N.k. Trivedi

Horror Crime Thriller

4.0  

N.k. Trivedi

Horror Crime Thriller

એક સાઝિશ

એક સાઝિશ

10 mins
24


અભય અને નેહા નવપરણિત યુગલ હતું. હજી હમણાં જ હનીમુન પરથી પરત આવ્યા હતા. નેહા માદક અદાથી બેડરૂમમાં દાખલ થઈ અને અભયને પૂછ્યું, “અભય, તું, આપણું ડુંગરપુરનું મકાન વેચવા માટે જવાનો છો ?” “હા, પપ્પા સાથે વાત થઈ છે.” “તો, મારે પણ તારી સાથે આવવું છે. મેં નાનું શહેર કે ગામડું જોયું નથી. અને લોકલ ટ્રેઈનની મજા પણ માણવી છે. તું, પપ્પા સાથે વાત કરજે.” એમ કહીને નેહા અભયને ગળે વળગી ગઈ.” અભયે પણ સામો પ્રતિભાવ આપીને કહ્યું, “હા, હું પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પા, ના નહીંં કહે.”

"પપ્પા, હું અને નેહા આપણું ડુંગરપુરનું ઘર વેચવાનું છે એટલે ડુંગરપુર જવાનું વિચારીએ છીએ."

“બેટા, તમે નવપરણિત યુગલ છો. તમારે તો હિલસ્ટેશન, ફરવાના સ્થળો એ જવાનું હોય. આપણે ડુંગરનું ઘર વેચવાની ક્યાં ઉતાવળ છે.”

“પપ્પા, આ વિચાર નેહાનો છે. તેણે ગામડું કે નાનું શહેર જોયું નથી. તેમજ ધીમે ચાલતી, સ્ટેશને સ્ટેશને ઊભી રહેતી લોકલ ગાડીમાં પણ મુસાફરી કરી નથી એટલે, એ, ડુંગરપુર જવાના બહાને નવો અનુભવ કરવા માંગે છે.”

“સારું, બેટા. રમેશકાકા સાથે વાત કરી લેજે. તમને સ્ટેશને લેવા આવવાની વ્યવસ્થા કરે. તું, ઘણા સમય પછી ડુંગરપુર જાય છો. તને તો ખબર છે કે આપણું રેલ્વે સ્ટેશન ડુંગરપૂરથી દૂર અને સુમસામ જગ્યામાં છે. અભય આ વખતે તું મકાન વેચીને જ આવજે, વારંવાર આપણને ત્યાં જવાનો સમય નહીંં મળે. અથવા તને જે રીતે યોગ્ય લાગે એ નિર્ણય કરજે.”

“હા, પપ્પા, તમે ચિંતા કરોમાં. હું કાકા સાથે વાત કરી લઈશ.”

“અભય, આજે ટ્રેન કંઈક ધીમી ચાલે છે. આપણે સમયસર ડુંગરપુર તો પહોચી જઈશું ને ?”

“નેહા, રસ્તો તો ફક્ત ત્રણ કલાકનો છે પણ જે રીતે ટ્રેનની ગતિ છે એ જોતા આપણે સાંજના સાત વાગ્યા પહેલાં નહીંં પહોચીએ એવું લાગે છે. તું ચિંતા ન કરતી મેં અને પપ્પાએ રમેશકાકા સાથે વાત કરી લીધી છે એટલે કોઈક તો આપણને સ્ટેશને લેવા આવશે જ.” અભયે અંજલીને કહ્યું તો ખરું પણ તેને પણ મનમાં દ્વિધા હતી કે કાકા વાત થયા પ્રમાણે કોઈકને સ્ટેશને મોકલેશે તો ખરા ને ?

ટ્રેન મંથર ગતિએ ચાલતી સાંજે સાત વાગે ડુંગરપુર પહોચી. ડુંગરપુર ઉતારવામાં ફક્ત અભય અને નેહા બે વ્યક્તિ જ હતા. એક બેગ અને થેલો લઈને બંને સ્ટેશને ઉતર્યા. અભયે બહાર જઈને જોયું તો બહાર કોઈ નહોતું કે તેમને લેવા માટે વાહન આવ્યું હોય એ ઊભું નહોતું.

