સૂરજની રાહમાં
સૂરજની રાહમાં
નામ એનું રવિ પણ સ્વભાવ નામથી એકદમ વિપરીત. બધાને રાત પડે એટલે રવિ ઉગે! દુનિયા કરતા સાવ ઉંધો માણસ! એનો તો જન્મેય ઊલટો થયેલો!
રાતને અપશુકનિયાળ માનતા લોકો માટે રવિ જડબાતોડ જવાબ હતો. રાત થતાં જ એને એની જૈવિક ઘડિયાળ જાગૃત કરી દેતી. જેવો જાગે એટલે પોતાની "રાત" નામની પ્રયોગશાળામાં ભાગે. કોઈ જ દુન્યવી બાબતમાં રસ ન પડે. એની પોતાની દુનિયા જ સાવ અલગ. નહીં પ્રેમિકા, નહીં મિત્ર. એક જ પત્ર લખેલો અને એ પણ કસનળીને સંબોધીને!
છેલ્લાં કેટલાંક સમયથી તેનું સંશોધન અને પ્રયોગ પૂર્ણ થવામાં હતાં. તેને પ્રયોગપાત્ર તરીકે પણ બકરી પસંદ કરેલી! લોકો અને અન્ય વૈજ્ઞાનિકો તેની મજાક ઉડાવતાં. જો કે એને એ ખબર પણ નહોતી અને ખબર પડે તો લેશમાત્ર તમા પણ નહોતી.
એણે માણસના શરીરના કોષો
જે વૃદ્ધત્વ તરફ ગતિ કરતા હોય તેને અટકાવી ઊલટી દિશામાં વાળવાના પ્રયોગો શરૂ કર્યા હતાં. આજે એને પરિણામ મળવાનું હતું. તે ખૂબ જ આતુર હતો. કેટલાક નમૂના પર થયેલ ફેરફારો તેણે તપાસ્યા. અચાનક તેની આંખો પહોળી થઈ. એક બકરીના કોષ તપાસતાં તેને માલુમ પડ્યું કે તે જીર્ણ થવાને બદલે તાજા થઈ રહ્યાં હતાં! ઉત્સાહમાં તેણે ઉછળવાનું શરૂ કર્યું. બકરીના મોઢે ચુંબન કરતા બકરીએ ઊલટી કરી જે સીધી તેનાં મોમાં ગઈ. તે રસાયણ તેનાં મગજમાં ચડી ગયું. પણ હવે તે સવારની રાહમાં હતો. કાલે આખું જગત તેના આ પ્રયોગને જાણશે અને પછી તો અમરત્વ હાથવેંતમાં! થાકના કારણે તેની આંખ મળી ગઈ.
તે નિરાંતે ઉઠ્યો પણ રાત જ હતી. તે કેટલું સૂતો તે તેને યાદ નહોતું. આળસ મરડી તેણે મમ્મીને બૂમ પાડી, " મમ્મી મારુ દફતર ક્યાં? મારુ લેશન બાકી છે."