Mariyam Dhupli

Tragedy Inspirational Thriller

4.2  

Mariyam Dhupli

Tragedy Inspirational Thriller

સર્કસ

સર્કસ

6 mins
526


મને હોસ્પિટલમાં ભરતી થવાનો બીજી દિવસ હતો. હું ખુબજ અકળાઈ ગઈ હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથીજ મારુ મગજ જાણે કામ કરતું અટકી ગયું હતું. બધુજ અત્યંત ઝડપથી થઈ ગયું હતું. તદ્દન અણધાર્યું. ફક્ત હું જ નહીં, આખું વિશ્વ શોક્ગ્રસ્ત હતું. આ જીવલેણ વાયરસે આખા વિશ્વને થોડાજ સમયમાં પોતાની મુઠ્ઠીમાં ભીંસી લીધું હતું. પૃથ્વીના દરેક મનુષ્ય જેમ મારો પણ જીવ રૂંધાઈ રહ્યો હતો. હું આ હોસ્પિટલમાંથી કદી બહાર પણ નીકળી શકીશ ? મારુ મન ક્ષણ ક્ષણ ધ્રુજી રહ્યું હતું.

ઉપરથી વોર્ડમાં આજે એક નવી દર્દી ભરતી થઈ હતી. મારી પથારીથી થોડા અંતરે ગોઠવાયેલ એની પથારી દરેક ક્ષણે મારી નજર આગળ લટકી રહી હતી. ૩૦ વર્ષની સ્ત્રી હશે એ. એના ચહેરા ઉપરથી જ અનુમાન સાધ્યું હતું. તબીબોની ટુકડી જે રીતે પ્લાસ્ટિકમાં ઉપરથી નીચે સુધી સજ્જ વારંવાર એની પથારીની મુલાકાત લઈ જતી હતી એ વાતથી નક્કી જ હતું કે તબિયત ખુબજ લથડી ચુકી હતી. એનું ઓક્સિજન માસ્ક નિષ્ક્રિય રીતે એની ફરજ પુરી કરી રહ્યું હતું. લોહીની કોથળીમાંથી ટીપે ટીપે ટપકી રહેલું લોહી એને સશક્ત કરી રહ્યું હોય એ અંગે શંકા ઉપજાવતા હલન ચલન વિનાના એના શરીરને જોઈ મારી ભેગી કરેલી થોડી ઘણી હિંમત પણ હવે જવાબ આપી રહી હતી. જો કે મારે ઓક્સિજન માસ્ક પહેરવાની હજી નોબત આવી ન હતી. શરીરનું તાપમાન ઘણું ઊંચું હતું. ઉધરસનો પ્રહાર હજી અકબંધ હતો. આખું શરીર જાણે કોઈએ ભારે માર માર્યો હોય એવી પીડા આપી રહ્યું હતું. ૨૫ વર્ષનું મારુ યુવાન શરીર એ આઈસોલેશન વોર્ડમાં ૬૦- ૭૦ વર્ષના વૃદ્ધ શરીર જેવી અનુભૂતિ સહી રહ્યું હતું.

એટલું ઓછું હોય એની ઉપર એક વધુ અત્યાચાર. સવારથી મારો ફોન રણકી રહ્યો હતો. એક પછી એક વારાફરતી જાણે બધાજ કતારમાં ઉભા હોય એ રીતે રિંગ ટોન ઉપર રિંગ ટોન વાગી રહી હતી. હોસ્પિટલના શિસ્તબદ્ધ વાતાવરણને અનુસરતા મેં મોબાઈલને સાઈલેન્ટ મોડ ઉપર રાખ્યો હતો. જો કે આઈસોલેશન વોર્ડમાં સગા સંબંધી જોડે વાત કરવા ઉપર કોઈ પ્રતિબંધ ન હતો. પણ એ લોકોએ પણ સમજવું જોઈએ ને ? અહીં હું ઉજાણી કરવા તો આવી ન હતી. મેસેજ પણ નહીં, દરેકને વિડીયો કોલ કરવો હતો. લાઈવ ટેલિકાસ્ટ નિહાળવું હતું. મેં ફક્ત મમ્મી નો જ કોલ ઉપાડ્યો હતો. એમાં પણ મારા તરફથી વિડીયો ઑફ હતો. મમ્મી એક દિવસ પહેલા પૂછેલા બધાજ પ્રશ્નો એક જ શ્વાસમાં પુનરાવર્તિત કરી રહી હતી. ને જાણે મારા માથા ઉપર હથોડા ઝીલાઈ રહ્યાં હતા. તાવ હજી છે ? ઉધરસમાં રાહત થઈ કે નહીં ? હજી અશક્તિ છે ? ડોકટરે શું કહ્યું ? બરાબર જમી કે નહીં ? ઘરેથી મોકલાવેલા સૂપમાં મીઠું બરાબર હતું ? ફ્રૂટ ક્સ્ટર્ડમાં સાકરની માત્ર બરાબર હતી કે નહીં ? 

આઈ મીન સિરિયસલી ? 

જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા મનને મીઠું અને સાકર જોડે કઈ લેવાદેવા હોય ? મારુ મગજ ભમી ગયું હતું. મેં કોલ કાપી ફોન જ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. બધાને શું થઈ ગયું હતું ખબર નહીં ?

પરિવાર છે કે સર્કસ !

મારી ચીઢ અને અકળામણ પરાકાષ્ઠા એ પહોંચી ગયા હતા. મોઢા ઉપર ચાદર ચઢાવી સમય કરતા પહેલાજ હું ઊંઘી ગઈ. 

અર્ધી રાત્રે ટોયલેટ જવા હું ઉપડી. મારી પથારીની નજીકની પથારી ઉપર પેલી સ્ત્રી એની હાથમાં લટકી રહેલા મેડિકલ પાઈપ અને મોઢે ચઢાવેલ ઓક્સિજન માસ્ક જોડે બેઠી હતી. રાત્રીના અંધકારમાં એ દ્રશ્ય કેટલું બિહામણું લાગી રહ્યું હતું ! એણે હાથના ઈશારા વડે મને નજીક આવવા કહ્યું. પરંતુ મારા ડગલાં આગળ જ ન વધ્યા. હૈયાના ધબકાર અત્યંત વધી ગયા. મેં હાથના ઈશારા વડે સ્ટાફને બોલાવવા અંગે પૂછ્યું. પણ એણે ડોકું ધુણાવી સ્પષ્ટ ના પાડી. એણે ફરી આગળ આવવા હાથનો ઈશારો પુનરાવર્તિત કર્યો. મારી નજર વોર્ડમાં ચારેતરફ ફરી રહી. અન્ય બે પથારીઓ ઉપરના દર્દીઓ ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતા. હું ધીમે રહી આગળ વધી અને યોગ્ય અંતર જાળવતી એની પથારી નજીક આવી ઊભી રહી. એણે હાથ વડે પથારીની નીચે સંકેત કર્યો. મારી નજર સંકેત તરફની દિશામાં આવી તકાઈ. પથારી નીચે પડેલો નેપકીન મારી નજરે ચઢ્યો. હું ફરીથી મારી પથારી ઉપર પહોંચી. હેન્ડ ગ્લોવ્સ પહેર્યા અને પેલો નેપકીન ઊઠાવી યોગ્ય અંતરેથીજ સ્ત્રીની પથારી ઉપર ઉડાવ્યો. નેપકીન હાથમાં આવતાજ એણે કપાળનો પરસેવો લૂછી મારી નજરમાં નજર નાખી. એ આંખો કંઈક કહી રહી હતી. પણ એ ભાષા હું સમજી ન શકી. એની આંખો જોડેનો સમ્પર્ક તોડી હું બાથરૂમ જતી રહી. મારા હાથમાંના ગ્લોવ્સ કચરાપેટી ભેગા થયા. થોડી મિનિટો પછી જયારે વોર્ડમાં હું પરત થઈ ત્યારે એની આંખો મીંચાઈ ચૂકી હતી. એ જોઈ મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. ઈશ્વરના નામનું રટણ કરતા મેં પથારી ઉપર ઝડપથી આંખો મીંચી દીધી.

એક કારમી ચીસ સાંભળી સવારે મારી આંખો ઊઘડી. વોર્ડના અન્ય દર્દીઓ પણ જાગી ગયાં હતા. સમય ચકાસવા મેં ફોનની સ્ક્રીન ઉપર નજર નાખી. પણ ફોન રાત્રે સ્વીચ ઓફ કર્યો હતો એ યાદ આવ્યું. એને સ્વીચ ઓફ જ રહેવા દીધો. નહીંતર નકામું...... 

ડોક્ટર અને નર્સની ટુકડી એમના પ્લાસ્ટિકમાં મઢાયેલ શરીર જોડે વોર્ડમાં ધસી આવ્યા. મારુ ધ્યાન ફોન ઉપરથી હટી એમની વાતો ઉપર રોકાયું.

" શી ઈઝ નો મોર."

મારા શરીરના દરેક રૂંવાડા ઊભાં થઈ ગયા. અંતિમ શ્વાસ લેવા પહેલા એણે મારી આંખોમાં આંખો પરોવી હતી. કંઈક કહ્યું હતું. ખબર નહીં શું ? કોઈ ઈશ્વરનો સંદેશ ? મારુ મન અત્યંત વ્યાકુળ થઈ ઊઠ્યું.

" પરિવાર ?"

ડોકટરના શબ્દો મારા કાને પડ્યા. જાણે મારા મનમાં ઊઠી રહેલા પ્રશ્ન નો ઉત્તર એ પ્રશ્ન જ હોય એવો વિચિત્ર આભાસ મને થયો. નર્સના જવાબથી એ ભ્રમણા તૂટી.

" પરિવાર નથી. શી વૉઝ....." નર્સનો અવાજ થોડો અચકાયો. ડોક્ટરની નજરમાં માહિતી પુરી પાડવાનો હુકમ છૂટ્યો હોય એ રીતે નર્સે વિસ્તૃત માહિતી આપી.

" શી વોઝ એ પ્રોસ્ટિટ્યૂટ. ડો. શરદનો કેસ હતો. તેઓ ગઈ કાલેજ સ્વસ્તિક હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં જતા રહ્યાં. શી વોઝ એચ આઈ વી પોઝિટિવ અને કોવીડનો ટેસ્ટ પણ પોઝિટિવ હતો. હર ઈમ્યુન વોઝ ટોટલ ડાઉન. ડો શરદે કહ્યું છે ઈનકેસ ઈફ શી ડાઈઝ ડોન્ટ વેઈટ ફોર એની ફોર્માલિટીઝ. નો ફેમિલી. સો... ડેડબોડી તાત્કાલિક...... "

ડોકટરે માથું ધુણાવ્યું અને અધૂરું વાક્ય છોડીનેજ વોર્ડ બહાર જતા રહ્યાં. નર્સે સ્ત્રીના શબ ઉપર સફેદ ચાદર નાખી દીધી. ડોક્ટરની પાછળ બાકીની ટુકડી પણ વોર્ડ બહાર નીકળી ગઈ. 

હું ફાંટી આંખે એ શબને નિહાળી રહી હતી. એનું કોઈ પરિવાર ન હતું. કોઈ એને વેશ્યાવૃત્તિના નર્કથી ઉગારવા હાજર ન રહ્યું. ન માતા, ન પિતા, ન ભાઈ. એક પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને પછી અગણિત આંકડાઓ.….. જીવને આપેલી દરેક પીડા ,યાતના એણે એકલા જીવેજ ભોગવી. ન આંસુ લુંછવા કોઈ હાથ. ન માથું ટેકવવા કોઈ ખભો. શિક્ષણ તો બહુ દૂરની વાત. એના જીવનની ગાડી લાડ અને પ્રેમના નહીં, જરૂરિયાત અને મજબૂરીના પૈડાઓ ઉપર જ ચાલી હતી. એના હોવા ન હોવાથી કોઈને કશો ફેર પડતો ન હતો. 

જીવનના સર્કસનું જીવંત દ્રશ્ય આંખ આગળ ભજવાઈ રહ્યું હતું. 

બે વોર્ડબોયે એના મૃતદેહને સ્ટ્રેચર ઉપર ગોઠવ્યું અને એના અંતિમ નિકાલ માટે વોર્ડની બહારની દિશામાં પ્રયાણ કર્યું. મને ઉધરસનો પ્રહાર આવ્યો. આંખોમાં ઝળહળીયા આવી ગયા. ઉધરસને લીધે કે પછી..... 

એ ઝળહળીયા વચ્ચેથી મને નર્સનો માસ્કથી ઢંકાયેલો ધૂંધળો ચહેરો દેખાયો. મને એવો ભાસ થયો કે એ માસ્ક પાછળ એક મીઠું હાસ્ય વેરાઈ રહ્યું હતું. મારા ટેબલ ઉપર ઘરેથી આવેલ ચાનું થર્મોસ અને ગરમ નાસ્તાનો ડબ્બો એણે સજ્જ કર્યો. મમ્મીના રસોડામાં હોવાની મને ભ્રમણા થઈ. ડબ્બામાંથી આવી રહેલી સુગંધમાં સ્વાદ અને પ્રેમ એકજોડે તાલ બેસાડી રહ્યાં હતા. નર્સે મારી પથારી નજીક એક બેગ મૂકી અને "ગુડમોર્નિંગ" કહી જતી રહી. મેં ધીમે રહી બેગ ખોલી. ભાઈએ મારી પસંદના પુસ્તકો મોકલાવ્યા હતા. પપ્પાએ પોતાનું લેપટોપ અને મમ્મીએ મારુ એમ પી ફોર પેક કરી મોકલ્યું હતું. જો વોર્ડમાં આવવાની પરવાનગી હોત તો.. નો ડાઉટ... એ બધાજ સવારથી સાંજ કામકાજ પડતા મૂકી અહીજ મારી પથારી નજીક સ્થાયી થઈ ગયા હોત. મારા હોઠ ઉપર એક ભીનું હાસ્ય ઉભરાઈ આવ્યું.

તરતજ મેં ફોન સ્વીચ ઓન કર્યો. જાણે બધા કતારમાં હોય એમ શીઘ્ર ફોન વાઈબ્રેટ થયો. યાશીકા માસી હતા. મેં ફોન ઉપાડ્યો. 

"કેમ છે બેટા ?" 

"આ'મ ફાઈન....." 

હું આગળ કઈ બોલું એ પહેલા મને ફરી ઉધરસ ચઢી. 

"ડોન્ટ વરી. વાત નહીં થાય તો હું મેસેજ કર્યા કરીશ. બસ તું તારી તબિયત સંભાળજે. અમે બધાજ દિવસ રાત તારા માટે પ્રાર્થના કરીએ છીએ. તું જલ્દી ઘરે આવી જઈશ." 

"થેંક્યુ માસી." 

કોલ કપાયો જ કે મમ્મીનો કોલ આવ્યો. ફરીથી ગઈ કાલે પૂછેલા બધાજ પ્રશ્નો એમણે પુનરાવર્તિત કર્યા. મેં શાંત જીવે બધાના ઉત્તર આપ્યા.

" હું ઠીક છું. તાવ ઉતર-ચઢ઼ થાય છે. પણ દવાથી પહેલા કરતા ઘણી રાહત છે. ડોક્ટર નિયમિત ચેકઅપ માટે આવે છે. તારું સૂપ બહુ સારું હતું. મીઠું થોડું ઓછું હતું પણ ભાવ્યું. ને ક્સ્ટર્ડ તો એકદમ પરફેક્ટ હતું. આજે શું બનાવ્યું ?" 

મમ્મીના અવાજમાં અદમ્ય ઉત્સાહ હતો. મેં થોડા સમય માટે વિડીયો ઓન કર્યો ને પપ્પા, ભાઈ, મમ્મી બધાજ મારો ચહેરો જોવા પડાપડી કરી રહ્યાં. હું હસતા ચહેરે બધાને નિહાળી રહી. એ ચહેરાઓની વચ્ચેથી મને રાતનું એ દ્રશ્ય ફરી દેખાયું. પેલી સ્ત્રી પથારીમાં બેઠી મને કહી રહી હતી, 

'ફેમિલી ઈઝ એવરીથીંગ' 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy