સ્વર્ગની ચાવી
સ્વર્ગની ચાવી
જેવી મને જાણ થઈ કે હું દોડી ગયો. મિત્ર હતો એ મારો. એને પડખું આપવા. મારુ કર્તવ્ય પણ હતું. અણધારી પરિસ્થિતિમાં એ મૌન ગૂંગળાઈ રહ્યો હતો. યોજનાઓ માનવી ક્યાંથી ઘડી શકે ? જીવન વિશે કેવા કેવા સ્વપ્નો સેવ્યા હતાં એણે. ક્રમબદ્ધ જીવન એના હાથમાંથી આમ કેમ સરી ગયું ? એક જ ક્ષણમાં બધું જાણે વેરવિખેર થઈ ગયું. નિયંત્રણરૂપી માનવ ભ્રમણા છિન્ન ભિન્ન એની સૃષ્ટિમાં કશે ઓગળી ગઈ. એની આંખોમાં શું હતું ? પીડા ? નિરાશા ? હતાંશા ? ક્રોધ ? ભય ? કે પછી લાચારી ? હું ન કળી શક્યો. પોતાના આવનાર શિશુ માટે સેવેલા મેઘધનુષી સપનાઓ એણે મારી જોડે શબ્દેશબ્દ વહેંચ્યા હતાં. "એને જે બનવું હોય એ બને. ફૂટબોલર કે ડાન્સર. મારા બાળકના દરેક ડગલે હું સાથે હોઈશ. "
બાળકના જન્મ વખતે અમે પતિપત્નીએ સુંદર ભેટ પણ આપી હતી. નાનકડા જોડાનો સેટ. બાળક ચાલે અને ચૂં ચૂં ચૂં કરતા વાતાવરણને સંગીતમય બનાવી મૂકે એવા. એ સમયે ક્યાં વિચાર્યું હતું કે...
મારો હાથ મારા મિત્રના ખભે મૂક્યો. એના શરીરમાં કોઈ હલનચલન ન થયું. મને લાગ્યું કે જાણે મારો હાથ કોઈ પ્રાણવિહીન વસ્તુ ઉપર ગોઠવાયો હતો. સખત પથ્થરની ઉપર કદાચ. શું કહું ? શું કરું ?
" ઈશ્વરે તો તને સ્વર્ગની ચાવી આપી છે... "
મારા શબ્દોથી એનું ટાઢું શરીર ઉષ્ણ થયું. એની આંખોની વરાળ મારી આંખોને દઝાડી રહી. એની ઘવાયેલી લાગણીઓનો ઉભરો ક્યારે ક્રોધમાં પરિવર્તિત થઈ ઉઠ્યો એની ન તો મને જાણ થઈ ન મારા મિત્રને.
" તને પણ એવી ચાવી મળે તો તું પણ....."
મારો હાથ એના બળબળતા શબ્દો દ્વારા ક્ષણભર માટે એના ખભા ઉપરથી ખસી ગયો.
મારી નજર એના નિર્દોષ શિશુ ઉપર આવી પડી. આ બાળક જીવનભર ચાલી ન શકશે. એનો માનસિક વ
િકાસ અલ્પ હશે. એ વિચારથી શરીરમાં અરેરાટી ફેલાઈ ગઈ. મારુ શારીરિક માનસિક રીતે સ્વસ્થ બાળક મારી આંખો સામે ડોકાઈ ગયું. જો એ આ પરિસ્થિતિમાં......? આગળ વિચાર વધારવાની ક્ષમતા ન મારા મગજમાં હતી ન હૈયામાં.
મારો હાથ ફરીથી એના ખભા પર જઈ ગોઠવાયો. પણ આ વખતે હું ફક્ત મૌન રહ્યો. એની પરિસ્થિતિમાં થોડી ક્ષણ પહેલા પહોંચી ગયેલી મારી આત્મા હજી પણ ધ્રુજી રહી હતી. આ વખતે મારા હાથનો દિલાસો મારા મિત્રના હૈયાને સ્પર્શ્યો અને આખરે સંગ્રહી રાખેલ ખારો દરિયો મારા ખભા ઉપર વહી જ ઉતર્યો.
થોડા દિવસો પછી મારી પત્ની જોડે એક સંબંધીની મુલાકાતે ગયો. પ્રસંગ દુઃખદ હતો. ચારે તરફ બેઠક ખંડમાં શાંતિ ફેલાઈ હતી. સામે બેઠું યુગલ નજરો ઢાળી બેઠું હતું. આંખની પાંપણો ભારે હતી. મારી પત્નીનો નિસાસો શાંત ઓરડામાં ફર્યો અને એના મોઢામાંથી સાંત્વના આપવા શબ્દો તત્પર થયા.
" ઈશ્વર જે કરે છે એ આપણા ભલા....."
તરતજ મેં એનો હાથ દબાવ્યો. મારા હાથના વજન નીચે એનું આગળનું વાક્ય અટકી પડ્યું. મારી પત્ની મને હેરતથી તાકી રહી. હું ધીરે રહી ઊભો થયો. આગળ વધ્યો. સામે બેઠા પુરુષના ખભે ફક્ત મૌન હાથ ટેકવી દીધો. મારુ ઉદાહરણ અનુસરી મારી પત્નીએ પણ સ્ત્રીની નજીક જઈ એના ખભે હાથનો ટેકો આપ્યો.
સ્ત્રી અને પુરુષની આંખોમાંથી મુક્ત દરિયો છૂટી પડ્યો.
એમના કરતા વધુ હું પોતે હળવો થઈ રહ્યો.
હા, ઈશ્વર જે કરે છે એ આપણા ભલા માટે જ હોય છે. પણ એ સમયે ગર્ભમાં જ બાળક ગુમાવી દેનાર એ ન બની શકેલા માતાપિતા ને એવું હું કહી ન શક્યો, ન કહેવાની અનુમતિ આપી. અમારું બાળક તો સૃષ્ટિ ઉપર સલામત ઉતરી આવ્યું હતું. જો એ પણ ગર્ભમાંજ......કલ્પનાજ પૂરતી હતી અને એક મૌન સાંત્વના.