Mariyam Dhupli

Drama Inspirational Thriller

3  

Mariyam Dhupli

Drama Inspirational Thriller

સ્પર્ધા

સ્પર્ધા

9 mins
14.5K


નિરંજન બેકરી એના આસપાસના વિસ્તારમાં ખુબજ પ્રખ્યાત હતી. પ્રખ્યાતિ પાછળનું કારણ બેકરીના યુવાન માલિક અભિનવના હાથે તૈયાર થતા વિશિષ્ટ અને અતુલ્ય સ્વાદિષ્ટ કેક. ભાતભાતના, રંગબેરંગી, ભિન્ન ફ્લેવર ધરાવતા, કલાત્મક આકારો અને કદવાળા કેક દૂર દૂરથી લોકો ખરીદવા આવતા. જન્મદિવસની પાર્ટીઓ હોય કે નિકાહની મહેંદી, લગ્નના રિસેપશન હોય કે લગ્ન જયંતિ, વેલેન્ટાઈન ડે હોય કે કોઈ પણ સફળતાની ઉજવણીઓ, નિરંજન બેકરીના કેકથી એ દરેક ઉજવણીઓને ચાર ચાંદ લાગી જતા.

પિતાના મૃત્યુ પછી અભિનવે બેકરીના પેઢીગત વારસામાં મળેલ વ્યવસાયને ખુબજ કુશળતાથી સંભાળી લીધો હતો. કૌટુંબિક ધંધાને પોતાની કેક અને બેકિંગ પ્રત્યેની ખાસ રુચિ થી એક અલગજ ઊંચાઈએ પહોંચાડી દીધો હતો. બાળપણથી બેકીંગની પ્રક્રિયાને અત્યંત નજીક અને ઝીણવટથી નિહાળતા અભિનવના મનમાં કેક બનાવવાની કલા પ્રત્યે એક અનેરું આકર્ષણ જન્મી ગયું હતું. રજાના દિવસોમાં બેકરીની અવારનવાર મુલાકાત લેતા અભિનવની દ્રષ્ટિ કેક બનવાની ક્રિયા અને કેક શણગારતા હાથો ઉપર વિસ્મયથી મંડાઈ રહેતી .

ઘરે રોટલી માટે બાનો લોટ બંધાય કે અભિનવના નાનકડા હાથ બેકરીમાં નિહાળેલ કેક થી અભિપ્રેરિત થઇ પોતાની બાળસહજ કલ્પનાના મિશ્રણ દ્વારા લોટમાંથી અવનવા નાનકડા કેક ખુબજ ઉત્સાહ જોડે તૈયાર કરતા. ક્યારેક વિમાન વાળું કેક તો ક્યારેક રેલગાડી, પતંગિયું, ફૂટબોલ. ક્યારેક ઊંચા માળની બિલ્ડીંગ તો ક્યારેક પંખી કે પ્રાણી. પોતાની કલ્પના શક્તિથી લોટના એ નાનકડા કેકને અપાતા સર્જનાત્મક, આકર્ષક આકારો જોઈ વડીલો વિસ્મયમાં મુકાઈ જતા. ભવિષ્યમાં અભિનવ પપ્પાની બેકરીનું નામ રોશન કરશે એવી વડીલોની આગાહી ખરેખર હકીકતમાં પરિણમી જ ગઈ.

અભિનવ જયારે બેકરીમાં કેકને શણગારતો હોય એ સમયે એ જાણે આખા વિશ્વથી વિમુખ કોઈ અન્યજ વિશ્વમાં ખોવાઈ જતો. પોતાના કલ્પનાના રંગોને અવનવા આકારમાં ઢાળી રંગબેરંગી સ્વરૂપમાં નીખરાવતી એની દ્રષ્ટિમાં જાણે કોઈ દિવ્ય આનંદ છલકાઈ રહેતો. એનું દરેક કેક એકબીજાથી જેટલું ભિન્ન એટલુંજ આહલાદ્ક. કેકને શણગારવાની ક્રિયાને અંતિમ સ્પર્શ આપતાંજ એનું મન બોલી પડતું :

"આજ છે મારુ કેક!"

દરેક કેક તૈયાર થઇ જયારે એની કલ્પનામાં વિચારેલા કેક સાથે આબેહૂબ સામ્યતા ધરાવતું ત્યારે આત્માને જે સંતોષ અને આનંદ મળતો એને શબ્દોમાં ન જ ઢાળી શકાય .

અભિનવનો આ વ્યક્તિગત સ્પર્શજ ગ્રાહકોને એના કેકની લતમાં નાખી દેતો. જે એકવાર નિરંજન બેકરીમાંથી અભિનવના હાથથી શણગારાયેલું કેક ઓર્ડર કરતું, પછી એને અન્ય કોઈ પણ બેકરીના કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા તૈયાર થયેલા કેક ચાલેજ નહીં ને!

અભિનવ પોતાના આ કેક જગતમાં ખુબજ વ્યસ્ત અને આનંદિત હતો. એ દિવસોમાં ટીવીમાં એક જાહેરાત પ્રસારિત થઇ.

'ઇન્ટરનેશનલ બેકિંગ કિંગ કોમ્પિટિશન '

દેશની ખુબજ જાણીતી અને ટોચની ટીવી ચેનલ ઉપર યોજાનારી એ સ્પર્ધાનું આકર્ષણ હતું એનું ઇનામ. વિદેશની સૌથી પ્રખ્યાત બેકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બેકિંગ ટ્રેનિંગ માટે સ્કોલરશીપ અને ટ્રેનિંગ બાદ અતિ ઊંચી આવક વાળી નોકરી.

અભિનવની મમ્મી , એના ગ્રાહકો , સંબંધીઓ , મિત્રો બધાજ અભિનવની પાછળ પડ્યા. બધાનો એકજ અભિપ્રાય હતો. "આ સ્પર્ધા તો અભિનવ માટેજ યોજાય છે."

અભિનવના મનમાં પણ સ્પર્ધાને લઇ કુતુહલતા તો હતીજ. વિદેશના અતિઆધુનિક યંત્રો, બેકીંગની અવનવી આધુનિક પદ્ધતિઓ, અતિ ઝડપી સાધનો, વર્ષોના અનુભવના પાયા ઉપર ઉભેલી એ સંસ્થા, અનુભવી ગુરુઓ પાસે અવનવી તકનિકોનું શિક્ષણ, બેકિંગના વિશ્વનાં અવનવા આધુનિક કૌશલ્યો ....પોતાની કલાને વધુ નિખારવા અને વધુ ઉત્તમ કક્ષા તરફ દોરવા સ્પર્ધાનું ઇનામ અનન્ય રીતે મદદરૂપ થઇ શકે, એમાં કોઈ શંકાજ ન હતી.

અભિનવે સ્પર્ધાનું ફોર્મ ભરી નાખ્યું અને બધાની ધારણા ફરી એક વાર હકીકતમાં પરિણમી ગઈ. બેકિંગ પ્રત્યેના અભિનવના અનન્ય પ્રેમ અને સાધનાના ફળ સ્વરૂપ સ્પર્ધક તરીકે એની પસંદગી સરળતાથી થઇ ગઈ.

પરંતુ સ્પર્ધાના ઇનામ સુધી પહોંચવા માટે લાંબો માર્ગ પસાર કરવાનો હતો . ઘણા બધા રાઉન્ડ એક પછી એક જીતવાના હતા. દેશના ખૂણે -ખૂણેથી પહોંચેલા વ્યવસાયિક સ્પર્ધકો, નિર્ણાયક તરીકે ફરજ બજાવી રહેલ અત્યંત અનુભવી અને દેશના લોકપ્રિય 'બેકિંગ એક્સપર્ટ ' તેમજ ટીવીની જાણીતી ચેનલ ઉપર, ટીઆરપીમાં ટોચ સ્થળે પહોંચેલા કાર્યક્રમને નિહાળી રહેલા કરોડો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકો. સ્પર્ધાનું સ્તર અત્યંત ઊંચું હતું. માનસિક તણાવ દરેક સ્પર્ધકોના હૃદયને ડરાવવા પર્યાપ્ત હતો.

પણ આ દરેક તણાવની વચ્ચે એકમાત્ર અભિનવનું હૃદય તદ્દન તાણ મુક્ત અને નિશ્ચિન્ત હતું. કારણકે એનું ધ્યાન દર્શકોની સંખ્યા, નિર્ણાયકોની સૂક્ષ્મ અનુભવી દ્રષ્ટિ કે અન્ય સ્પર્ધકોના સારા - નરસા પાસાઓના નિરીક્ષણ પર નહીં પરંતુ ફક્ત અને ફક્ત પોતાની કલા અને કલ્પનાશક્તિ પરના વિશ્વાસ ઉપર હતું. એની કલાની સૌથી મોટી શક્તિ હતી એની ભિન્નતા, અળગાપણું અને સાદગીમાં સુંદરતા. અભિનવ જાણતો હતો કે ભિન્ન હોવું, જુદા હોવું જરૂરી પણ એ ભિન્નતાને અન્યના હૃદય સુધી પહોંચાડવી હોય તો બિનજરૂરી ઝગમગ, ભારેખમ, કઠિન કે જટિલ સ્વરૂપ આપવાની જગ્યાએ જેટલું સરળ સ્વરૂપ આપી શકાય એજ યથાર્થ. પણ સુંદરતા અને સાદગી એક સાથે ટકાવવું એજ તો સૌથી વધુ પડકારયુક્ત. અભિનવ એક પછી એક પડકારને સ્વીકારતો સ્પર્ધામાં આગળ વધવા લાગ્યો. શરૂઆતના ઘણા તબક્કાઓ એણે તદ્દન વિશ્વાસ અને સહજતા જોડે પાર પાડી દીધા. અભિનવ દ્વારા દરેક રાઉન્ડમાં તૈયાર થઇ રહેલ વિશિષ્ટ અને સૌથી જુદા, સુંદર અને વિવિધતા સભર કેક થોડાજ સમયમાં દરેક આંખોમાં કેન્દ્ર સ્થાન બની રહ્યા.

