સવાર રડી પડી !
સવાર રડી પડી !
"વેદ અચાનક ગળગળો થઈ ગયો. રૂચાને ધ્રાસકો પડ્યો ! બોલ તો ખરો વેદ ! શું થયું તને ? કેમ આમ અચાનક ! બોલને વેદ..." કહેતા કહેતા તો રુચા પણ રડી પડી.
વેદ એક શબ્દ પણ ઉચ્ચારી ન શક્યો. કોઈ જોઈ ન જાય એ રીતે તરત જ વેદ બાથરૂમમાં ગયો અને મોં ધોઈ બહાર આવ્યો. રૂમાલથી માથું સાફ કર્યું અને ફરીથી વાળ ઓળવા લાગ્યો. પોતે જાણે કોઈ મોટું દર્દ સંતાડતો હોય એમ ઉદાસ ચહેરા પર મંદ હાસ્ય રેલાવ્યું... પણ રુચાને મનોમન એવું લાગ્યું કે નક્કી કંઇક તો વાત છે જે વેદને વીંછીના ડંખ મારે છે. પણ જવાદે, પછી ઘેર જઈને આરામથી બધું કંઈશ. અને જો એ નહિ માને તો હું એને પ્રેમથી વ્હાલથી સમજાવીશ. મનોમન રૂચાએ પોતાના મનને સમજાવી લીધું.
"પ્રેક્ષા, બેટા અહીં આવતો." ખુશ મિજાજ સાથે ચાર વર્ષની પ્રેક્ષા વેદ જોડે આવી. પ્રેક્ષા ખૂબ સુંદર લાગતી હતી. એનું હાસ્ય એટલું તો મધુર હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાનું દુઃખ ભૂલી જાય અને એને રમાડવા લાગે. આખરે વેદથી તો ના જ રહેવાયું પેક્ષાના ગાલ પર વ્હાલ ભરી વેદે પપી કરી. જો બકા તારા માટે સરસ મજાની ઢીંગલી લાવી. જો જો કેવી મસ્ત હસે છે! જો એનું આ બટન દબાવીએ તો રડવા લાગે. અને જો આ બટન દબાવીએ હસવા લાગે. અને જો સુવડાવીએ તો એ આંખો મીંચી સુઈ જાય. પ્રેક્ષાએ હાથમાંથી ઢીંગલી લઈને રમવા લાગી. ખૂબ ખુશ ખુશ થઈ ગઈ પ્રેક્ષા આજે.
વેદ અચાનક ખૂબ ઊંડા વિચારોમાં ડૂબી ગયો. લ્યો આ શરબત બે ત્રણ વાર કહ્યા પછી હા, હા, સોરી એમ કહી શરબત પીવા લાગ્યો. એની ફ્રેન્ડ નીતાને ભીની આંખે રસોડામાં જતી જોઈ જ રહ્યો જે એની પ્રેમિકા હતી... ને ધબ્બ કરતા વૃદ્ધ ડોસાની સવાર રડી પડી...
