N.k. Trivedi

Tragedy Inspirational Thriller

2.0  

N.k. Trivedi

Tragedy Inspirational Thriller

રક્ષાબંધન

રક્ષાબંધન

5 mins
385


મધુભાઈ એકલા ડ્રોઈંગ રૂમના સોફામાં બેઠા હતા. આંખમાં દુઃખનાં આસું હતા. મન ઉદાસ અને ખિન્ન હતું. આજે રક્ષાબંધનનો દિવસ છે પણ મેઘા આવવાની નથી. અરે ! એ હવે કદી આવવાની નથી. ક્યાંથી આવે, ગઈ રક્ષાબંધનનાં દિવસે આવી હતી. ઘરે જતા એક્સિડેન્ટ થયો અને સદાના માટે ભાઈને છોડીને ચાલી ગઈ. આમેય એ વર્ષમાં એક વાર રક્ષાબંધનનાં દિવસે જ આવતી એ પણ મંજુલાને પસંદ નહોતું, પણ આવતી, જરૂર આવતી, પરાણે આવતી, એવું કહીને આવતી કે બેન જીવતી હોય અને રક્ષાબંધનનાં દિવસે ભાઈને રાખડી ન બાંધે એવું થઈ જ ન શકે. બેને ભાઈને રાખડી બાંધવી જ જોઈએ અને ભાઈએ રાખડી બંધાવી પડે. એવું નહોતું કે રક્ષાબંધનનાં દિવસે ભાઈ પાસે કોઈ લાલચથી આવતી. મેઘા તો ખાધે પીધે સુખી હતી. આવતી તો પણ પોતાની કારમાં આવતી. તે દિવસે પણ પોતાની જ કારમાં આવી હતી. મંજુલાના અભદ્ર વર્તનથી દુઃખી થઈ જતી. મંજુલાને મેઘા આવે જરા પણ ગમતું નહી. મેઘાએ ક્યારેય મધુભાઈનાં ઘરમાં માથું માર્યું નહોતું કે ન કોઈ આડીઅવળી વાત કરતી. છતાં મંજુલાએ ક્યારેય મીઠો આવકાર આપ્યો નહોતો. અરે ! મેઘાના કાર અકસ્માતના દિવસે પણ મંજુલાએ ઘર માથે લીધું હતું. કારણ કે મધુભાઈ ખબર પડે દોડીને હોસ્પિટલ ગયા હતા. મેઘા રક્ષા બંધનના દિવસે આવતી, અચૂક આવતી અને મધુભાઈના હાથે રાખડી બાંધી પોતાના આંસુથી ભાઈના હાથને ભીંજવીને જતી રહેતી. મધુભાઈ દુઃખી દુઃખી થઈ જતા પણ મંજુલાને કંઈ કહી શકે તેમ નહોતા, મંજુલાનો સ્વભાવ જ એવો હતો. મધુભાઈ એક વાત કહે તો સામે દશ વાત મંજુલાની સાંભળવી પડતી. આ બધી વાત યાદ કરી મધુભાઈ દુઃખી થઈ બેઠા હતા.

મંજુલાબેને ગઈ કાલે મધુભાઈને પૂછ્યું હતું, "આ રક્ષાબંધન ઉપર હવે મેઘાબેન તો નહીં આવે."

"ક્યાંથી આવે, એ બિચારી પ્રભુને પ્યારી થઈ ગઈ. આવતી ત્યારે તને ક્યાં ગમતી હતી કે આજે એ વાત કરે છો. નથી આવવાની એટલે મને યાદ કરાવે છો કે હવે તમારી બેન નહી આવે."

"તમે સાંભળો તો ખરા"

"હા, બોલો. મારે વાત સાંભળવા સિવાય કરવાનું પણ શું છે."

"હું કાલે મારા ભાઈને રાખડી બાંધવા જાવ ?"

"તને આટલા વર્ષે તારા ભાઈને રાખડી બાંધવાનું યાદ આવ્યું"

"કહોને, હું જાવ કે ન જાવ."

"હા, જા. હું ક્યાં તને રોકું છું....પણ હું નહીં આવું... મને તારા ભાઈ..ભાભી સામે કોઈ જ વાંધો નથી. તારુ મારી..બેન..મેઘા અને..બનેવી સાથેનું ભૂતકાળનું વર્તન મને એમ કરતાં રોકે છે. જેમ તને તારો ભાઈ યાદ આવે છે એમ મેઘાને પણ હું યાદ આવતો. અને બેન હતી એટલે તારું ગમે તેવું વર્તન હોય એ રક્ષા બંધનના દિવસે અપમાન સહન કરીને પણ આવતી."

"તો સારું હું એકલી જઈ આવીશ."

"આવો, બેન, કેમ એકલા ? મધુભાઈ તો ક્યાંથી આવે આજે તો તેની વહાલ સોયી બેન મેઘાની યાદમાં આંખમાંથી આંસુ નહીં સુકાતા હોય. મંજુલાબેન તમને પણ તમારા ભાઈની યાદ આવી તો આજે જ્યારે મધુભાઈને તમારી જરૂર હોય ત્યારે તમે તેને એકલા મૂકીને આવ્યા. તમને ભાઈને ત્યાં આવ્યાને ઘણા વર્ષો વીતી ગયા ને, બેન. તમે એક નાની એવી બાબતમાં રક્ષાબંધનનાં દિવસે રિસાઈને ચાલ્યા ગયા હતા તે આજે આવ્યા. જયારે મધુભાઈએ તો તેની બેન આજના દિવસે ગુમાવી હતી. તેના દુઃખનો તમે ક્યારેય વિચાર કર્યો છે ?"

"બેસવાનું નહીં કહો."

"બેસો બેન આ તમારું જ ઘર છે. હું તમે જેમ મેઘાને હડધૂત કરી હતી એવું વર્તન તમારી સાથે નહીં કરું."

"બસ કરને તું હવે, કેટલા વર્ષે મંજુલા આપણા ઘરે આવી છે."

"હું તો તમારી વાત સાંભળીને, નહીં બોલું પણ તમારી બેને મધુભાઈને કોઈ દિવસ સાંભળ્યા છે. મેઘા ફકત ને ફક્ત એક જ દિવસ, એ પણ રક્ષાબંધનના દિવસે મધુભાઈને રાખડી બાંધવા આવતી. કોઈ પણ અપેક્ષા વગર અને પોતાની કારમાં આવતી. અડધો કલાક રોકાતી મધુભાઈને આશીર્વાદ આપી જમ્યા વગર ચાલી જતી હતી. ક્યારેય તમારી બેને તેને જમવાનું કહ્યું નહોતું...અને છેલ્લી રક્ષાબંધનમાં મંજુલાબેને હદ વટાવી હતી. એવી રીતે હડધૂત કરીને કાઢી હતી કે મેઘા ગઈ એ ગઈ પાછી ન આવી. મારી વાત ખોટી હોય તો કહો. તમારી પણ ફરજમાં આવે છે કે બેનને બે સાચા શબ્દો કહીએ. જે તમે ક્યારેય ન કર્યું. ભાઈ-બહેનનો સંબંધ એક સરખો અને સમાન હોવો જોઈએ."

"તારી વાત સાચી છે પણ આખરે મંજુલા મારી બેન છે."

"તો શું ! મેઘા, મધુભાઈની બેન નહોતી ? ત્યાં શું કોઈ અલગથી સંબંધની પરિભાષા હોય છે કે તમે કરો છો ? હું કહું છું એ તમને નથી ગમતું ને એમ મધુભાઈને પણ નહોતું ગમતું. આજે આટલાં વર્ષે મંજુલાબેન શું કામ આવ્યા ? તમારી ઉપર પ્રેમ, લાગણી છે એટલે ને ? એમ મેઘા પણ મધુભાઈની બેન હતી અને લાગણીથી જ આવતી હતી. દરેકે દરેકની લાગણી સમજી તેને માન--સન્માન આપી આવકારવા જોઈએ. મંજુલાબેન તમે ખરાબ કે ખોટું ન લગાડતા. આટલા વર્ષે આવ્યા એટલે કહું છું એવું નથી. આતો તમારી ઉપર લાગણી છે એટલે આવી વાત થઈ ગઈ...ખોટું લાગ્યું હોય તો માફ કરજો."

મધુભાઈને નવાઈ લાગી મંજુલા કેમ આટલી જલ્દી પિયરથી પાછી આવી ગઈ કે પછી ભાઈ-ભાભીને પણ પરચો બતાવીને આવી હશે ?

"કેમ, આટલી જલ્દી પાછી આવી ગઈ ? ઘરે જમીને આવી છો ? કે બહારથી મંગાવું ? મોઢું ઉતરેલું લાગે છે, શું થયું ? ત્યાં તારા ભાઈ, ભાભી તો કંઈ બોલે એવા નથી. આપણે કોઈ ખેલ નથી નાખ્યો ને ?" મંજુલાની આંખમાંથી શ્રાવણ, ભાદરવો શરૂ થઈ ગયો. "મને માફ કરો."

"અરે ! પણ થયું છે શું ?"

"મેં, મેઘાબેનને બહુ અન્યાય કર્યો છે."

"તો હવે તેનું શું છે ? હવે છેક અત્યારે સમજાયું કે તું કરતી હતી એ યોગ્ય નહોતું. એ તો ચાલી ગઈ. હવે તારી માફી માંગવાથી એ થોડી પાછી આવવાની છે. મેં તને ત્યારે ઘણી સમજાવી હતી. આજે તું માફી માંગ કે ન માંગ મારા માટે તેનું કોઈ મહત્વ નથી."

"એમ ન બોલો. મને આજે મારી ભૂલ સમજાણી."

"જો, તને જે સમજાયું હોય તે તારી પાસે રાખ. મને તો એટલું જ સમજાયું છે કે તારા લીધે મેં મારી બેન મેઘાને ગુમાવી. જે હવે મને ક્યારેય પાછી મળવાની નથી. હવે તારી વાત કે માફીથી મને કઈ ફરક પડતો નથી."

"મારી, એક વાત માનશો ? કાલે આપણે મેઘાબેનના ઘરે ભાણા, ભાણી.. રૂપા અને અજયને મળવા જવું છે."

"શું ? હજી કંઈ બાકી છે ? એ લોકો શાંતિથી જીવે છે તો જીવવા દેને. અને ત્યાં કોઈ ભવાડો કરીશ તો એ તારા માટેનો મારી સાથેનો અંતિમ દિવસ હશે."

"ના, એવું કંઈ નહીં થાય. તમે ચાલો તો ખરા."

"આવો મંજુલાબેન, આવો મધુભાઈ. કેમ છો ?"

"મજામાં. બા, બાપુજી, રૂપા, અજય મને મેઘાબેન સાથેના વર્તન માટે માફ કરજો, મારુ વર્તન માફીને લાયકતો નથી પણ તમે ઉદાર દિલના છો એટલે વિનંતી કરું છું. અને મારી બીજી વિનંતી છે. મેઘાબેનને તો હું પાછા નહીં લાવી શકું પણ રૂપા બેટા તારે દરેક રક્ષાબંધનના દિવસે મામાના ઘરે મેઘાબેનની જેમ જ આવવાનું અને મામાની સાથે મને પણ મેઘાબેન વતી રાખડી બાંધવાની. મારી આટલી વિનંતી માન્ય રાખશોને તો હું માનીશ તમે અને મેઘાબેને મને માફ કરી છે.

એક સાથે કેટલીય આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy