સુધાનો શું વાંક ?
સુધાનો શું વાંક ?
છૂટાં વાળ, મેલા ગંદા કપડાં, કેટલાય દિવસથી નાહી પણ નથી, માથું ખંજવાળતી, ક્યારેક હસતી, ક્યારેક રડતી, આખા ગામમાં ગાંડી બનીને સુધા ફરતી હતી. આખું ગામ તેને 'ગાંડી સુધા' કહેતું હતું.
એક વખતની નટખટ, હસમુખી, રૂપરૂપનો અંબાર, લાંબા કાળા વાળ, મોટી માંજરી આંખો, ગુલાબી ગુલાબી હોઠ, અને ભણવામાં ખૂબ જ હોશિયાર એવી સુધા ! એના માબાપની ત્રીજી સંતાન હતી, બે ભાઈની એકની એક લાડકી બહેન હતી. સુધાને માંડ હવે ૧૬મું વર્ષ પૂરું થવા આવ્યું હતું. છતાં, ગામ આખાનાં છોકરા તેની પાછળ પડ્યા હોય, તેમ એ જતી ત્યારે છેડતાં હતાં, પણ સુધા કોઈને મચક આપતી ન હતી.સુધાને હજુ પ્રેમ, પ્રણય, પ્રીતએ વિશે ઝાઝી ખબર ન હતી. તેને હજુ કોઈ સાથે પ્રેમ થયો ન હતો. હા ! તેની બહેનપણીઓ પાસેથી પ્રણયની વાતો હવે સાંભળતી અને તેના મનમાં પણ પ્રેમ પ્રણય શું હોય ? કેવી લાગણી થાય ? તે અનુભવવા ઈચ્છા ધરાવતી હતી. તેની આંખોમાં સોનેરી સપના સળવળવાં લાગ્યાં હતાં.
એક દિવસ ભર બપોરે ખેતરમાંથી એકલી જતી સુધાને ભાળીને પાંચ-છ જુવાનિયાઓએ તેને ઘેરી અને ખૂબ જ નિર્મમ રીતે, અમાનુષી અત્યાચાર ગુજારી, તેની સાથે બળાત્કાર કર્યો. સુધાને આવા કોઈ બનાવની કલ્પના ન હતી. આથી તેનું મન, મગજ આ અમાનુષી બળાત્કારને સહન ન કરી શક્યું, તે તેની માનસિક સમતુલા ગુમાવી ચૂક્યું. ક્યાં હજી તો ફૂલ ખીલવાનું, પ્રેમની પ્રણયના ખાલી વિચારો કે સપના જોતું હતું, ત્યાં તો .....આવી તો કેટલી સુધા હશે ?
હવે એમનાં પ્રેમ, પ્રણય ક્યાં ? ગુનેગારને સજા મળી તો પણ સુધાને કયાં ગુનાની સજા મળી ? તેનું માનસિક સંતુલન કયારે સારુ થશે..
આમ, સુધા અચાનક એની સાથે બનેલાં બનાવોથી એવી તો મૂઢ બની ગઈ હતી અને માનસિક સમતોલન ગુમાવી ચૂકી હતી, કે તેને પોતે સ્ત્રી છે, નારી છે તે પણ ભૂલી ગઈ હતી.
એવામાં ગામમાં એક સજ્જન પરિવાર બદલી થવાથી ત્યાં રહેવા આવ્યો. તેમણે સુધાની વાત જાણી અને સુધાનાં મા-બાપને મળી ડોક્ટર પાસે લઈ જઈ તેની સારવાર કરાવી,ઘણી બધી મહેનત અને દવાઓ બાદ હવે સુધા થોડી સારી થઈ એ સજ્જન દંપતીએ સમય જતાં એક સારો છોકરો શોધી, સુધાને પરણાવી તેના લગ્નનો બધો ખર્ચો પણ આપ્યો. સમાજ આવા ગુંડા તત્વો અને સારા સજ્જન માણસોનો જ બનેલો છે. થોડી મજા લેવા ખાતર આજના જુવાનીયાઓ આવા કાળા કામ કરતા અચકાતા નથી, અને તેમાં સુધા જેવી કેટલી છોકરીઓનાં જીવન બરબાદ થઈ જતા હોય છે. જ્યારે આવા સજ્જન માણસોનાં પુણ્ય પ્રતાપે જ આ ધરતી હજુ પણ ટકી રહી છે.
