Mariyam Dhupli

Tragedy Thriller

4  

Mariyam Dhupli

Tragedy Thriller

સ્વપ્ન દેશ

સ્વપ્ન દેશ

4 mins
496


નાનકડી ઝમખૂડીની આંખો અહીં થી ત્યાં ફરી રહી હતી. અંધકારમાં ચળકતા બે દીવા જેવી. ઘેન ચઢવાનું નામ લઈ રહ્યું ન હતું. કમર ઉપરનું શરીર ઊંચું કરી એણે પડખે ઊંઘતી માની આંખો ચકાસી.

" ઝમખુ ઊંઘી જા બેટા."

માનો હાથ બંને આંખોને ઢાંકી રહ્યો હતો, છતાં ઝમખૂડીના શરીરનું હલનચલન જોયા વિનાજ ભાંપી લીધું. બીજી દિશામાં પડખું ફરી લાંબા થયેલ રામજીને પત્નીના શબ્દો સ્પષ્ટ સંભળાયા. પણ દીકરી કે પત્ની જોડે વાર્તાલાપ કરવાની સહેજે ઊર્જા બચી ન હોય એ પ્રમાણે પોતાના શારીરિક અને માનસિક થાક જોડે એ શબની જેમ જ પડી રહ્યો.

" બા, નીંદર નથી આવતી.વાર્તા સંભળાવ ને." 

છ વર્ષની ઝમખૂડીના માસુમ ચહેરા ઉપર આજીજીના ભાવો છવાઈ ગયા. પોતાની આંખો ઉપરનો હાથ હટાવતા જ કાવેરીને પોતાની ઝમખુ નો દયામણો ચહેરો દેખાયો. એ કેટલો થાકેલો દેખાઈ આવતો હતો ! પોતાનું પુખ્ત શરીર જો થાકથી મરણિયું બન્યું હોય તો આ બિચારા બાળકની શી અવદશા હશે ? એ વિચારે કાવેરીએ ઝમખૂડીનો ચહેરો પોતાના બે હાથ વચ્ચે લઈ ચૂમી લીધો.

" વાર્તા સાંભળીશ?" 

પોતાના થાકેલા હારેલા શરીર અને મનને કાવેરીએ બળજબરીએ કામે લગાવ્યું. ઝમખૂડીએ ખુશી જોડે હામી ભરાવતા જોર જોર ગરદન હલાવી. કાવેરીએ ઝમખૂડીનો ચહેરો પોતાની છાતી ઉપર ચાંપી દીધો. વાત્સલ્યના આલિંગનમાં ઝમખૂડીનું પીડા આપી રહેલું શરીર આરામ પૂર્વક લપાઈ ગયું. ચકળ વકળ આંખોએ કાન ધરી એ વાર્તા સાંભળવા તૈયાર હતી. પડખે ઊંઘવાનો ડોળ કરી રહેલ રામજીના કાન પણ સરવા થયા.

" એક સમયની વાત છે. દૂર એક દેશમાં તારા જેવીજ એક કિશોરી હતી. એનું નામ આભા. ખુબજ ડાહી અને ખુબજ હોંશિયાર."

માની છાતીએ વળગેલી ઝમખૂડી વાર્તાના પ્રવાહમાં વહેવા લાગી.

" મારી જેમ ? "

કાવેરીથી હાસ્ય ન રોકાયું. મંદ હાસ્ય જોડે એણે હામી પુરાવી.

" હા, તદ્દન તારા જેવીજ. "

હાસ્યને સમેટી કાવેરીનો સ્વર ગામ્ભીર્ય પકડવા લાગ્યો.

" આભાના માતા પિતા ખુબજ મહેનતી હતાં. તનતોડ મહેનત કરતા. રાત દિવસ એક કરી પસીનો વહાવતા કે જેથી એ પોતાની આભાને આ સંસારનું બધુજ સુખ આપી શકે."

છાતી ઉપર લપાયેલા બાળ ચહેરા માં સંતોષની ચમક પ્રસરી ગઈ.

