દિલના ઘબકારા
દિલના ઘબકારા
"શું થયું છે બેન તમને?", એક કલાક પહેલા ડિલિવરી રૂમમાંથી દીકરીના વધામણાં કરીને આવેલી બીનાએ બાજુના ખાટલા પર હમણાં જ બાળક સાથે લાવવામાં આવેલી મીનાને પૂછ્યું.
"દિકરો", અતિશય થાક હોવા છતાં ગર્વિષ્ઠ માએ જવાબ આપ્યો.
બસ પછી ત્રણ દિવસ એક રૂમમાં સાથે રહ્યાં અને અતૂટ મિત્રતા બંધાઈ ગઈ. સુખદુઃખની કેટલીયે વાતો થઈ. છૂટાં પડતી વખતે એકબીજાને વચન અપાયું કે મહિનામાં એક વખત તો મળવું જ!
બંને કુટુંબો નિયમિત મળતાં, તેને કારણે બંને બાળકો, સ્નેહ-આમ્યા પણ નજીક આવી ગયાં. ખાસ મિત્રો બની ગયાં. પછી તો મીનાને ઘર લેવું હતું તો એ જ સોસાયટીમાં શોધી લીધું. મિત્રતામાં એક ઓર પીંછુ ઉમેરાયું, પડોશી બની ગયા!
બંને બાળકો સાથે રમતા-ઝગડતા ફરિયાદ લઈને આવતાં, પાછાં હાથમાં હાથ પરોવી રમવા માંડતાં. ત્યારે બંને બહેનપણીઓ હસીને કહેતી, "અમે ન હોઈએ ત્યારે પણ આમ જ સુખદુઃખમાં એકબીજાને સાથ આપજો."
એક વાર બંને બાળકોની વાત સાંભળી બહેનપણીઓ સ્તબ્ધ થઈ ગઈ! આમ્યા સ્નેહને કહી રહી હતી, "તને ભૂખ લાગી છે? આજે તને ખાવાનું નથી ભાવ્યું એવું લાગે છે."
સાચે જ તે દિવસે મીનાએ દૂધીનું શાક બનાવ્યું હતું એટલે સ્નેહ નામ પૂરતું જમીને ઊભો થઇ ગયો હતો.
પછી તો દરેક વાત આમ્યાની સાચી પડતી. પેટમાં દુ:ખે છે, સ્કૂલે જવાનો મૂડ નથી, મમ્મી ખીજવાઈ છેથી મોટા થતાં સ્નેહ માટે તને પેલી છોકરી ગમે છે? મમ્મીની આગળ ખોટું બોલ્યો!
સ્નેહ ઉત્સાહથી કહેતો પણ ખરો "મારા દિલની વાત બધી તને ખબર પડી જાય છે. જેવી રીતે કૃષ્ણને તેના મિત્ર સુદામાની ખબર પડી જતી હતી. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. મારું સ્ટેથોસ્કોપ!"
"હા, આ સ્ટેથોસ્કોપથી તું દિલની કોઈ વાત છૂપાવી નહીં શકે એ ધ્યાનમ
ાં રાખજે!" આમ્યા તેના માથાના વાળ અસ્તવ્યસ્ત કરીને ભાગી.
તે દિવસે મળ્યાં ત્યારે આમ્યા ઉદાસ હતી. સ્નેહે સીધી અને આડકતરી રીતે પૂછવાની કોશિશ કરી જોઈ પણ સફળતા ન મળી. સ્નેહ ઘરે આવ્યો ત્યારે મમ્મીએ કહ્યુ,"બીનાઆંટીના કહેવા પ્રમાણે આમ્યા માટે સરસ માગું આવ્યું છે. એ તો હમણાં ના કહે છે પણ જો તું સમજાવે તો કદાચ માની જાય."
સ્નેહે આમ્યાને ફોન કરી ઘરે જ બોલાવી. ચાનો કપ લઈને આવતાં સ્નેહને જોઈ આમ્યા બોલી,"તું ગોર ક્યારથી બન્યો? મારે ક્યારે લગ્ન કરવા એ મારી મરજી છે. જો તને કહી દઉં છું, એના વિશે હું કઈ નહીં સાંભળું."
"જો આમ્યા ઘર-વર બંને સારા છે. ખાસ તો અહીં લગ્ન કરીશ તો તું આ જ શહેરમાં રહીશ. આપણે મળતા રહેશું." સ્નેહે વધારે બોલવાની જરૂર ન રહી. આમ્યા લગ્ન માટે માની ગઈ.
આમ્યા આજે સ્નેહની આંખોની વાત પણ સમજી ગઈ.
લગ્નની તૈયારી, ખરીદી બધામાં સ્નેહ આગળ રહ્યો. કન્યાવિદાય વેળા બધાને રડતા જોઈ હસી પડ્યો. આમ્યાને રડતી જોઈ દૂરથી તેને ચીઢવતો હતો.
આમ્યા ગાડીમાં બેઠીને સ્નેહના હૃદયના ઘબકારા એકદમ વધી ગયા. આમ્યાએ એ નોંધ્યું પણ તે છેડાછેડી સાથે બંધાયેલી હતી. તે ઊભી થવા ગઈ તે જોયું એટલે સ્નેહ તરત ગાડી પાસે પહોંચી ગયો.
"હેય મારા સ્ટેથોસ્કોપ, તું મને બહુ યાદ આવશે. અઠવાડિયે એક વખત તો મારે ચેકઅપ કરાવવા આવવું પડશે તારી પાસે." કહેતા આમ્યાના માથે હાથ મૂક્યો.
સ્ટેથોસ્કોપે દિલની વાત સાંભળી લીધી ! ધરબાયેલી વેદના ઉછળી આવી, પીગળીને પાનેતરની ભીંજવતી રહી. નવાઈની વાત એ છે કે આજે દિલને પણ સ્ટેથોસ્કોપના ધબકારા પડઘો બની સંભળાતા હતાં. અવાજ અને પડઘો એકી સાથે સાંભળી શકાયા હોત તો ?