nayana Shah

Tragedy Inspirational Children

4  

nayana Shah

Tragedy Inspirational Children

સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે

સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે

7 mins
624


હિરાલાલ શેઠની ચારે બાજુ બોલબાલા હતી. ચોતરફ ફેલાયેલો ધંધો, આજ્ઞાંકિત નોકર-ચાકર વર્ગ, બહોળો વેપાર, ધીકતી કમાણી, સ્વરૂપવાન પત્ની. અરે અપ્સરાને પણ શરમાવે એવી પત્ની, નામ પણ તિલાેત્તમા. એકનો એક પુત્ર જે હંમેશા પ્રથમ નંબર જાળવી રાખતો હતો. સ્વરૂપવાન, વિવેકી આદર્શ પુત્રની ગણતરીમાં પ્રથમ એનું નામ જ મૂકવાનું મન થાય.

ધંધાના કારણે પેઢીમાં તો અવરજવર રહેતી, પણ ઘરમાંય એટલી જ અવરજવર રહેતી. રસોઈયો રસોડામાં સતત ગરમ નાસ્તા બનાવી મહેમાનોની આગતા-સ્વાગતા કરતો. બદલામાં મહેમાનો પણ હીરાલાલ શેઠની પ્રશંસા કરતા થાકતાં નહીં.

ક્યારેક દાન લેવા આવનાર વ્યક્તિઓ આવતી ત્યારે હીરાલાલ શેઠ ખાસ ધ્યાન રાખતા કે ઓછામાં ઓછી કેટલીક રકમ આપવાથી એમના નામની તકતી મૂકાશે, કઈ જગ્યાએ એમના ફોટા છપાશે. પરિણામ સ્વરૂપ શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતીની વાડી, મંદિરોમાં લખાયેલી તકતી વગેરેમાં એમના ફોટા અને નામ જોવા મળતા.

હિરાલાલ શેઠની પત્ની તિલોત્તમા ઘરમાં બેસીને કંટાળી જતી. ઘણીવાર કહેતી, આપણે એકનો એક પુત્ર છે એને હોસ્ટેલમાં શા માટે રાખો ? આપણું ઘર આટલું મોટું છે. અહીં મારો પુત્ર મારી સાથે રહે તો મને પણ ગમે. હું મારા છોકરાનું ધ્યાન રાખી શકું. એનું બાળપણ તો હું માણી શકી નથી. હવે એને જુવાન થતો જોવો છે. એના સુખ-દુ:ખના સાક્ષી બનવું છે. 

" જો તિલાેત્તામા, આ બધાં વેવલાવેડા બંધ કર. સમજમાં આપણો મોભો હોય છે. દેહરાદૂન સ્કૂલમાં ભણે છે એ જ મોટી વાત છે. એટલું કહીએ એમાં જ આપણો માેભો કયો છે એ સામેની વ્યક્તિ ને સમજાઈ જાય. "

તિલાેત્તમા ઘરમાં કંટાળી જતી. પણ અમુક પાર્ટીઓમાં એ પતિ સાથે જતી ત્યારે જોનાર એનાં વખાણ કરતાં થાકતા નહીં. એની સુંદરતાને લોકો મનમૂકીને માણતા હતા. એની સામે જોનાર અપલક નેત્રે એની સામે જોયા કરતાં. ખરેખર સ્વર્ગની અપ્સરાનું નામ હતું એવું જ એને અનુરૂપ રુપ પણ હતું. 

હીરાલાલ શેઠનો પુત્ર શૌનક વેકેશન પડે એટલે કહેતો, " પપ્પા, હું ઘેર આવું છું. " પણ હીરાલાલનાે જવાબ હોય કે જિંદગીમાં ઘણું બધું શીખવાનું છે. તું ઘેર આવીને શું કરીશ ? ત્યાં જ તું સમર કેમ્પ જોઈન કરી લે. વેકેશનમાં ઘણું બધું કરવાનું હોય છે. ઘરે આવીને ભાઈબંધો સાથે સેરસપાટા કરવાના, પિકચરાે જાેવાના. એના કરતાં કરાટે, સ્વિમિંગ જેવી રમતો શીખ, એનો અભ્યાસ કર. " શૌનકને કહેવાનું મન થતું, પપ્પા , હું બધું શીખીશ કદાચ બધી રમતોમાં હું ગોલ્ડ મેડલ પણ મેળવીશ પણ મને મારા મા-બાપનો પ્રેમ નહીં મળે એનું શું ? હીરાલાલ શેઠ એમના મેનેજર જોડે વાત કરી લેતા કે પૈસા મોકલી દેજો. "શૂટિંગ, ગાેલ્ફ, વેઈટ લિફટીંગ, દરેકનું જ્ઞાન હોવું જ જોઈએ અને આ બધી પાયાની વસ્તુ છે. વેપારમાં પડ્યા પછી તું આ બધું કરી શકવાનો નથી. "

તિલોત્તમા ઘરમાં કંટાળી જતી હતી. તેથી એના પતિએ કહ્યું, "તું એવું કર ક્લબમાં મેમ્બર થઈ જા. કિટી પાર્ટીમાં જા. બધી હરીફાઈઓ થાય છે ત્યાં તું જજ તરીકે જા. મારા કારણે સમાજમાં તારું માન છે જ. બાકી મારી પાસે એટલો સમય નથી."

ત્યારબાદ તો પોતાની ઓળખાણાે કામે લગાડીને ક્લબોમાં હરિફાઈઓમાં તિલોત્તામા જજ તરીકે જવા લાગી. સંગીતમાં સા..રે..ગમ..ની પણ સમજણ નહીં ધરાવતી તિલોત્તમા સંગીત હરીફાઈમા જજ તરીકે જવા લાગી. નાટકોમાં પણ એવોર્ડ આપવા જવા લાગી. તિલોત્તમા પાસે રૂપ તો હતું જ એમાંય પૈસો અઢળક હતો. ક્યાં વાપરવો એ પણ વિચારવું પડે એવું હતું. નવા નવા દાગીના અને સાડીઓથી લદાયેલી રહેતી. લોકો એના સૌંદર્યની પ્રશંસા કરતા થાકતા નહીં. હવે તો તિલાેત્તામાને પણ જાહેર જીવન ગમવા માંડ્યું હતું. હવે પતિ તેના માટે પૂરતો સમય નથી આપતો, પણ એનાથી દૂર રહે છે એવી ફરિયાદો એના માેંએથી આવતી નહોતી. હવે તો એ પણ ઈચ્છતી હતી કે પતિ એનાથી દૂર હોય કે પુત્ર દૂર હોય તો છૂટથી ક્લબોમાં ફરી શકાય. પૈસાથી ખૂબ ખરીદી કરી શકાય. 

દિવસો વીતતા હતા. પતિ એની દુનિયામાં ખુશ હતો. તિલોત્તમા જાહેરમાં ભાડુતી માણસોએ લખેલા ભાષાણાે કરતી. એનું સમાજમાં અને જાહેર જીવનમાં નામ થતું જતું હતું. 

 આ બધામાં શૌનક ધીરે ધીરે ભૂલાતો જતો હતો. શૌનકને પૈસાની જરૂર હાેય તો મેનેજરને ફાેન કરી મંગાવી લેતો હતો. કદાચ શૌનક જેટલા પૈસા મંગાવતો એનાથી પણ વધારે પૈસા મેનેજર મોકલી આપતો. કારણ આવું કરવા માટે હીરાલાલ શેઠે સૂચન કરેલું હતું. હવે તિલોત્તમાને નવી જિંદગી ગમવા માંડી હતી. એની આસપાસ હજુરીયાઓની સંખ્યા વધતી જતી હતી. ધીરે-ધીરે માનસ પરથી પુત્રની છબી ધૂંધળી બનતી ગઈ. પતિ તો રાતદિવસ ધંધામાં ઓતપ્રોત રહેતો હતો.

એવામાં સમાચાર આવ્યા કે ગામડે રહેતી હીરાલાલ શેઠની મા ખૂબ બીમાર છે. હીરાલાલ શેઠના માણસો જઈને એમની માને ગામડેથી શહેરમાં લઈ આવ્યા. પરંતુ બીપી વધી જતાં એક અંગ રહી જતા બિલકુલ પથારીવશ થઈ ગયા હતા, ડોક્ટરે પણ કહ્યું હતું કે બને તેટલી ચાકરી કરજો. હવે કંઈ થઈ શકે એમ નથી.

હીરાલાલ શેઠે એમના બંગલામાં એરકન્ડીશન રુમમાં પોતાની મા ને રાખ્યાં. એમની સેવામાં સતત હાજર રહે તેમ દિવસ અને રાતની બે નર્સો રાખી લીધી હતી.

જો કે હીરાલાલ શેઠ કે તિલાેત્તામા શેઠાણીની દિનચર્યામાં કંઈ જ ફરક પડ્યો ન હતો. બંને જાહેર જીવનમાં વ્યસ્ત રહેતાં. છાપામાં દિન-પ્રતિદિન દાન આપતા તેમના ફોટા છપાયા કરતાં. તિલાેત્તામા શેઠાણી એમના ભાષણમાં પોતે કેટલા નમ્ર છે, ગરીબ તથા સાજા- માંદા માણસો માટે એના દિલમાં કેટલી દયા માયા છે એવું વારંવાર કહેતા. શૌનક છાપામાં ક્યારેક મમ્મી કે પપ્પાના ફોટા જોતો છતાં પણ તેને આનંદ થતો નહીં.

જ્યારે એ એક વખત ઘેર આવ્યો ત્યારે એને ખબર પડી કે દાદીમા બિલકુલ પથારીવશ છે, પરંતુ મમ્મી કે પપ્પાને એમના રૂમમાં જવાની ફૂરસદ ન હતી. ડોક્ટર નિયમિત આવતાં. નર્સો હાજર રહેતી. સવાર સાંજની જુદીજુદી બાઈઓ આવતી. દાદીને કોઈ જાતની અગવડતા વેઠવી પડતી ન હતી. 

શૌનક જયારે ઘરે આવ્યો ત્યારે મોટા ભાગનો સમય દાદીની રુમમાં જ હોય. જો કે દાદીની રૂમમાં સતત ફ્રેશનરનાે છંટકાવ થતો રહેતો. દાદીને જોતાં શૌનકની આંખમાં આંસુ આવી ગયા. ગામડામાં એકલા રહેતા, શહેરી જીવન થી દૂર રહેતા, સતત બીજાને મદદરૂપ થવા તત્પર રહેતા દાદીની આ દશા ? અને શૌનકને જોતાં જ દાદીની આંખોમાં ચમક આવી ગઈ હતી. જાણે કે ઘણા દિવસો બાદ પોતાની કોઈ વ્યક્તિને જોઈ હોય.

તિલાેત્તામા એ સૂચના આપી દીધી હતી કે તારે જે કંઈ ખાવુંપીવું હોય એ રસોઈયાને કહી દેજે અને એને અનુકૂળ ના હોય તો તું બહાર જઈને જમી આવજે. આટલું કહ્યા બાદ તિલાેત્તામાને સંતોષ થતો કે પોતે માતૃ ધર્મ બજાવ્યો છે. જો કે એ ક્યારેય આવીને શૌનકને પૂછતી નહીં કે ,"બેટા તેં ખાધું ? "જાે કે હોસ્ટેલમાં તેના મિત્રાે પૂછી લેતા કે તે ખાધું કેમ નથી ? તો શું જે વ્યક્તિ નજરથી દૂર હોય એ દિલથી પણ દૂર થઈ જાય ? પોતે હોસ્ટેલમાં રહેતો હતો અને મિત્રોના મમ્મી-પપ્પા મળવા આવે ત્યારે એના હૃદયમાં દુઃખ થતું કે મારું કોઈ નહીં ?

બધા મિત્રાેની મમ્મી કરતા એની મમ્મી ઘણી રૂપાળી હતી. એને મિત્રોને બતાવવું હતું કે મારી મમ્મી અત્યંત સુંદર છે. 'યથા નામ તથા ગુણ' જેવું છે. તિલાેતમા નામ પ્રમાણે દેખાવમાં પણ સ્વર્ગની અપ્સરા જ લાગે.

આ વખતે શૌનક એના પપ્પાની ઈચ્છા ન હોવા છતાંય વેકેશનમાં આવ્યો હતો. એને પપ્પા સાથે આત્મીયતા કેળવાતી જ નહોતી. મમ્મી પણ જાહેર જીવનમાં પડવાથી એની પાસે સમય ન હતો. પરંતુ આ વખતે શૌનક એના દાદીની રૂમમાં જ દિવસનો મોટો ભાગ પસાર કરતો. દાદીમાના માથે વહાલથી હાથ ફેરવતો. દાદીમાના માેંમા એ પોતાના હાથે કોળીયા ભરાવતો. દાદીમાં લકવાગ્રસ્ત હોવાથી બોલી શકતાં ન હતાં. પરંતુ એમના સાજા હાથે એકાદ કાેળિયાે પોતાના પૌત્ર શાેનકના મોંમાં મૂકી દેતા. એ કાેળિયામાં અમૃત સમાન મીઠાશ આવી જતી હતી. એ કોળિયામાં દુનિયાભરનો પ્રેમ સમય જતો હતો. આટલી મીઠાશ તો મીઠાઈ કે ભાવતાં ફરસાણમાં પણ આવતી ન હતી.

દિવસ દરમિયાન પણ શૌનક તેના માતા-પિતાને મળવા તડપતો રહેતો હતો. પરંતુ દાદીમાએ તો વ્યાજ સહિત બધો જ પ્રેમ આપ્યો હતો. એણે તો માત્ર મિત્રોને માતા-પિતા સાથે વાતો કરતા જોયા હતા, પણ દાદીનો પ્રેમ જે મળ્યો એની આગળ આ બધા પ્રેમની વિસાત જ નહતી. શૌનક ખૂબ ખુશ હતો. પરંતુ જાણે કે શૌનકની ખુશી ને કોઈની નજર લાગી ગઈ હોય એમ એક રાત્રે ઊંઘમાં જ દાદીમાએ દેહ છોડયો. શૌનકને લાગ્યું કે આટલી વિશાળ દુનિયામાં એ પોતે એકલો પડી ગયો છે.

બીજા જ દિવસે શૌનકના દાદીમાંના ફોટા સાથે અનેક સંસ્થાઓ તથા વેપારી મંડળાેએ શ્રદ્ધાંજલિ આપી. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાઓ યોજાઈ. જેમાં હીરાલાલ શેઠ તથા તિલોત્તમા શેઠાણીના ભરપૂર વખાણ થતા હતા. હીરાલાલ શેઠે પણ છુટ્ટા હાથે વિવિધ સંસ્થાઓમાં દાન કર્યું. જેથી સંસ્થાના સ્થાપકો પણ કહેતાં, " ભગવાન દરેક જણને તમારા જેવા દીકરા આપે. માતા પાછળ પણ દીકરો આટલું બધું દાન કરે અને માતા બીમાર હતી ત્યારે પણ પોતાને ત્યાં લાવી સેવા ચાકરી કરી. હીરાલાલ શેઠ તો કળિયુગના શ્રવણ છે. તેમના પત્ની એવાં સન્નારી છે જેમની જોડી જોતાં રામ સીતાની જોડીની યાદ અપાવે. 

શૌનક આ બધું સાંભળતો ત્યારે થતું કે પપ્પાએ આ બધી સંસ્થાઓમાં જે દાન કર્યું છે એના બદલામાં ગુણગાન ગવાય છે. તેથી તો કહેવાય છે કે ,"નાંણા વગર નો નાથિયો નાંણે નાથાલાલ "

શ્રવણ તો સતત મા-બાપની જોડે જ રહ્યો હતો. ત્યારે પપ્પાને તો દાદીની રુમમાં જવાની પણ ફુરસદ ક્યાં હતી ? મમ્મી નર્સો અને બાઈઓ રાખીને પોતાની જવાબદારીની ઈતિશ્રી માનતી હતી. આ બધાે પ્રતાપ પૈસાનેા હતો. પૈસા આપવાથી પપ્પા શ્રવણકુમાર બન્યા, પૈસાથી મમ્મી પપ્પાની જોડી રામ સીતાની જોડી બની ગઈ. ખરેખર કહેવાય છે કે ,"સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે. "

શૌનકને કહેવાનું મન થયું કે, મારા પિતા ભલે દાનેશ્વરી કર્ણ બની શકવાનો દંભ કરતા હોય, એમના પૈસાને કારણે એમની ચારે તરફ વાહવાહ થતી હોય, પરંતુ માના હાથના એક કોળિયાની કિંમત પૈસામાં નથી તોળાતી, માંના માેં પરનો સંતોષ પૈસાથી ખરીદાતો નથી. પૈસામાં ભલે બધા ગુણો સમાયા છે, એવું કહેવાતું હોય, પણ પૈસો ક્યારેય કોઈના દિલનો પ્રેમ ખરીદી શકતો નથી. પૈસો કદાચ તમને ડનલાેપનું ગાદલું ખરીદી લાવશે, પણ ઊંઘ ખરીદી શકે નહીં. પૈસામાં ઘણા ગુણો હશે, પણ હૃદયનો પ્રેમ મેળવવાનો ગુણ ક્યારેય નથી. મરતી માના માેં પર પૈસાે સંતોષ લાવી શકતો નથી. પ્રશંસા એ તો માત્ર પૈસાનાે પ્રતાપ હોય છે. શૌનકને ઘણું કહેવું હતું, " પપ્પા, તમે તમારી મરતી માંના રુમમાં એકવાર પણ આવી એના માથે હાથ ફેરવ્યો છે ? એની આંખો તમને શોધી રહી હતી એ વાત તમે ક્યારેય સમજી શકશો ? તમારા પૈસાથી હું લહેર કરું છું પણ તમારો પ્રેમ.!"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy