તારી ઝલક, સૌથી અલગ - ૬
તારી ઝલક, સૌથી અલગ - ૬
કોકીલાબેન :- સાંભળો સાંભળો બધા દાદાએ આ બંનેની કુંડળી જોઈ અને લગ્ન માટેની સૌથી ઉત્તમ તારીખ આપી છે આજથી ૨૭ દિવસ પછીની તો શું કહેવું તમારું કાનજીભાઈ ....?
કાનજીભાઈ :- અમને તો કોઈ વાંધો નથી.
આ સાંભળતા કરણ કિર્તીને ઈશારા કરતા કહ્યું, જોયું ને તમે મને જે વાતનો ડર હતો એજ વાત આવી અને લગ્નની તારીખ વહેલા લાવી દીધી. પણ ઠીક છે ઘરવાળાને જે ગમ્યું એ થયું. આમ વિચારીને બંને એ લગ્નની તારીખને પણ આવકારી લીધી.
બે દિવસ પછી સગાઈ પણ થઈ ગઈ અને જોતજોતામાં તો લગ્નની તારીખ પણ આવી ગઈ. લગ્નની તૈયારીમાં બંને એટલા ખોવાઈ ગયા કે સમયનો ખ્યાલ જ ના રહ્યો કે બંને એ હજી એકબીજાને ઓળખવાનું બાકી છે અને અંતે એ સમય પણ આવી ગયો કે જે બંને પરિવારને કેટલા સમયથી રાહ હતી. બંનેના લગ્ન પણ થઈ ગયા.
કિર્તી માટે આ ઘર થોડું અજાણ્યું હતું અને રીતરિવાજો પણ નવા હતા. કોકીલાબેન જેવા સાસુ મળ્યા એટલે કિર્તીને ઘરને સંભાળવામાં કઈ પ્રોબ્લમ આવી નહી.
પણ કરણને એ હજી બરાબર ઓળખતી નહોતી, એની પસંદ-ના પસંદથી લઈને રહેવા જમવાની આદતો કઈ જ ખબર નહોતી.
૫-૬ મહીના પછી ધીરે ધીરે કરણનો સ્વભાવ બદલાવા લાગ્યો. કિર્તી ગમે એટલું કરે પણ કરણ એને સમજવામા થાપ ખાઈ જતો હતો.
કિર્તી કહે કઈક અલગ અને કરણ કઈક બીજું જ સમજી બેસતો. આવા અણબનાવ ના લીધે બંનેના જીવનમાં એક જગ્યાનો અભાવ આવવા લાગ્યો. ક્યારેક ક્યારેક કરણને એમ પણ થવા લાગ્યું કે મે કિર્તી સાથે લગ્ન કરીને થોડી ઉતાવળ તો નથી કરી દીધી. કિર્તી સમજદાર હતી એના પપ્પાના આપેલા સંસ્કાર સાથે લઈને આવી હતી એટલે ઘણીવાર કરણની ભૂલ હોવા છતા પણ એ માફી માંગી લેતી હતી.
એક દિવસ કરણ રાતે જમવા બેઠો અને કિર્તી પણ જમવા માટે આવી બંને ટેબલ ઉપર બેઠા ત્યારે કરણની થાળીમાં કોબીનું શાક આવતા કરણને જોરથી બોલાઈ ગયું, તને ખબર તો છે કે મને કોબીનું શાક નથી ભાવતું તો પણ તે કેમ બનાવ્યું.
મમ્મી ઓ મમ્મી, તમને ખબર તો છે કે મને કોબીનું શાક નથી ભાવતું તો પણ તમે કેમ બનાવ્યું અને મને શું કામ આપ્યું.
કોકીલાબેન :- શુ તું પણ એટલુ બધુ જોર જોરથી બોલે છે, થોડી શાંતિ તો રાખતો હોય અને સાંભળ આ શાક મે તારા માટે નથી બનાવ્યું. આ શાક મે કિર્તી માટે બનાવ્યુ છે, તારું શાક અહીયા બાજુમાં પડ્યું છે ખાવું હોય તો લઈ લેજે. આજે કિર્તીની તબીયત થોડી સારી નથી એટલે આજની બધી રસોઈ મે બનાવી છે. ચુપચાપ ખાઈ લે અને રાડો ઓછી નાંખ, બિચારી કિર્તી ને કઈ ખબર પણ નથી અને તું ખોટે ખોટુ કિર્તી ઉપર બોલે છે.
કરણને આ વાતનું થોડું ખોટું લાગ્યું કે દર વખતે મમ્મી કિર્તીની સામે જ મને કહેતા હોય છે પણ કરણ કઈ બોલ્યો નહી અને ચુપચાપ જમી લીધું.
કિર્તી જમીને સીધી રસોડામાં ગઈ અને કામ કરવા લાગી, ત્યારે કોકીલાબેન કહે:- બેટા તું રૂમમાં જઈને આરામ કર આજનું બધુ કામ હું કરી લઈશ અને હા સાંભળ ભૂલ્યા વગર દવા લઈને સૂઈ જજે.
હા મમ્મી કહીને કિર્તી આરામ કરવા માટે રૂમમાં જતી રહી.
થોડા સમય પછી કરણ રૂમમાં આવ્યો અને કિર્તી ને સૂતા જોઈને મનમાં બહુ દુ:ખ થયું કે આજના ઓફિસનો બધો ગુસ્સો બિચારી કિર્તી ઉપર નીકળી ગયો. કાલે ઓફિસથી પાછો આવું ત્યારે એના માટે એનો મન પસંદ હલવો લેતો આવીશ અને સાથે સોરી પણ કહી દઈશ. એમ વિચારીને કરણ પણ સૂઈ ગયો.
સવારમાં જાગ્યો તો કિર્તી હજી સૂતી હતી, માસુમીયતથી ભરેલો ચહેરો જોતા કરણને કિર્તીને જગાડવાનું મન જ ના થયું એટલે પોતાની જાતે તૈયાર થઈને ઓફિસ જવા માટે નિકળી ગયો.
તો મિત્રો શું લાગે છે તમને આ વખત કિર્તી કરણને માફ કરશે કે પછી કઈક નવું જ તોફાન આવી રહ્યું છે બંનેના જીવનમાં..!

