સૂર્યોદય
સૂર્યોદય


દિલાવર સજા કાપી આજે વર્ષો બાદ જેલની અંધારી કોટડીમાંથી બહારની દુનિયામાં આવ્યો હતો. પરંતુ જેના માથે ખૂનનું કલંક લાગ્યું હોય તેના માટે બહારની દુનિયા કેવી રીતે અજવાળી બની શકે છે! દિલાવરે આંખો બંધ કરીને ઊંડે સુધી આઝાદીનો શ્વાસ લઈને તેને મન ભરીને માણ્યો એ સાથે ભૂતકાળની યાદો તેની આંખ સમક્ષ પસાર થઈને ઓઝલ થઇ ગઈ. પોતે ચિત્રકાર હતો! ચિત્રકારી તેના રગેરગમાં લોહી બનીને દોડતી હતી! સાત રંગોના મિશ્રણથી તે દુનિયાને અચંબિત કરી દેતો હતો પરંતુ એક દિવસ તેની પત્નીએ તેના ગુણનો એવો રંગ દેખાડ્યો હતો કે તે પોતે હતપ્રભ થઇ ગયો હતો!
પોતાની પત્નીને પર પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોઈ તેની આત્મા તડપી ઉઠી હતી. તેણે પોતાની પત્નીને સમજાવી, મનાવી પરંતુ એ બેશરમ માની નહીં... ન છૂટકે પીંછી છોડી તેણે ચાકુ ઉઠાવવું પડ્યું હતું અને આખરે... કલાકાર મટીને તે પોતાની પત્ની અને તેના આશીકનો હત્યારો થઇ ગયો હતો!!! સાત રંગમાં રમતા તેના હાથ એ દિવસે માત્ર લાલ રંગથી રંગાયેલા હતા અને દુનિયાની નજરોમાં તે ચિત્રકાર મટીને ગુનેગાર બની ગયો હતો. સમાજે તેના આ કૃત્યને ખૂબ વખોડ્યું. પરિવારે તેની સાથેના સંબધોને કાપી નાખ્યા. સહુ કોઈ તેના જેવા કલાકાર પાસેથી સમજદારીની અપેક્ષા રાખતા હતા પરંતુ પોતાના પુરુષત્વ પર થયેલો હુમલો કયો પુરષ સહી શકે? તેણે આંખો ખોલીને સામે જોયું તેની અપેક્ષા પ્રમાણે જ તેને લેવા કોઈ સગાવહાલા આવ્યા નહોતા! માતાપિતાએ તો એ દિવસથી જ તેની સાથેના તમામ સબંધોને તોડી નાખ્યા હતા અને નાલાયક પુત્રો પાસે તેણે ક્યારેય આશાએ રાખી નહોતી. આજે જયારે આખી દુનિયા તેની સામે પીઠ ફેરવી ઉભી હતી ત્યારે પોતે શું કરવું અને ક્યાં જવું તેની કશી સૂઝ પડતી નહોતી. વિચારોમાં ગરકાવ થઈને ચાલતા દિલાવરને અચાનક ઠોકર વાગી. નીચે નમીને જોયું તો તેની નજરે એક ઈંટનો ટુકડો પડ્યો. લાલ રંગની એ ઈંટ જોઈ તેના અંદરનો કલાકાર જીવ સળવળાટ કરવા લાગ્યો. સામે કેનવાસ જેવી જેલની દીવાર નજરે પડતા તેણે ઈંટનો ટુકડો ઉઠાવ્યો અને તેના પર એક વિશાળ સૂર્યનું ચિત્ર દોરવા લાગ્યો. ઓચિંતામાં “શું કરે છે ચિત્રકાર...” એવો અવાજ કાન પર આવતા દિલાવરે ચોંકીને જયારે પાછળ વળીને જોયું તો ત્યાં તેનો બાળપણનો મિત્ર વિનાયક ઉભો હતો. અશ્રુભીની આંખે તે મિત્રના ગળે ભેટતા બોલ્યો, “કશું નહીં મિત્ર... બસ કદીયે આથમે નહીં એવા સૂર્યને દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”
વિનાયકે તેને સાંત્વના આપતા કહ્યું, “હવે તારા જીવનનો સૂર્ય કદીયે આથમે નહીં... ચાલ હું તને લેવા આવ્યો છું.”
દિલાવરે ચોંકીને કહ્યું, “મને લેવા? મિત્ર, તું મારા ભૂતકાળને તો જાણે જ છે ને... તેમ છતાંયે મારા જેવા ગુનેગારને!!!”
વિનાયક હસીને બોલ્યો, “તેં કરેલા ગુનાની સજા કાપી દીધી છે.”
દિલાવર નિરાશાથી ઓલ્યો, “પરંતુ તેનાથી મારા માથે લાગેલું ગુનેગારનું કલંક તો મટી જતું નથી ને?”
વિનાયક બોલ્યો, “દોસ્ત, ઈંટ નજરે પડતા તેં એ ઉઠાવી કોઈના માથે ન ફટકારતા તેના વડે ચિત્ર દોરવાનું વિચાર્યું! શું આ એ સાબિત નથી કરતું કે જેલની અંદર અઠંગ ગુનેગારો વચ્ચે રહીને પણ તારા અંદરનો ચિત્રકાર હજુ જીવે છે? તેં આવેશમાં આવીને જે કર્યું તે ખોટું છે પરંતુ તારી જગ્યાએ હું હોત તો મેં પણ એમ જ ર્ક્યું હોત... તારા ગુનાની તેં સજા કાપી લીધી છે તેથી હવે પોતાને ગુનેગાર સમજવાનું છોડી દે... તું એક સારો ચિત્રકાર છું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તારા જેવા ચિત્રકારોના ચિત્રોનું ખૂબ મુલ્ય છે.”
દિલાવર રડમસ વદને બોલ્યો, “પરંતુ આ દુનિયા એક ગુનેગારને સ્વીકારશે?”
વિનાયક બોલ્યો, “કેમ નહીં સ્વીકારે? હાલ દુનિયા તને ગુનેગારની નજરે જુએ છે પરંતુ હું મારા દોસ્તની અંદર છુપાયેલા ચિત્રકારને જોઈ રહ્યો છું. મારા દોસ્તને હું આમ ગુમનામીની દુનિયામાં ખોવાવા નહીં દઉં... હું દુનિયાને દેખાડવા માંગું છું કે મારો દોસ્ત ગુનેગાર નથી પરંતુ કલાકાર છે. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ તું આ શહેરનો નામાંકિત ચિત્રકાર બની જઈશ ત્યારબાદ ઊગતા સૂર્યને સહુ કોઈ પૂજે છે એ ન્યાયે દુનિયા પણ તારી આગળપાછળ ફરતી થઇ જશે... દોસ્ત, મને તારી કાબેલિયત પર સંપૂર્ણપણે ભરોસો છે. શું તારી માટે એ પુરતું નથી? ચાલ મારી સાથે...”
દિલાવર અશ્રુભીની આંખે વિનાયકને ભેટી પડતા બોલ્યો, “કોઈએ સાચું જ કહ્યું છે કે, સાચો મિત્ર જ એક એવી વ્યક્તિ છે કે જે તમારા ભૂતકાળને સમજે છે, તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે, અને તમે જે છો તે જ રીતે તમને સ્વીકારે છે."
આસમાનમાં તપી રહેલો સૂર્ય આજે મૂક સાક્ષી બની રહ્યો, કદી તૂટે નહીં તેવી અજોડ એ મિત્રતાનો.. એક નવા સૂર્યોદયનો...!
(સમાપ્ત)