Varsha Vora

Tragedy Inspirational Thriller

5.0  

Varsha Vora

Tragedy Inspirational Thriller

સ્ત્રીત્વ

સ્ત્રીત્વ

10 mins
663


નિલેશ અને સુશીલા--બેઉ સામાન્ય ખાતાપિતા ઘરના સંતાન.

નિલેશ --બે ભાઈઓમાં મોટા છોકરો ને એટલે ખાસો લાડ લડાવેલો. માબાપનું ઓછું, પણ દાદા--દાદીએ ચઢાવેલો, કહોંને કે છેક જ ફટવેલો. અને થોડા પાછા ગુણ અને નખરાયે ખરા. પરાણે વહાલો લાગે એવો એટલે પૂછવું જ શું?


પોળ માં ઉછેર અને ભાઈ બધી વાતે પુરા. રમતગમત, તોફાનમસ્તી, ગાળાગાળી અને મારામારી ક્યાંય ભૈ પાછા ના પડે. માં આખો દિવસ સંયુક્ત કુટુંબ ના જોતરામાં જોડાયેલી હોય અને બાપાને મિલની નોકરી એટલે એ જમાનામાં સંતાનોના ભણતર કહો કે ગણતર એ બધું કાં દાદાદાદી કાં બહારના અનુભવોથી થતું. એ જમાનો આજની આધુનિકતાથી અભડાયો નહતો. જીવનનું ઘડતર સારું થતું પણ એક વાત ચુકી જવાતી અને એ છે સંસ્કાર. બીજાને અપાતું સન્માન અને એકબીજા માટે લાગણીની આપલે. કોઇ સામું થાય તો તરત સામા થઈ જઈએ પણ કોઈની માન મર્યાદા રાખવાનું તો શીખ્યા જ ન હતા.


નિલેશભાઈ ગ્રેજ્યુએટ થહ્યાં પછી આગળ શું? રમતમાં ને રમતમાં સહુ કહેતાં કે આતો ભલભલાને ભણાવે એવો છે તો એને માસ્તર જ બનાવીએ. માટે આગળનું ભણતર શિક્ષકની લાઈન લઈને કર્યું. એને ડિગ્રી લીધા પછી એક સરકારી શાળામાં નોકરીયે મળી ગઈ. આપણે એ જમાનાની વાત કરીએ છીએ જયારે છોકરો કે છોકરી ભણી લે અને છોકરો નોકરીએ લાગે એટલે ઘરના બધા એને પરણાવવા તૈયાર એને ભાઈએ ઘોડે ચઢવા તૈયાર.


પછી શું? શોધ ચાલી. કોની? છોકરીની જ સ્તો.


સારી છોકરી એટલે કેવી? સુંદર, સુશીલ, સ્વચ્છ, સંસ્કારી, ભણેલી, ગણેલી, રાંધતા આવડે, ભરત ગૂંથણ આવડે, બહારના ચીંધેલા કામ કરે, મહેમાનોને સાચવી લે, ઘરના વડીલોની આમન્યા રાખે, ઘરડાંની સેવા ને દિયર- નણંદની માવજ્ત કરી શકે એવી. બસ એટલા ગુણ હોય તો ભયો ભયો. વધારાની આવડત વેલકમ.

એ ને અચરજ એ વાતનું છે કે એ જમાનામાં એંશી ટકા માં બાપ પણ પોતાની છોકરીઓનો ઉછેર એવી જ રીતે કરતા.

વીસેક ટકા છોકરીઓ બંડ પોકારે એવી ખરી, પણ લગ્ન પાછી બંડ પોકારનાર છોકરીઓના હાડકા ખોખરા કરવાનો વણલખ્યો રિવાજ ઘરે ઘરે પ્રચલિત. કોઇ એ ના સમજે, જે સ્ત્રી પર તમે હાથ ઉપાડો છો કે ગડદાપાટુ કરો છો ત્યારે એના શરીર સાથે એના મન પર પણ ઉઝરડા પડતા હોય છે. અને એના મનની સાથે એનો આત્મા પણ ચિત્કાર કરતો હોય છે. નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પણ ધીમે ધીમે સંજોગોને ટેવાતી જાય છે. એ એના પોતાના અસ્તિત્વને, સન્માનને, પોતાના 'સ્ત્રીત્વ' ને પણ એમાં ઓગાળી નાખે છે.

પણ...


ઊંડે ઊંડે ક્યાંક એક ઉહ્ન્કારો તો ધીમી જ્યોતે જલતો જ રહે છે જેની એને પોતાને પણ જાણ નથી.


હા, તો આપણા નિલેષભાઈને માટે પણ કહેવાતી 'સારી' છોકરીની તપાસ ચાલુ થઈ અને કહોને કે એવી છોકરી મળી પણ ગઈ. એ જમાનામાં શિક્ષક જમાઈ, કાયમી નોકરી અને ખાધેપીધે સુખી ઘર, આનાથી વધુ એક દીકરીના બાપ ને જોઈએ શું? પોતાના ભાવિ જમાઈમાં? અને દીકરીને તો પૂછવાનું હોય જ નહિ ,પોતે ગામમાં રહે અને દીકરી શહેરમાં જશે એ વાતે માં પણ ફૂલી ના સમાઈ. સુશીલા એનું નામ -- ગુણિયલ ખરી પણ થોડી અડિયલ પણ ખરી.પણ વાળે વળી જશે એવી માન્યતાએ માઁ એ કહ્યું કરો કંકુના. રંગ ગોરો એટલે દેખાવડી તો કહેવાય જ અને બારમું પાસ એટલે ભણેલી ય ખરી. પછી તો આપણે ઘેર આવે એટલે પછી ક્યાં નથી ઘડાતી. એમ વડીલોમાં ચર્ચા થઈ. પણ અહીજ ચાલાકી છે. અહીં ઘડવાનો મતલબ આગળ ભણવું એમ નહિ, સમજ્યા? આતો પોતાના ઘર ના રીતરિવાજ પ્રમાણે વેતરવાની વાત.


પણ,નિલેશભાઈએ સુશીલા ને પાસ કરી દીધી -- દસ પંદર વડીલોની હાજરીમાં -- ગોળધાણા ખવાયા, રૂપિયાની અદ્દલબદલી થઈ ગઈ. હા એ અલગ ચર્ચાનો વિષય છે કે કોનો રૂપિયો બાર આની અને કોનો રૂપિયો સોળ આની ? પણ એકવાર સંબંધ બંધાયો એટલે એમાં ઊંડા ન ઉતરાય.


છ મહિના પછી લગ્ન લેવાયા અને ઉજળિયાત જ્ઞાતી એટલે દહેજ જેવી કોઈ ખાસ અઘટિત માગણી નહિ પણ જે આવે એ ખપે અને હૈયે હરખ ન માય. કરિયાવર સારો આવે તો સમાજમાં વાહ વાહ થઈ જાય એવી એક ભાવના ખરી.અને ઓછો આવે તો આપણામાં મહેણાં -ટોણાં મારવાનો તો સાસરિયાઓને જન્મસિદ્ધ અધિકાર છે. અને એ વખતે-- એમનો સંપ પણ ગજબ હોય છે. સંયુક્ત કુટુંબ માં દેરાણી- જેઠાણી ને સવાર સવારમાં અડી ગઈ હોય પણ........... જો નવી વહુને લેવાની હોય તો શું સાસુને શું કાકીસાસુ ? બંને જણીઓ જાણે સાત જન્મની સખિઓ હોય ને એમ ચાલુ થઈ જાય. શરૂઆત - તારા બાપા એ આ ન દીધું ને તારી માઁ એ શું સીખ્વાડ્યું? થી થાય.અને કસમથી પેલો કહેવાતો શિક્ષક, કે જેની આંગળી પકડીને સુશીલા એના ઘરમાં સૌને પોતાના કરવા આવી છે એ મૂંગોમૂંગો બેઠો હોય. ખબરદાર જો વચ્ચે બોલ્યો છે તો, તને ઘરની વાતમા સમજ ના પડે. માં અને કાકી ઉવાચઃ અને સુશીલાની લાગણીઓનું ચીરહરણ ચાલુ થઈ જાય.


પણ એના મન પર પડેલા ઉઝરડાઓને રાતે માસ્તરસાહેબ પ્રેમનો મલમ ચોપડી દે. સુશીલાનું હૃદય ચિત્કાર કરી ઉઠે .એના ભોળા મનમાં ઘણા સવાલ ઉઠે --કે મારી ક્યાં ભૂલ થાય છે? મારામાં ખામી શું છે? આ સવાલો ના જવાબો મળવા અઘરા છે. કારણકે સવાલ તો એક શિક્ષક પૂછે અને એય પાછો પતિ. એને ખાતરી હતી કે જવાબ મળશે નહિ. છતાંયે એને એક મન તો છે ને ?એક હૃદય તો છે ને? એનું પોતાનું એક જીવતું જાગતું અસ્તિત્વ તો છે ને? હા, એક જ આશા હોય, વર્ષે દહાડે જો એના ખોળામાં એક બાળક રમે અને એ પણ પુત્ર હોય -- હા પુત્ર જ, કેમ કે પુત્ર વંશ આગળ વધારે, કેવો વંશ એ નહિ પૂછવાનું. તો એની યાતના ઓછી થાય. અને ભલે સાસરિયાઓ એ જ ઘરેડમાં રમે પણ ઈશ્વર તો છે ને? એણે જેને આ ધરતી પર મોકલ્યા હોય એની એને ચિંતા હોય જ. કબુલ કે એ પણ કર્મના સિદ્ધાંતે બંધાયેલા છે. પણ ભક્તિનો સાદ તો દે જ છે . કરમ નું કરવું ને સુશીલા ને સારા દિવસ ના એંધાણ રહ્યા. પછી સુવાવડ કોણ કરશે એ પ્રશ્ન જટિલ પણ તોયે આનંદ તો ખરો જ .લગ્નના પહલા વર્ષે જ પ્રથમ ખોળે ગોળમટોળ લાડવા જેવું મોં અને ગોરો ગોરો કાનુડો જન્મ્યો એટલે સુશીલાના જીવનમાંથી એક કાળી વાદળીએ વિદાય લીધી. અને આ બાળકના ઉછેરમાં અને માં બનવાના અનહદ આનંદમાં એ ઘણું દુઃખ વિસરી ગઈ.

બે વર્ષ પછી ફરીથી સુવાવડ આવી અને પાછો એક પુત્ર જન્મ્યો .-- બસ હવે સુશીલાના જીવનમાં શાંતિનો સૂરજ ઉગ્યો. સાસરિયાઓ અને વડીલોમાં હવે સુશીલાના અસ્તિત્વનો સ્વીકાર થવા મંડ્યો. કહોને કે હવે એનું વજન પડવા માંડ્યું. દિવસો વીતતા ગયા અને જીવનની ઘરેડ ચાલુ થઈ. છોકરાઓને ઉછેરવામાં અને ઘર ચલાવવામાં એમ કહો ને કે રસોડાંમાં જ સુશીલા ગૂંથાઈ ગઈ.


આ બાજુ નિલેશભાઈ પણ પોતાની શાળામાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા ગયા. હવે જમાનો બદલાયો હતો. માં બાપ છોકરીઓને ભણાવતા હતા. અને શિક્ષણ ક્ષેત્ર છોકરીઓ માટે સૌથી સુરક્ષિત હતું. નિલેશભાઈની શાળામાં પણ નવી નવી શિક્ષિકાઓનું આગમન થયું. બપોરે જયારે સ્ટાફરૂમમાં બધા ભેગા થાય અને રાજકારણથી માંડીને સામાન્ય બાબતોની ચર્ચામાં શિક્ષિકાઓ પણ બરાબરનો અભિપ્રાય આપે. એમને તટસ્થ દલીલ કરતા સાંભળીને નિલેશભાઈ ને અચરજ થાય. અને પછી પેલી ના ચાહતા છતાં પોતાની પત્ની સુશીલા જોડે એમની સરખામણી થઈ જાય. શું આ ભણેલા ગણેલા બૈરાં અને ક્યાં મારા ઘરે અભણ બૈરું? મારા માબાપે મને ડોબું જ પધરાવ્યું અને હું યે મુરખો કે મને સમજ ના પડી.


અને તમે સમજી ગયા હશો કે સુશીલાના જીવનનો બીજો નકારાત્મક તબ્બકો ચાલુ થઈ ગયો. ધીમે પગલે એના લગ્ન જીવનમાં અસંતોષ આવી રહ્યો હતો અને એનાથી એ છેક જ અજાણ હતી. પણ એ એક સ્ત્રી છે. ચોપડીઓ નથી ભણી તોશું? એને જીવનના દરેક સારા ખોટા અનુભવોએ ઘડી છે. ટીપી છે. એને પણ થોડો સંશય થયો પણ એનું મૂળ જાણવાની એનામાં તાકાત નહોતી કે એને કઈ દરકાર પણ ન હતી. એ એના બાળકોના ભણતર અને ગણતરમાં મશગુલ હતી. કોઈ ખોટા આડંબર કે સ્વપ્નમાં એ રાચવા ન’તી ઇચ્છતી.  એ એના માતા હોવાની પુરેપૂરી ફરજ બજાવી રહી હતી.


પણ અહીં નિલેષભાઈના મનમાં અસંતોષનો ચરુ ઉકળતો રહેતો જે ક્યારેક સુશીલા પર હાથ ઉગામવા સુધી પોંહચી જતો. શરૂઆતમાં એમને એમની પત્ની જેને એ હવે નિરક્ષર સમજવા મંડ્યા હતા એને બદલવાની ઘણી કોશિશ કરી પણ સંજોગોએ સુશીલામાં કોઈ બદલાવ લાવવા માટે ઉમંગ રાખ્યો ન હતો. એ પરિસ્થિતિને આધીન થઈ ગઈ હતી. અને આધેડ વયે એનામાં એક પ્રેયસી શોધતા એના પતિ ખુદ એને માટે એક કૌતુક બની ગયા હતા. હા એ પોતાને બદલાવવાનો પ્રયત્ન કરતી પણ એ પોતાની ખુશી માટે. નહી કે, એના મદારી પતિના ડુગડુગિયા સામે નૃત્ય કરવા............ અને સાહેબ તો એમનો કોઈ વિદ્યાર્થી એમની વાત ન માને તો સજા કરે પણ અહીં તો એમની પત્ની હતી, એમના બે છોકરાઓની માઁ હતી એટલે એમણે હથિયાર હેઠા મૂકી દીધા. હવે સંજોગોને સ્વીકારવાનો એમનો વારો હતો પણ આખરે એ પુરુષ તો ખરાને, એટલે ગમે ત્યારે ધાર્યું તો  કરવાના જ.


થોડા વર્ષો વીત્યા ને સુશીલાના છોકરાઓ ભણીગણી ને તૈયાર થઈ ગયા. મોટો સર્વિસે લાગ્યો એટલે હવે એના માટે છોકરી શોધવાની આવી. માસ્ટરસાહેબને તો ભણેલી જ વહુ જોઈએ એટલે ભણેલી છોકરી પાસ કરી લીધી. ગણેલી - સંસ્કારી - વગેરે વગેરે જે બધા ગુણો એમના વખતે જોયા હતા એ બધાની અહીં બાદબાકી થઇ ગઈ. છોકરી ભણેલી છે, ચાર જણ જોડે વાતોચીતો કરતા આવડે, પહેરવા ઓઢવામાં સારી હોય તો છોકરાની જિંદગી સુધરી જાય. (કેમ, તમારી બગડી ગઈ માસ્ટર સાહેબ?) પણ સુશીલા અનિમેષ નજરે એના પતિની વાતો સાંભળતી ગઈ અને એના સુષુપ્ત મનમાં ઘણી વેદનાઓ ઉભી થઈ. પણ એણે મનમાં ગાંઠ વાળી હતી કે જે એની સાથે થયું એ, એ કોઈની સાથે નહિ થવા દે. અને આમેય હવે સુખ અને દુઃખ બંનેને સરખી રીતે આવકાર આપતા એને આવડી ગયું હતું. એક આખી પેઢી બદલાઈ રહી હતી એટલે સમયની સાથે ચાલવામાં જ શાણપણ હતું એ સુશીલા સમજી ગઈ હતી. ક્યારેક ક્યારેક બંડ પોકારતા એના મનને એ ભક્તિની શક્તિથી શાંત કરી દેતી.


નિમેષભાઈ રીટાયર થયા અને પુત્રના લગ્ન થયા. ઘરમાં ભણેલી વહુ આવી. એકવીસમી સદીની છોકરી, ભણતા ભણતા ક્યારેય રસોડું જોયું નહિ ને હવે ?રસોઈ શીખવાની કોઈ ઝાઝી ધગશ નહિ પણ માની શીખામણ અને સાસુની બે આંખોની શરમ એટલે થોડુંથોડું શીખવાનું ચાલુ કર્યું. સર્વિસ કરતી, કમાતી વહુ ઘરમાં આવાવથી સસરાજી તો બહુ ખુશ રહેતા અને વહુએ પપ્પા- પપ્પા કરતી એટલે એ યે ખુશ. આમેય બે દીકરા હતા એટલે વહુ તો દીકરીજ ગણાય. સરળ સંસાર ચાલતો હતો ને વહુને સારા દિવસના એંધાણ રહ્યાને ઘરમાં બધે આનંદ આનંદ છવાઇ ગયો. પુરે દિવસે વહુએ પુત્રને જન્મ દીધો. કુટુંબની, પ્રથમ વારસ છોકરો હોવાની પ્રથા પણ સચવાઈ ગઈ. સસરાજી દાદાજી થયા ને એમને તો મુડીનું વ્યાજ મળ્યું. પોતાના બાળકોના ઉછેર વખતે એમને સમય ન મળતો એટલે પૌત્રના ઉછેરમાં સક્રિય ભાગ લેવા મંડ્યા.


પણ આ બધા આનંદમાં એક આખો સંબંધ ભુલાઈ ગયો ----- કહોને કે છેક જ વિસરાઈ ગયો કે, જેમ તમેં રિટાયર થયા એમ તમારી પત્નીને પણ રિટાયર થવું છે. એને પણ આ આનંદમા સરખો ભાગ જોઈએ છે. અને એનો એ અધિકાર પણ છે, તમારા કરતા પણ વધારે. પણ આ શિક્ષક તો શિક્ષા કરે એવા નીકળ્યા. જાણતાં નહીં તો અજાણતાં.


સુશીલા, એક દિવસ નિલેશભાઈએ સુશીલા ને નામ દઈને બોલાવી. અને સુશીલાનું હૈયું ધબક્યું. કેટલા વર્ષો પછી મેં એમના મોઢેથી મારુ નામ સાંભળ્યું.


શું છે? એણે સામો સવાલ પૂછ્યો?


જો સુશીલા ,તને કહી દઉં, આજથી વહુને રસોડામાંથી મુક્તિ. એણે આપણા વારસનું જ ધ્યાન રાખવાનું. હા, બીજી બધી જવાબદારી તારી. મને તારા પાર વિશ્વાસ છે. તેં મારા બંને છોકરાઓને સરસ ઉછેર્યા છે. એટલે તું આ તારી નવી ફરજ પણ સારી રીતે પુરી કરીશ. હા, બહારના કામની ચિંતા ન કરીશ. એ બધું કામ હું કરીશ અને તને મદદ પણ થશે. સમજીને........ એક લુચ્ચા હાસ્ય સાથે સાહેબે સુશીલાનું ટાઈમ -ટેબલ બનાવી દીધું. અને સુશીલાએ પણ એક ફીકકા હાસ્ય સાથે એ સ્વીકારી લીધું. અને પાછળ ઉભેલી વહુ મરકમરક હાસ્ય સાથે પોતાના વિજયની ઉજવણી કરી રહી હતી. સુશીલાના બંને પુત્રો એના પપ્પાના આ નવી નવાઇનાં ફરમાનને સમજવાની કોશિશ કરી રહ્યા હતા.


સુશીલા રસોડામાં ગઈ. એ ખુબ જ અવાચક થઈ ગઈ હતી. હે પ્રભુ, આ શું કર્યું? હું તો જાણે સંસારની વમળમા એવી અટવાઈ ગઈ કે મારુ તો કોઈ અસ્તિત્વ જ ના રહ્યું . અને.........અને, એના મનમાં ઊંડે ધરબાયેલો જખમ બંડ પોકારવા મંડ્યો. રોજ સાંજે મંદિરે પ્રવચન સાંભળવા જતી ત્યારે બાપજીએ કહેલું એક વાક્ય એને યાદ આવ્યું. બહેનો, માતાઓ તમારા માન, અપમાન, સ્વમાન, સન્માનની જવાબદારી માત્ર અને માત્ર તમારી જ છે. એને થયું કે મેં મારા સાસુની પણ માની જેમ જાળવણી કરી, એમણે તો મારી કદર ન કરી કેમ કે એ અભણ હતા. અને હવે વહુની માવજત કરવાની? એ પણ મારા અસ્તિત્વ ને ઓગાળીને? અપમાન સાથે? મારે મારી જાતને આટલી તુચ્છ ના બનવા દેવી જોઈએ. અડોશપાડોશની ભણેલી ગણેલી બહેનો સાથે એ ઘણી વાર નજીક આવેલા વૃદ્ધાશ્રમમા સેવા આપવા જતી. અને ઓટલે બેસીને ય ઘણી વાર વાતો થતી. એવામાં એક બહેને સમાચાર આપ્યા કે વૃદ્ધાશ્રમમાં એક રસોઈવાળા બહેનની જરૂરત છે. રહેવા ખાવાનું મફત અને પંદર હજાર પગાર મહિને, સાથે બે રજા પણ ખરી. સુશીલાની આંખો ચમકી.


પોતાના તો પારકાં થઈ ચુક્યા છે. હવે પારકાને પોતાના કરવાની ઘડી આવી છે. મારુ સ્વમાન પણ જળવાશે અને સન્માન પણ મળશે. અને ફરજ તો એની એ જ છે. પણ હું એ સ્વેચ્છાએ સ્વીકારીશ.મારે માથે થોપેલી નહિ. એણે એના બંને પુત્રોને બોલાવ્યા, ખુબ વાર સુધી રોઈ પાછી શાંતિથી પોતાનો નિર્ણય જણાવ્યો. અને એના આશ્ચર્ય વચ્ચે એના બંન્ને પુત્રો એ ખુશીથી સંમતિ આપી. બાળપણથી પોતાની માઁનું અપમાન જોઈને અને પિતાથી ડરતા પુત્રોએ માતાને ખુબ સાથ આપ્યો. કહ્યું, માઁ તું જ. તારી નવી જિંદગીની શરૂઆત કર. અમે તને મળવા આવતા રહીશું. અને તને જયારે રજા હોયને, ત્યારે તારે જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશું.


બીજે દિવસે સુશીલા વૃદ્ધાશ્રમમા જઈને પોતાની નોકરી પાકી કરી આવી.અને પછી બેગ ભરવા માંડી. એણે માત્ર પોતાની જરૂરિયાતનોજ સામાન લીધો. કારણકે હવે પછી એણે કોઈની પાસે હાથ લંબાવવાનો ન હતો.પાછો પોતાના પુત્રોનો સાથ તો ખરોજ.


બહાર આંટો મારીને મોમાં માવો ભરીને આવેલા પતિ નિલેશભાઈએ ઇશારાથી પૂછ્યું? કઈ બાજુ? સુશીલા હસી, ગર્વભેર, રુઆબભેર, પહેલીવાર .............. પહેલીવાર શિક્ષકસાહેબ પત્નીના આ વર્તનથી હેબતાઈ ગયા. માવો થૂંકીને તરત જ પાછા આવ્યા. સુશીલા, સુશીલા તું ક્યાં જાય છે? મને કે તો ખરી? સુશીલાએ મર્માળુ હસીને જવાબ આપ્યો, હું તમને માસ્તર સમજીને પરણી હતી જે માંના સ્તરના હોય. પણ તમે તો શિક્ષક જ નીકળ્યાં. મને કયા ગુનાની સજા કરો છો એ જ સમજાતું નથી. મને નોકરી મળી ગઈ છે. રહેવા, જમવા સાથે. વધુ વિગતો તમારા પુત્રો પાસેથી લઈ લેજો.


એક પુરુષ રીટાયર થાય છે સાહેબ, એક સ્ત્રી નહિ. સાહેબ કદીક તો મારા ‘સ્ત્રીત્વ’નું માન - સન્માન જાળવો.

એક ચિત્કાર અને એક આહ સાથે એ બેગ લઈને નીકળી પડી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy