Leena Vachhrajani

Abstract Inspirational

4.2  

Leena Vachhrajani

Abstract Inspirational

સ્વઘડતર

સ્વઘડતર

3 mins
71


“મમ્મી, અમે રાત્રે મોડા આવીશું.”

“હા ભલે.”

“મમ્મી, હું વિઝા માટે જાઉં છું.”

“હા ભલે.”

લોપા ઘરમાં એકલી પડી. વરુણ અને વનિતા ઓફિસ ગયાં ત્યાંથી પાર્ટીમાં જઈને છેક રાત્રે મોડાં આવશે. દિયા કેનેડાના વિઝાની ધમાલમાં પડી છે. એય સાંજ પહેલાં નહીં આવે. રહી હું આવા ભૂતબંગલા જેવા બંગલામાં એકલી. લોપા મન મનાવીને બગીચીમાં હિંચકે બેઠી. નજર ન પહોંચે એવડો બંગલો સત્યજીતે પોતાની જ તનતોડ અને મનતોડ મહેનતથી બનાવ્યો. લોપા અને સત્યજીતના લગ્ન થયાં ત્યારે સત્યજીત નવો ધંધો શરુ કરીને એને સેટલ કરવામાં ગળાડૂબ વ્યસ્ત હતા. લગ્નનો પહેલો દસકો લોપા કે સત્યજીત બંનેને કદાચ એકબીજા માટે પૂરતો સમય મેળવ્યાનું યાદ નહીં હોય. બે બાળકોનાં આગમન પછી તો લોપા ફરિયાદ કરવાનું પણ ભૂલી ગઈ. ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ સત્યજીતને લોપાને જાણેઅજાણે અન્યાય થઈ ગયાનું મહેસુસ થવા લાગ્યું. જ્યારે વરુણનાં લગ્ન થયાં અને વનિતા ઘરમાં આવી ત્યારે એ બંનેનું કબુતર જેવું ગુટર ગુ જોઈને સત્યજીતને પોતાના ધ્યાન બહાર લોપાના વાળમાં આવેલી સફેદી નજરે ચડવા લાગી. હવે એને લોપા સાથે વધુમાં વધુ સમય વિતાવવાની ઝંખના જાગી હતી. પણ કુદરતે માંડ દસકો આપ્યો અને સત્યજીતે નાનકડી બિમારી બાદ વિદાય લીધી.

લોપા ઝબકીને અતીતમાંથી બહાર આવી. ચાલ, સાંજે તો દિયા જમશે. અમારું બેયનું જમવાનું બનાવું.

લગભગ અઠવાડિયા બાદ રાત્રે જમવાના ટેબલ પર વરુણે વાત છેડી. “મમ્મી, મેં અને વનિતાએ પણ કેનેડાના પી.આર. માટે એપ્લાય કર્યું હતું અને અમને વિઝા મળી ગયા છે. શું છે કે તને એકસાથે કહેત તો તું સેટ ન થાત. દિયાને પણ વિઝા મળી ગયા છે એટલે અમે ત્રણેય પંદર દિવસ બાદ રવાના થશું. હા, ત્રણ વર્ષ સતત હાજરી હશે તો જ પી.આર. મંજૂર થશે એટલે તને ત્રણ વર્ષ પછી બોલાવી લેશું.”

લોપા સાંભળતી રહી.અને મસમોટા બંગલામાં પંદર દિવસ બાદ વધુ સુનકાર વ્યાપ્યો. લોપા થોડા દિવસ બહુ કચવાતી રહી. પછી જાત સાથે જાતસુધારણાની એણે શરુઆત કરી.બાળકોના ફોન આવતા ત્યારે સરસ વાત કરીને ફોન પૂરો કરતી. પછી દિવસે દિવસે એ પોતાના જીવન આયોજનના અને સ્વઘડતરમાં વ્યસ્ત થતી ચાલી.

ત્રણ વર્ષ પસાર થયાં. એક દિવસ બાળકોએ વધામણી આપી, “મમ્મી, અમે આવીએ છીએ. તારે ખાતર જ આવીએ છીએ. તું એકલી શું કરતી હોઈશ ! તને અમારા વગર ગમતું ન હોય એટલે આ વર્ષે આવી શકાશે.”

“હંમમમમ.. ના એવું કાંઈ નથી. તમે તમારી અનુકુળતા હોય એમ જ કરજો. હા, અને તારીખ નક્કી થાય એટલે કેટલા દિવસ આવવાનાં છો એ જણાવજો એ પ્રમાણે હોટલમાં બુકિંગ કરાવી દઈશ.”

“હેં ! મમ્મી આવડું મોટું ઘર મુકીને અમે હોટલમાં શું કામ રહીએ ? અમારે તારી સાથે રહેવું છે.”

“ના એ શક્ય નથી. ત્રણ વર્ષ લાગણીને સુકવવા માટે પૂરતાં છે. મેં મારા બંગલામાં એક એન.જી.ઓ. શરુ કર્યું છે. જેમનાં બાળકો વિદેશ વસી ગયાં છે એ દરેક વ્યક્તિ અહીયાં પોતાને ગમતી જિંદગી જીવી શકે એવી મદદ કરવામાં આવે છે. આખી જિંદગી બાપડા બિચારા એકલા નિરાધારના છોગાં જે સંતાન પકડાવી ગયાં હોય એ ઉતારીને અહીયાં ઉજળી હસતી જિંદગી જીવવાની તાલીમ આપીએ છીએ. એની પ્રથમ શરુઆત મારાથી કરી છે. હવે બંગલો ટ્રસ્ટનો છે.” 

“અરે તું તો ગજબ છો મમ્મી ! અમને જણાવ્યું કે પૂછ્યુંય નહીં!”

“ના. મને આજ સુધી કોઈએ પૂછ્યું નહોતું. મને એ સમજવામાં વાર લાગી.”

અને સામે છેડે સોપો પડ્યો. લોપાએ ધીરેથી મોબાઈલ ઓફ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract