ભેગા બેસો, નહિ તો તમારું માન રહેશે નહિ!'

‘તું છે કોણ ?'

‘તું એક વખત ઊભો થા, પછી હું કોણ છું તે કહું !' કહી તેણે મોતીજીનો હાથ પકડી આસન ઉપરથી ઊભો કરી દીધો. ગરબામાં ભંગાણ પડ્યું. લોકો ટોળે વળવા માંડ્યા. મોતીજીની સલામતી અને સાહેબી માટે આવેલા તેના સાથીદારો પણ વિચારમાં પડ્યા. મોતીજી ખૂબ માનભંગ થયો. તેનાથી એ સ્થિતિ સહેવાઈ નહિ. ગુસ્સામાં આવી તેણે પોતાની નેતરની સોટી સામા યુવકને ફટકાવી.

'હત્ ભૂંડા ! સોટી વાપરે છે? કહે તો આપું તલવાર કે તીરકામઠું, આવી જા સામે !' યુવકે કહ્યું.

આવા પ્રસંગોમાં દ્વંદ્વયુદ્ધ સહુના નિરીક્ષણનો વિષય બની જાય છે. બે લડતા હોય તેમાં ત્રાહિતે વચ્ચે પડવું એ ભયંકર અનીતિ મનાય છે. મોતીજીએ ચારે પાસ જોયું. તેના મુખ ઉપર સહજ વિકળતા દેખાઈ. તે જાણતો હતો કે આવા પ્રસંગે સામો જવાબ આપવો જોઈએ. પરંતુ તેના મુખમાંથી વાચા ન નીકળી. 'લે આ મારી તલવાર !' કહી યુવકે તલવાર સામે ધરી. પરંતુ મોતીજીએ તે હાથમાં ન લીધી એટલે યુવકે મોતીજીના ગાલ ઉપર એક સખત તમાચો ચોડી કાઢ્યો.

'જો મારું નામ માનસીંગ. સંઝેરનો રહીશ છું.' યુવકે કહ્યું.

'અલ્યા માનિયા !... મૂરખ !... મરવાનો છે ?...' કહેતા કેટલાક માણસો આગળ ધસી આવ્યા. માનસીંગે તલવાર ખેંચી અને કહ્યું :

'આઘા રહો, નહિ તો મારે બદલે તમે બધા મરશો. ઝઘડો મારી અને મોતીસીંગની વચ્ચે છે.’

'ઘેમરમુખીને બોલાવીએ.' કોઈએ કહ્યું.

'અરે ઘેમરમુખીના પીરને બોલાવો ને... જો, મોતીજી ! તારો હાથ ઊપડતો નથી; તને જતો કરું છું. પણ તને અને તારી સાત પેઢીને યાદ રહે કે ભાઈને મારીને ભાઈની બૈરી ઊંચકી જનારના છોકરાનું નાક સલામત નથી.' કહી ખુલ્લી તલવાર વડે માનસીંગે મોતીજીના નાક ઉપર જખમ કર્યો. લોહી નીગળતો મોતીજી નીચે બેસી ગયો.

'અને એની બૈરી પણ સલામત નથી; એને બીજું જ કોઈ ઊંચકી જશે !' માનસીંગે કહ્યું.

'કોણ તેજલને હાથ અરાડે છે જોઉં !' ઘેમરપટેલનો દૂરથી અવાજ આવ્યો.

'માનસીંગ ! અભાજીનો દીકરો ! કેમ તેજલ ! હિંમત છે?' માનસીંગે કહ્યું.

ઘેમરમુખી પાસે આવતા પહેલાં તો તેજલ માનસીંગને બાઝી પડી.

‘ચાલ ત્યારે, કૂદી પડ !'

ઘેમરમુખીનું ધારિયું માનસીંગને અડકે તે પહેલાં તો માનસીંગ અને તેજલ પરસ્પરને બાઝી. કુશ્પીના પૂરમાં કૂદી પડ્યાં. પૂરમાં પડતા બરોબર તાણને લીધે બન્ને જણ ખૂબ આગળ નીકળી ગયાં.

તીરકામઠું લઈ એક માણસ ઘેમરમુખીની પાસે ઊભો હતો. ટોળું નદી તરફ મુખ કરી રહ્યું. ઘણાને તો ખબર પણ ન પડી કે શું થયું ! એ ધાંધળમાં ઘેરમમુખીએ તીરકામઠું ખેંચી લઈ તેને ચડાવ્યું. તીર તરતા યુગલ ઉપર બરાબર પહોંચી ગયું. તીર ઉપર મોત બેઠું હોય તેમ લાગ્યું.

એ કોઈને વાગ્યું ખરું ? એક ન વાગે તો બીજું, અને તેની પાછળ ત્રીજું. મુખીએ ત્રણ તીર તાકીને માર્યાં.

નદીમાંથી હસવાનો અવાજ આવ્યો. કિનારા ઉપર પણ હસવાનો પડઘો સંભળાયો.

એ પડઘો હતો?

નહિ, એ તો મંગી ખડખડ હસી રહી હતી ! એ દીવાનીનું હાસ્ય - એ ડાકણનું હાસ્ય ઘેમરમુખીના હૃદયને હલાવી રહ્યું.

‘હવે તમને ખાવાની, મુખી !' કહી મંગીએ દોટ મૂકી. આશ્ચર્યચકિત ટોળું સ્તબ્ધ બની ઊભું રહ્યું.

રાત્રિના અંધકાર નદી ઉપર - ગામ ઉપર ઊતર્યા. ગામનો મેળો વીખરાઈ ગયો. ગીત, ગરબા અને ખુશાલીના પુકારોને સ્થાને સ્મશાનની શાંતિ સંઝેર ઉપર ઊતરી.

જંગલમાં ફાલુ હસતાં હતાં.

સંઝેરમાં મંગીનું હાસ્ય સંભળાતું હતું.

કુશ્પીનો ઘુઘવાટ એ બન્ને હાસ્ય કરતાં વધારે પ્રબળ હતો, પાણીનાં પૂર વધ્યે જ જતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics