પ્રેમ : બંને દુનિયામાં
પ્રેમ : બંને દુનિયામાં


"યે જિંદગી ઉસી કી હૈ
જો કિસી કા હો ગયા
પ્યાર હી મેં ખો ગયા "
અનારકલી મૂવીનું એ સમયનું મોસ્ટ રોમેન્ટિક સોન્ગ મોબાઈલ પર લગાવી ઈયરફોનથી સાંભળી રહ્યા છો તમે, મિસ નેહા ગણાત્રા. વતનથી કાફી દૂર એવા એક મેગા સીટી માં તમે એક સામાજિક કામથી જઈ રહ્યા છો. આમ તો તમે મુસાફરી ના શોખીન નથી પણ જયારે કરવી પડે ત્યારે જ કરો છો. દૂરનાં સંબંધીને ત્યાં સામાજિક પ્રસંગે હાજરી આપવી પડે તેમ છે નેહા. અને મમ્મી પપ્પા તો "હવે અમારાથી મુસાફરી ખમાતી નથી..."કહી ને છૂટી ગયા અને તમને આગળ કરી દીધા. જો કે એમાં એમનો સ્વાર્થ એટલો જ હતો કે તમે ત્યાં જાવ, લોકોની સાથે હળોમળો અને તમે કોઈને પસંદ કરો અથવા તમે કોઈના ધ્યાનમાં આવો. રવિવાર હતો એટલે ઓફિસમાંય રજા હતી તો ના પાડવાનું તમારી પાસે કોઈ કારણ નહોતું. અને જવા સિવાય કોઈ છૂટકો ના હતો. પણ પ્રસંગ પત્યે તુરંત જ નીકળી જવાની શરતે તમે જવા તૈયાર થયાં છો નેહા કારણકે સામાજિક મેળાવડામાં તમને જરા પણ રુચિ નથી. આ બધું સમયનો બગાડ છે એવું તમે દ્રઢપણે માનો છો. નોકરી કરો છો એટલે આર્થિક રીતેય સ્વતંત્ર છો. હા મમ્મી પપ્પા જ તમારી દુનિયા હતી જ્યાં સુધી સહજ નું તમારા જીવનમાં આગમન થયું નહોતું. સહજ મહેતા, તમારી સાથે જ ભણતો યુવાની અને જિંદગીથી તરબતર એક જિંદાદિલ ઇન્સાન હતો. એની હાજરી તમને ગમતી નેહા,... કશું બોલચાલ વગરનો આ માત્ર અનુભવાયેલો સંબંધ હતો તમારા માટે. તમારી જેવી ગર્વિતા છોકરી માટે કોઈ પ્રત્યેનો લગાવ કબૂલ કરવું એ સ્વભાવથી વિપરીત હતું. સામે સહજ પણ શરમાળ હતો. બંનેની નજર તો રોજ મળતી પણ દિલ મળે એ પહેલા પપ્પાની બીજા શહેરમાં બદલી થતા તમારે શહેર છોડવું પડ્યું હતું. અને આ સહજે તમારા દિલોદિમાગ પર એક ના ભૂલી શકાયઃ તેવી છાપ છોડી દીધી હતી જેના કારણે તમે આજેય પુરા આઠ વર્ષ પછીય કોઈનેય જીવનસાથી ચુની નથી શક્યા નેહા. સહજ તમારા ઝહેનમાંથી જતો જ નથી.
હા તો મુસાફરી માં પાછા આવીયે, ચોમાસા ભરેલી સાંજ અને મુસાફરોથી ખીચોખીચ એવા ડબ્બામાં તમને ગૂંગળામણ થઈ રહી છે. સદભાગ્યે બારી પાસેની સીટ મળી છે. મુસાફરી આખી રાતની છે અને એટલે તમે કાનમાં ઈયર ફોન લગાવી નીંદ આવવાની રાહ જોઈ રહ્યા છો. જેમ જેમ સાંજ ગાઢ બનતી જાય છે તેમ તેમ મુસાફરો ઘટતા જાય છે. જોકે તમને એનાથી કોઈ મતલબ નથી નેહા તમે તો સહજ ને તમારી સાથે જ રાખો છો ચાહે સુખ હોય કે દુઃખ, ઘર હોય કે બહાર, સહજ યાદ રૂપે સદેવ તમારી સાથે જ છે.
