વડીલોનું જ્ઞાનઘર"
વડીલોનું જ્ઞાનઘર"
"વડીલોનું જ્ઞાનઘર"
"અખિલ બેટા તું આપણી બાજુની જમીનમાં આવડુ મોટું મકાન શા માટે બનાવે છો? હવે આપણે નવા મકાનની શું જરૂર છે?"
અખિલે મમ્મી સામે જોઈને પૂછ્યું,"મમ્મી તમે વૃદ્ધાશ્રમ જોયું છે?"
"ના બેટા આપણે શું કામ હોય કે ત્યાં જઈએ આપણા કોઈ વડીલો વૃદ્ધાશ્રમમાં નથી રહ્યાં; મોટા ઘર હોય, સુખ, સંપતી હોય અને બાળકોનો પ્રેમ હોય પછી વૃદ્ધાશ્રમમાં શું કામ રહે. તારી વાત મને સમજાઈ નહી."
"પણ મમ્મી મેં જોયું છે."
"અમારે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં નથી જવું પડ્યું તો તારે શું કામ જવું પડ્યું."
“મમ્મી હું થોડા દિવસ પહેલાં પપ્પા કામમાં હતા. પપ્પા જઈ શકે તેમ નહોતા એટલે તેના બદલે મિટીંગમાં હાજરી આપવા માટે વૃદ્ધાશ્રમગયો હતો. મારે તો કંઈ કરવાનું નહોતું; ખાલી પપ્પાને બદલે મિટીંગમાં હાજરી આપવાની હતી.
પણ મેં ત્યાં જે જોયું; એ પરિસ્થિતિ એ મને વિચાર કરતો કરી દીધો છે. મમ્મી ત્યાં સંપૂર્ણ પણે વડીલોનું ધ્યાન રાખતી અને પૂર્ણ સગવડતા આપતી વ્યવસ્થા છે. છતાં પણ વડીલોના મોઢા નિષ્તેજ હતા, શૂન્યમનસ્ક હતા.”
"તે હોય જ ને બેટા; જે પોતાના ઘરથી પોતાનાથી તરછોડાયેલા હોય, તેને સુકુન કે સુખ ક્યાંથી હોય. બેટા તું કેમ આ બધું વિચારે છો. અત્યારે તારે આ બધી બાબત વિચારવાનો સમય નથી. તારા પપ્પા એટલે તો વૃદ્ધાશ્રમ સાથે સતત જોડાયેલા રહે છે. દરેક બાબતનું ધ્યાન રાખે છે."
“મમ્મી મિટિંગપૂરી થયા પછી હું ત્યાં કેટલાય વડીલોને મળ્યો. તેમાં કોઈ કવિ, લેખક, સાહિત્યકાર, શિક્ષક, ભજનીક, વિવેચક,કંઈ કેટલીયે પ્રતિભા ત્યાં છે; કે જે તેના સુવર્ણકાળમાં આભા પ્રસરાવતી હતી. તેના નામના સિક્કા પડતા હતા.આજે એ બધી પ્રતિભામાં આભાનું તેજ છે,જ્ઞાનનો પ્રકાશ છે. પણ પરિસ્થિતિની થપાટથી એ લોકોનું તેજ ક્ષિણ થઈ ગયું લાગે છે. મેં ઘણાં વડીલો સાથે વાત કરી તો તેઓને મનમાં રંજ છે. એ લોકો એમ માને છે કે એ લોકોમાં હજી કૌવત હોવા છે. હજી કંઈક કરવાનું ઈચ્છા છે. પરિસ્થિતિ એ મજબુર કરી દીધા છે;છતાં દીકરા કે દીકરીએ તિસ્કૃત થઈને વૃદ્ધાશ્રમનાં આધારે જીવવું પડે છે.આ તે લોકોના દુખનું મુખ્ય કારણ છે. હજી પણ એ લોકો એવા મતના છે કે પોતે પોતાનો રોટલો રળી શકે એટલા તો સક્ષમ છે.છતાં નિરાધાર થઈને જીવવું પડે છે.”
“મેં એ બધાં સાથે વાત કરી. બધાં હજી કંઈક ને કંઈક કરવા સક્ષમ છે અને કામ કરવા માટે તૈયાર પણ છે; જો, યોગ્ય તક મળે તો. મારો એવો વિચાર છે કે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરશે તેમાંથી થતી આવક; વૃદ્ધાશ્રમને પ્રેમથી જે કંઈ ડોનેશન મળશે; કવિ, લેખકોએ લખેલ પુસ્તકોને આપણે પ્રકાશિત કરીશું તેની જે કંઈ રોયલ્ટી આવશે; આ સિવાયના બાકી વડીલોમાં કોઈ વકીલ, ડોક્ટર, કે બિઝનેસમેન છે. તેમને તેમની કાર્યદક્ષતા અને જ્ઞાન પ્રમાણે કામ આપશું. ટૂંકમાં દરેક વડીલને કોઈને કોઈ કામ આપશું. જે કંઈ રકમ એકઠી થશે એ બધાં વડીલોની વચ્ચે તેમની સેવા માટે પૂરસ્કાર રૂપે વહેંચી દઈશું એટલે વડીલોને પણ તેમના બાળકો પાસેથી અહીયાં રહેવા માટેનો ખર્ચ નહીં માગવો પડે. વૃદ્ધાશ્રમનો તમામ વહીવટી ખર્ચ અને ખૂટતી રકમ આપણે પૂરી કરી દઈશું. આમેય આપણે વૃદ્ધાશ્રમમાં ડોનેશન માટે ઘણાં પૈસા આપીએ છીએ.અત્યારે જે વૃદ્ધાશ્રમનું મકાન છે એ નાનું પડે છે અને જુનું હોવાથી જર્જરિત થઇ ગયું છે.એ બધાંને નવા મકાનમાં ફેરવી નાખશું.મમ્મી મારો પ્લાન કેવો લાગ્યો. મેં મારી યોજના વિષે હજી વડીલો સાથે વાત નથી કરી; પણ એ લોકો ચોક્કસ સહમત થશે જ.”
