N.k. Trivedi

Abstract Romance

4  

N.k. Trivedi

Abstract Romance

સૂર સપ્તકનો સાથી

સૂર સપ્તકનો સાથી

6 mins
388


અમદાવાદનો મંગળદાસ હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરેલ હતો. બહાર ઘણા માણસો હાઉસફૂલનું બોર્ડ વાંચીને નિરાશ થઈને પાછા જઈ રહ્યા હતા. એવું તે શું કારણ હતું કે હોલ ખીચોખીચ ભરાઈ ગયો છે અને છતાં માણસો બહાર ટિકિટની રાહ જોઈને ઊભા રહી, નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે. વાત પણ એવી જ હતી. દસ વર્ષ પછી સ્વર કિન્નરી બંસરીનો આજે ગીત સંગીતનો પ્રથમ લાઈવ શો હતો. જેને સાંભળવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા.

સ્વર કિન્નરી બંસરીનું નામ જ શ્રોતાઓને ખેંચી લાવવા માટે પૂરતું હતું. હજી તો ત્રણ દિવસ પહેલા જ આજના ગીત સંગીતનાં શો ની જાહેરાત થઈ હતી અને ફક્ત બે દિવસમાં તો શોનું બુકીંગ ફૂલ થઈ ગયું હતું.

આજે બંસરી અને કેદાર બંને બહુ જ ખુશ હતા. બંસરી એ જોયેલું અને કેદારે જે સપનાંને સાકાર કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી એ આજે સાકાર થવા જઈ રહ્યું હતું. બંસરી અને કેદાર હાથ હલાવતા હલાવતા સ્ટેજ પર પ્રવેશ્યા, આખોય હોલ તાળીઓના ગગડાટથી ગુંજી ઊઠ્યો. બંસરી એ હળવા સ્મિત સાથે કોડલેસ માઈક હાથમાં લીધું અને ગીતની શરૂઆત કરી.

"તું હી મેરી મંઝિલ તું હી મેરી પૂજા"

"તુમ્હી દેવતા હો.....તુમ્હી દેવતા હો."

આખોય હોલ ઝૂમી ઊઠ્યો, ગીત ક્યારે પૂરું થઈ ગયું એ કોઈને ખ્યાલ જ ન રહ્યો. બંસરી એ બીજા ગીતની શરૂઆત કરી.

"આપકી નજરોને સમઝા પ્યાર કે કાબિલ હમેં"

"દિલકી એ ધડકન ઠહેર જા મિલ ગઈ મંઝિલ મુઝે"

એક પછી એક ગીતો બંસરી ગાતી ગઈ અને ત્રણ કલાક ક્યાં પસાર થઈ ગયા એ ખબર ન પડી. બંસરી શો પૂરો કરી રેસ્ટ રુમમાં આવીને કેદારને ભેટી પડી ને કહ્યું.

 "કેદાર"...."કેદાર"...."મારા વ્હાલા કેદાર"....."તારી સહાયતા અને હૂંફ વગર હું આ સંગીતની દુનિયામાં ક્યારેય પાછી ન ફરી શકી હોત. ખૂબ ખૂબ આભાર....મારા...કેદાર."

કેદારે સ્મિત સાથે કહ્યું "મારો કેદાર"...."મારો કેદાર કરે છો અને પછી આભાર પણ માને છો. ખરી છો, તું બંસરી. બંસરી તે કોઈ દિવસ બંસરી પર કેદાર રાગ સાંભળ્યો છે. મેં સાંભળ્યો છે અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારી બંસરી સંગીતની દુનિયામાં જરૂર કમ બેક કરશે." બંસરી, કેદાર સામે જોઈ રહી અને ઊંડા વિચારમાં ડૂબી ગઈ.

બંસરી અને કેદાર સ્કૂલથી સાથે અભ્યાસ કરતા હતા. બંસરી સ્કૂલમાં પણ સ્કૂલના ફંકશનમાં ગીતો ગાતી એ સ્કૂલની સ્વર કિન્નરી તરીકે જાણીતી હતી. કેદારને બંસરીનું આ પાસું બહુ ગમતું જ્યારે બંસરીને કેદારનો સાલસ, સરળ સ્વભાવ બહુ ગમતો. આ જ સફર કોલેજમાં પણ ચાલુ રહી. વયસ્ક થતા ધીમે ધીમે બંનેમાં પ્રેમના બીજ અંકુરિત થઈ ઊઠ્યા હતા. એક દિવસ બંને એ પોતપોતાના એક બીજા પ્રત્યેના પ્રેમને સ્વીકૃતિ આપી દીધી. બંનેના ઘરનાંને પણ આ પ્રેમ સંબંધ સામે કોઈ વાંધો નહોતો. બંને એ નક્કી કર્યું અભ્યાસ પૂરો કરી જોબમાં સેટલ થઈને લગ્ન કરીશું. નક્કી થયા પ્રમાણે બંને પોતાની પસંદગીની જોબમાં સેટ થઈ ગયા અને વડીલોએ લગ્ન દિવસ પણ નક્કી કરી નાખ્યો.