અભય સામે જોઈને નેહાએ પૂછ્યું “શું ? કોઈ વાહન આપણને લેવા નથી આવ્યું ?” “નાં, બહાર તો કોઈ નથી. રમેશકાકા એ મોકલેલ માણસ આવતો જ હશે. આપણે આ લેમ્પ પોસ્ટ નીચેના બાંકડા પર બેસીને તેની રાહ જોઈએ.”

ડિસેમ્બર મહિનો શરુ થઈ ગયો હતો અને ધીમે ધીમે ગુલાબી ઠંડી પડવાની પણ શરુ થઈ ગઈ હતી. સંધ્યા આથમીને રાત ધીરે ધીરે તેનું દામન ધરતી પર ફેલાવી રહી હતી. ઠંડી તેનો ચમકારો બતાવી રહી હતી. બંને નવપરણિત હતા અને ઉષ્માનો અનુભવ કરી ચૂક્યા હતા. વાતાવરણમાં ઠંડક વધતી જતી હતી જે ભયાનક લાગતા વાતાવરણમાં પણ બંનેને વિહ્વળ કરી રહી હતી. બંનેની આંખોમાં જુદી ચમક ચમકી રહી હતી. પણ, પરિસ્થિતિ અત્યારે વિપરીત હતી.

“અભય મને ઠંડી લાગે છે.” નેહા ધ્રુજી રહી હતી. તેણે થેલામાંથી સ્વેટર કાઢીને પહેર્યું. નેહાને સમજાતું નહોતું કે આ ધ્રુજારી ઠંડીની છે કે પછી મનની અંદર છુપાયેલા ડરની છે. અભય પણ આવોજ અભુભવ કરી રહ્યો હતો પણ નેહાની હિંમત ટકાવવા માટે બહાદુર બનીને બેઠો હતો.

સ્ટેશન માસ્ટરે જોયું કે હમણાં ગયેલી ટ્રેનમાંથી એક નવ પરણિત યુગલ ઉતાર્યું છે અને બાંકડા પર બેઠું છે. એ અભય પાસે આવ્યા અને પૂછ્યું, “તમે કોની રાહ જોઈને બેઠા છો. અહીં તો બે જ ટ્રેન આવે છે એક સવારે અને એક બપોરે જે હમણાં આવી ને ચાલી ગઈ. અમે હવે સ્ટેશન બંધ કરીને જતા રહીશું પછી આ સુમસામ જગ્યામાં ચકલુય નહીં ફરકે. અમારી સાથે આવવું હોય તો ચાલો. અમે બાજુના ગામમાં રહીએ છીએ.”

“નાં, અમારે તો ડુંગરપુર જવું છે અને અમને લેવા માટે મારા કાકા વાહન મોકલવાના છે.” “તો, સારું” એમ કહીને સ્ટેશન માસ્ટર અને માણસો જતા રહ્યાં.

સ્ટેશન પર અભય અને નેહા બેજ રહ્યાં. નેહાને ડર લાગી રહ્યો હતો. દૂર વગડામાં શિયાળની લાળી, તમરાનો અવાજ અને પવનના લીધે ખખડતા ઝાડના પાંદડાનો અવાજ વાતાવરણને બિહામણું બનાવી રહ્યું હતું. નેહા થરથર ધ્રુજી રહી હતી. અભય પણ વાતાવરણથી ભય અનુભવી રહ્યો હતો. અભય સતત રમેશકાકાને ફોન લગાડી રહ્યો હતો પણ લાગતો નહોતો. પશુઓના અવાજ અને ઝાડીઓમાં થતા ખખડાટથી નેહા ડરીને વારેઘડીએ અભયને વળગી જતી હતી. બીજે ક્યાંક હોત તો અભય પણ રોમેન્ટિક બનીને જવાબ આપત પણ અત્યારે તો......અભય પોતે જ દ્વીધ્ધા અને ચિંતામાં હતો.

આમ ચિંતા, ડર અને દ્વિધામાં અડધોએક કલાક પસાર થઈ ગયો. અભયે અને નેહાએ જોયું તો દૂર ધૂળીયા રસ્તા પર કોઈ વાહન આવી રહ્યું છે. તેની લાઈટ અને અવાજ સંભળાય રહ્યો હતો. નેહાના જીવમાં જીવ આવ્યો. નેહાએ દુપટ્ટાથી ગુલાબી ઠંડીમાં વળેલ પરસેવાને લૂછી નાખ્યો. આખરે વાહન સ્ટેશન બહાર આવીને ઊભું રહ્યું એ રમેશકાકાએ મોકલેલ રિક્ષાવાળો હતો. બંને હાશકારો કરીને રિક્ષામાં બેઠા. ધૂળ ઉડાડતી રિક્ષા ડુંગરપુર જવા દોડવા લાગી. નેહાની નાના શહેર કે ગામડાની મજા માણવાની ઈચ્છા ઠંડી થઈ ગઈ હતી. તેનું ચાલત તો તે અત્યારેજ ઘરે પાછી ચાલી જાત. નેહાએ અભય સામે જોયું, અભયે હાથમાં હાથ લઈને નેહાને સાંત્વના આપી. નેહાને સારું લાગ્યું.

“આવી ગયા. બેટા. અભય તે જોયુંને કેવી છે અમારી વ્યવસ્થા અને અવ્યવસ્થા.” “કાકા, એવું તો ચાલ્યા જ કરે. અમે હેમખેમ ઘરે તો પહોચી ગયા ને.” “અભય, હું, ભાઈ સાથે વાત કરી લઉં અત્યાર સુધીમાં તેના દશ ફોન આવી ગયા. તારો ફોન લાગતો નહોતો.” “હા કાકા, નેટવર્કમાં કઈક તકલીફ હશે મને પણ તમારો ફોન લાગતો નહોતો.”

“કાકા તમે આપણું પ્લોટનું મકાન છોડી અહીં કેમ રહેવા આવી ગયા ? મકાન તો ચાલુ છે ને ? જમીને હું, અને નેહા ત્યાં જતા રહીશું. નેહાને એ મકાનમાં રહેવાની બહુ ઈચ્છા છે.”

“અરે ! બેટા તને શું વાત કરું. એ આપણું પ્લોટનું મકાન ભૂતિયું મકાન થઈ ગયું છે. ખબર નહીં તેમાં ભૂતનો વાસ કેવી રીતે થઈ ગયો. તારી કાકીને બહુ બીક લાગતી હતી. હું, તો કઈ આખો દિવસ ઘરે ન હોવું, ક્યારેક બીજે ગામ ગયા હોઈએ તો રાત્રી રોકાણ પણ થઈ જાય એટલે પછી અહીં રહેવા આવતા રહ્યાં.”

“તો, કાકા, કાલે કોઈને કહીને એ મકાન સાફ કરાવી નાખશું. મકાન વેચવું હોય તો કોઈને દેખાડીએ તો સાફસુથરું તો હોવું જોઈએ ને.”

“હા, બેટા. મે કહી જ રાખ્યું છે. કાલે મકાન સાફ થઈ જશે. મેં બે-ચાર જણાને વાત કરી રાખી છે પણ મકાન ભૂતિયું થઈ ગયું હોવાથી કોઈ મફત પણ લેવા તૈયાર નથી.”

અભય વિચારમાં પડ્યો કે જ્યાં સુધી પપ્પાએ મકાન વેચવાની વાત નહોતી કરી ત્યાં સુધી કાકા ત્યાં રહેતા હતા. પપ્પા, આઠેક મહિના પહેલાં આવ્યા ત્યારે કાકાને મકાન વેચવાની વાત કરી હતી. કાકા રહેતા હતા ત્યાં સુધી એ મકાન ભૂતિયું નહોતું તો આ એકાએક મકાન ભૂતિયું કેવી રીતે થઈ ગયું ! અભયે તેના મિત્ર સુબોધને ફોન કરી વાત કરી. સુબોધ ખાનગી જાસૂસી સંસ્થા ચલાવતો હતો. સુબોધે કહ્યું, “તે જે વાત કરી તે પરથી લાગે છે કે દાળમાં કઈક કાળું છે. હું, મકાન ખરીદવાના બહાને ત્યાં આવું છું. તું મને ઓળખાતો નથી એ રીતે વર્તન કરજે, બાકીનું હું સંભાળી લઈશ. તારે મને હું મકાન ન ખરીદું એવી જ રજૂઆત કરવાની. આપણી વાતમાં કાકાને ક્યાય શંકા ન પડે એનું બરોબર ધ્યાન રાખજે. જરૂર પડે નેહાને પણ વાત કરી રાખજે.”

બીજે દિવસે અભય અને રમેશકાકા મકાન પર ગયા. મકાન સાફ થઈ ગયું હતું. અભયે જોયું કે મકાન જો આઠ મહિનાથી બંધ હોય, અવાવરું હોય, ભૂતિયું હોય તો આટલું સાફ સુથરું એક દિવસમાં ન થઈ જાય. નક્કી આ મકાનનો ઉપયોગ થાય છે. તો પછી કાકાએ ભૂતિયું મકાન થઈ ગયું છે એવી વાત કેમ કરી હશે ? કઈક ગરબડ લાગે છે પણ કાકાને તો પૂછી શકાય નહીં. સુબોધ આવે પછી કઈક જાણવા મળે.

“સારું, કાકા આપણે વેચવા માટે પ્રયત્ન કરીએ કોઈ ભૂતિયું મકાન ન ખરીદે તો આપણે શું કરી શકીએ.”

અભય, નેહા, રમેશકાકા ઘરમાં બેઠા હતા ત્યાં ખડકીની સાંકળ ખખડીને અવાજ આવ્યો, “રમેશભાઈ અહીં રહે છે ?”

રમેશકાકાએ ખડકી ખોલીને કહ્યું, “હા, ભાઈ અહીં રહે છે. તમે કોણ છો ?”

મારું નામ સુબોધ છે. મેં સાંભળ્યું છે કે અહીં એક ભૂતિયું મકાન વેચાવનું છે. મારે એ ખરીદવું છે. મને ભૂતિયા મકાન ખરીદવામાં રસ છે મારે ભૂત સાથે ભાઈબંધી છે.”

“હા, આ અભય બેઠો છે તેનું જ મકાન વેચાય છે. પણ તમે એ ન ખરીદો તો સારું. તમારે ભૂત સાથે ભાઈબંધી હશે પણ આ ભૂત ભયંકર છે. તમને નુકસાન કરશે. પછી જેવી તમારી ઈચ્છા.”

“સુબોધભાઈ, કાકાની વાત સાચી છે. હું, પણ હવે એ વેચ્યા વગર પાછો જવા માગું છું. મકાન ન વેચાય તો કઈ નહીં પણ તેનાથી બીજાને નુકશાન ન થવું જોઈએ. હું. પણ, તમને એ જ સલાહ આપું છું.”

“અભયભાઈ, મારે એ મકાન જોવું છે. જોયા પછી નક્કી કરીશ કે મારે શું કરવું છે.” “જેવી તમારી ઈચ્છા.”

“અભયભાઈ, આ મકાન મને ગમી ગયું છે. મારે એ ખરીદવું છે. આજે હું, અહીં રાતવાસો કરીશ. હું, જોઉં તો ખરો કે કાકા કહે છે તો એ ભૂત કેવા ભયંકર છે. મને ભૂતને વશ કરતા આવડે છે. તમારી ઈચ્છા છે ? મારી સાથે અહીં રાતવાસો કરવાની ?”

નાં, કોઈએ અહીં રાતવાસો કરવાનો નથી. એ ભૂતનો ભરોસો ન કરાય. અભય, તું, તો ભાઈની થાપણ છો. તને એવું જોખમ હું ન લેવા દઈ શકું.” રમેશકાકાએ ચિંતાતુર ચહેરે કહ્યું.

“નાં, કાકા આ મકાન મારે ખરીદવું છે. હું તો આજે અહીંજ રાતવાસો કરીશ. મકાનની તમે જે માગશો એ કિંમત આપીશ.”

અભયે કહ્યું, “સુબોધભાઈ હું, અને નેહા પણ આજે તમારી સાથે અહીં રાતવાસો કરીશું. મને અને નેહાને ભૂત જોવાની બહુ ઈચ્છા છે. અમે ક્યારેય ભૂત જોયું નથી. ફક્ત, દાદા, દાદી પાસેથી વાર્તા સાંભળી છે.”

રમેશકાકા નાં, નાં કરતા રહ્યાં અને સુબોધ, અભય અને નેહા મકાન પર રાતવાસો કરવા ઉપડી ગયા.

અભયે ધીમેથી કહ્યું, “સુબોધ બધું યોજના પ્રમાણે છે ને ? જો, જે ક્યાંક કાચું ન કપાય જાય.” સુબોધે ઈશારાથી બધું સમજાવી દીધું.

અભય, નેહા અને સુબોધ ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતા હતા. એક ઝાંખી લાઈટ ચાલુ રાખીને સુવાનો ડોળ કરી રહ્યા હતા. બાર વાગે અચાનક ચિત્રવિચિત્ર અવાજ આવવા શરુ થયા. રંગબેરંગી લાઈટના શેરડા પડવા શરુ થયાં. થોડે દૂરથી ઘોઘરો અવાજ આવ્યો "તમે ચાલ્યા જાવ, આ મકાન મારું છે. અહીં કોઈને રહેવા નહીં દઉં." સુબોધે, અભયે જોયું તો દૂર ભૂત ઊભું હોય એવું લાગ્યું જે આ વાત કરી રહ્યું હતું. સુબોધે ઈશારાથી અભય, નેહાને સૂતા રહેવાનું કહી પોતે ધીમે ધીમે ભૂત તરફ આગળ વધ્યો. ભૂત એકાએક ધબ દઈને નીચે પડ્યું. અભયે દોડીને રૂમની લાઈટ કરી, સુબોધે દોડીને ભૂતને પકડી લીધું. ભૂત બેભાન થઈને પડી ગયું હતું.

અભયે ભૂતને ખુરશી પર દોરડાથી બાંધી દીધું. “સુબોધ, ભૂતનો નકાબ ઉતાર એટલે ખબર પડે કે આ છે કોણ ?” ભૂતનો નકાબ ઉતારતા અભય એકએક બોલો ઊઠ્યો અરે! અરે!...આ તો..... 

રમેશકાકા આખી રાત જાગતા પડ્યા હતા. તેમને અભય, નેહાની ચિંતા હતી અને પોતે પણ મનમાં મૂંઝવણ અનુભવતા હતા કે હવે શું થશે.

રમેશકાકાના મોબાઇલમાં અભયની રિંગ આવી. કાકાએ ફોન રીસીવ કર્યો, અભયે કહ્યું, “કાકા બધું બરોબર છે. ચિંતાનું કોઈ કારણ નથી. તમે, સરપંચ કાકા અને પાંચ- છ પ્રતિષ્ઠીત વ્યક્તિને મકાન પર લેતા આવો, મારે થોડીક વાત કરાવી છે.” કાકાના મનમાં ધ્રાસકો પડ્યો પણ અભયને નાં તો કહી શકાય એમ નહોતું. 

અભયે કહ્યું, “મેં તમને અહીં એટલે બોલાવ્યા છે કે ભૂત પકડાઈ ગયું છે અને મારે તેની તમારી સાથે મુલાકાત કરાવવી છે. તમે ભૂતને નજરે જોઈ શકો.”

સુબોધ, ભૂતભાઈ ને લેતો આવ. “અરે! આ તો રમેશભાઈનો ભાગીયો દુદો છે ? આ દુદો ભૂત બનીને બધાંને ડરાવતો હતો ? શું કામ ?”

“સરપંચ કાકા, તમે માનો છો એવું નથી. વાત કઈક જુદી છે.”

“ભૂતભાઈ તમે વાત કરશો કે હું કરું.”

રમેશકાકા ઊભા થયા. "અભય, મને માફ કરી દે. આ ભૂતનો ખેલ દુદો મારા કહેવાથી કરતો હતો. ભાઈએ આ મકાન વેચી દેવાની વાત કરી એટલે મેં આ મકાન કોઈ ન ખરીદે એટલે લોકોના મનમાં ભૂતિયાં મકાનનો વહેમ ઠસાવવા માટે આ ખેલ દુદા પાસે કરાવતો હતો. લોકોના મનમાં આ વાત ઠસી પણ ગઈ હતી. રાતના અહીંથી કોઈ પસાર પણ નહોતું થતું. અભય, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાઈ, પણ મને માફ નહીંં કરે.”

“કાકા, તમે જયારે કહ્યુંને આ મકાન તો ભૂતિયું મકાન થઈ ગયું છે ત્યારે મારા મનમાં શંકા ઊભી થઈ કે જ્યાં સુધી તમે અહીં રહેતા હતા ત્યાં સુધી મકાન ભૂતિયું નહોતું તો આ એકાએક કેવી રીતે થઈ ગયું. આ મારો મિત્ર સુબોધ છે. એ એક ખાનગી જાસૂસ સંસ્થા ચલાવે છે. એ કઈ મકાન ખરીદનાર નથી. મેં, તેને મારી શંકાની વાત કરી એટલે એ અહીં મકાન ખરીદવાના બહાને આવ્યો જેથી તમને કોઈ શંકા ન પડે."

"અમે આખીય યોજના ગોઠવી નાખી. આ તમારા દુદા ભૂતને બેભાન કરવાની દવાથી દૂરથી સોય તેની ગરદનમાં ઈન્જેક્ટ કરી બેભાન કરી પકડી લીધો. અત્યાર સુધી મને તમારા પર થોડીક શંકા હતી પણ દુદાને જોયા પછી એ શંકા પાકી થઈ ગઈ એટલે સવારમાં તમને બધાંને ભેગા કરી તમારી સાઝિશનો પર્દાફાસ કર્યો. કાકા, તમે આવું શું કામ કર્યું ? તમે પપ્પાને કહ્યું હોત તો, પપ્પા એમ જ તમને મકાન આપી દેત. તમે અમને સ્ટેશને લેવા પણ રિક્ષાને મોડી મોકલી જેથી અમે ડરીને બીજે જ દિવસે પાછા જતા રહીએ.” બધાંની નજર રમેશભાઈ પર ખોડાયેલી હતી. રમેશભાઈ નીચું મોઢું કરીને બેઠા હતા. અત્યાર સુધીની કમાયેલી આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી.

અભયે કહ્યું, “સરપંચ કાકા, આપણા ગામમાં કોઈ ડોક્ટર ખરું જે સેવાભાવ રાખીને કામ કરે. હવે,મારે આ મકાન વેચવું નથી પણ તેને સેવા ટ્રસ્ટ દવાખાનું બનાવી દેવું છે જેથી ગામનાં અને આજુબાજુનાં ગામનાં લોકો તેનો લાભ લઈ શકે. દવાખાના વહીવટની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે.”

“હા, દીકરા ડોક્ટર દિનેશ શાહનું ગામમાં પોતાનું દવાખાનું છે. તે આ દવાખાનાની જવાબદારી સાંભળી લેશે.”

"તો, આજથી આ ભૂતિયું મકાન 'વિનોદરાય સેવા ટ્રસ્ટ દવાખાના' તરીકે ઓળખાશે.”

અભયે રમેશકાકા સામે જોયું. રમેશકાકા નીચું જોઈને બેઠા હતા. “આ સેવા ટ્રસ્ટ દવાખાનાની અહીંની જવાબદારી મારા કાકા `રમેશકાકા` સંભાળશે. રમેશકાકા ઊભા થઈને એટલું જ બોલો શક્યા, “અભય, મારા દીકરા....”


Rate this content
Log in

Similar gujarati story from Horror