જીવતર એક અધૂરી પ્રેમ કથા
જીવતર એક અધૂરી પ્રેમ કથા


બે-બે માળની મેડી અને અને અઢળક વિઘા જમીન, ચારે બાજુ લીલોતરી અને રૂપિયાની રેલમછેલ ભાઈ ! એકદમ સુખી મુખીયો પરિવાર. એમાંય મુખી ગજાબાપુ એટલે શરીરે એકદમ હૃષ્ટપુષ્ટ મજબૂત બાંધો, પહાડી અવાજ એક જ અવાજે માણસો થરથર કાંપી ઊઠે એવો એમનો ચારેકોર વટ. બાપુના શબ્દો એટલે જાણે શાસ્ત્ર વચન. દરેક સભ્યો પ્રાણ જાય પણ વચન ન જાય એ રીતે પાળતા. તેમજ કદ એમનું છ ફૂટ ત્રણ ઈંચ માથે રંગબેરંગી ફાળિયું,ધોળું ખમીસ અને ધોતી અને મોટી મોટી મૂંછોમાં ગજાબાપુ ભારે અડીખમ લાગતા.
મેડીમાં ઉપરનીચે થઈ ને દસેક ઓરડા હતાં. આમ સુંદર હવેલી દૂર દૂર સુધીની શોભા હતી. છતાં પણ જેમ સોળે કળાએ ખીલેલો ચાંદ સુંદર લાગતો હોય પણ એમાં કાળા ધાબા નજરે પડે અને સુંદરતા ઉતારી દે એમ આ મહેલમાં આમ તો ખુશીઓથી ભરપૂર હતો છતાં ક્યાંક ખંડેરમાં દુઃખોની ચિચિયારીઓ સંભળાતી હતી. વાત લાખ છૂપી રાખી છતાં પવનપર સવારી કરી લોકોના કાને પહોંચી ગઈ હતી. રોજ રાત પડે ને આખો ઓરડો ધ્રૂસકે ધ્રૂસકે રડતો. પણ કોણ આવીને માથે હાથ ફેરવે ? લાચાર છે. તેમજ સમાજના રિવાજોમાં હાથ બંધાયેલા છે. એટલે એ પણ કોઈને મનની વાત કરી શકતી નહિ. બિચારા બાપડાની જેમ જિંદગી જીવતી હતી. ફક્ત જીવતી હતી કદાચ અતિશયોક્તિ થઈ પડે. એમ કહો તો પણ ચાલે જિંદગી જીવાતી હતી, જીવતી નહતી ! એને પણ સૌ કોઈની જેમ સપનાઓ સેવ્યા હતાં. ઘણી ઈચ્છાઓ કલ્પી હતી. હજી તો એને ઘણું જીવવું હતું. હજી તો એ દેડકાની માફક ક્યાં બહાર નીકળી હતી. દુનિયા તો હવે જ જોવાની હતી. પણ ? અને પછી ફક્ત નિસાસો નિસાસો નંખાતો. અરે ઈશ્વર તે પણ આ અબળા તરફ નજર ના કરી. બિચારી રોજ છાની માની જે કોઈ કામ આપે એ કર્યા કરતી. અને આમને આમ કામકાજમાં સૂરજ ઢળી પડતો. પણ રાત્રે નવરી એટલે અનેક વિચારોનો ટોળું ઉમટી પડતું. અને પછી આંસુઓથી લથબથ થઈ જતી. . . કોને કહેવું ? જો કહેવા જાય તો ખોરડું લાજે. તેમજ મોટપનો અહમ ઘવાય. . બધા ઘરના સભ્યો પીડા જાણતા હોવા છતાં ગજાબાપુ સ
ામે વાત કરવાનો કોઈનો જીવ ચાલતો નહતો. અરે ખુદ બાપુ પણ જાણતા હતાં તે છતાંયે પોતાના મોટાપણાના મદમાં રહેતા. . આ દુઃખ ભીતર ને ભીતરમાં કોરી ખાતું હતું. પણ કોઈને કહેવાતું ન હતું. કોઈ પડદો ઊંચો કરે એવી હિંમત કોઈમાં હતી નહિ. પણ દોષ એનો ન હતો. દોષ તો જીવાનો જ એવી ખોટી લતમાં પડેલો કે જ્યાં સુધી ફૂલ ન થઈ જાય ત્યાં સુધી પી ને લોથબોથ થઈ જતો. ક્યારે એને એ ન વિચાર્યું કે ઘરે બૈરાં છોકરાં પણ છે એ કઈ રીતે જીવશે એનું શું થશે ? એવું કઈ પણ વિચાર્યા વગર નશામાં હંમેશા મદ રહેતો. શાંતનું પણ બિચારી શું કે એનું ક્યાં ચાલતું હતું. બસ બધું મૂંગા મોએ સહન કરવાનું અને દિવસો પસાર કરવાના. અને આખરે એક દિવસ દારૂની લતમાં એને જ દારૂ પી ગયો. અને નવી આવેલી વહુ હજી માંડ છ એક વર્ષ થયા હતાં. અને આમેય નાની વય લગ્ન કરેલા એટલે બાવીસ વરસની સાવ કાચી વય કહેવાય. અને હજી તો આખી જિંદગી કાઢવાની છે.
વ્યક્તિમાત્રને પોતાની જિંદગી જીવવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ. એની પણ એક પોતીકી જિંદગી છે તો કેમ ન હોવી જોઈએ. શું ફક્ત પુરુષ વ્યક્તિને જ જીવવાનો અધિકાર છે ? શું અબળાને જીવન જીવવાનો અધિકાર નથી ? ખરેખર આપણને શરમ આવવી જોઈએ. એકવીસમી સદી ચાલી રહી છે હવે તો જૂની ઘરેડમાંથી જાગો. આજે નહિ તો ક્યારે જાગશો. શું તમે હજી એક ગામથી બીજા ગામ જવા માટે ગાડું વાપરો છો ? જવાબ છે ના તો પછી આ જુના નિયમોની હોળી કરોને. એકબાજુ સ્ત્રી પુરુષ એક સમાનના નારા ચાલે છે. અને બીજી બાજુ આવું ? પુરુષ વિધુર થાય તો તરત એ બીજા લગ્ન કરે અને સ્ત્રી કાચી વયે વિધવા થાય તો નહિ. આમ કેમ ? અરે હવે જાગો ને એક નવા સૂરજનો ઉદય કરો. બાકી તો ચાલે છે ચાલવાનું છે. પણ ખરેખર સમજવું જોઈએ. આ મોટા માણસના મદમાં અને જુના રિવાજના કારણે બિચારી શાંતનુ દુઃખના આંસુડે જિંદગી જીવી રહી છે. માટે હવે તો ગજાબાપુને સમજવું જોઈએ અને એના ઘડીયા લગ્ન લેવા જોઈએ. અને પુન:લગ્ન તો થવા જ જોઈએ. તો જ એક નવી સમાજનો અને સુખી જીવતરનો જન્મ થશે.