STORYMIRROR

Shobha Mistry

Abstract Fantasy Thriller

4  

Shobha Mistry

Abstract Fantasy Thriller

સૂનો ઝરૂખો

સૂનો ઝરૂખો

2 mins
288

રોનક એના મિત્રો સાથે જયપુર ફરવા ગયો હતો. આજે બધાં જયપુરનો પ્રસિદ્ધ હવામહેલ જોવા જવાના હતા એટલે ખૂબ ઉત્તેજિત હતાં. ઘણી ફિલ્મોમાં એમણે આ હવામહેલ જોયો હતો પણ નજરોનજર આજે જ જોવાના હતાં. ઉત્સાહથી થનગનતાં બધાં પોતપોતાની બેકપેકમાં પાણીની બોટલ, થોડો સૂકો નાસ્તો, મોબાઈલ અને સેલ્ફી સ્ટીક લઈ નીકળી પડ્યાં. હૉટલથી નક્કી કરેલી ટેક્ષીમાં બેસી, હવામહેલ પાસે ઉતર્યા. ડ્રાઈવરે સૂચના આપી કે એ હવે સાંજે સાત આઠ વાગ્યે પાછો તેમને લેવા આવશે. ત્યાં સુધી બધાં આરામથી મહેલ જુઓ અને મનભરીને ફોટા પાડો. 

રોનક, આશિત, લેખન, હેત્વી, સિયા, ગરીમા બધાંએ ટિકિટ લીધી અને મહેલમાં પ્રવેશ કર્યો. મહેલની અંદરની સુંદરતા, સ્થાપત્ય, દિવાલો પર ટીંગાતા સુંદર રંગચિત્રો, લાકડાના સુંદર કોતરણીવાળા ફર્નિચર જોતાં અને ફોટા પાડતાં સૌ વાતો કરી રહ્યાં હતાં. દરેક માળ પર રહેલાં ઝરૂખા મહેલની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. 

એક ઝરૂખા પાસેથી પસાર થતાં રોનકનું ધ્યાન ત્યાં ઊભેલી એક સુંદર યુવતી પર પડ્યું. ઝરૂખા પર હાથ ટેકવી તે બહાર ક્યાંક જોઈ રહી હતી. એના રેશમી વાળની લટ એના ચહેરા પર ફેલાઈ એની સુંદરતામાં વધારો કરી રહી હતી. કાનમાં પહેરેલાં મોટાં ઝૂમ્મર પવનની લહેરખીથી ધીમું ધીમું રણકી રહ્યાં હતાં. એની ઉદાસ આંખો જાણે કોઈના આગમનની રાહ જોઈ રહી હતી. પોતાના પ્રદર્શનમાં મૂકવા કામ લાગશે. એવું વિચારી રોનકે ફટાફટ એના ઘણા બધાં ફોટા પાડી લીધાં. લોકોની અવરજવર વધી અને સિયાએ બૂમ પાડી એટલે એ ત્યાંથી નીકળી ગયો. 

બધાં મિત્રો સાથે એ ઉપરના માળે ગયો. ત્યાં રાજા, રાણી, તેમના સંતાનો, તેમના મુખ્ય દાસ-દાસી વગેરેના સુંદર પોર્ટ્રેટ હતાં. એક ફોટા પાસે તે એકદમ ઊભો રહી ગયો અને બોલી ઊઠ્યો, "અરે ! આ ફોટો અહીં કેવી રીતે હોઈ શકે ?" 

"કેમ ન હોય ? જો તો ખરો એ ત્યારની રાણીની મુખ્ય દાસી છે. નીચે એનું નામ પણ છે." આશિતે કહ્યું.

"અરે ! નીચેના માળે મેં હમણાં જ એને એક ઝરૂખામાં ઊભેલી જોઈ હતી. મેં એના કેટલા બધા ફોટા પાડ્યાં છે. ઊભા રહો હમણાં જ બતાવું." એમ કહી રોનકે કૅમેરો ખોલ્યો પણ અંદર તો એના એક પણ ફોટા નહોતા. એને થયું કદાચ કૅમેરામાં કંઈ ગરબડ હશે એટલે એણે મોબાઈલમાં પાડેલા ફોટા બતાવવા માટે મોબાઈલ ખોલ્યો પણ એમાં પણ કશું જ નહોતું. હતો તો ફક્ત સૂનો ઝરૂખો જાણે એ ઝરૂખો પણ કોઈની રાહ ન જોતો હોય. બધાં ખડખડાટ હસી પડ્યાં. 

રોનક વિચારમાં પડી ગયો જો કૅમેરા કે મોબાઈલમાંથી એના ફોટા નથી દેખાતાં તો પોતે જેને જોઈ હતી એ કોણ હશે ? ખરેખર કોઈ સુંદર યુવતી કે પછી કોઈ અતૃપ્ત આત્મા ? 


Rate this content
Log in

Similar gujarati story from Abstract