Raman V Desai

Classics

0  

Raman V Desai

Classics

સુલતાન

સુલતાન

26 mins
599


કહે છે કે વકીલનો કોઈને વિશ્વાસ નહિ !

જે પક્ષ પૈસા વધારે આપે એ પક્ષ તરફથી સાચું ખોટું લડનાર વર્ગ પ્રતિષ્ઠિત ભલે હોય; છતાં સમાજ તેની તરફ કતરાતી આંખે જુએ એ સહજ છે. ભાડૂતી યુદ્ધોમાં પણ વફાદારી છે, ટેક છે, નોખ છે, નીતિનાં ધોરણો છે, એ બધું સમાજને કોણ સમજાવવા જાય ? એ સમજાવવા કરતાં એકાદ વધારે કેસ લડી લેવાય તો શું ખોટું ? જે હોય તે ! આજની ન્યાયપદ્ધતિમાં વકીલ વગર કાઈને ચાલે એમ લાગતું નથી. કોઈ પણ ધર્મને શરમાવે એવો જટિલ કર્મકાણ્ડ આજના ન્યાયશાસનમાં વિકસ્યો છે. એટલે વકીલ વગર ન્યાયનું કર્મકાણ્ડ કોઈને ફાવે જ નહિ.

હું એક વકીલ છું; પ્રતિષ્ઠિત વકીલ છું; એટલો પ્રતિષ્ઠિત કે જો મેં ખાદી ધારણ કરી હોત તો હું આજ પ્રાન્તનો પ્રધાન પણ બની ચૂક્યો હોત. પરંતુ તેનો મને અસંતોષ નથી. હું જીવનભર સંતુષ્ટ રહ્યો છું. ધનને અને સંતોષને સારો સંબંધ હોય છે. પ્રભુએ જે આપ્યું છે એ ઠીક છે. હું અને મારો ઈશ્વર એ સમજી લઈએ છીએ. આયપતવેરાનો હિસાબનીસ પણ મારા હિસાબને પૂરો સમજી ન શકે ! એકંદર આર્થિક દૃષ્ટિએ કુટુંબની ચિંતા રહી નથી.

વકીલને ધનની સાથે વિશાળ અને વિધવિધ અનુભવો પણ મળે છે. પૈસા પૂરા ન આપતાં સામે ધમકી આપી છરી બતાવનાર અસીલથી માંડી હારવાનો સંભવ પ્રામાણિકપણે બતાવ્યા છતાં ભરપટ્ટ પૈસા આપી લડવાને તત્પર એવા મમતી અસીલો સુધીમાં અનુભવની એક વૈજયંતીમાળા વકીલજીવનમાં ગૂંથાઈ જાય છે.

તેમાં યે મને થયેલો એક અનુભવ હું કદી વીસરી શકતો નથી. એ અનુભવે એક વસ્તુ સાબિત કરી આપી. વકીલનો સર્વાંશે વિશ્વાસ કરનાર માનવી પણ હોય છે ખરા !

વકીલાતની શરૂઆત કોને કહેવી ? ક્યારે કહેવી ? એ પ્રશ્ન આજના વકીલોને જરૂર મુંઝવી રહ્યો છે. પાંચ વર્ષે પણ શરૂઆત ગણાય અને દસકો પણ શરૂઆતમાં ગણાય. એ ધંધામાં સરકારી નોકરી, માફક ફરજિયાત નિવૃત્તિ મળતી ન હોવાથી વકીલનું પાટિયું કદી ખસતું જ નથી. સગા દીકરાનું પાટિયું પણ વકીલ પિતાને હરીફ પાટિયું લાગે છે !

મારી દ્રષ્ટિએ વકીલાતની શરૂઆત હવે મટી ગઈ અને હું મને પોતાને જરા અનુભવી વકીલ ગણતો થયો–મુગ્ધા જેમ મધ્ય નાયિકાનો ભાવ અનુભવે તેમ ! તે સમયનો મારો ન ભુલાતો અનુભવ હું અહીં કહી રહ્યો છું. જોકે મારું પોતાનું સ્વતંત્ર ઘર બાંધવાનો સમય હવે જલદી આવી પહોંચે છે, એવા આનંદભર્યા ભાવિનો વિચાર કરતો હું હજી ભાડાના જ ઘરમાં રહેતો હતો !

એકાએક કૂતરાં ભસી ઊઠ્યાં. કેસનાં કાગળિયાં હું વાંચતો હોઉં ત્યારે બનતાં સુધી મારું ધ્યાન આસપાસ ખેંચાતું નથી. કૂતરાંનો ધર્મ છે કે તે ભસે. મારો ધર્મ છે કે મારે મારા કામમાં જ ધ્યાન પરોવાયેલું રાખવું. પરંતુ અત્યારે તે કૂતરાંએ એટલો ઘોંઘાટ કર્યો કે હું મારા ધ્યાનમાંથી ચલિત થયો.

'અરે, કેમ આ કૂતરાં આટલું બધું ભસે છે ? મારી કાઢ.' મારાથી રહેવાયું નહિ એટલે મેં નોકરને કહ્યું.

'સાહેબ ! પડોશમાં એક નવો કૂતરો આવ્યો છે...' નોકરે કહ્યું.

'અરે, તું વાત શી કરે છે? એને કાઢી મૂક.'

'કઢાય એમ નથી. નવા ભાડૂતનો કૂતરો છે.'

'નવો ભાડૂત ? એ વળી કોણ છે ?'

'પાસે બે ઓરડીઓ ભાડે રાખી છે. કોઈ પરદેશી લાગે છે. હમણાં જ આવ્યો.'

'આવા ભાડૂતો ક્યાંથી આવે છે? પાછાં કૂતરાને રાખતા હોય એવા ?'

મને એકે જાનવર ગમતું નહિ. જાનવર તરફ માનવીને કેમ લાગણી થતી હશે ? માનવીને માનવી જ બહુ ન ગમે; તેમાં પાછાં કૂતરાં, બિલાડાં, સસલાં કે હરણ પાળવાની વૃત્તિ માનવીમાં કેમ જાગે એ હું સમજી જ શકતો નહિ.

નીચે એક બૂમ પડી: 'સુલતાન ! બસ બેટા !'

હું કાંઈ સમજ્યો નહિ. કૂતરાં ભસતાં બંધ થયાં અને મારા કેસનાં કાગળયાં વાંચી હું સૂતો. આવતી કાલે મારે ન્યાયાધીશ પાસે કેમ તકરાર કરવી, કયા મુદ્દા ઉપર ભાર મૂકવો, કયો પ્રશ્ન જતો કરવા, એવા એવા વિચારના વમળમાં ગોથાં ખાતા મને નિંદ્રા તો આવી; પણ નિંદ્રા એક સ્વપ્ન પણ સાથે લાવી. એ સ્વપ્નની વિગતો ન્યાય અને ન્યાયાધીશની બદનક્ષીરૂપ બની જાય એમ છે. એટલે વિશેષ કાંઈ નહિ કહેતાં એટલું જ જણાવીશ કે આખી અદાલત શ્વાનઅદાલત બની ગઈ હતી ! વકીલ, અસીલ, ફરિયાદી, આરોપી, પક્ષકાર, સાક્ષી, ન્યાયાધીશ, નાજર, પટાવાળો, પોલીસ, એ સર્વ શ્વાનઆકાર ધારી રહ્યા હતા ! અલબત્ત, એકબીજાની ભાષા સમજુતી હતી, અને કામ ધોરણસર ચાલતું હતું ! ન્યાયાધીશનો ઝડપી પંખો પણ ચાલતો હતો ! કોર્ટમાં આયનો ન હોવાથી મારા મુખમાં પરિવર્તન થયું હશે કે કેમ એની ખબર પડી નહિ !

હું ઊઠ્યો તે પણ કૂતરાની જલદ ભસાભસથી ! મારી આજની આખી સૃષ્ટિ શ્વાનભરી કેમ બની ગઈ હશે ? સંસ્કૃત નામ 'શ્વાન', આપવાથી કૂતરાંની આકૃતિ અને તેમની વાણી બદલાતી નથી !

'આ શું ચાલે છે ગઈ રાતથી? આમ તો મારાથી કામ નહિ થાય !' મને ચા આપતી મારી પત્નીને મેં સવારમાં કહ્યું.

'કેમ ? શુ તબિયત કેવી છે?' મારી પત્ની ગ્રેજયુએટ ન હોવાથી હું તેની કાળજી લઉં એ કરતાં તે જ મારી વધારે કાળજી લેતી હતી.

'તબિયત તે કેમ સારી રહે આ ઘોંઘાટમાં ?' મેં કહ્યું

'ઘોંધાટ ? ઘરમાં તો કોઈ બોલતું નથી.'

'આ સભળાતો નથી ઘોંઘાટ ? બહાર કેટલાં કૂતરાં ભસે છે? સુધરાઈ કે સરકારને આ આફતનો ખ્યાલ પણ લાગતો નથી.' મેં ચિડાઈને કહ્યું.

'એ તો ચલાવી લેવાનું ! શેરીનાં કૂતરાંને કાંઈ ઘડીઘડી પથરા મારતાં ઓછાં બેસાય એમ છે?' પત્નીએ કહ્યું, અને તેના મુખ ઉપર આછું સ્મિત ફરક્યું. પત્નીનું પ્રત્યેક સ્મિત ગમે એવું હોતું નથી એમ પતિવર્ગ આખો જાણે છે. મને ડર છે કે પ્રેમનો પ્રથમ ઊભરો શમી જતાં પત્નીને મન પતિ ઘણી યે વાર હસવા લાયક પ્રાણી બની જાય છે. મેં વાતને લંબાવી નહિ. હું મારા કામમાં પરોવાયો અને વખત થતાં મારી ગાડીમાં બેસી હું કચેરીમાં જવા બહાર નીકળ્યો.

બહારની એક ઓરડીના ઓટલા ઉપર ખાટલો ઢાળી એક વૃદ્ધ પુરુષ બેઠો હતો, અને તેની જ પાસે એક બિહામણો કૂતરો વર્તુલમાં બેસી જીણી ખૂની આંખે જનાર–આવનાર તરફ જોયા કરતો હતો. મને જોઈ તેણે કાન હલાવ્યા અને પડી રહેલા તેના પુચ્છને સહેજ ગતિ આપી. મારા હૃદયના ધબકારા વધી ગયા.

'સલામ, વકીલસાહેબ !' વૃદ્ધે બેઠે બેઠે મને સલામ કરી કહ્યું. અદ્રશ્ય થતા યુગનો જાણે પ્રતિનિધિ હોય એવો એ વૃદ્ધ દેખાતો હતો. મૂછ રાખવી કે નહિ એ પ્રશ્ન એના જીવનમાં કદી ઉપસ્થિત થયો હોય એમ લાગ્યું નહિ. વૃદ્ધ ટટાર બેઠો હતો. તેનો એકવડો દેહ અને જીણું મુખ તેની વયને ઘટાડી દેતાં હતાં.

'સલામ, ભાઈ ! હમણાં જ રહેવા આવ્યા, નહિ ?' હું ગાડીમાં બેસતાં બોલ્યો.

'જી, ગઈ કાલે જ આવ્યો. આપ જેવાની છાયામાં છેલ્લા દિવસ ગુજારી લઈશ.'

'ભલે, આરામથી રહો. કાંઈ કામ હોય તો કહેજો.' મેં એક સારા પડોશી બનવાનો પ્રયત્ન કર્યો. વૃદ્ધની વાતચીત એટલી વિવેકભરી હતી કે પહેલી જ ઓળખાણે તેના કૂતરા વિશે તકરાર કરવાનું મને ઠીક ન લાગ્યું. હું કચેરીમાં ગયો, મારા મુકદ્દમાઓ ચલાવ્યા અને સમય પૂરો થયે ઘેર આવતાં પાછો પેલા વૃદ્ધનો કૂતરો યાદ આવ્યો. અને પાછી ઘોંઘાટભરી રાત્રિના ખ્યાલે હું જરા ગુસ્સે થયો. ઘર આગળ ગાડી ઊભી રહી અને પેલા વૃદ્ધનો ઓટલે બેઠેલો ક્રૂર કૂતરો સિંહ જેવો ઘર્ઘર અવાજ કરી ઊભો થયો. કૂતરો બીજા કૂતરાને કરડે ત્યાં સુધી આપણને બહુ હરકત હોતી નથી, પરંતુ એ આપણને કરડે એ જોખમ અસહ્ય બની જાય છે. અજાણ્યો કૂતરો વાઘસિંહ જેવો જ વિકરાળ લાગે છે, અને કૂતરાનો ભારે ડર લાગવા છતાં એનો ડર જરા ય લાગતો નથી એવો દેખાવ રાખવામાં આપણાં જ્ઞાનતંતુ બહુ તંગ બની જાય છે. લાકડી બહાદુરીપૂર્વક મારવાથી કૂતરો નહિ જ કરડે એવી કોઈ ખાતરી આપતું નથી, તેમ જ કૂતરાને બે હાથ જોડી પગે લાગવાથી અગર શરણાગતિદર્શક બે હાથ ઉંચા કરવાથી કૂતરો વગર કરડ્યે આપણને માર્ગ આપશે કે કેમ તેની પણ ખાતરી લાયક માહિતી આપણને કોઈ આપતું નથી. કૂતરાંથી આપણે ડરીએ છીએ એવો દેખાવ કરવામાં આપણને ખરેખર નાનમ લાગે છે; અને ડર લાગવા છતાં તેવો દેખાવ ન થઈ જાય એની ચિંતામાં થઈ જતો આપણો દેખાવ આસપાસની બારીઓમાંથી હસતા મુખની પરંપરા ઊભી કરે એ પણ અસહ્ય સ્થિતિ બની જાય છે. દોડીને ભાગી જવામાં ઉંમર નડે એમ હોય છે, અને વયને બાજુએ રાખી આપણે દોડીએ છતાં કૂતરાની ઝડપ આપણાં કરતાં વધારે જલદ હોય છે એની ખાતરી થઈ ચૂકેલી હોય છે. આમ માણસ અને કૂતરાંના સંબંધ અંગે ઊભી થતી મૂંઝવણ એક લાંબો નિબંધ માગે એવી હોય છે, એમ મને અત્યારે, જોતજોતામાં સમજાયું. પરંતુ નિબંધ લખવાથી શ્વાનભય દૂર થતો નથી.

સદ્દભાગ્યે પેલો વૃદ્ધ બહાર આવ્યો અને બોલ્યો : 'સલામ, સાહેબ ! '

'સલામ, ભાઈ ! કેમ છો? આ તમારો કૂતરો ભયંકર લાગે છે.'

'કોણ? મારો સુલતાન ? નહિ રે, સાહેબ ! એના જેવું અશરાફ પ્રાણી તમને બીજું નહિ મળે.'

'દેખાય છે તો બહુ ક્રૂર !'

'એ તો હસે છે, વકીલસાહેબ? જરા રમાડી જુઓ.'

કૂતરાને માથે અને પીઠે વૃદ્ધે હાથ ફેરવ્યો અને એકાએક કૂતરાએ વૃદ્ધની આસપાસ તાંડવનૃત્ય શરૂ કર્યું. વૃદ્ધના હાથને, પગને, કપડાંને આંગળીને ફાવે તેમ કૂતરાએ નખ ભરવા માંડ્યા, દાંત બેસાડવા માંડ્યા, દેહ ઉપર પગ મૂકવા માંડ્યા, અંગ સાથે પછડાવા માંડ્યું અને મને લાગ્યું કે આ ઉશ્કેરાયેલો જબરદસ્ત કૂતરો વૃધ્ધને ફાડી ખાશે !

પરંતુ વૃદ્ધના મુખ ઉપર પરમ આનંદ પ્રસરી ગયો હતો. પ્રસન્ન અને હસતે મુખે તે કૂતરાને હાથ, આંગળાં, પગ ચાટવા માટે આપતો જ ગયો ! કૂતરાએ સહજ ઘુરકાટ પણ કર્યો અને અંતે વૃદ્ધે કહ્યું : 'હવે બેસ જરા, સુલતાન ! બસ થયું.'

એકાએક તાંડવ છોડી વૃદ્ધના પગ પાસે સુલતાન બેસી ગયો. વૃદ્ધને કાંઈ વાગ્યું હોય એમ એના મુખ ઉપરથી દેખાયું નહિ.

'જોયું સાહેબ ! કેટલો સાલસ છે? આપ થોડું રમાડશો તો આપને એની માયા થઈ જશે. સુલતાન તો એક સુલતાન જ છે !'

હું કાંઈ પણ બોલ્યા વગર ઘરમાં ચાલ્યો ગયો. મારા પોતાનાં બાળકોને રમાડવું મને ફાવતું નથી તો હુ વળી આ વરુ આકૃતિના કૂતરાને ક્યાં રમાડવા જાઉં ? પરંતુ એક આશ્ચર્ય જરૂર મને થયું કે કૂતરાએ આટઆટલા હુમલા કર્યા છતાં વૃદ્ધને ઘા પડ્યો હોય કે લોહી નીકળ્યું હોય એમ દેખાયું નહિ.

કૂતરાના દાંત અને નખ ક્યાં અદશ્ય થઈ ગયા હશે ? અને કૂતરાએ આટઆટલી ઝપાટો મારી છતાં વૃદ્ધને કાંઈ પણ વાગ્યું દેખાયું નહિ એનું શું કારણ હશે?

નખક્ષત અને દંતક્ષતનાં વિગતવાર વર્ગીકરણ વાત્સાયને આપ્યાં છે ખરાં, પરંતુ તે સ્ત્રીપુરુષ વચ્ચેના પ્રેમ ઝણઝણાટ અંગે; નહિ કે માનવી અને માનવેતર પ્રાણી અંગે.

જોતજોતામાં મને ખબર પડી કે નવો આવેલો ભાડૂત કોઈ દેશી રાજ્યમાંથી નાસી આવેલો રાજકુટુંબી હતો. એનું નામ બલવીરસિંહ હતું. એનું કોઈ સગુંવહાલું હોય એમ દેખાતું ન હતું, અને હશે તો ય તે બધાંથી દૂર રહેવા મથતો એ વૃદ્ધ પોતાના કૂતરા સિવાય બીજા કશામાં રસ દર્શાવતો ન હતો. કૂતરાને તે ‘સુલતાન'ને નામે બોલાવતો હતો, અને જોકે કૂતરાંના સમૂહને એ અણગમતો હતો અને શેરીનાં માણસોને મારી માફક તે ભયપ્રવેશ બની રહ્યો હતો, છતાં ‘સુલતાને' કોઈને પણ ઈજા કરી હોય એવો પ્રસંગ બન્યો હોય એમ લાગ્યું નહિ. બધાં બૂમો મારતાં કે આ રાક્ષસ જેવો કુતરો પડોશમાં કેમ આવીને વસ્યો હશે? છતાં સુલતાન કોઈને કરડ્યાની હકીકત આગળ આવતી નહિ.

કૂતરાનો દેખાવ ખરેખર ભય લાગે એવો જ હતો. એને ધારીને નિહાળતાં એના મુખ ઉપર સિંહ દેખાતો, એની આંખમાં વાઘ આવીને બેસતો, એનો આકાર નિહાળતાં દીપડો નજર સામે આવતો. એ બનતાં સુધી ભસતો નહિ, પરંતુ જ્યારે તે ભસતો ત્યારે તેનો ઊંડો ઘૂંટાયલો અવાજ બિહામણો બની જતો અને તેનો ઘુરઘુરાટ સાંભળતાં જ પાસેની શ્વાનસૃષ્ટિ રડી ઊઠતી. એક જબરદસ્ત ગવૈયાનો જ ઘૂંટાયલો ઘુરકાટ એની બરોબરી કરી શકે ! ગાયકને મળતી કંઈક લઢણ ખરી !

જતેઆવતે વૃદ્ધ બલવીરસિંહ મને સલામ કરતો અને બોલાવતો. આસપાસનાં બીજાં માણસો અને બાળકોમાં પણ એ પ્રિય થઈ પડ્યો હતો. થોડા દિવસમાં તો મેં જોયું કે નાનાં બાળકો સુલતાનને પંપાળવા ખાસ ભેગાં થતાં હતાં.

મને ભય પમાડતા કૂતરાએ એક દિવસ મારી ભારે સેવા બજાવી. હું રાત્રે સૂતો હતો. ગરમી લાગવાથી મારી અગાસીમાં જ હું ઘણું ખરું સૂતો અને મારી ઓરડીમાંથી અગાસીમાં આવવા જવાનું એક બારણું ખુલ્લું રાખતો હતો. આમ તો હું ઝડપથી જાગી જાઉં છું અને રાત્રે બહાર કોલાહલ થતાં જ હું જાગી ઊઠ્યો. ચોરની બૂમ શેરીમાં પડી હતી એમ મને ભાસ થયો.અગાસીમાંથી જોયું તો સુલતાને એક માણસના પગને દાંતમાં પકડ્યો હતો અને તેના અનેક પ્રયાસ છતાં તે પગને છોડતો ન હતો.

બલવીરસિંહ પાસે જ ઊભો હતો અને પેલા માણસનો પગ કૂતરાથી છોડાવવા મથતો હતો.

'સરકારમાં અરજ કરીને પણ આ કૂતરાને કાઢવો પડશે.' હું મન સાથે બોલ્યો.

'વકીલસાહેબ ! જાગો છો ? જરા નીચે પધારો ને ?' બલવીરસિંહે મને સાદ કર્યો.

'કેમ ? મારું શું કામ છે ?'

'જરા પધારો. આ માણસ ખેંચી જાય છે એ કાગળો તમારા જ હશે.'

મારા કાગળો ? હું ચમક્યો, અને ઝટ નીચે આવ્યો. રાત્રે જ વાંચીને મૂકેલા કેટલાક મહત્ત્વના કાગળો આજે અદાલતમાં રજૂ કરવાના હતા. એના ઉપર મિલકતના એક મોટા મુકદમાનો આધાર હતો. વાંચતે વાંચતે મને વિચાર પણ આવ્યો હતો કે આ કાગળો રખે ને ગેરવલ્લે પડે ! વકીલને ત્યાંથી મહત્તવના કાગળો કોઈ લઈ જાય એમ કદી હુંજી સુધી બન્યું નથી. છતાં જે ભય હતો તે જ શુ સાચો પડ્યો ?

લોકો ભેગાં થઈ ગયાં હતાં. બલવીરસિંહના હાથમાં કાગળો હતા. સુલતાને પકડેલો માણસનો એક પગ હજી સુલતાનના મુખમાં જ હતો. તે છોડાવવા માટે બહુ ફાંફાં મારતો હતો. આસપાસનાં લોકો ભેગા થઈ ગયાં ન હોત તો જરૂર એણે કૂતરાને મારી નાખ્યો હોત. પરંતુ બલવીરસિંહના હાથમાં રિવૉલ્વર હતી એટલે કૂતરાને એક લાકડી પણ કોઈ મારી શકે એમ ન હતું.

'વકીલસાહેબ ! આ કાગળો આપના જ લાગે છે.' કહી બલવીરસિંહે ઠીક કરી મૂકેલાં કાગળિયાંની થોકડી મારા હાથમાં મૂકી. મહત્ત્વના કાગળો જ માત્ર નહિ, પણ બધા કેસના કાગળો એમાં હતા. જે ભય હતો હતો તે જ બન્યું ! કાગળો ચોરાયા હોત તો શું થાત ? હુ મારા અસીલને શું જવાબ આપત? જવાબ આપવો બાજુએ રહ્યો, પરંતુ મેં એનું કેટલું નુકસાન કર્યું હોત?

'કાગળો મારા જ છે અને બહુ મહત્વના છે' મેં કહ્યું.!

'અમસ્થું શા માટે એને કોઈ ચોરવા મથે ?' બલવીરસિંહે કહ્યું

ચોરનાર માણસને મેં કદી જોયો હશે એમ લાગ્યું. અમારા ધંધામાં અનેક માણસોનો પરિચય અમને થાય છે. બલવીરસિંહે તો ભેગાં થયેલાં માણસોની મદદથી ચોરને બાંધ્યો અને કૂતરાનું બચકું છોડાવ્યું .

'તને ખબર કેમ પડી?' મેં બલવીરસિંહને પૂછ્યું.

'કાંઈ શંકા ભરેલું વાતાવરણ લાગે ત્યારે સુલતાન મને જગાડે છે. તમારી એક બારીમાંથી એક માણસને ઊતરતો જોતાં મને સુલતાને હલાવ્યો. હું ઓટલે જ સૂઈ રહુ છું એ આપ જાણો છો. કોઈને ખબર ન પડે એવો કૂદકો મારી પ્રવીણ ચોર નીચે ઊતર્યો અને મેં બૂમ મારી : “ઠેરો !” ઠેરવાને બદલે એણે દોટ મૂકી સુલતાન મારી પાસે જ હતો એની આ ચોરને ખબર નહિ હોય. મેં સુલતાનને ઈશારો કર્યો અને એનું પરિણામ આપ જૂઓ છો. ચોર કદાચ એને મારી નાખીને છૂટો થાત એમ ધારતો હશે, પણ એની એ ભૂલ છે; સુલતાન હથિયારથી કેમ બચવું એ જાણે છે.'

જે સુલતાનને રવાના કરવા માટે હું વિચાર કરતો હતા એ જ સુલતાને મારી આબરૂ બચાવી શું ? મારા અસીલનો સામાવાળો ભયંકર ખટપટી માણસ હતો. મારી પાસે મહત્વના કાગળો હતા તે એ જાણતો હતો. છતાં આમ શહેરના જાણીતા ગુંડાને પૈસા આપી કાગળો ચારવાની એ હિંમત કરી શકે એમ મારા માન્યામાં પણ આવતું નહિ. ખરી વાત ન લાગવા છતાં એ વાત ખરી જ નીવડી હતી !

મેં કાગળો લઈ લીધા. ચોરની વ્યવસ્થા પણ કરી પોલીસને સોંપ્યો. એના લોહીભરેલા પગને બલવીરસિંહે પાટો તો બાંધ્યો પરંતુ તેને પોલીસમાં સોંપવાની જરા ય આનાકાની ન કરી. આ પરિસ્થિતિએ મને મારા દાવામાં પણ સારી મદદ કરી. કાગળો સાચા અને મહત્વના હોવાની સાબિતી સામા પક્ષના ચોરી કરાવવાના પ્રયત્નથી જ મળી ગઈ. આમ સુલતાન મને આર્થિક રીતે પણ ઉપયોગી નીવડ્યો. મને તેના પ્રત્યે સદ્દભાવ ઉત્પનન થયો, પરંતુ એના ભયંકર દેખાવ અને દાંત મારા સદ્દભાવને સક્રિય સ્વરૂપ ભાગ્યે જ લેવા દેતા, બલવીરસિંહની સાથે મારો સંબંધ વધ્યો. પરંતુ તે કૂતરા વગર કોઈ પણ સ્થળે જતોઆવતો ન હોવાથી એને ઘરમાં બોલાવવાની હજી મેં હિંમત કરી ન હતી. આવતાં જતાં હું તેની સાથે વાત કરતો ત્યારે સુલતાન કદી કદી મારા પગ સાથે પોતાના દેહને ઘસતો, મારા હાથ ઉપર જીભ ઠેરવવા મથતો અને મને ચમકાવતો. મારી ચમક જોઈ બલવીરસિંહ સહજ હસતો અને કહેતો : 'સુલતાન તરત સમજી લે છે કે મારા દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે. આપને એ કદી નહિ કરડે.'

'પણ જાનવરનો શો વિશ્વાસ ?'

'અરે સાહેબ ! આપનો મુકદ્દમો બચાવ્યો તો ય આમ કહેશો ? ઘોડા અને કૂતરા સરખું વફાદાર પ્રાણી બીજું એકે ય નથી. માણસ પણ નહિ !

'એ સાચું હશે; પણ મને તો ડર લાગ્યા જ કરે છે.'

'બચ્ચું હતું ત્યારથી એને ઉછેર્યો. સારામાં સારાં નરમાદા એનાં માતાપિતા બહુ જાતવાન છે.' બલવીરસિંહે કહ્યું.

મને હસવું આવ્યું. 'કૂતરામાં તે જાત શી ? અને ઉછેર શા?' મેં કહ્યું.

'નથી મનાતું, વકીલસાહેબ? માનવીને ઉછેરનું ભાન નથી એટલે જાનવરની વાત સાચી ન લાગે. પણ વકીલસાહેબ બુનિયાદ એ જીવનનું મોટામાં મોટું સત્ય છે.' બલવીરસિંહે જવાબ આપ્યો.

'તે, એનાં માબાપ ક્યાં છે?'

'મરી ગયાં. દગાનો ભોગ બનીને.'

'દગો ? તમે પણ કૂતરામાં માનવસમાજ જેવી વ્યવસ્થા કલ્પી લો છો કે શું ?'

'માનવી અંદર ભળ્યો માટે દગો થયો. બાકી જાનવરની તો સીધી લડત. હારે અને જીવવા માગે તો લેટી પડે; હારવું ન હોય તો એને મરવું કે મારવું જ રહ્યું. એની માં અને એનો બાપ બન્ને દિગ્વિજયી હતાં... હસવાની વાત નથી. સત્ય ઘટના છે...'

મને ખરેખર હસવું આવતું. મેં કહ્યું : 'તમે પણ કોઈ રજપૂત કુમારકુમારીની વાત કરતા હો એમ બોલો છો ને ?'

'હવે કોઈ રજપૂત રહ્યો જ નથી, વકીલસાહેબ ! હું કંઈક રાજવીઓ અને રાજકુટુંબોને ઓળખું છું. કોઈ ગોરા કે કાળા પોલિટિકલ સાહેબનો કારકુન આવી રાજાનો કાન પકડી એને ગાદીએથી ઉઠાડી મૂકે તો આંગળી ઊંચી કરવાની કોઈનામાં તાકાત રહી નથી. વખત આવ્યે મારો બોલ યાદ કરજો.'

રાજ્યોનાં વિલીનીકરણ નિહાળી એના બોલ યાદ કરવા જેવો પ્રસંગ આવ્યો છે ખરો ! મેં બલવીરસિંહને તેની વાત આગળ ચલાવવા કહ્યું. તેને પણ વાત કહેવી જ હતી એમ લાગ્યું. તેણે કહ્યું : 'સુલતાનનો પિતા એકાએક મરી ગયો. એને કોઈએ ઝેર આપ્યું. મને ડર છે કે... અરે ખાતરી જ છે અમારા દરબારે એને ઝેર અપાવ્યું. સુલતાનની માતાને લઈને હું દરબાર પાસે ગયો. દરબાર જરા પીને બેઠા હતા. મારી પાસે સારામાં સારા કૂતરા હતા એ એમને ગમતું નહિ. કારણ, તેમને પણ કૂતરાંનો શોખ ખરો ! '

એમ કહી બલવીરસિંહે વાત આગળ ચલાવી—

'દિલગીર છું, બલવીરસિંહ; તમારો રાજા ગુજરી ગયો.' અમારા દરબારસાહેબે કહ્યું.

'ખમ્મા અમારા મહારાજાને !' હું જાણે સમજતો ન હોઉં એમ મેં જવાબ આપ્યો.

'હું તો તમારા કૂતરાની વાત કરું છું.'

'મહારાજ ! મને તો એમાં દગો દેખાય છે.'

'આ તમારી રાણી નરમ પડી ગઈ છે.' સુલતાનની માતાને હું રાણી તરીકે સંબોધતો.

'શું કરે બિચારી ? ઝૂરે છે.'

'મરી જવાની, નહિ ? સતી થશે.' દરબારે હસીને કહ્યું.

'બાપુ ! ભલે જીવે એ, હવે તો સાચી રાણીઓ પણ ક્યાં સતી થાય છે ?' મેં પણ માથામાં વાગે એવો જવાબ આપ્યો.

'મારા વનરાજ સાથે એ લડી શકે કે નહિં?' તેમના એક કૂતરાને વનરાજનું નામ તેમણે આપ્યું હતું.

‘મહારાજ ! એવી શી જરૂર છે? વનરાજ ઘાયલ થાય તો આપને ન ગમે. રાણીને વાગે તો મારો જીવ દુઃખી થાય. મરઘાં, તેતર, હાથી, મેઢાં, મલ્લ : એ બધાં ક્યાં નથી કે પાછી કૂતરાંની સાઠમારી ગોઠવીએ ? '

'રાજાઓની વાત તો તમે જાણો જ છો ! એમણે હઠ લીધી અને તેમના જબરદસ્ત વનરાજને રાણી ઉપર છોડી મૂક્યો. વકીલસાહેબ ! બધું કરવું, પણ એકે જાતની માદાને છંછેડવી નહિ. માદા એ માતા છે અને મા વિફરે ત્યારે એ ચંડી બની જાય છે. શું કહું તમને ? બરાબર દસ મિનિટ ખૂનખાર ઝપાઝપી થઈ. વનરાજ અને રાણી બન્ને ખૂબ ઘવાયાં અને છેલ્લા ધસારામાં તો રાણીએ વનરાજને પીંખી નાખ્યો. મરતે મરતે વનરાજે જાણે હાર કબૂલ કરી હોય એવો દેખાવ કર્યો અને અમારા દરબારે એકાએક ઊભા થઈ પાસે પડેલી બંદૂક વડે રાણીને વીંધી નાખી. આમ એક રાજાની બેવકૂફીમાં બે સરસ પ્રાણીઓ નાશ પામ્યાં. મારા હાથ સળવળી રહ્યા પરંતુ તે અમારા દરબાર સામે ઊપડે એમ ન હતું.

છતાં મારું ઊકળતું હૃદય મેં ઠાલવ્યું : 'બાપુ તરીકે આ મારું છેલ્લું સંબોધન આપને છે. માદા ઉપર હાથ ઉપાડનાર દરબારના રાજ્યમાં મારે અન્નપાણી હરામ છે !'

'લાંબી વાતને ટૂંકી કરું છું. હું તો એક સારો ઘોડેસ્વાર અને શિકારી હતો એટલે બીજી ઠકરાતમાં મને સ્થાન મળી ગયું. માબાપ વગરના સુલતાનને મેં ઉછેર્યો. એક રોગચાળામાં મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું. સુલતાન એકલો જ મારા પ્રેમ અને મારી કાળજીનો વિષય બની ગયો. વકીલસાહેબ ! એની ખાનદાનીની શી વાત કહું? તમને પણ એનો અનુભવ થયો. એક વખત સુલતાનને લઈ હું શિકારે ગયો. શિકારમાં હું નથી માંચડા બંધાવતો કે નથી બંધાવતો બકરાં કે મેઢાં. વાઘસિંહને તેમની ગુફામાંથી છંછેડી બહાર ખેંચી કાઢી હું આજે પણ તેમને મારું. આ વખતે મારી ધારણા કરતાં જુદો જ પ્રસંગ બન્યો. છંછેડતાં ગુફામાંથી એક વાઘે મુખ બહાર કાઢ્યું અને મારા ઉપર તલપ મારવા તેણે સહજ અંગ સંકોર્યું. મને તેનો ડર ન હતો પણ એટલામાં તો સુલતાન ઘૂરકી ઊઠ્યો. બીજી ઝાડીમાંથી બીજો વાઘ પણ મારા ઉપર જ તૂટી પડવા પેંતરો લેતો હતો. એક ક્ષણનો જે પ્રસંગ હતો; પણ એ ક્ષણમાં મેં બે બાજુએથી મોતને આવતું જોયું. હિંમત કરી ગોળી છોડી, જે આબાદ પેલા ગુફાવાળા વાધને વાગી; એને બચવાનો સંભવ જ ન હતો. જ્યાં બીજી પાસ નજર કરી ત્યાં તે ઝાડી પાસે જબરદસ્ત યુદ્ધ જોયું. વિકરાળ વાધને ગળે સુલતાન પોતાના દાંત ભેરવી ટીંગાયો હતો ! વાઘને પણ લાગ્યું કે એના પોતાના જ કિલ્લામાં એની સામે હુમલો કરી શકે એવું કોઈ અવનવું પ્રાણી આવ્યું છે ! વાઘના પંજાએ સુલતાનને જરૂર મોતને શરણ કરી દીધા હોત, પરંતુ હલ્લો કરવા ટેવાયેલા વાઘે પોતાની સામે હલ્લો થયેલો જોયો, અને પોતાના જ મર્મસ્થાનને દબાયેલું અનુભવ્યું, એટલે તે સહેજ ઝંખવાયો; ગૂંગળાયો, ગૂંચવાયો અને પોતાના પંજાનો પ્રહાર કરવા ગયો એટલામાં જ મેં તાકીને બીજી ગાળી છોડી, જે વાગતાં જ તે જમીન ઉપર ગબડી પડ્યો.'

'વકીલસાહેબ ! સુલતાને જો આ હિંમત ન કરી હોત તો હું વાઘનો ભક્ષ થઈ જ ગયો હતો. બે દિવસ સુધી સુલતાનનો ઘુરઘુરાટ મટ્યો નહિ. વાઘની સામે થઈ પોતાના પાલકને બચાવનાર એ શ્વાનના દેહમાં કદાચ બે દિવસ સુધી એ વાઘ સામેના યુદ્ધનો ઝણઝણાટ રહ્યો હશે. આવું તો કૈંક બન્યું છે.'

મારા દેહ સાથે માથું ઘસી રહેલા સુલતાનને મારી અનિચ્છા છતાં મેં થાબડ્યો; એ વધારે નજીક આવ્યો. મેં એને વધારે વહાલથી પાસે આવવા દીધો. માલિકનો આમ બચાવ કરનાર પ્રાણી તરફ મને પણ બહુ ભાવ ઉત્પન્ન થયો. બલવીરસિંહે કોઈ વીરકથા કહી હોય એમ મને લાગ્યું.

'શાબાશ ! તું જાતવાન છે એનો પરચો મને પણ થયો.' મેં કહ્યું.

'વકીલસાહેબ ! એની દોસ્તી કેળવો.'

'પણ એ કેમ બને?. અને મને વખત ક્યાં છે?'

'હું તો તમારી પાસે દયા માગું છું, વકીલસાહેબ !'

'એટલે? તમારા જેવા શૂરવીરને દયા માગવાની હોય?'

'સુલતાનને ખાતર માગવી પડે છે.'

'મને સમજાયું નહિ. મારી દોસ્તીથી એને શો ખાસ ફાયદો?'

'વકીલસાહેબ ! સુલતાને વાઘનું ગળું પકડ્યું તે ક્ષણથી મને હૃદયરોગ લાગુ પડ્યો છે. હું ગમે ત્યારે મરી જાઉં. પછી આ સુલતાનને કોણ સમજશે અને કોણ પાળશે?'

'શી વાત કરો છો? હજી તો દેહ મજબૂત લાગે છે. અને તમારા બીજા ઠાકોર હશે ને ?'

'ના જી; એ ઠાકોર પણ ગુજરી ગયા અને તેમના માનીતા સાથી તરીકે મારે તેમનું રાજ્ય છોડવું પડ્યું. રાજખટપટ તો આપ જાણો જ છો ને ? નહિ તો હું અહીં શા માટે આવીને વસું ?'

'ચાલો, હું પ્રયત્ન કરી જોઈશ. સુલતાન મને સોંપવાની તમારી ઈચ્છા લાગે છે.'

'સોંપું તો કોઈને જ નહિ. મારું ચાલે તો હું એના માથામાં ગાળી છોડી પછી મરું. પણ હું અચાનક મરીશ. સુલતાનને ઠેકાણે કરવાનો–સુખી કરવાને મને મરતી વખતે સમય નહિ રહે. અને ..અને... મારા વગર એ કેમ જીવશે તેની રાતદિવસ મને ચિંતા રહે છે.

'હરકત નહિ. હું એની સાથે આજથી જ દોસ્તી કરું; પછી કાંઈ? મારા ઉપર પણ એનો ભારે ઉપકાર છે.' કહી સુલતાન ઉપર જરા વધારે પ્રેમથી હાથ ફેરવી હું ઘરમાં આવ્યો. પછી તો એક અઠવાડિયા સુધી જતેઆવતે સુલતાનને બોલાવી હું હાથ ફેરવી દોસ્તી વધારવા મથતો હતો. મારી પાસે એ આવે ખરો, પરંતુ બલવીરસિંહ અને સુલતાન વચ્ચે પ્રેમ મને કોઈ બાપદીકરાના પ્રેમ કરતાં પણ વધારે જ્વલંત લાગ્યો.

એક સવારે હું મહત્ત્વનું કામ લઈ બેઠો હતો અને વાઘ સરખા સુલતાને મારા ખંડમાં પ્રવેશ કર્યો. પ્રથમ તો હું ચમક્યો; પરંતુ એની પાછળ તરત જ બલવીરસિંહ આવી પહોંચ્યા. બલવીરસિંહના મુખ ઉપર સહજ વ્યગ્રતા હતી, જો કે તેમણે હસતું મુખ રાખવા ઠીક ઠીક પ્રયત્ન કર્યો હતો.

'આવો આવો, ઠાકોર સાહેબ ! અત્યારે ક્યાંથી ?' મેં આવકાર આપી એ વૃદ્ધ પુરુષને બેસાડ્યો. થોડી વાર સુધી તેનાથી બોલાયું નહિ, અને તેણે પોતાના હૃદય તરફ આંગળી કરી ન બોલવાનું કારણ દર્શાવ્યું. ને ખરેખર બલવીરસિંહને દૂરથી ગૌરવભર્યો લાગતો ચહેરો આજ બહુ ઝાંખો પડી ગયો હતો.

'કાંઈ નહિ; જરા શાંતિથી બેસો. ચા મુકાવું.' મેં કહ્યું. અને એક માણસને ચા બનાવી લાવવા ફરમાન કર્યું. ચા સરખું બીજું અનુકૂળ આતિથ્યસાધન નવા હિંદને હજી સુધી જડ્યું નથી.

બલવીરસિંહે મારી પાસે એક પાકીટ મૂકી દીધું. કાંઈ કેસનાં કાગળિયાં હશે એમ ધારી તે મેં ખોલ્યું. એમાં નોટોનો થોકડો હતો !

'આ શું ? શા માટે?' મેં જરા આશ્ચર્ય પામી પૂછ્યું.

‘સુલતાનને માટે.' સુલતાન ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બલવીરસિંહે કહ્યું.

'એટલે ?'

'થોડી મિલકત મેં ભેગી કરી રાખી છે.આ સુલતાન માટે... મારા શરીરનો મને ભરોસો નથી. ગમે તે ક્ષણે દેહ પડે.' બલવીરસિંહે ગંભીરતાપૂર્વક ધીમેધીમે કહ્યું.

'આ તમે શી વાત કરો છો? આપણે ડૉકટરને બોલાવીએ. તમને અનુકૂળ પડે તો મારા ઘરમાં રહો. આવી ચિંતા શા માટે ?' વકીલોમાં પણ કદી કદી માણસાઈ પ્રગટે ખરી.

'મોતની તો મને ચિંતા જ નથી. એ તો ગમે ત્યારે આવે. મને ચિંતા છે આ સુલતાનની. મારા પછી એનું શું થશે?'

'એવી ચિંતાનો ઉપયોગ શો ? જાનવર છે. જીવશે ત્યાં લગી ફરશે હરશે..'

'નહિ નહિ, વકીલસાહેબ ! એની તરફ મને મારા જ બાળક સરખો પ્યાર છે. મારા ગયા પછી એ ગમે ત્યાં હરેફરે તો આ રખડેલ કૂતરાં સરખો કાં તો બની જાય, અગર તો છે એવો જાતવાન રહે તો એને કોઈ સમજે નહિ અને મારી નાખે. એ વિચાર મારાથી ખમાતો નથી.' બલવીરસિંહના મુખ ઉપર દુઃખની ઊંડી રેખાઓ દેખાઈ આવી.

'નહિ નહિ, એમ ચિંતા ન કરો. કોઈ કૂતરાના શોખીનને આપણે આપીએ.' મેં હિંમત આપી.

'સાચો શોખીન કોઈ મળતો નથી; નહિ તો મેં ક્યારનો એને સોંપ્યો હોત. મને એમ થયું કે મારા મરતાં પહેલાં સુલતાનને ખતમ કરી દઉં તો એનો ઊંચે જીવ ન રહે. વકીલસાહેબ, તમને શું કહું ? મેં સુલતાનને પૂછ્યું : 'બચ્ચા ! મારી નાખું?' સુલતાન મારા પગ પાસે લોટી પડ્યો. મેં ખરેખર બંદૂક કાઢી તેને લમણે મૂકી. એ બંદૂકને ઓળખે છે; બંદૂક શું કરે છે એ સુલતાન જાણે છે. બીજા કોઈએ બંદૂકે એને બતાવી હોત તે જરૂર એની ગરદન ઉપર સુલતાનનો પંજો પડ્યો હોત, આજ્ઞાંકિત બાળકની માફક એ પડી રહ્યો. શું સાહેબ એની આંખ... આનંદથી મરવા માટે એ તૈયાર હતો. મારી આંખમાં આંસુ ઊભરાયાં. 'બેટા, ઉછેરીને તને મારી નાખવો, એમ? નહિ બને.' થાબડીને મેં સુલતાનને બેઠો કર્યો. પછી શું મને એ વળગ્યો છે ! આપણું પોતાનું બાળક...અરે આપણી સ્ત્રી પણ આપણને આટલું વહાલ ન કરે.'

બલવીરસિંહની આંખમાં અત્યારે પણ આંસુ ઊભરાયાં. કૂતરાની વાત કરતાં એમને સમયનું ભાન જ રહેતું નહિ. સુલતાનની વાતમાં મને રસ પડે છે કે નહિ તેનો પણ તેમને ખ્યાલ રહેતો નહિ. અત્યારે તો તેમની તબિયત પણ સારી ન હતી અને ઉશ્કેરણી થાય એવું વિચારવાની કે બોલવાની પણ તેમને મના કરવાની જરૂર હતી.

'બલવીરસિંહ ! આપે તબિયતનો વિચાર કરવાનો છે. ઓછું બોલો.. સુલતાન તમને કેટલો પ્રિય છે એ હું જાણું છું.' મેં તેમને કહ્યું.

'હવે હું વધારે નહિ બોલું. આવું તો, બે વાર બનેલું. પ્રેમાવેશ ખૂન કરવા માટે કેમ તત્પર થાય એનો મને ખ્યાલ આવ્યો. વહાલું પ્રાણી દુઃખી થાય એના કરતાં એને મારી નાખવું એ પુણ્યકામ છે. પણ મારો હાથ એક વખત ઊપડ્યો નહિ. સુલતાનને હું મારે હાથે મારું? અરેરે ! પછી તો હું જાતે જ મારા માથામાં પિસ્તોલ મારું !..પણ એનું શું કરવું એ ચિંતા રાતદિવસ મને રહે છે.'

'ઠાકોરસાહેબ જાઓ, તમે કહેશો ત્યારથી હું એને મારી પાસે રાખીશ. પછી કાંઈ? મને જોકે કૂતરાનો શોખ જરાયે નથી, છતાં તમારા જેવા પ્રાણીપ્રેમીના વાત્સલ્યના સાક્ષી તરીકે હું એને મારી પાસે જ રાખીશ અને સંભાળીશ. પછી કાંઈ?' મેં કહ્યું.

મને બલવીરસિંહ ઉપર દયા આવી એટલે મેં ઊર્મિવશ થઈ વચન આપ્યું – વકીલોને ઊર્મિ સાથે જરાય સંબંધ ન હોવા છતાં !

બલવીરસિંહના મુખ ઉપર પરમ સંતોષ ફેલાયલો મેં નિહાળ્યો.

'પ્રભુ તમારું કલ્યાણ કરશે ! માબાપ વગરના બાળકને પાળવાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. હવે મોતને જ્યારે આવવું હોય ત્યારે આવે. વકીલસાહેબ ! રજા લઉં છું માફ કરજો જરૂર પડ્યે હું આપને બોલાવીશ.' બલવીરસિંહે ઊઠવાની તૈયારી કરતાં કહ્યું.

'પણ આ તમારું પાકીટ ? એમાં તો પૈસા છે ! અહીં કેમ ભૂલી જાઓ છો?' મેં કહ્યું.

'એ તો, વકીલસાહેબ ! અહીં જ મૂકવાનું છે.'

'કારણ?'

'સુલતાનનો એ વારસો છે.'

'ઠાકોરસાહેબ ! મને બે રોટલા શું નહિ મળે કે સુલતાનને હું ભૂખ્યો રાખીશ?' ત્યારે અનાજની માપબંધી ન હતી.

'નહિ નહિ, વકીલ સાહેબ ! ખોટું ન લગાડશો. પણ સુલતાનને રાખવો જરા મુશ્કેલ છે. તમારે એક જુદો માણસ કદાચ રાખવો પડે કે માલિકને તો એ કદી કનડગત કરે એવું નથી. એને કદી કદી જુદા ખોરાકની પણ જરૂર પડે...'

'એ બધું હું નહિ કરી શકું?'

'વધારે રકમ નથી. પાંચ હજાર જેટલી જૂજ....'

'પાંચ હજાર ? એક કુતરા માટે ?ઠાકોરસાહેબ ! તમારો સુલતાન તો અજબ છે જ; પણ તમે તેથી યે વધારે અજબ છો... !'

'મારાં સોગન ! એટલું સુલતાનને ખાતર...મારે ખાતર રાખો હું કે મારો સુલતાન કોઈને ભારણરૂપ ન બનીએ એટલે જ લોભ...'

‘વારુ, હું સાંજે આવતાં આવતાં વાત કરીશ. પૈસા મારે ત્યાં અનામત પડ્યા જ માનજો.'

પરંતુ સાંજ પડે કેમ? બલવીરસિંહની ઓરડીમાંથી થોડી વારે, સુલતાનનો બેત્રણ વાર ધુરધુરાટ સંભળાયો. તે ભાગ્યે જ ભસતો; પરંતુ હું કોર્ટમાં જાઉં એટલામાં તો મેં એને બેત્રણ વાર ભસતાં સાંભળ્યો. જમીને ગાડીમાં બેસવા જાઉં છું ત્યાં તો ઓટલે ઉગ્રતાપૂર્વક ફરતો સુલતાન મારી પાસે દોડી આવ્યો અને આછું ભસી મારું પાટલૂન પકડી મને ખેંચવા લાગ્યો. મને કૂતરાનો ભય જરૂર લાગ્યો, છતાં એથી પણ વધારે ભય લાગ્યો બલવીરસિંહનો. બલવીરસિંહ અને સુલતાનને એકબીજા વગર કદી જોયા ન હતા. અત્યારે સુલતાન એકલો મારા ઉપર ધસી આવી મને કેમ ખેંચતો હશે ? બલવીરસિંહ તેને મૂકી બહાર નીકળી ગયા હશે શું ?

કે...કે... બલવીરસિંહની તબિયત બગડી હશે ?

સુલતાનનો પ્રેર્યો હુ બલવીરસિંહની ઓરડીમાં ગયો. બલવીરસિંહ હસતે મુખે ખાટલામાં સૂતા હતા ! નહિ, નહિ, એ સ્થિર હાસ્યમાં મને ભયંકરતા દેખાઈ. મેં બૂમ પાડી. બૂમનો જવાબ ન હતો. એનું એ નિશ્ચલ સ્મિત ! મેં બલવીરસિંહનો હાથ પકડી ઉઠાવ્યો. હાથ નીચે પડ્યો. તેની આંખ આંગળી વડે ઉઘાડી. સ્થિર કીકીમાં હલનચલન કે દ્રષ્ટિ ન હતી. હૃદય ઉપર મૂક્યો, નાડી જોઈ. દેહને ધબક આપતો જીવ ઊડી ગયેલ લાગ્યો. શુ બલવીરસિંહે પોતાનું મૃત્યુ સામે આવતું નિહાળ્યું હતું?

સુલતાન વ્યગ્રતાભર્યો આમતેમ ફરતો હતો, ઝડપી શ્વાસ લેતો હતો, કદી કદી ભસી ઊઠતો હતો, બલવીરસિંહના દેહને સુંધતો હતો અને ખાટલામાં તેના દેહ પાસે બેસી આળેટી વળી પાછો આમતેમ ફરી સામે જોતો હતો. સુલતાનની વ્યગ્રતા નિહાળી મારા હૃદયમાં પણ કંપ ઊપજ્યો : 'સુલતાન ! હું સમજી શકું છું; તું અનાથ બની ગયો, બચ્ચા !'

સુલતાન મારી પાસે આવ્યો. મેં તેની પીઠ જરા થાબડી, પણ એના હૃદયમાં જરા ય કરાર ન હતો. એ વારંવાર બલવીરસિંહના શબ પાસે જઈ તેને હલાવતો ચાટતો, તેને અડકતો અને તે દેહને હલનચલન રહિત નિહાળી અકળાઈ મૂંઝાઈ આછી ચિચિયારી પાડી મારી પાસે આવતો.

એને ઓરડીની બહાર લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ ન થયો. મેં ગાડીવાળાને ચિઠ્ઠી આપી કચેરીમાંથી રજા મંગાવી મારા મુકદ્દમા મુલતવી રખાવ્યા. કેટલાક મિત્રો અને ગુમાસ્તાઓને બોલાવી બલવીરસિંહને સ્મશાને પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી. પ્રથમ તો સુલતાનનો દેખાવ જ સહુને ભયપ્રેરક હતો. બલવીરસિંહની પાસે મારા સિવાય તે કેાઈને જવા દેતો નહિ. તેનો ઘુરઘુરાટ શબ પાસે જનારને કંપાવી દેતો હતો, મહામુસીબતે મેં સુલતાનને મારી પાસે લીધો અને મજબૂત દોરી વડે તેને બાંધ્યો. તેમ કર્યું ન હોત તો શબને બાંધી શકાત જ નહિ – જોકે શબ ન બંધાય એ માટે સુલતાને બનતા બધા જ પ્રયત્ન કર્યા.

એકબે મજબૂત ઓળખીતાઓને સુલનાન ઉપર દેખરેખ રાખવા મૂકી અમે બલવીરસિંહને સ્મશાને લઈ ગયા. શબને ઉપાડતી વખતનું સુલતાનનું તોફાન સહુની આંખમાં આંસુ લાવે એવું હતું. બધાની પાસે સુલતાનનું કાંઈ ન ચાલવાથી તેનામાં ઊપજેલી નિરાશાએ તેના ગળામાં આછું રુદન ઉપજાવ્યું. તે રુદન સાંભળી કઠણ રાખેલા મારા હૃદયની કઠણાશ પીગળી ગઈ અને સુલતાનના દેહ ઉપર મસ્તક નાખી મેં આંસુ ટપકાવ્યાં. સુલતાન અને હું વધારે પાસે આવ્યા હોઈશુ.

સુલતાનને શબ સાથે લેવાની જરૂર ન હતી. એને તો એારડીમાં જ બાંધી રાખવો પડ્યો હતો. જ્યાં સુધી શબ ત્યાં રહ્યું ત્યાં સુધી સમજાવટ કે બળથી સુલતાન બહાર જાય એમ હતું જ નહિં એટલે એને બલવીરસિંહવાળી ઓરડીમાં જ બાંધી રાખવો પડ્યો.

પરંતુ શબને ચેહ ઉપર મૂકી જેવો અગ્નિ દાહ કર્યો તેવો છલાંગ મારતો એક કૂતરો અમારી બધાંની વચમાં આવી ચિતા ઉપર ધસી ગયો !

'હાં...હાં...હાં...મારો...હટ...શબ અભડાવ્યું!' કહી ડાઘુઓ બૂમ મારવા લાગ્યા, પરંતુ કોઈની હિંમત તેને મારવા માટે ચાલી

નહિ. શબને વળી અંઘોળ શી અને આભડછેટ શી? બળવાની શરૂઆત કરી ચૂકેલી ચિતા પાસે ઊભો રહી સુલતાન મૃત માલિકને નિહાળતો હતો. બલવીરસિંહના દેહમાં પ્રાણ નથી એમ તો તે સમજયો પણ હશે. પરંતુ એના પ્રાણવિહિન દેહને ચિતા ઉપરથી ખેંચી લેવો કે કેમ તેનો જાણે વિચાર કરતો હોય એમ સુલતાન ચારે તરફ જોઈ શબને ફરીફરી જોતો હતો. ખરેખર મજબૂત દોરી તોડી ધ્રાણેન્દ્રિયનો દોર્યો સુલતાન અમારી પાછળ આવી ચૂક્યો હતો.

'સુલતાન, બચ્ચા, હવે તને બલવીરસિંહ નહિ મળે. આવ મારી પાસે.' મેં હિંમત કરી સુલતાન પાસે જઈ તેને પંપાળ્યો, થાબડ્યો અને મારી પાસે લીધો. જબરદસ્ત સુલતાનના દેહમાંથી શક્તિ ઓસરી ગયેલી લાગી. ચિતાને સળગી ઉઠતાં કાંઈ વાર લાગે છે ? સુલતાન મારી પાસે બેસી બળતી ચિતા તરફ જોતો હતો, ઊંચે આકાશ તરફ જોતો હતો, કદી મારા મુખ સામે જોતો હતો અને વચ્ચે આછું રુદન કરી ઊઠતો હતો. કૂતરાનું દુઃખ નિહાળી મારી આંખો પણ વારંવાર ભીની બનતી. ભેગા થયેલા સહું કોઈને મેં સુલતાન અને બલવીરસિંહના પિતાપુત્ર સરખા સંબંધની વાત પણ કહી અને શબ બળી રહે ત્યાં સુધી સમય વિતાવ્યો. સહુને નવાઈ લાગી.

અમે સહુ પાછા વળ્યા. સુલતાનને પણ મેં સાથે લીધો એની આનાકાની છતાં. સહુની વચમાં મારી સાથે તે આવતો હતો. કદી મુખ નીચું ન રાખનાર સુલતાનની ગરદન નીચી નમી ગઈ હતી. એના મુખનો મરોડ પણ હળવો પડી ગયો હતો. ઘર આવતાં કૂદકો મારી સુલતાન બલવીરસિંહની ઓરડીનાં બંધ બારણાં પાસે આવી બેસી ગયો. આજે એણે ખાધું પણ નહિ.

કૂતરાના એક જાણકાર માણસને મેં બાલાવ્યો અને તેને પહેલેથી પગાર આપી સુલતાનને સંભાળવાનું કામ સોંપી કીધું. સુલતાનને અનુકૂળ પડતો ખોરાક તે લઈ આવ્યો. અજાણ્યા માણસનું એને કામ ન હતું. આજ તે કોઈ અજાણ્યા માણસને ભસતો પણ ન હતો, એટલે સરળતાપૂર્વક સુલતાન પાસે તેણે ખોરાક મૂકી દીધો, થોડી વારે આવી તેણે કહ્યું : 'વકીલસાહેબ ! સુલતાન તો ખેરાકને અડતો પણ નથી.

'હું ચમક્યો. જાતે જ હું સુલતાનની પાસે ગયો. એની પાસે જઈ બહુ માયા બતાવી અને મારા હાથમાં ખોરાક લઈ સુલતાન પાસે ધર્યો. મારી શરમ રાખવા સુલતાને આછો ખોરાક લીધો ખરો, પરંતુ એક સાચી શોકગ્રસ્ત વ્યક્તિની માફક તેના મુખમાંથી સ્વાદ ચાલ્યો ગયો હતો. પછી હું એને મારી સાથે ઘેર લાવ્યો. નિર્જીવ પ્રાણી સરખો તે મારી સાથે આવ્યો; પરંતુ એના જીવનમાં રસ દેખાયો નહિ. ઘડી ઘડી મારી પાસેથી ઊઠી તે બલવીરસિંહવાળે ઓટલે જઈને બેસતો અને રાત્રે તો ખાસ કરીને ઓટલે જ સુઈ રહેતો.

લોકો વાત કરતા કે રાત્રે એ સુલતાન શહેરમાં નીચું જોઈ જતો આવતો કદી કદી દેખાતો.

મેં તેની સાથે દોસ્તી બાંધવા બહુ મહેનત કરી. મને ફાવતું ન હતું છતાં તેને પાસે લેવાની, તેને કુદાવવાની, તેના મુખમાં હાથ નાખી ચીડવવાની, દડા ફેકી દોડાવવાની રમત રમવાનો પ્રયત્ન કર્યે જ જતો હતો, પરંતુ એનામાં જાગૃતિ આવી જ નહિ.

એની સંભાળ માટે રાખેલો માણસ વારંવાર આવી મને કહેતો : `સાહેબ ! સુલતાન બિલકુલ ખાતો નથી.`

એટલે હું ખોરાક તેની પાસે ધરતો અને એક નાના બાળકને સમજાવતો હોઉં તેમ સુલતાનને સમજાવી થોડો ખોરાક તેને આપતો. મને લાગ્યું કે થોડા દિવસમાં એ બલવીરસિંહને ભૂલી જશે અને મારી સાથે એને ફાવટ આવી જશે. એટલા ખાતર હું મારા `કેસ`ના અભ્યાસમાંથી વખત કાઢી તેની સાથે રમવા પણ મથતો હતો. મને લાગ્યું કે જો કોઈની પણ સાથે સુલતાન રમશે તો તે મારી જ સાથે.

એક દિવસ–ઘણું કરીને બલવીરસિંહના મૃત્યુ પછી દસમે દિવસે, સુલતાનનો સવારથી પત્તો લાગ્યો નહિ. આખા ગામમાં મેં તેની શોધ કરાવી. કોઈકે અંતે કહ્યું : ' સ્મશાનની બાજુએ એક મોટા કૂતરાને જતાં મેં જોયો છે.'

ગાડી કરી હું ઝડપથી ત્યાં દોડ્યો. મારું હૃદય ધડકવા લાગ્યું...શું એ નિત્ય સ્મશાનમાં તો નહિ જતો હોય ? ખરે ! સ્મશાનમાં જઈ જોયું તો બલવીરસિંહની જ્યાં ચિતા સળગાવી હતી તે સ્થળે જ બરાબર ખાડો કરી સુલતાન કુંડલાકારે સૂતો હતો !

શું એ ભૂત હતો ?

ના ના; એના પ્રિય માલિકની પાછળ એણે એ જ સ્થળે દેહત્યાગ કર્યો હતો !

શો સુલતાનનો પ્રેમ ? શી સુલતાનની વફાદારી ?

યુધિષ્ઠિરે પોતાના કૂતરાને છોડી સ્વર્ગમાં પ્રવેશ કરવાની ના પાડી હતી ! બલવીરસિંહે પણ શું તેમ, કર્યું હશે?

માનવી અને શ્વાન વચ્ચે આ પ્રાણાર્પણ જેવો સંબંધ હોઈ શકે છે. માનવી માનવી વચ્ચે એમ થાય તો ?

સુલતાનના પાંચ હજાર રૂપિયા હજુ મારી પાસે છે, એટલી જ રકમ ઉમેરી એ શ્વાનનું બાવલું-શ્વાનનો કીર્તિસ્તંભ ઊભો કરી મૂર્તિશોખીન માનવજાતને અર્પણ કરવા હું ધારું છું.

માનવી શ્વાન જેટલો પ્રેમાળ અને શ્વાન સરખો વફાદાર પણ નથી. ભલે તેના બાવલાં અને પ્રતિમાઓ રચાય !


Rate this content
Log in

Similar gujarati story from Classics