" તારા અને બાપુની જેમ." બીજી દિશામાં ફરેલા રામજીના ચહેરાના ઉપર હાવભાવો સંપૂર્ણ ગેરહાજર હતાં. 

" પછી એક દિવસ આભા અને એના માતાપિતા ને એક સજા મળી. "

કાવેરીનો અવાજ ગળગળયો થયો.

" સજા કેમ? "

" કેમકે એ પોતાનું વતન છોડી બહુ દૂર જતા રહ્યા હતાં એટલે. "

ઝમખૂડીએ પોતાની નાનકડી દાઢી બાની છાતી ઉપર ટેકવી દીધી. એની નિર્દોષ આંખોમાં હેરતનો સમુદ્ર ઠલવાઈ ગયો.

" વતન છોડવું એ પાપ છે ?"

રામજીની આંખોમાં ઝળહળીયા ઉભરાઈ આવ્યા. પણ એની જાણ કોઈને ન થઈ.

" પાપ જ હશે એટલેજ તો સજા મળી ને ? "

કાવેરીની આંખો એક જ દિશામાં સ્થિર હતી.

" કેવી સજા?"

 વિસ્મિત બાળ આંખો અહીંથી ત્યાં અંધકારમાં ચક્કર કાપી રહી.

" ચાલવાની સજા." 

કાવેરીએ રુદન મિશ્રિત અવાજમાં ઉત્તર આપ્યો.

" પછી શું થયું?" 

ઝમખૂડી નો વાર્તારસ વધવા લાગ્યો.

" પછી શું? આભા એના માતાપિતાનો હાથ થામી ચાલતીજ રહી, ચાલતીજ રહી, ચાલતીજ રહી. તેઓ ઘણા દૂર નીકળી ગયા. અંધકાર ભર્યા જંગલમાં. આભા ઘણી થાકી ગઈ હતી. એને ભૂખ પણ લાગી હતી. પણ એના માતાપિતા પાસે કશુંજ ન હતું. "

ભૂખ શબ્દ સાંભળતાજ ઝમખૂડીના પેટનું પાણી ગોળ ગોળ ફરવા લાગ્યું. એનો અવાજ કાવેરીને સ્પષ્ટ સંભળાયો. પોતાની વિવશતા ઉપર એને ચીઢ ઉપજી આવી. આ વાર્તાજ એક માત્ર ઉપાય હતો ઝમખૂડીના મનને વ્યસ્ત રાખવા અને એણે વાર્તા આગળ વધારી.

" ચાલી ચાલીને આભાના અને એના માતાપિતાના પગ સૂઝી ગયા હતાં. એ સજા અસહ્ય હતી. આભા પોક મૂકીને રડવા લાગી. એજ સમયે ત્યાં એક પરી પ્રકટ થઈ."

ઝમખૂડીના ચહેરા ઉપર ઘણા સમય પછી એક મીઠુ મધુર હાસ્ય છવાઈ ગયું.

" પરી ? પરીલોક વાળી પરી ?"

કાવેરીને વાર્તા કથન સફળ થતું લાગ્યું. રામજીના ચહેરા ઉપર પણ હળવો સંતોષ ઘેરાઈ આવ્યો. 

" હા , પરીલોક વાળી. એણે આભાને પૂછ્યું, રડે છે શાને ? આભાએ કહ્યું, એ થાકી ગઈ છે. એના માતાપિતા પણ ઘણા દુઃખી છે. એના પગ બહુ દુઃખે છે. હવે ચલાતું નથી. પરીએ હસીને આભાનો હાથ પકડતા કહ્યું, રડ નહીં. હું તને અને તારા માતાપિતાને મારી જોડે લઈ જવા આવી છું. ચાલો મારી જોડે સ્વપ્ન દેશમાં. "

" સ્વપ્ન દેશ ? "

અર્ધ ઘેરાયેલી નિંદ્રા માંથી ઝમખૂડીનો પ્રશ્ન ધીમા બગાસા જોડે બહાર નીકળ્યો.

બગાસાનો અવાજ સાંભળી કાવેરીને વાર્તાકથનની સફળતા અંગે પાક્કી ખાતરી થઈ ગઈ. થોડાજ સમયના આંખો મીંચાઈ જશે એ આશા વડે કાવેરીએ સ્વપ્ન દેશ અંગેનું સુંદર વર્ણન ધીમા સાદે આરંભ્યું. રામજીનું પણ સમગ્ર ધ્યાન સ્વપ્ન દેશ અંગેના વર્ણન ઉપર આવી અટક્યું. 

" સ્વપ્ન દેશ એક એવો દેશ જ્યાં ફક્ત સુખ અને સુખ જ હોય. દુઃખ, પીડા, ગ્લાનિ નું જ્યાં નામોનિશાન ન હોય. જ્યાં સૌ એક સરખા હોય. એકના સુખમાં સૌ ખુશ અને એકના દુઃખમાં સૌ હાજર. જ્યાં હાસ્ય સૌના ભાગમાં એક સરખું વહેંચાઈ અને અશ્રુઓ ઉપર પ્રતિબંધ હોય. જ્યાં વિકાસ અને પ્રગતિની તકો સૌને એકસમાન મળે જ્યાં કોઈ ઊંચનીચ ન હોય. અધિકાર સૌના એકસમાન. જીવવાનો હક દરેકને હોય. જ્યાં મુશ્કેલી સમયે દૂત દોડતા ભાગતા આવી પહોંચે અને........ "

કાવેરી ના આગળના વાક્યનું સ્થાન એના હળવા નસકોરા એ લઈ લીધું. કાવેરીની છાતી ઉપર માથું મૂકી ઝમખૂડી પણ ગાઢ નિંદ્રાવશ થઈ ચુકી હતી. રામજીએ હળવેથી પડખું ફેરવ્યું. આખરે પત્ની અને બાળકીની આંખો મીંચાઈ ગઈ એ વાતથી એને રાહત મળી. 

ઉપરની દિશામાં સ્થિર આંખો વડે એ લાંબા સમય સુધી સ્વપ્ન દેશ અંગે વિચારતો રહ્યો. અને વિચારતા વિચારતા એની પણ આંખો ક્યારે મીંચાઈ ગઈ એ જાણી ન શક્યો. 

આખરે જયારે આંખો ઉઘડી ત્યારે થોડી ક્ષણો માટે કોઈ પ્રચંડ ધડાકો સંભળાયો. એક અગન જ્વાળાનો સ્પર્શ થયો. લોખંડની અસહ્ય માર અને આગળ બધીજ અનુભૂતિ શૂન્ય થઈ ગઈ.......... 

થોડાજ સમયમાં મીડિયા કવરેજ ચારે દિશામાં ઘેરી વળ્યું. એક તરફ લોહીના ખાબોચિયામાં પડેલા રામજીની લાશ, બીજી તરફ કાવેરીના કપાયેલા પગ અને એનાપગ વિનાનું બાકીનું નિર્જીવ શરીર તો હોંશ ઉડાવી મૂકતું ઝમખૂડીનું ધડથી અલગ થયેલું માથું. 

બધુજ સમાચાર પત્ર માટેની તસવીરો અને સોસીયલ મીડિયા - ઈન્ટરનેટ માટેના વીડિયોમાં ઝડપાઈ ગયું. કોવીડ ૧૯ના કારણે લદાયેલા શીઘ્ર કર્ફ્યુ સમયે વાહનવ્યવહાર ઠપ્પ હોવાને કારણે પગપાળા જ વતન પહોંચવા નીકળેલા રામજી, કાવેરી અને ઝમખૂડી રેલવે ટ્રેક ઉપર એક રાત્રી પસાર કરવા નિંદ્રાધીન થયા હતાં. એ નીંદરમાંથી જાગ્યા વિનાજ પોતાના સ્વપ્ન દેશ પહોંચી ગયા.......!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy