N.k. Trivedi

Romance Inspirational

2.5  

N.k. Trivedi

Romance Inspirational

નવલિકા. "મારી શોધ પૂરી થઈ"

નવલિકા. "મારી શોધ પૂરી થઈ"

6 mins
15


"પુષ્પા, હવે હું આ દોડધામથી થાકી ગયો છું. કેટલા ઘરે જમ્યા, નાસ્તા કર્યા, ઠંડુ પીધું, અરે ! એમજ મુલાકાત કરીને બહાર નીકળી ગયા. તું, હર્ષ માટે કન્યા શોધે છે કે પછી વર્ડ ટુર કરવાની ઈચ્છા છે. પુષ્પા, મને એ નથી સમજાતું કે તારે હર્ષ માટે કેવી કન્યા જોઈએ છે ? જો, પુષ્પા, કન્યા માટેની તારી, મારી અને હર્ષની ફૂટપટ્ટી અલગ અલગ હોય છે. મોટાભાગે તું તારી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને નિર્ણય લઈ લે છો."

"એટલે તમે કહેવા શું માંગો છો ? હું તમને ફરવા માટે આમથી તેમ રખડાવું છું. અને આ વળી ફૂટપટ્ટીવાળું તમારું તુત શું છે ? એ જરા સમજાવશો. તમે તો ઘર ઘુસ છો. ઘરની બહાર નીકળવું જ નથી ગમતું. દીકરા માટે યોગ્ય કન્યા શોધવાની છે કઈ શાકભાજી નથી ખરીદવાના. બધું જોવું પડે અને વિચારવું પડે."

"જો, પુષ્પા મારા મનમાં હર્ષની વધુ માટેની ઈચ્છા એવી હોય કે એ સંસ્કારી હોય, વડીલોને માન આપે આમન્યા જાળવે. જ્યારે તારી મનની ઈચ્છા એવી હોય કે એ કામેકાજે, રસોઈ અને બધી રીતે હોશિયાર હોય. તારી ફરતી મમ્મી, મમ્મી કરીને ફરે. પણ હર્ષની ઈચ્છા એવી હોય કે બેટર હાફ તરીકે સફળ થાય. જિંદગીની દરેક રેસમાં સાથ અને સહકાર આપે. હવે, તું જ કહે આ બધાં ગુણ આપણે એકજ વ્યક્તિમાં શોધીએ છીએ એટલે તારી શોધ પૂરી નથી થતી. આ એટલે કહું છું કે તે મને કે હર્ષને કોઈ કન્યાને પસંદ-નાપસંદ કરવાનો મોકો જ નથી આપ્યો." પુષ્પાબેને હસીને કહ્યું, "હા, એ વાત તમારી બરોબર છે. હું વહુની પસંદગીની બાબતમાં બહુ ચીકણી છું."

આમ વાત ચાલતી હતી ત્યાં હર્ષ આવ્યો અને પૂછ્યું, "તમારી કન્યા શોધની વર્ડ ટુર પૂરી થઈ કે નહીં ?"

"બેટા, અમે હમણાં તારી જ વાત કરી રહ્યા હતા. બેટા, તને કેવી કન્યા પસંદ પડે ? તારા પપ્પાની ઈચ્છા છે કે હર્ષને તો પૂછવું જોઈએ ને, કે તને કેવી કન્યા પસંદ છે."

હર્ષે, મમ્મી, પપ્પા સામે જોઇને કહ્યું, "હું તો તમને જોઈને મોટો થયો છું. તમારી જેવું જોડું હોય તો જિંદગી જીવવાની મજા આવે." પુષ્પાબેને અને અનુપભાઈએ એક બીજા સામે જોઇને મનમાં કહ્યું આખરે દીકરો તો આપણોને.... આપણી જેમજ વિચારે છે.

એક દિવસ પુષ્પાબેને કહ્યું, "અરે ! હું તો ભૂલી જ ગઈ. અત્યાર સુધી મારા મગજમાં આ વાત કેમ ન આવી. રખડી રખડીને થાક્યા ત્યારે આ વાત યાદ આવી. હું, પણ કેવી છું."

બીપીનભાઈએ પૂછ્યું, "શું એકલી એકલી બોલે છે. કઈક વાતનો ફોડ પાડે તો મને પણ સમજાય."

"તમને ખબર છે. મારા પિયરમાં એક જ શેરીમાં હું અને પરષોત્તમભાઈ રહેતા હતા. અમારે ઘર જેવો સંબંધ હતો. આવતો જાવરો રહેતો હતો. હું અને પરષોત્તમભાઈ સાથે રમીને મોટા થયા છીએ. હું, તેને રક્ષાબંધનના દિવસે રાખડી પણ બાંધતી હતી. તેને એક દીકરી છે. આપણા હર્ષ જેવડી જ છે. નામ તેનું દિવ્યા છે. મને ખબર છે ત્યાં સુધી તેનું ક્યાંય નક્કી કર્યું નથી. આપણે એ દિવ્યાને જોવા જવું છે. તમે જલ્દી તૈયાર થઈ જાવ, અત્યારે જ નીકળી જઈએ. મારુ પિયર બહુ દૂર નથી, દશ અગિયાર વાગ્યા સુધીમાં તો પરષોત્તમભાઈના ઘરે પહોંચી જઈશું."

"તો, તું, તારા ભાઈને જાણ કરી દે કે અમે આ હેતુથી આવીએ છીએ. એ લોકો પણ બહાર જવાના

"ના, ભાઈને અત્યારે જાણ નથી કરવી. આપણે સીધાજ પરષોત્તમભાઈ ને ત્યાં જવું છે. પછી ત્યાં જઈને ભાઈને જાણ કરશું." બીપીનભાઈને તો સવાલ જવાબ કરવાનો કોઈ અવકાશ નહોતો. છતાં બીપીનભાઈએ કહ્યું, "આમ કોઈને જણાવ્યા વગર તેના ઘરે જઈએ એ સારું ન લાગે. તારા ભાઈને પણ ખરાબ લાગશે." "તમે ચિંતા કરોમાં, હું એ બધું સંભાળી લઈશ." "સારું, તારી જેવી ઈચ્છા." બીપીનભાઈને ખબર હતી કે પુષ્પાએ જે વાત નક્કી કરી હોય તે પ્રમાણે જ એ કરશે.

પુષ્પાબેને તો પરષોત્તમભાઈનું ઘર જોયું હતું. ડેલી બંધ, દીવાલવાળું ઘર હતું. પુષ્પાબેને ડેલીની સાંકળ ખખડાવી, એક ખૂબ સુરત યુવતીએ ડેલીનું બારણું ખોલ્યું, થોડીક ખંચકાઈને બોલી, "તમે... તમે...પુષ્પા ફઈ છો ને ?"

"હા, બેટા, હું પુષ્પા ફઈ છું અને આ તારા ફૂવા છે. હું, જો, ન ભૂલતી હોવ તો, તું દિવ્યા છો."

"હા, બરોબર ઓળખી ગયા. અંદર આવો, મમ્મી, પપ્પા બાજુના ગામમાં ગયા છે એકાદ કલાકમાં આવી જશે. ત્યાં, સુધીમાં હું તમારા માટે ચા, નાસ્તો બનાવી નાખું."

"રહેવા દે ને બેટા. અમે ચા, નાસ્તો કરીને જ ઘરેથી નીકળ્યા છીએ." પુષ્પબેનના મનમાં તો હતું કે જોઈએ તો ખરા કેવી ચા અને નાસ્તો કેવો બનાવે છે. બનાવતા તો આવડે છે ને ? દિવ્યાને લાંબા સમય પછી જોઈ છે એટલે આવું કઈ પૂછી ન શકાય, કદાચ પરષોત્તમભાઈને ખરાબ લાગી જાય. એમ વિચારીને પુષ્પાબેન કઈ વધારે હા, ના, ન કરી.

"અરે! એમ, કઈ હોય, ફઈ, મને મમ્મી, પપ્પાનો ઠપકો મળે. દિવ્યા, ચા, નાસ્તો બનાવવાના કામમાં લાગી ગઈ. પુષ્પાબેન તો સતત દિવ્યાની ગતિવિધિ જોઈ રહ્યા હતા. ચા, નાસ્તો થઈ ગયા પછી દિવ્યા એ પૂછ્યું, ફઈ, ફૂવા તમને જમવામાં શું ફાવશે. મમ્મી, પપ્પા આવે તે પહેલાં રસોઈ કરી લઉં એટલે તમે આરામથી વાતો કરી શકો. દિવ્યા તો તેના કામમાં વ્યસ્ત હતી. દિવ્યાએ ઓરમું, દાળ, ભાત, શાક બનાવીને પુરી, ભજિયાને ગરમ ગરમ રાખવા માટે બધું તૈયાર કરી રાખ્યું હતું. આ બધી તૈયારી પુષ્પાબેન જોઈ રહ્યા હતા. પુષ્પાબેને મદદ માટે પૂછ્યું હતું પણ દિવ્યએ વિવેકથી ના કહી હતી. આશરે બે કલાક પછી પરષોત્તમભાઈ અને તેના પત્ની મીનાબેન આવ્યા.

"અરે ! બેન, તમે ક્યારે આવ્યા ? મને અગાઉથી કહેરાવ્યું હોત, તો હું બહાર જવાનો પ્રોગ્રામ ન કરત."

"દિવ્યા, ફઈ ને ચા, નાસ્તો કરાવ્યા ને ?"

"હા, મમ્મી અને રસોઈ પણ તૈયાર છે."

"ભાઈ, દિવ્યાએ અમને સરસ મજાની ચા અને ગરમ ગરમ નાસ્તો કરાવ્યો છે. તેના ફૂવાને તો મસ્ત મજાની ચા મળી એટલે મજા પડી ગઈ. ભાઈ, અમારું આવવાનું કઈ નક્કી નહોતું એટલે તમને અને મોટાભાઈને જાણ નથી કરી. અહીંયા આવ્યા પછી તેને મેં જાણ કરી છે એ પણ આવતા જ હશે."

પુષ્પાબેને દિવ્યાની રસોઈના ખૂબ વખાણ કર્યા. જમી લીધા પછી બધાં બેઠા હતા ત્યારે પુષ્પાબેને પરષોત્તમભાઈ ને કહ્યું, "ભાઈ એક વેણ નાખું. તમે પાછું તો નહીં ઠેલોને ?"

"અરે! આટલા વરસ પછી બેન મળે અને કંઈક માંગે તો ના શેની પડાય. બોલો બેન, તમારું વેણ બોલો."

"ભાઈ"..."હા, હા, બોલો. ભાઈ પાસે માંગતા વળી ખંચકાટ કેવો."

"ભાઈ, હું મારા હર્ષ માટે દિવ્યનો હાથ માંગુ છું. ના, ન કહેતા. આ દીકરી મને બહુ ગમી ગઈ છે. મારા હર્ષ માટે યોગ્ય છે આ દીકરી."

પરષોત્તમભાઈ અને મીનાબેને એક બીજા સામે જોયું, મીનાબેનની આંખમાં હકાર દેખાયો. પરષોત્તમભાઈ એ કહ્યું, "બેન, હર્ષ જેવો જમાઈ મળે તો કોને ન ગમે. પણ મારી એક વિનંતી છે કે દિવ્યા અને હર્ષ એક બીજાને મળે અને પછી જે નિર્ણય એ લોકો કરે એ આપણે સ્વીકારીશું."

"ભલે, ભાઈ. મને કોઈ વાંધો નથી. શુભ કામમાં વિલંબ શું કામ કરવો. આજે હર્ષને રજા છે એટલે ઘરે જ છે હું તેને ફોન કરીને બોલાવી લઉ છું."

પુષ્પાબેને હર્ષને ફોન કરીને મામાના ગામ પણ આપેલ સરનામે સીધું આવવાનું કહી દીધું. બીજી કોઈ વાત ન કરી પણ એટલું કહ્યું કે અમે પરષોત્તમભાઈના ઘરે છીએ અને તારે તેમની દીકરી દિવ્યાને જોવા અને મળવા આવવાનું છે. મને દિવ્યા ગમી છે.

હર્ષ, વિચારમાં પડ્યો. આ મમ્મી, પપ્પા પણ ખરા છે. મમ્મી એ પરષોત્તમભાઈની દીકરી દિવ્યાની વાત કરી એ મારી સાથે કમ્યુટર એન્જીનીયરીંગમાં સાથે અભ્યાસ કરતી હતી, એ તો નહીં હોય ને ? એ પણ મામાના ગામથી અભ્યાસ માટે આવી હતી. એ જો હોય તો ? એ તો ત્યારે પણ મને ગમતી હતી પણ હું, વાત નહોતો કરી શક્યો. આમ વિચારમાને વિચારમાં હર્ષ કારમાં ક્યારે પરષોત્તમભાઈની ડેલીએ પહોંચી ગયો એ ખ્યાલ ન રહ્યો.

હર્ષે ડેલી ખખડાવી, દિવ્યાએ હર્ષને બહાર ઉભેલો જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું, "તમે, અહીંયા ?"

"દિવ્યા, એ મારો દીકરો હર્ષ છે. તમે એક બીજાને જાણો છો ?"

હર્ષે કહ્યું, "હા, મમ્મી અમે બંને સહાધ્યાયી હતા અને કમ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ સાથે પૂરો કર્યો છે."

"તો, દીકરા. દિવ્યા તને પસંદ છે ને ?"

હર્ષે, મમ્મી સામે જોઇને આંખથી હા કહી. પુષ્પાબેને જોયું કે હર્ષની આંખોથી હા કહેવાથી દિવ્યના ચહેરા પર શરમના શેરડા પડ્યા હતા. 

પુષ્પાબેને પરષોત્તમભાઈ સામે જોઇને પૂછ્યું, "ભાઈ, મારા વેણ નું શું થયું. દિવ્યના ચહેરા પરથી લાગે છે તમે મારુ વેણ પાળી શકશો."

પરષોત્તમભાઈએ કહ્યું, "હા, બેન મને પણ એવું જ લાગે છે. મને તમારું વેણ સ્વીકાર્ય છે અને પાળવું ગમશે." આ સાંભળીને દિવ્યા દોડીને રૂમમાં જતી રહી.

પુષ્પાબેને બીપીનભાઈને કહ્યું, "તમે કહેતા હતાને કે તારી વર્ડ ટુર ક્યારે પૂરી થશે તો આજે મારી વર્ડ ટુર અને કન્યા માટેની મારી શોધ બંને પૂરી થઈ ગઈ છે."

"ના, મમ્મી, જો પહેલેથી જ દિવ્યા માટે વાત કરી હોત, તો તારે વર્ડ ટુર કન્યાની શોધ માટે ન કરવી પડત." પુષ્પાબેન કઈ કહેવા જાય એ પહેલાં બીપીનભાઈએ પુષ્પાબેનનું મોઢું બે પેંડાથી ભરી દીધું, રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું, દિવ્યા અને હર્ષની આંખોના મિલન સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Romance