N.k. Trivedi

Others

4.0  

N.k. Trivedi

Others

પડછાયો

પડછાયો

5 mins
38


"રાકેશ દોડ, દોડ બારી પાસે કોઈક છે." રાજલે એકદમ ચીસ પાડી. રાકેશ વૉશ રુમમાંથી દોડીને બહાર આવ્યો, "ક્યાં છે ? ક્યાં છે ?" 

"બારીની બહાર મેં પડછાયો જોયો, મેં ચીસ પાડી એટલે દોડી ગયો." રાકેશ, બહાર આવ્યો, આજુબાજુમાં બધે જ જોઈ વળ્યો, કોઈ મળ્યું નહીં.

"રાજલ તારો વહેમ છે, તારે આરામની જરૂર છે ઓફિસનું કામકાજ ઓછું કરી નાખ. "

"ના, રાકેશ એવું નથી ખરેખર મેં પડછાયો જોયો હતો."

"સારું રાત બહુ થઈ ગઈ છે તને બીક લાગતી હોય તો મારી પાસે સૂઈ જા".

રાજલ, શેઠ જમનાદાસની એક માત્ર વારસ હતી. શેઠ પાસે કરોડોની મિલ્કત હતી. શેઠ સખાવતી, માયાળુ અને દિલદાર હતા. શેઠનો ભાઈ વિઠ્ઠલદાસ કઈ ભણ્યો નહોતો અને બધે લખણે પૂરો હતો. શેઠને પોતાના સહોદર ઉપર પ્રેમ હતો એટલે પોતાની પાસે રાખી ધંધાને લગતા નાના મોટા કામકાજ સોંપતા હતા. શેઠને પોતાના ભાઈ પ્રત્યે પ્રેમ અને લાગણી હતી પણ વિઠ્ઠલદાસ કે તેના કુટુંબને શેઠ પ્રત્યે જરા પણ લાગણી કે અહોભાવ નહોતો. શેઠ આ બધું જાણતા હતા પણ મોટું મન રાખી જતુ કરતા હતા.

રાકેશ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો. રાજલના બંગલાની બાજુમાં તેનું નાનું એવું ટેનામેન્ટ હતું. રાજલને પ્રથમ નજરે રાકેશ ગમી ગયો હતો એટલે રાકેશને મળવાના મોકા ઊભા કર્યા કરતી. રાકેશ તો આ બાબતે સાવ અજાણ હતો. તેને રાજલના પપ્પાની સમૃદ્ધિની ખબર હતી એટલે તે ફક્ત મિત્રતાથી વિશેષ રાજલને કોઈ મહત્વ નહોતો આપતો. 

એક દિવસ રાજલે રાકેશને કહ્યું, "હું તમને પસંદ કરું છું અને તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તમે મને સ્વીકારશો ?"

"રાજલ, મારી ને તારી વચ્ચે આર્થિક અને સામાજિક તફાવત બહુ મોટો છે. બીજું તારા પપ્પા જ આપણા સંબંધને સ્વીકારે નહીં, અત્યારે પ્રેમમાં આ વાત ગૌણ લાગે છે પણ અસમાનતા સાથે જીવન શરૂ કરીએ તો ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે."

"હું તૈયાર છું અને મારા પપ્પાની લાડલી દીકરી છું. મારા પપ્પા ચોક્કસ સહમત થશે. તારી તૈયારી છે ને ?"

"તારા પપ્પા સહમત થાય તો તારી જેવી ગુણિયલ છોકરી સાથે લગ્ન કરવાની કોણ ના પાડે."

"તો તારું નક્કી ?"

"હા, મારુ નક્કી."

રાજલે, તેના પપ્પાને વાત કરી. શેઠ જમનાદાસ પણ રાકેશને સારી રીતે જાણતા હતા. તેમની સહમતી સાથે રાજલ, રાકેશના લગ્ન ભવ્ય સમારંભમાં સંપન્ન થઈ ગયા. રાકેશ, શેઠ જમનાદાસના કારોબારમાં જોડાય ગયો, જે વિઠ્ઠલદાસને જરા પણ નહોતું ગમ્યું. પણ ભાઈના આશ્રિત હતા એટલે કઈ બોલી શકે તેમ નહોતા.

શેઠ જમનાદાસ જમાનાના ખાધેલ હતા. તેણે વિલ કરી નાખ્યું હતું અને પોતાની બધી જ સંપત્તિ રાજલના નામે કરી દીધી હતી. આ વાત ગમે તે રીતે વિઠ્ઠલદાસે જાણી લીધી હતી અને સંપત્તિ પચાવી પાડવાના કાવાદાવા શરૂ કરી દીધા હતા.

શેઠ જમનાદાસનો નિયમ હતો કે હોળી ઉપર શ્રી નાથદ્વારા દર્શન કરવા જવું, જવાનો પ્રોગ્રામ બનાવ્યો, દરેક વખતે રાજલ સાથે જ જતી. પણ, આ વખતે શેઠ જમનાદાસે કહ્યું, "બેટા તારી લગ્ન પછીની આ પહેલી હોળી છે એ તારે તારા સાસરામાં ઉજવવી જોઈએ એટલે આ વખતે તારો અમારી સાથે આવવાનો પ્રોગ્રામ કેન્સલ. આપણે પછી રાકેશને લઈને જઈ આવીશું."

સાંજે સાત વાગે રાકેશના ફોનમાં અજાણ્યા નંબરની રિંગ વાગી, "આપ કોણ બોલો છો ?"

"હું રાકેશ, શેઠ જમનાદાસનો જમાઈ બોલું છું."

"તમે જલ્દી આબુ રોડ સરકારી હોસ્પિટલ આવો, શેઠ જમનાદાસની કારને એક્સિડેન્ટ થયો છે."...ને ફોન કપાઈ ગયો.