" જિંદગી કી ઉદાસ રાતો કો,
આપકી યાદ સે સજાયા ગયા... "
રાતના સાડા દસ વાગ્યાં હશે. મમ્મી સાથે ફોન પર વાત કરી હજુ તમે આંખો બન્ધ કરી જ હશે ત્યાં કોઇ સ્ટેશન આવતા એક યુગલ ચડે છે. તમે આંખો ખોલી સહેજ જોઈ લ્યો છો ને ફરી સુવાની કોશિશ કરો છો નેહા, એ વાતથી અજાણ કે આજે તમને બીજી દુનિયાના પ્રેમનો અનુભવ થવાનો છે. યુગલ એની વાતોમાં મશગુલ હતું. દેખાવે સારા પરિવારનું લાગતું હતું અને વાતો પરથીય સજ્જન હતું. ઊંઘ આવતી નથી અને ફોનની બેટરી લો થઈ જવાથી તમે બારી બહાર જોવો છો નેહા. દૂર પૂનમનો ચંદ્ર દેખાતો હતો. ખુબ આકર્ષક લાગતો હતો બિલકુલ તમારા સહજની જેમ. તમે મનોમન હસ્યા નેહા "મારો સહજ... અરે એ તો અત્યારે કોઈ બીજાના જીવનનું અભિન્ન અંગ બની ગયો હશે... "
"એક એક બાત યાદ હે આધિ રાત કે પુરે ચાંદ કો ...
જાગતે હુવે ભી રાત મેં ચેહરા એક હે લેતી હું નામ દો.
ખાલી હૈ તેરે બીના દોનોં અખિયાં તુમ ગયે કહાં... "
તમે આ વિચારી રહ્યા છો નેહા બરાબર ત્યારે જ... ત્યારે જ એ યુગલમાંથી છોકરી તમારી જાણ બહાર તમારી પાસે આવીને બેસે છે. અને ધીરેથી બોલે છે,
"ના એની પણ પ્રેમયાત્રા તમારી સાથે જ છે... કોઈને તમારું સ્થાન અપાયું નથી."
તમે ઝબકી ને બાજુ માં જોવો છો નેહા, એક સાથે ઘણા બધા સવાલો આંખમાં ભરીને. એણે તરત કીધું, " હું આંચલ...અને આ મારી જીવન કથાનું અભિન્ન અંગ દેવ," તમે ધારી ને આંચલની સામે જોયું નેહા... હશે ઓગણીસ વીસ વરસની કદાચ, ઘઉં વર્ણો ચહેરો, સુંદર રીતે કોતરાયેલું નાક... ટૂંક માં નમણી હતી. ગોળ પાણીદાર ભોળાપણાના ભાવથી ભરેલી આંખો. પણ કશું ખૂટતું હતું એમાં. યુવાનીના ઉંબરે આવેલી યૌવનાની આંખો તો ઉત્સુકતા અને રોમાન્ચથી તરબતર હોવી જોઈએ પણ આંચલની આંખોમાં તો ના સમજાય એવો અવકાશ હતો. તમે ઈચ્છા હોવા છતાંય એના ચેહરા પરથી આંખો ના હટાવી શક્યા નેહા.
ધીરે ધીરે હવે કમ્પાર્ટમેન્ટમાં તમે અને પેલું યુગલ જ બાકી રહ્યા. મૌનમાં જાણે ઘણી વાતો થતી રહી. આંચલ એ મૌનને વાચા આપવી શરુ કરી.
"લગ્નમાં જઈ રહ્યા છો કોઈના ?... " ફરી એકવાર એ તમારા કહ્યાં વિના તમારી મુસાફરીનું કારણ જાણી ગઈ. હવે બોલવાનો વારો તમારો હતો નેહા.
"હમ્મ હા, તમને કેમ ખબર ? આંચલ... "
"...અરે મેડમ અહીં સોમાંથી એંશી લોકો પ્રાસંગિક કારણોસર આ સમય ગાળામાં મુસાફરી કરતા હોય છે... "
"અચ્છા... "તમે આટલુ બોલ્યા નેહા.
"તમે ક્યાં પ્રસંગમાં જાવ છો ?,"આંચલને પૂછ્યું તમે આગળ,
તમારા સવાલના ઉત્તરમાં આંચલ નીચું જોઈ જાય છે પણ દેવ ચમકે છે. ક્ષણ બે ક્ષણ તમારી સામું જોઈ નજર પાછી બાર ઠેરવે છે.
પાછુ મૌન... "અમારે તો એકબીજાનો સાથ જ પ્રસંગ છે... બહુ દૂર નથી જવું અમારે... "
બેગમાંથી તમે છાપાના કાગળમાં લપેટેલાં ચણા મમરા કાઢો છો અને આંચલની સામે ધરો છો. નકાર માં માથું ફેરવી એ હસે છે. તમે હસીને વાત આગળ ચલાવો છો નેહા...
"હમ્મ લવ બર્ડ્સ છો એમ ! તમારી જોડી સુંદર છે. ક્યાંના છો ? "
"ઉત્તર ગુજરાત ના... "
"શું તમારી લવ સ્ટોરી સાંભળી શકું છું "તમે હળવાશમાં પૂછ્યું નેહા. હવે તમને આંચલ ગમવા લાગી હતી. તમે એની સાથે "સહજ "થયાં.
"ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં પાડોશી હતા એકબીજાના, સાથે રમ્યા, સાથે ભણ્યા અને યુવાનીમાં પગરણ પણ સાથે જ પાડ્યા."
દેવ પણ રંગમાં આવ્યો એણે પણ વાત શરુ કરી, "મને આંચલની ભોળી શરારત ગમતી, એને જોવી ગમતી. એ મને પ્રેમથી ખીજાય, આગ્રહ કરે અને જૂઠું જૂઠું નરાજ થાય એ ગમતું. એ માટે હું એને હાથે કરીને ચીડવતો...."દેવ ના ગમ્ભીર ચેહરા પર મુસ્કાન આવી અને આંચલના ગાલ શરમથી લાલ બન્યાં.
તમને એમાં રસ પડ્યો. હમ્મ પછી ?... ના જવાબમાં આંચલ બોલી,
"દીદી, પછી શું અમે આદર્શ પ્રેમી પહેલા આદર્શ સંતાન હતા માતા પિતાના એટલે પ્રેમનો ઈકરાર કરીનેય અમે ભવિષ્યને સ્થાયી કરવાનું વિચારતા હતા. એટલે જ્યાં સુધી દેવ આઈએસ ઓફિસર ના બની જાય ત્યાં સુધી હું પણ મારાં ઘરે લગ્નની ના પાડતી ચાલી. ... "વાત કરતા કરતા આંચલ થોડી દુઃખી થોડી ગંભીર બનતી ચાલી.
"અરે વાહ તો દેવસાહેબ આઈએસની તૈયારી કરી રહ્યા છે એમ !!" તમે ખુશી અને ઉત્સુકતા મિશ્રિત લાગણીથી બોલી ઉઠ્યા નેહા.
થોડા મૌન પછી "...આંચલ... " દેવનો થોડો ભારે અવાજ આવ્યો જાણે ખુબ ઊંડા કૂવામાંથી આવતો હોય. તમે એ અનુભવ્યું નેહા કે વાતાવરણ પણ થોડું ભારે અને ગમગીન થયું છે.
ટ્રેનની ગતિ સામાન્ય કરતા થોડી વધી. આકાશમાં પૂરો અને આકર્ષક લાગતો ચંદ્ર અત્યારે પીળો અને ભયાનક લાગી રહ્યો હતો. ટ્રેન સિવાય કોઈ અવાજ નહોતો. કે આંચલ તમારી સામે ફરી, તમારી આંખમાં આંખ પરોવી ને બોલી,
"દીદી, પ્રેમને અવ્યક્ત ના રહેવા દેશો. એ તો પાણી સમાન છે બાંધી રાખશો તો ગંધાઈ જશે. એને વ્યક્ત કરી મસ્ત ખળ ખળ વહેવા દયો. શું ખબર ઈકરારની ગેરહાજરીને કારણે જિંદગીભર ફક્ત ઇંતેજાર રહી જાય. અને જિંદગી 'જો ' અને 'તો ' માં રહી જશે. "
ગજબનું તેજ હતું આંચલના ચહેરા પર. આંખો સુંદર લાગી રહી હતી પણ હજી કંઈક ખૂટતું હતું. તમારો હાથ થોડો દબાવી સડાક કરતી એ ઊભી થઈ. આંખો પહોળીની પહોળી રહી ગઈ તમારી નેહા જયારે તમે આંચલ ને દેવને ભેટીને એક્ઝીટ ડોર પાસે જતાં જોઈ. એક ચીખ અને સન્નાટો... દેવ અને આંચલ ટ્રેન પરથી કૂદી પડ્યા. તમારી ચીસ ગળા માંજ દબાઈ ગઈ નેહા ગણાત્રા.
આ શું હતું ? સુસાઇડ ? ત્યાંજ ચણા મમરાનો ખાલી કાગળ ઊડીને તમારા ગાલ સાથે અથડાય છે. અને તમારું ધ્યાન ખેંચાય છે. એક વર્ષ જૂનું આ જ દિવસના ન્યૂઝ પેપરનો કટકો હતો. જેમાં આંચલ અને દેવનો ફોટો હતો. ટાઇટલ હતું....
"ચાલતી ટ્રેન પરથી કૂદીને આપઘાત... " આગળના સમાચાર અવાચ્ય હતા પણ આટલા પરથી તમે એટલું તો સમજી ગયા કે આંચલની સુંદર આંખોમાં શું ખૂટતું હતું. "જિંદગી" જે એણે એક વર્ષ પહેલા ગુમાવી છે.
સોનેરી સવાર... તમે મુકામે પહોંચી ગયા અને ફોન ચાર્જ થતા તરત જ તમે તમારી જૂની કલાસમેટને ફોન લગાવ્યો જે સહજની ધર્મબહેન પણ છે. જેની પાસેથી સહજનો ફોન લીધો. હવે ઘરે પાછા જઈ સૌથી પેલા સહજને ફોન કરશો. ઈકરાર -એ -ઇશ્ક કરવા.
પાછળની દુકાનથી ગીત સંભળાઈ રહ્યું છે...
"જિંદગી ઔર કુછ ભી નહીં
તેરી મેરી કહાની હૈ. "