પ્રણ...
પ્રણ...


એ રક્ષાબંધનનો દિવસ હતો જયારે મને આ સમાચાર મળ્યા કે બહાદુર અને હોનહાર યુવાન પોલીસ ઇન્સ્પેક્ટર ભાનુસિંહના માથે આજે એક વધુ યશ કલગી ઉમેરાણી. ભાગતા ફરતા માથાભારે અને ખૂંખાર ગુંડા કમ રેપિસ્ટ રૂખાનું જાનના જોખમે એન્કાઉન્ટર કર્યું છે બાહોશ ભાનુસિંહે. જેના ઉપર 100 થી વધુ લૂંટ અને ચાર યુવતીઓના બળાત્કાર કરી હત્યાનો આરોપ છે.
એ દિવસે સાંજે ભાનુસિંહ પોતાના ઘરના એક ફોટા પાસે દીવો કરી બોલે છે, "લે બેની ગીતા જયારે તારી સાથે રૂખાએ દુષ્કૃત્ય કર્યું ત્યારે હું ઘણો નાનો હતો. મેં પ્રણ લીધું હતું કે જ્યાં સુધી એ હત્યારાની હત્યા નહીં થાય ત્યાં સુધી તું મૃત નથી અને તારા ફોટો પર હાર પણ નહીં ચડે ને દીવોય નહીં થાય. તું મૂક સાક્ષી બનીને પરિણામની રાહ જોઇશ. ઘણા સમયથી હું આ જ ફિરાકમાં હતો કે રૂખાને પકડું. એ ભાગતા રૂખા ને કેમ છોડું? જેણે મારી પંખુડી જેવી ભોળી પારેવડી બેનીને નિર્દયી બની પીંખી નાખી? પણ આ રક્ષાબંધન પર મારી તને સાચી શ્રદ્ધાંજલિ... "
જે દેશના રખેવાળો ઉર્ફ સૈનિકો ઉર્ફ જવાનો આટલા વીર આટલા બહાદુર હોય એ દેશને, એ માતૃભૂમિને, એ કર્મભૂમિને શત શત નમન.