"તે વાત કરી એ બરોબર છે પણ તારી યોજનાને અમલમાં મૂકવા માટે તારો પ્લાન શું છે? હું ને તારા પપ્પા તારા અભિયાનમાં સાથે છીએ.તારો વિચાર ખૂબ સુંદર છે. સૌને હક્કનો રોટલો વધારે ભાવે."
“મમ્મી હું આ બધી વિભૂતિઓને તેની કાર્યદક્ષતા અને કાર્યકૌશલ્ય પ્રમાણે કામ કરવાની સગવડતા ઉભી કરવા માગું છું. કવિને,લેખકને લેખન માટેની વ્યવસ્થા; જે લોકોમાં શિક્ષણને લાગતું જ્ઞાન છે અને બાળકોને ભણાવી શકે છે તેમ છે એ લોકો માટે જરૂરિયાતવાળા બાળકો માટે ખૂબ જ ઓછી ફીથી શિક્ષણવર્ગ ચાલુ કરીશ; જેમાં વડીલ શિક્ષકો તેનું જ્ઞાન પીરસરશે; જેથી જરૂરિયાતવાળા બાળકો અને શિક્ષક/વડીલો બંનેને ફાયદો થશે. લેખકો, કવિઓ કે અન્ય વિભૂતિઓના પુસ્તકો વગેરે છપાવી સમાજમાં વધારાનું જ્ઞાન પિરસીશુ. સાર્વજનિક દવાખાનું ખોલીશું જેથી જરૂરિયાતવાળા દર્દીને યોગ્ય દવા અને સલાહ સૂચન મળી શકે.આ પદ્ધતિથી બધાંજ માટે જુદું જુદું પણ તેમનું મનગમતું કાર્યક્ષેત્ર ઉભું કરવા માગું છું. જેનાથી સમાજને પણ કોઈ ને કોઈ રીતે ફાયદો થાય અને જે તે પ્રભુતાવાળા વડીલને સમય પસાર કરવા સાથે કંઈક કર્યાનો સંતોષ મળે. મમ્મી જે મકાન બની રહ્યું છે તેમાં મેં આ બધી બાબતોને આવરી લીધી છે અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે.”
"તારા, પપ્પા સાથે વાત થઈ?"
"મેં પપ્પાની સંમતિ થી જ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે."
"વાહ બેટા મને તારી પર ગર્વ છે. તારી આ યોજનાથી વડીલો પણ જીવન પર્યંત સ્વમાનથી જીવ્યાંનો સંતોષ લઈ શકશે. વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે એ દુઃખ અને વ્યથા ભૂલી જશે.આ ઉપરંત બાળકોથી તિરસ્કૃત થઈને રહેવું પડે છે એવું પણ નહી લાગે. બેટા જો તારી જેમ આ નવી પેઢી વડીલોનાં સામર્થ્યનો ઉપયોગ કરે તો કદાચ વૃધ્ધાશ્રમમાં વેઈટિંગ લીસ્ટના બદલે વૃદ્ધાશ્રમને બંધ કરવાનો સમય આવે."
"મમ્મી મને નામ શું રાખવું એ સૂઝતું નથી. મારે વૃદ્ધાશ્રમ કે એવું કંઈ નામ નથી રાખવું. એ નામ સમાજ માટે કલંકરૂપ લાગે છે."
"તો બેટા 'વડીલોનું જ્ઞાનઘર' એવું નામ રાખ. તારી યોજના પણ વડીલોને તેના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય એવી છે.દરેક વડીલ તેના જ્ઞાનથી સમાજનાં ઉત્થાનમાં ફાળો આપી શકશે. "
"મમ્મી ખૂબ સરસ નામનું સૂચન છે" તો ચાલો નવા મકાનનું નામ...."વડીલોનું જ્ઞાનઘર રાખશું."...
`હા, બેટા આ નવા મકાનનું નામ` "વડીલોનું જ્ઞાનઘર"અખિલના પપ્પાએ પણ ઘરમાં દાખલ થતા નામ અને વાતને અનુમોદન આપી દીધું.
નરેન્દ્ર ત્રિવેદી.....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
