N.k. Trivedi

Abstract Inspirational

4.5  

N.k. Trivedi

Abstract Inspirational

વુમન્સ ડે

વુમન્સ ડે

5 mins
51


"નેહા, શું કરે છે ?"

નેહાના મોબાઇલ પર રેખાનો ફરી મેસેજ આવ્યો. "નેહા, શું કરે છે ? બહુ કામમાં લાગે છે ?"

નેહાએ રેખાને ફોન કર્યો, "વળી, શું ? કરવાનું હોય. તને તો ખબર છે આઠમી માર્ચે વુમન્સ ડે છે. તે દિવસે પતિદેવે આપણને કઈક ગિફ્ટ તો આપવી પડે ને એટલે ગિફ્ટમાં કેટલી કિંમતનો અને કેવો ડ્રેસ લઉં એ વિચારણામાં છું. મેં તો રમેશને કહી દીધું છે કે આ વખતે મારે અમારી વુમન્સ ડેની પાર્ટીમાં વટ પાડી દેવો છે એટલે હું તો મોંઘો ડ્રેસ ખરીદવાની છું. તારે તારામાં જ્યાં કરકસર કરવી ત્યાં કરજે. હું મારામાં જરા પણ કરકસર ચલાવી નહીં લઉં. તું તારી વ્યવસ્થામાં રહેજે."

"નેહા, તું ખરેખર નસીબદાર છો. મારે તો એકલાએ જ મારી ખરીદી કરવા જવાનું ને વળી મને તો ખરીદીનું બજેટ આપે તેમાં જ ખરીદી કરવાની હોય. નેહા, મને એક વાત ન સમજાણી તે રમેશને તેના ખર્ચામાં કરકસર કરવાની કહી તો શું રમેશને આપણી જેમ પાર્ટી કરવાનો, પિકનિક પર જવાનો, નાસ્તા પાણી કરવાનો કે પછી સોફ્ટ ડ્રિંક્સનો શોખ છે ?"

"ના, ના, મારો રમેશ તો એકદમ સીધી લાઈનનો છે. તેના કોઈ ખોટા ખર્ચા જ નથી."

"નેહા, તો તે રમેશને શેની કરકસર કરવાનું કહ્યું ? તેનો કોઈ ખોટો ખર્ચો જ નથી તો કરકસર ક્યાં કરશે ?"

નેહાએ કહ્યું, "જવા દે ને એ વાત. આપણી માગણી માટે મનાવવા માટે આવું કહેવું પડે. તેને સારું લાગે, બાકી મને પણ ખબર છે કે તેણે કાપ મૂકવો પડે એવો કોઈ ખર્ચ કરવાની ટેવ જ નથી."

રેખાએ પૂછ્યું, "રમેશને સારું લાગે કે ખરાબ ?" નેહાએ કોઈ જવાબ ન આપ્યો, વાતને બીજે પાટે ચડાવી દીધી.

"રેખા, રશ્મિનો ફોન આવે છે. હું પછી તારી સાથે વાત કરું છું પણ તું વિમેન્સ ડેની તૈયારી શરૂ કરી દે જે. જરા વધારે લાડ કરીને, રોમેન્ટિક મૂડ બનાવીને ખરીદી માટે તગડું બજેટ પાસ કરવી લેજે. તારે આપણી કળાનો ઉપયોગ કરતા શીખવું જોઈએ, એ કળાથી ધાર્યું કામ કરાવી શકાય છે."

"બોલ રશ્મિ, બધાં સાથે વાત થઈ ગઈ ? તે બધાંને કહી દીધુને કે વુમેન્સ ડેની આ વખતે આપણે શાનદાર રીતે ઉજવણી કરવી છે. આખાય વરસમાં આપણા નામનો તો એક જ દિવસ આવે છે. આપણે તેનો ભરપુર લાભ લેવો છે. મને કહે બધાંએ શું શું કહ્યું."

 "નેહા, આમ તો બધાં સાથે વાત થઈ ગઈ છે. વિભાનો ફોન લાગતો નથી. મેં તેને મેસેજ કર્યો છે જવાબની રાહ જોઉં છું."

રોમા કહેતી હતી કે "મારે થોડીક તકલીફ થાય એવું છે. મેં મારા સાસુ, સસરાને ક્યાંય બહાર કે દેવ દર્શને પણ જવા નથી દીધા. એ લોકોએ ઘણી વખત ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હું તે લોકોની વાતને, આ ઘડપણમાં પડો આખડો તો હાથ, પગ ભાંગે એમ કહીને વાતને ટાળી દેતી હતી. મારા સાસુ, સસરા દ્વારકાધીશના ભક્ત છે. અત્યારે પરાણે એ લોકો દ્વારકાધીશના દર્શને જવા તૈયાર થયા છે. એમના પ્રોગ્રામ પર મારો આવવાનો આધાર છે. લગભગ તો હું નહી આવી શકું."

"અનિતા એ તો ના કહી. તેના સાસુની તબિયત બરોબર નથી અને ડોક્ટરને બતાવવા જવા માટેની વાત કરતી હતી."

"એ છે જ વેવલી. ક્યારેય ક્યાંય આવતી નથી."

"ના, નેહા, અનિતા વેવલી નથી. આપણે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ. અનિતાના સાસુ પણ એક વુમન છે. શું એ વૃદ્ધ થયા એટલે વુમનની ગણતરીમાં નહીં આવે ? ચોક્કસ આવશે અને એટલે જ અનિતા તેની સાસુના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે તો તેમાં ખોટું શું છે ? આમતો આપણે પણ અનિતાની જેમ વિચારવું જોઈએ."

"ઓહ, સારું, સારું. બીજી સહેલીઓ શું કહે છે એ વાત કર ને. એ લોકોને પણ કોઈને કોઈ પ્રશ્ન હશે જ ?"

"હા, નેહા એ લોકોને બધાંને હોય છે એવા સામાન્ય, સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો હોય જ છે પણ કોઈ અનિતાની જેમ કુટુંબને પ્રાધાન્ય આપોને રોજ વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે અને કોઈ વુમન્સ ડે વરસમાં એકજ દિવસ સેલિબ્રેટ કરવાનો હોય છે એમ માની વુમન્સ ડેને પ્રાધાન્ય આપે છે અને તે પ્રમાણે નિર્ણય કરે છે."

"રાગીણીની વાત અલગ છે. તેના પતિની ઓફિસમાં વુમન્સ ડેને દિવસે ઓફિસની બધી વુમન્સ, વુમન્સ ડે ઓફિસમાં સેલિબ્રેટ કરવાની છે એટલે તેની સાથે ઓફિસે જવાની છે. અને જવું પણ જોઈએ. પતિ સાથે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા મળતો હોય તો એ તક જતી ન કરાય."

અંતે નેહા એ પૂછ્યું "ટૂંકમાં કહેને તે દિવસે આપણા વુમન્સ ડે સેલિબ્રેશનમાં કેટલા ભેગા થવાના છીએ ?"

"આશરે, ત્રીસેક તો ખરા જ."

"બસ, તો ચાલ વુમન્સ ડે સેલિબ્રેશનની તૈયારીમાં લાગી જઈએ."

આખરે, જેની આતુરતાથી બધી સહેલીઓ રાહ જોઈ રહી હતી એ વુમન્સ ડે આવી પહોંચ્યો. બધી સહેલીઓએ ભેગી થઈને ખૂબ મસ્તી મજાક અને ખાણી પીણીથી વુમન્સ ડેને સેલિબ્રેટ કર્યો. અચાનક નેહાએ રેખાને પૂછ્યું, "રેખા, વિભા કેમ નથી દેખાતી, તેનો કોઈ ફોન કે મેસેજ હતો ? કે પછી તેણે કોઈ જવાબ જ નહોતો આપ્યો ?"

"ના, અત્યાર સુધી તો તેનો કોઈ જવાબ નથી આવ્યો. અત્યારે આવ્યો હોય તો જોઈ લઉ. નેહા, વિભાએ આપણા માટે એક વિડીયો અને મેસેજ મોકલ્યો છે."

"આજે વુમન્સ ડે ને દિવસે ભેગી થયેલી બધી સહેલીઓને વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સાથેના વિડીયોમાં મને આજે જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં સ્વિમિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયાનું સર્ટિફિકેટ માનનીય શ્રી કલેક્ટર સાહેબને હસ્તે મળી રહ્યું છે એ તમે જોઈ શકશો. તમને મારી સ્વિમર તરીકેની પહેચાન પહેલી વખત મળે છે. આજે પુરી હકીકત તમને જણાવી દઉં."

"હું, શાળાકક્ષા અને કોલેજકક્ષાએ તેમજ સ્ટેટકક્ષાએ સ્વિમિંગમાં ઘણી વખત પ્રથમ ક્રમાંક મેળવતી અને મહદ અંશે પ્રથમ રહેતી. લગ્ન પછી મેં કુટુંબને પ્રાધાન્ય આપ્યું. આ વાતની શુભમને ખબર હતી પણ તેણે શું કરવું એ મારી પર છોડ્યું હતું. આ બાબતે અમારી વચ્ચે ચર્ચા નહિવત થતી હતી. શુભમને ખબર હતી કે હું કુટુંબને વિશેષ પ્રાધાન્ય આપું છું. શુભમે મને ક્યારેય કોઈ બાબતે દબાણ કર્યું નથી. મારી ઈચ્છાનું હંમેશા માન રાખ્યું છે."

"શુભમને ખબર હતી કે વુમન્સ ડેને દિવસે જિલ્લાકક્ષાની વુમન્સ સ્વિમિંગ કોમ્પિટિશન છે. તેણે મને પૂછ્યા વગર મારુ નામ રજીસ્ટર કરવી દીધું હતું. અઠવાડિયા પહેલા શુભમે મને વાત કરી. હું તો આ વાતથી ગભરાઈ ગઈ કે વગર પ્રેક્ટિસે હું કોમ્પિટિશનમાં શું કરીશ. મેં શુભમને કોમ્પિટિશનમાં ભાગ લેવાની ના કહી પણ શુભમને વિશ્વાસ હતો કે મારે થોડીક પ્રેક્ટિસની જરૂર છે. હવે શુભમની ઈચ્છાનું માન રાખવાનો મારો વારો હતો."

"મેં એક અઠવાડિયું સ્વિમિંગની પ્રેક્ટિસ કરી, શુભમ મારી સાથેને સાથે જ હતો અને મારો આત્મવિશ્વાસ વધારતો રહેતો હતો. .....જેનું પરિણામ તમારી સામે છે. આજે મને મારી જિંદગીની બેસ્ટ ગિફ્ટ શુભમે વુમન્સ ડે ને દિવસે આપી છે. તમને સમજીને તમારી આંતરિક શક્તિ જો તમારો લાઈફ પાર્ટનર બહાર લાવે તો તેનાથી મોટી ગિફ્ટ બીજી કઈ હોય શકે ? આજે હું, ખુબ જ ખુશ છું કે વુમન્સજ ડે ને દિવસે મને મારી જિંદગીની અમૂલ્ય ભેટ મળી છે."

વુમન્સ ડે ની પાર્ટીમાં સોપો પડી ગયો હતો. બધાએ વિભા વિડીયો અને મેસેજ દ્વારા શું કહેવા માગે છે તેનો અર્થ પોતપોતાની રીતે તારવ્યો કે બીજી સહેલીઓ જે ગેરહાજર રહીને છે તેણે પોતાની પસંદગીની ગીફ્ટ મેળવી લીધી છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract