કર્મનિષ્ઠ આરીફભાઈ
કર્મનિષ્ઠ આરીફભાઈ


સાંજનો સમય હતો. સૂરજદાદા પોઢવાની તૈયારીમાં જ હતા.. આછા કિરણો વાદળોમાં રંગો પૂરતા હતા. પંખીઓ આખા દિવસોની કમાણી કરી ને એક સામટા હવા પર તરતા તરતા માળા ભણી જઈ રહ્યા હતા. વૃક્ષો એકદમ નીરવ ઉભા હતા. રસ્તા પર અનેક લોકોની અવરજવર હતી... દૂધની ડેરીએ માણસો દૂધ ભરાવા લાઈનમાં ઉભા હતા.
ત્યારે એ જ સમયે અચાનક આખા ઘરમાં રોવાનો હદયદ્રાવક અવાજ સંભળાયો. વાતાવરણ બહુ ગંભીર બની ગયું હતુ. અચાનક સોળે કળાએ ખીલેલી સાંજ રડી પડી. રસ્તાઓમાં માણસો એકબીજાને પૂછવા લાગ્યા કે શું થયું? આરીફભાઈને ખબર પડી કે એમના સંબંધી કાકા ઓફ થઈ ગયા છે.... સાંભળતા જ એ ભાંગી પડ્યો! એ સાવ સૂનમૂન થઈ ગયો. આંખો ચોધાર રડવા લાગી.... આંખોના આંસુઓ ગાલે આવી ગયા હતા.
રાત્રી થઈ તો આરીફભાઈને વિચાર આવ્યો કે 'કાલે તો મારો શાળામાં પ્રાર્થના સભામાં પ્રાર્થના ગાવાનો વારો છે. હવે ?
ચહેરો તો સાવ ઉતરી ગયો હતો. વિચાર્યું કે લાવ સાહેબને કોલ કરીને રજા લઈ લઉ. પણ ફરી એને વિચાર માંડી વાળ્યો. અને એ પાછો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. દસ વાગ્યાનો સમય થયો હશે...અને એ પછી સુઈ ગયેલો.
સવાર પડી. અનેક મહેમાનોનું આગમન થતું હતું. આરીફભાઈ પણ ઉતરેલા મુખે બેઠાં હતા અને ત્યારબાદ મન મક્કમ કરી તૈયાર થઈ શાળાએ ગયા.... પ્રાર્થનાનો સમય થયો. બેલ વાગ્યો અને સૌ હારબંધ વિધાર્થીઓ ગોઠવાવા લાગ્યા. આજે વાતાવરણ થોડું અદકું લાગતું હતું. બધું અણગમતું લાગતું હતું. કોઈ મિત્ર સાથે વાત કરવાનું મન થતું નહોતું. બેલ વાગ્યો પણ જાણે કાનમાં પડ્યો જ નહીં. સાથીદાર મિત્રો પણ આવી ગયા અને આરીફભાઈને હાથમાં માઈક આપ્યું. થોડીવાર તો પ્રકૃતિના ધબકારા વધવા લાગ્યા. વિચારવા લાગી કે આજે આરીફભાઈનો સ્વર નીકળશે નહિ ! ઓર્ડર મળતાં જ ફરફર પાંદડાઓ ફરકવા લાગ્યા.. ઝાડવા ઝૂલવા લાગ્યા... ખંજરી ઢોલક તબલા એક શુરે રેલાવા લાગ્યા. શિક્ષક મિત્રોના તન મન ડોલવા લાગ્યા. આખું વાતાવરણ આરીફભાઈના સ્વરમાં મગ્ન થઈ ગયું હતું.
પ્રાર્થના પૂર્ણ થઈ તો અચાનક જ એ વિધાર્થી સૂનમૂન મુખે સાહેબ જોડે ગયો. 'શું છે આરીફ ભાઈ આજે તો સરસ પ્રાર્થના ગાઈ, સાહેબ બોલ્યા.' પણ આરીફ ભાઈ ચૂપ ઉભા હતા. સાહેબની નજર એના ચહેરા પર પડી તો સાહેબ આશ્ચર્ય સાથે બોલ્યા ' શું થયું આરીફભાઈ ? અવાજ ગળામાંથી બહાર આવતો ન હતો. ડૂમો ભરાઈ ગયો હતો. આંસુઓ ને માંડ રોકી રાખ્યા હતા. થોડા પ્રયત્ન પછી રડતા સ્વરે બોલ્યો ' સાહેબ, રજા જોઈએ છે. ' કેમ ? 'સાહેબ, મારા સંબંધી કાકા' ....બોલતાં જ આંખોમાંથી આંસુઓ ઉભરાઈ આવ્યા. સાહેબે સંભાળ્યો. માથાં પર હાથ ફેરવ્યો. પાણી પાયુ. અને પછી કહ્યુ બોલ બેટા શું હતું ? ' સાહેબ, કાલે સાંજે મારા સંબંધી કાકા ઓફ થઈ ગયા હતાં. એટલે મારે ઘરે જવાનું છે'.
સાહેબે રજા આપી. પણ એટલું સાંભળતા જ પગ તળેથી ધરતી ખસી ગઈ. વિચારોમાં ઊંડા ઉતરી ગયા. પણ એક વાતે એમને ખુશી થઈ કે સંબંધી કાકા ઓફ થવા છતાંય એ આજે પ્રાર્થનામાં હાજર રહ્યો અને માત્ર હાજર જ નહીં રોજ ગાય એટલા જ સુંદર સ્વરે પ્રાર્થના ગાઈ.. વાહ ...વાહ...એ મનોમન ખૂબ ખુશ થયા. અને ગર્વની લાગણી અનુભવી.
સવાર પડતા જ પ્રાર્થનાસભામાં સમગ્ર ઘટના આચાર્ય શ્રી અરવિંદભાઈ જોશીએ વર્ણવી... અને એના કર્મનિષ્ઠાના વખાણ કર્યા. તેમજ એનું સન્માન કરી પ્રોત્સાહક ઈનામ આપ્યું....તાળીઓના ગડગડાટ ગુંજાવા લાગ્યાં. આ બાજુ શાળાનું મકાન, અડાબીડ ઉભેલો વડ પણ ગર્વ લેતા રહ્યા.