પણ, ભાવિના ગર્ભમાં શું છે. એ કોઈ જાણી શકતું નથી. એક દિવસ સાંજે બંસરી પોતાના પ્લેઝર પર ઓફિસેથી ઘરે જઈ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થતી કારે જોરદાર ટક્કર મારી, બંસરી રોડ પર પટકાઈને બેભાન થઈ ગઈ. તાત્કાલિક બંસરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બંસરીને માથામાં અને ગળા પર ઘણી ઈજાઓ થઈ હતી. ત્રણેક ઓપરેશન બાદ અઠવાડિયા પછી બંસરી ભાનમાં આવી. આઈ સી યુ માં ચારેક દિવસ રાખીને સ્પેશિયલ રુમમાં ફેરવવામાં આવી. હવે ડોક્ટરોએ બંસરીને મળવાની છૂટ આપી હતી. કેદાર સાથે બધા બંસરીને મળવા રુમમાં દાખલ થયા.

બંસરી એ બધા સામે એક નજર નાખી ને કેદાર સામે જોયું. કેદારને જોઈને બંસરીની આંખમાં આંસુ આવી ગયાં. કેદારે, બંસરી પાસે જઈને બંસરીનો હાથ પોતાના હાથમાં લઈને મૌન આશ્વાસન આપ્યું, અને પોતે લાવેલ ગુલદસ્તો બંસરીનાં હાથમાં આપ્યો. બંસરી મુક્ત મને રડી પડી. કેદાર ડોક્ટરને મળવા દોડી ગયો. એ જાણવા કે બંસરીની તબિયત હવે કેમ છે ? સ્વસ્થ થતા કેટલો સમય લાગશે ? અને ફરીથી સ્ટેજ પર પર્ફોર્મ કરી શકાશે ને ?

ડોક્ટર સાથેની વાતમાં કેદારને જાણવા મળ્યું કે બંસરીને ગળા પર ઈજા થવાથી સ્વર પેટીને ખૂબ જ નુકશાન થયું છે. તેના કારણે બંસરી થોડું થોડું પણ ધીમું બોલી શકશે પણ ગીત તો ક્યારેય નહીં ગાઈ શકે.

"ડોક્ટર સાહેબ, આ વાત બંસરી જાણે છે ? સાહેબ, ગીત, સંગીત એ તો બંસરીનું જીવનભાતું છે, જિંદગી છે. તમારા મેડિકલ સાયન્સમાં તેનો કોઈ ઉપચાર નથી ? હું એમ હાર નહીં માનું. હું બંસરીને ફરી સ્ટેજ પર ગીતો ગાતી કરીશ."

"કેદાર, આ વાત બંસરી નથી જાણતી. પણ તારા અને બંસરીનાં મમ્મી, પપ્પા જાણે છે. કેદાર, અત્યારે નહીં તો પણ થોડા સમય પછી આ વાત બંસરીને જણાવવી તો પડશે જ, કારણ કે આ તેની જિંદગીનો સવાલ છે. એ સમયે તું હાજર રહે એવી મારી ઈચ્છા છે. તારી હાજરીથી બંસરીને હૂંફ, ઉષ્મા મળશે."

"ભલે સાહેબ, તમારી જેવી ઈચ્છા. તમે પહેલેથી જ રુમમાં હાજર રહેજો. એટલે બંસરીને કોઈ શંકા ન ઊભી થાય."

કેદાર, રુમમાં દાખલ થયો. બંસરીને પૂછ્યું, "કેમ છે તને ?" ડોક્ટર સાહેબ પણ વાત થયા પ્રમાણે હાજર હતા.

 બંસરી એ ઘીમાં સ્વરે કહ્યું "સારું છે. કેદાર, મારે તને કંઈક કહેવું છે."

 "હા, કહે. પણ અત્યારે તને ખૂબ જ નબળાઈ છે, પછી વાત કરીશું." 

"નાં, મારે આજે જ કહેવું છે. કેદાર હવે હું ક્યારેય ગાઈ નહીં શકું." 

"કોણે કહ્યું તને ?" 

"કેદાર, ડોક્ટર સાહેબ, મમ્મી, પપ્પાને વાત કરતા હતા એ મેં સાંભળી લીધી છે." બંસરી રડવા લાગી. 

"બંસરી, ઘણી વખત થોડાક સમય માટે એવું બની જતું હોય છે. બંસરી તું જરૂર ગાઈ શકીશ. હું દુનિયાભરના ડોક્ટરોની સલાહ લઈને તને સ્ટેજ પર ફરીથી ગીત ગાતી કરીશ આ મારું તને વચન છે."

કેદારે દેશ, વિદેશના તજજ્ઞ ડોક્ટરો સાથે વાત કરી. મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લીધો. બંસરીનાં કેસ હિસ્ટ્રી સાથે અનેક ડોકટરોને ફોનથી, ઈ મેઈલથી કોન્ટેક્ટ કર્યો. મોટા ભાગે બંસરીની કેસ હિસ્ટ્રી સાંભળીને કેદાર નાસીપાસ થાય તેવા જવાબો મળતા હતા. છતાં કેદારે થાક્યા વગર અને હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યા. અંતે મુંબઈના એક ડોક્ટરે આશાનું કિરણ જગાડ્યું, કેદારે એ પકડી લીધું. બંસરીની ટ્રીમેન્ટ ચાલુ થઈ. ખૂબ જ ધીમી રિકવરી હતી. એક વખત તો આશાનો દિપક બુઝાય જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી પણ કેદારે જરા પણ ધીરજ ગુમાવ્યા વગર બંસરીની ટ્રીમેન્ટ ચાલુ રાખી.

એક દિવસે ડોક્ટરે કહ્યું, "કેદાર, તારા ને બંસરી માટે શુભ સમાચાર છે. મારા અનુમાને બંસરી ફરીથી સ્ટેજ પર ગીત ગાઈ શકશે પણ થોડોક સમય લાગશે." 

"ડોક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર. ગમે તેટલો સમય લાગે હું મારી ધીરજ નહીં ગુમાવું. મારે મારી બંસરીને ફરીથી સ્ટેજ પર ગાતી જોવી છે. પર્ફોર્મ કરતી જોવી છે."

આખરે ડોક્ટર સાહેબની ટ્રીટમેન્ટ કહો કે ચમત્કાર કે પછી કેદારની ધીરજ અને પ્રેમનો વિજય કહો. બંસરી એ ધીમે ધીમે રિયાઝ સાથે ગીત ગાવાની શરૂઆત કરીને સમયના સંગાથે સ્ટેજ પર ગીત ગાઈ શકે એ સ્થિતિએ પહોંચી ગઈ. અને આજે તેના પરિણામ રૂપે બંસરી એ મંગળદાસ હોલમાં ગીતો ગાઈ ને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

"અરે ! બંસરી ક્યાં ખોવાઈ ગઈ, આ તારા શુભેચ્છકો, શ્રોતાઓ તને મળવા, તારો ઓટોગ્રાફ લેવા તલપાપડ થઈ રહ્યા છે."

"મેડમ, અમારે જાણવું છે કે તમારા સંગીત ક્ષેત્રમાં આટલા લાંબા અરસા પછી કમ બેકનું રહસ્ય શું છે ? એ પણ ગાવા માટેનો અવાજ ગુમાવી દીધા પછી."

બંસરી એ કેદાર સામે જોયું અને પછી કહ્યું, "બહુ સીધુ ને સરળ છે, જેમ નરસિંહ મહેતા પાસે કેદાર રાગ હતો. નરસિંહ મહેતા કેદાર રાગ આલાપતા અને ભગવાન કૃષ્ણ પ્રગટ થતાં તેમ મારી પાસે આ કેદાર છે. તેણે મારી સંગીતની જિંદગી ફરીથી સજાવી દીધી. કેદાર રાગથી નરસિંહ મહેતાને કૃષ્ણના દર્શન થયા એમ મને કેદારમાં કેદાર રાગના દર્શન થયા જેણે મારી સંગીતની યાત્રા ફરીથી શરૂ કરાવી દીધી." 

"મેડમ"....

"નાં, હવે કોઈ સવાલ નહીં."

બંસરી ઊભી થઈ કેદારનો હાથ પકડી, હોલમાં થતા તાળીઓના ગગડાટને વધાવતી વધાવતી હોલની બહાર નીકળી ગઈ.....પોતાના સૂર સપ્તકના સાથીને લઈને.


Rate this content
Log in

Similar gujarati story from Abstract