જંગલમાં જમણવાર
જંગલમાં જમણવાર
એકવાર જંગલમાં સૌ પશુ પક્ષીઓએ જમણવાર કરવાનું વિચાર્યું. એટલે એક દિવસ શિયાળને સૌ પશુ પક્ષીઓને એકત્રિત કરવામાં માટે વનના રાજા દ્વારા કહેવડાવવામાં આવ્યું. રાજાની આજ્ઞા માનીને ચતુર શિયાળે સૌને સૂચના આપી દીધી હતી.
સવારે સૌ જંગલમાં પશુ પક્ષીઓ એકત્રિત થયાં. જેમાં વનના રાજા સિંહ દ્વારા સૌને સૂચિત કરવામાં આવ્યું કે આવતી કાલે જમણવાર રાખવામાં આવ્યો છે તો સૌ સમયસર ખીર જમવા પધારશો.... સભામાં જ સૌને પોતપોતાના કામકાજ સોંપી દેવામાં આવી ગયા હતા. જેમાં બોડી ભેંસ, ભોળી ગાય ખીર પીરસવાનું કામ કાજ કરશે. તેમજ કાગડાભાઈઓ સફાઈનું કામ કરશે. આમ દરેકને કામ સોંપી અને સભા છૂટી પડી હતી.
સવાર પડતા જ સૌ પોતપોતાનાં કામમાં રસ પૂર્વક લાગી ગયા હતા. આજ તો આખા જંગલમાં આનંદ છવાઈ ગયો હતો. સૌ મહેમાનો સજી ધજીને આવી ગયા હતા. બિલ્લી બેને મસ્ત શૂટ, બુટ પહેર્યો હતો. જિરાફ ભાઈએ સરસ ઝભ્ભો પહેર્યો હતો. વાંદરા ભાઈએ પણ સરસ શર્ટ, ચડ્ડી પહેરી હતી. ચકલીબહેનો એ સરસ મજાની સાડી પહેરીને આવી હતી. આજ સૌ અદકા લાગતા હતા. આખું જંગલ આનંદ વિભોર થઈ ગયું હતું. અને ગીત ગાતું હતું.
સૌ પંગતમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ ભોળી ગાય અને બોડી ભેસે ખીર પીરસવાનું શરૂ કર્યું. સૌ આનંદથી ખીર ખાવા લાગ્યાં. આમ કરતા કરતા જમણવાર પૂરો થઈ ગયો હતો. પણ જેમાં એક એવી ઘટના સામે આવી કે જેનાથી જંગલનો રાજા ખૂબ જ ગુસ્સે ભરાયો હતો...અને ચતુર શિયાળ દ્વારા કહેવડાવવામાં આવ્યું કે આજે રાત્રે સૌને રાજાએ એકત્રિત થવાનું કહ્યું છે. રાત પડતા જ સૌ પશું પક્ષીઓ એકત્રિત થઈ ગયા હતા. સૌ એક બીજાને ગુપસુપ કરતા હતા કે વાત શું છે કેમ આમ રાજા આટલા ગુસ્સે ભરાયા છે ? બન્યું છે શુ ? પણ કોઈને કશી વાતની ખબર હતી નહિ કે ઘટના આખરે કઈ બની છે. આખરે જેની સૌને જાણવાની ઈચ્છા હતી એ વાત બહાર આવી જ ગઈ. રાજા ઉભા થઇને બોલ્યા કે આજે જે જમણવાર રાખવામાં આવ્યું હતો એમાં ક્લબલ કાબરોએ ખૂબ જ અન્નનો બગાડ કર્યો છે. અન્ન તો દેવતા છે એમનું અપમાન ન કરાય. અને ક્લબલ કાબરોએ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠી છે. એટલે એમને સજા તો મળશે જ ! આ સાંભળી ને સૌ શોકાતુર થઈ ગયા. સભામાં શાંતિ છવાઈ ગઈ. ક્લબલ કાબરો પણ ચિંતિત હતી કે રાજા આપણને શું સજા આપશે. પણ હવે ક્લબલ કાબરોએ કરે શું ? આખરે રાજાએ જાહેર કરી દીધું કે આજ પછી ક્લબલ કાબરોએ વનમાં ફરકવું નહિ. રાજાનો આકરો નિર્ણય સાંભળતા જ ક્લબલ કાબરોના હોંશ ઉડી ગયા હતાં. સૌ પોતાના ભવિષ્ય નું શું થશે એની ચિંતામાં પડી ગયા હતા.. પણ હવે શું કરે ! આખરે એક વૃદ્ધ ક્લબલ કાબર હાથ જોડીને સૌ આગળ વિનંતી કરીને પોતાના જાત ભાઈઓની ભૂલ સ્વીકારી અને આજ પછી ક્યારેય આવી ભૂલ બીજી વાર નહિ થાય એની બાંહેધરી પણ આપી.
આખરે રાજાએ એકવાર એમને મોકો આપ્યો અને ફરી આવી ભૂલ કરતા નહિ. કહીને સૌ સભામાંથી વિખૂટાં થયા. સમય જતાં ફરી એકવાર જંગલમાં જમણવાર થયો અને આ વખતે અન્ન દેવતાનો બગાડ ન થાય એ રીતે સૌએ આંનદ પૂર્વક જમણવાર માણ્યો.