તડજોડ
તડજોડ


“બેટા, તું મને વૃદ્ધાશ્રમમાંથી પાછી ઘરે લઇ જવા આવ્યો છું તે જાણી ખૂબ આનંદ થયો, પરંતુ હું તારી સાથે પાછી નહીં આવું કારણ હવે મારૂ અહીં મન લાગી ગયું છે. ઘરે પાછી આવીશ તો ફરીથી... છોડ જવા દે એ વાત... એના કરતા બાપ હું અહીં જ સારી છું. અને હા સાંભળ.. કાલે આપણા પાડોશી રઘુનાથ મને મળવા આવ્યા હતા કહેતા હતા કે આપણી કામવાળી શોભાબેન નોકરી છોડી ગયા હોવાથી વહુઓને ખૂબ તકલીફ પડી રહી છે. બેટા, વહુઓને કહે કે એકાદ બે દિવસ હજુ તકલીફ ઉઠાવે કારણ મેં એક બે જગ્યાએ કહી રાખ્યું છે, તમને જલ્દી જ નવી કામવાળી મળી જશે. તારે હવે આમ દૂર દૂર સુધી કામવાળી શોધવા નહીં જવું પડે...” આંખમાં આવેલા અશ્રુને લૂછતાં તેઓ આગળ બોલ્યા, “પણ બેટા, એ મફતમાં કામ નહીં કરે હોં ... તમારે એને પગાર આપવો પડશે એની સાથે નહીં ચાલે કોઈ તડજોડ.”
(સમાપ્ત)