રાકેશ ને રાજલ તાત્કાલિક પોતાની કારમાં આબુ રોડ સરકારી હોસ્પિટલ જવા નીકળી ગયા. એક્સિડેન્ટ એવો ભયંકર હતો કે શેઠ, તેમના ધર્મપત્ની અને ડ્રાઇવર ત્રણેયમાંથી કોઈ બચી શક્યું નહીં. રાજલ ઊંડા આઘાતમાં સરી પડી. રાકેશે, રાજલને સંભાળવાની સાથે સાથે શેઠના બિઝનેસમાં પણ વધારે રસ લેવાનું શરૂ કર્યું. રાકેશને શેઠ જમનાદાસના કાર એક્સિડેન્ટ ઉપર પણ શંકા ઉપજી કારણકે ડ્રાઇવર વિશ્વાસુ અને વર્ષો જૂનો હતો.

રાકેશે, તેના મિત્રને સાચી હકીકત જાણવાનું કામ સોંપ્યું, રિપોર્ટ વાંચી રાકેશ હબક ખાઈ ગયો. શેઠની કારની બ્રેક એવી રીતે ફેઈલ કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું કે કારની બ્રેક ત્રીસેક કિલોમીટર ગયા પછી સંપૂર્ણ ફેઈલ થઈ જાય અને ફેટલ એક્સિડેન્ટ થાય. રાકેશને વિઠ્ઠલદાસની નિયત ઉપર તો પહેલેથી જ શંકા હતી. રાકેશે કળથી કામ લેવાનું વિચાર્યું, 

રાકેશને, ડોકટરે સલાહ આપી કે રાજલને આ માહોલમાંથી બહાર લાવવી જરૂરી છે. તમે થોડો સમય માટેની પર્યટન ટુર ગોઠવો. એ અન્વયે રાજલ અને રાકેશ ફરતા ફરતા ઊંટી આવ્યા હતા. ઊંટી પહેલાંના સ્થળ ઉપર પણ રાજલને તેની આજુબાજુ પડછાયા ફરતા હોય એવા અનુભવો થયાં હતાં. રાજલે તેને સામાન્ય બાબત ગણી અવગણી દીધા હતા. આ વખતે પડછાયો જોઈને ખરેખર ડરી ગઈ ને ચીસ પાડી ઊઠી.

રાકેશે, વિઠ્ઠલદાસને કહ્યું", "કાકા, રાજલ હવે પુરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે. તમે અમારી ગેરહાજરીમાં પપ્પાનો બિઝનેસ બહુ સારી રીતે સાંભળ્યો છે એટલે તમારું બહુમાન કરવું છે. અમે એક નાની એવી પાર્ટીનું આયોજન કર્યું છે. તમને વાંધો નથી ને ?"

"ના, બેટા મને શું વાંધો હોય. તું ને રાજલ સુખી એટલે અમે સુખી"

વિનયે કહ્યું."રાકેશ, શેઠ જમનાદાસની કારની બ્રેક ફેઈલ કરી નાખવામાં આવી હતી એટલે ફેટલ એક્સિડેન્ટ થાય ને કોઈ ન બચે એવું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. બીજી વાત રાજલને દેખાતા પડછાયા એ ભ્રમ નહોતો પણ રાજલને ડરાવીને માનસિક રીતે અસ્થિર કરવાનો ઈરાદો હતો." 

"વિનય, તું મારો પોલીસ મિત્ર ખરો પણ આવી વાહિયાત વાત ન કરતો. અમને અમારા વિઠ્ઠલદાસકાકા અને અમારા બીજા સગા સંબંધી ઉપર પૂરતો વિશ્વાસ છે. કેમ વિઠ્ઠલદાસકાકા મારી વાત સાચી છે ને ?" 

 "હા, બેટા આપણા ઘરમાંથી એવું કોણ કરે ?"

"વિઠ્ઠલદાસકાકા, તમે જ એવું કર્યું છે." રાકેશે કહ્યું.

 "ખોટી વાત છે. તારી પાસે મારી વિરુદ્ધના પુરાવા છે ?"

 "હા, આ રહ્યો પુરાવો." એમ કહી વિનયે ઊંટીમાં પકડેલા અને બધી જ વિઠ્ઠલદાસકાકાની યોજનાની વાત કરી ચૂકેલા રઘુને લઈને અંદર આવ્યો.

 "વિઠ્ઠલદાસકાકા આને ઓળખો છો ? એ તમને ઓળખે છે. અને તમારા પુરા ષડયંત્રની વાત તેણે કરી દીધી છે"

"હા",

"હા, મેં જ ભાઈનું એક્સિડેન્ટ કરાવ્યું છે અને આ રાજલને પાગલ કરી નાખવા માટે જ પડછાયાનો ભય ઊભો કર્યો હતો. આ રાકેશે મારી સાથે દગો કર્યો. મારી સાથે રહી મારી યોજના ઊંઘી વાળી મને ફસાવી દીધો"

રાજલે કહ્યું."વિનયભાઈ આ મારા કહેવાતા દુષ્ટ ને ષડ્યંત્રકારી વિઠ્ઠલદાસકાકાને મારી નજરથી દૂર લઈ જાવ."

 "ચાલો વિઠ્ઠલદાસજી જેલની કોટડી તમારી રાહ જુવે છે"

"રાકેશ, તારો ખૂબ ખૂબ આભાર." રાજલે કહ્યું.

"રાજલ, હવે પડછાયાથી ન ડરતી, કારણ કે તારી આસપાસ ફરતો પડછાયો મારો હશે." હસતા હસતા રાકેશે કહ્યું...... અને રાજલ દોડીને રાકેશને ગળે વળગી ગઈ.


Rate this content
Log in