STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

3  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

*"વિજયી ભવઃ"*

*"વિજયી ભવઃ"*

3 mins
209

*"વિજયી ભવઃ"*

અરજણભા ફળિયામાં ખાટલો ઢાળીને હાથમાં મોબાઈલ લઈને બેઠાં હતા. દિવાળીની રાત હતી. બહાર શેરીમાં નાના, મોટા સહુ ફટાકડાં ફોડીને આનંદની ચીચયારી પડી રહ્યાં હતાં. આમતો ગામનાં લોકો દર દિવાળીએ અરજણભાનાં મોટાફળિયામાં ફટાકડાં ફોડવા ભેગાં થતાં, પણ આજે અરજણભા એ ખડકી જ ખોલી નહોતી. દરવખતની જેમ આ દિવાળીમાં અજારણભાનાં મનમાં આનંદ નહોતો. દિવાળી ગમગીન લાગતી હતી. તેનું કારણ હતું, રાજભા દર દિવાળીએ અઠવાડિયાની રજા લઈને દિવાળી કરવાં ગામડે આવી જતો. પણ અઠવાડિયા પહેલાં રાજભાનો ફોન હતો કે આ દિવાળીએ તેને રજા નહી મળે. સીમા પર પડોશી દેશની હિલચાલ વધી ગઈ છે. કદાચ યુદ્ધ પણ શરુ થઇ જાય. 


“શું? તમે ક્યારનાં મોબાઈલ સામે તાકીને બેઠાં છો? રાજે આપણને અઠવાડિયાં પહેલાં જ જણાવી દીધું છે કે એ આ વખતે દિવાળી પર ઘરે નહી આવી શકે. મેં જયારે રાજને સૈનિક તરીકે સેનામાં જોડાવાની ના કહી ત્યારે તમે બંને એ મારી વાત માની નહોતી. સેનાની નોકરીજ એવી હોય, ક્યારે દેશની હાંકલ પડે અને દોડવું પડે એ નક્કી ન કહેવાય. ત્યારે તમે એમ કહ્યું હતું `કે જો બધાંજ પોતાનાં સંતાનને પોતાની પાસેજ રાખે અને સેનામાં જોડવા ન દે; તો દેશની સીમનું રક્ષણ કોણ કરશે. સીમા અસુરક્ષિત થઇ જાય એટલે દેશ અને આપણે બધાં અસુરક્ષિત થઇ જઈએ. એટલે રાજ ભલે દેશની સેવા કરવા માટે સેનામાં જોડાતો. રાજને તો એટલું જ જોઈતું હતું. રાજ સેનામાં જોડાઈને સીમા પર દેશની સેવા કરવા પહોચી ગયો. હવે, આજે રાજનાં ફોનની રાહ જોઈને મોબાઈલ હાથમાં લઈને બેઠાં છો. મને પણ દીકરા વગરની આ દિવાળી સુની સુની લાગે છે. દિવાળીની રાતે આપણું ફળિયું ફટાકડાંના અવાજથી ગાજતું હોય છે. અરે! ક્યારેક તો તમે પણ બાળક બનીને રોકેટ ફોડવા કે બોમ્બ ફોડવા દોડી જતાં. અને આજે...ખડકી પણ આપણે બંધ રાખી છે.”


“તારી વાત સાચી છે. સેનાની નોકરી જ એવી હોય છે. દરેકને પોતાનાં દીકરા વહાલાં હોય છે એમ મને પણ આપણો રાજ વહાલો છે એટલે તો આજે તેની ખોટ વરતાય છે.પણ, અમારી વાત પણ એટલી જ સાચી છે. દેશની સેવા કરવી એ દરેક નાગરિકનો ધર્મ છે. આપણે આપણા રાજને સેનામાં મોકલીને દેશસેવામાં યોગદાન આપીએ છીએ. મને પણ રાજની સતત ચિંતા રહે છે. જયારે તેણે કહ્યું કે આ દિવાળીએ રજા નહી મળે સીમા પર પડોશી દેશી હિલચાલ વધી ગઈ છે ત્યારથી મારું મન રાજની ચિંતામાં વ્યસ્ત થઇ ગયું છે. રાજે કહ્યું હતું `કે તેણે સીમા પર ડ્યુટી કરવાની છે.` આજે ટીવી સમાચારમાં પણ સીમા પર ભડકો થયો છે અને સામસામા ગોળીબાર શરુ થઈ ગયાંના સમાચાર આવે છે. તને સાચું કહું આ બહાર ફૂટતાં ફટાકડામાં મને સીમા પર થતાં ગોળીબાર અને તોપનાં અવાજ સંભળાય છે. એટલે તો આજે બહાર પણ નથી ગયો કે ખડકી નથી ખોલી. આ પડોશી દેશને દિવાળી પર જ યુદ્ધ કરવાનું ઝુનુન કેમ ઉભરાતું હશે? હા, પણ એ લોકોને અને દિવાળીનાં તહેવારને શું લાગે વળગે. આમ અરજણભા અને તેમના પત્ની ચિંતા ગ્રસ્ત ચહેરે વાતો કરતાં હતાં. પણ અરજણભા વારંવાર મોબાઈલ સ્ક્રીન સામે જોઈ લેતાં.


અરજણભાનાં મોબાઈલમાં રિંગ વાગી. નંબર જોઈને અરજણભાનાં ચહેરા પર ખુશી ફરી વળી. પત્ની સામે જોઈને કહ્યું, “રાજનો ફોન છે.”


ફોનનું સ્પિકર ઓન કરી કહ્યું, “હલ્લો, રાજ દીકરા કેમ છો? તારી વગરની અમારી દિવાળી સાવ જ ફિક્કી પડી ગઈ છે. તને કેમ છે દીકરા? ત્યાં આ અવાજ શેના સંભળાય છે? તું, તું, વાત કર, અમે તારો અવાજ સાંભળવા માટે આતુર છીએ.”


“અરે! બાપુ તમે એક સાથે અનેક સવાલ પૂછી નાખ્યા. તમે ધૂમધામથી આજે દિવાળી મનાવો. અમે અહીયા દિવાળીની ધૂમધામ શરુ કરી દીધી છે. બાપુ, આ, જે અવાજ સંભળાય છે એ ગોળીઓનાં કે તોપગોળાનાં ફૂટવાના નથી, ફટાકડાં અને ફટાકડાંના બોમ્બ ફૂટવાના છે. અમારી ચોકી પર દુશ્મને હલ્લો કર્યો હતો. અમે દુશ્મનની ટેન્કો અને સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો છે. તેની ખુશીમાં આ ધમાચકડી છે. તમે મારી હાજરી ત્યાં છે એમ માનીને આજની દિવાળીની રાત દરવખતની જેમ સહુ સાથે ધૂમધામથી મનાવો.”


“સારું, સારું, દીકરા” એમ કહીને અરજણભા ખડકી ખોલી શેરીમાં પહોચી ગયાં અને કહ્યું એ દીકરા એક રોકેટ લાવ મારે ફોડવું છે. તમે બધામાં ફળિયામાં આવી જાવ. ધૂમધામથી દિવાળી મનાવો. આજે મારો દીકરો અને દેશ વિજયી થયા છે.....

*નરેન્દ્ર ત્રિવેદી........*

#####################


Rate this content
Log in

Similar gujarati story from Abstract