વિજેતા જાણે પૂર્વ નિશ્ચિત થઇ રહ્યો હતો. દરેક સ્પર્ધકની નજરોમાં અભિનવના કેક જાણ્યે -અજાણ્યે લગુતાગ્રંથી, ઈર્ષ્યા અને અસુરક્ષાના ભાવો જન્માવી રહ્યા હતા. પણ અભિનવ આ બધી નકારાત્મકતાઓથી ખુબજ દૂર એના અંગત કલાત્મક વિશ્વમાં ટેવ પ્રમાણે ખોવાઈ ચુક્યો હતો. એક પછી એક રાઉન્ડ જીતીને આગળ વધતા અભિનવના દરેક કેક એની અવનવી કલ્પનાઓ જોડે મેળ ખાતા સુંદર અને સહજ રીતે તૈયાર થઇ રહ્યા હતા અને દરેક વખતે એનું મન ખુશીથી ઝૂમી રહ્યું હતું:

"આજ છે મારુ કેક!"

આ બધી સફળતાઓની વચ્ચે દેશના ટોચના બેકિંગ નિષ્ણાતોની આંખોમાં પણ કંઈક ખટકી રહ્યું હતું. એમની પાસે નવા ઉભરાતા કલાકારો અને બેકર્સ માટે માર્ગદર્શન અને દોરવણી અપેક્ષિત હતી. દેશી- વિદેશી પ્રેક્ષકો આગળ પોતાની છબી નિખારવાની આ એક સોનેરી તક હતી. પરંતુ અભિનવનું સુંદર કલ્પના જગત અને બેકિંગ અંગેની સાધના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન, સુધારાઓ, કમીઓ કે દોરવણી માટે અવકાશજ આપી રહી ન હતી. એને જન્મજાત મળેલા કુદરતી હુનરને કંઈક શીખવવા માટે વધ્યુંજ ન હતું. ગુરુ કરતા શિષ્ય ટીવીના પરદે વધુ જાણકાર, માહિતીસભર કે જ્ઞાની દેખાઈ એ અહમને ઠેસ પહોંચવા બરાબર હતું. ઠેસ તો લાગી હતી. હવે એને કોઈ નવો વણાંક આપી દર્શકોની નજર સાથે રમત કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.

અને આખરે રમત શરૂ થઇ. અભિનવની ખુશીતો ચરમ સીમાએ પહોંચી હતી. સ્પર્ધામાં એના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કાર્યક્રમના નિષ્ણાંત મહાનુભવો દ્વારા એને ખાસ અંગત તાલીમ મળવાની શરૂ થઇ. દરેક રાઉન્ડ અગાઉ એને નિષ્ણાંતો તરફથી શું કરવું અને શું નહીં એની લાંબી યાદી રટાવવામાં આવતી. આંતરરાષ્ટ્રીય સ્તરના બેકિંગ સુધી પહોંચવા હજી ખુબજ મહેનત આદરવી પડશે, એની દરેક ક્ષણે અભિનવને અનુભૂતિ કરાવવામાં આવતી. અભિનવનું ધ્યાન પોતાની કલ્પના શક્તિ પરથી હટી નિષ્ણાતો દ્વારા થમાવવામાં આવેલા અને વાંચવા માટે ફરજ પડાયેલા પુસ્તકો પર કેન્દ્રિત થવા લાગ્યું. નિષ્ણાતોનું માર્ગદર્શન અને જ્ઞાન ટીવીના ચેનલ ઉપર શબ્દે શબ્દ દર્શાવવામાં આવ્યું. એ માર્ગદર્શનથી દોરાઈ અભિનવના દરેક કેક પહેલાના કેકની સરખામણીમાં કેટલા વધુ ગુણવત્તાયુક્ત બન્યા હતા એ દર્શાવવા 'પહેલા' અને 'પછી' શીર્ષક હેઠળ તૈયાર કરાયેલા વિડીયો પણ દર્શાવવામાં આવ્યા.

એ વિડીયો નિહાળતાંજ અભિનવના મનમાં દિવસોથી વ્યાપી રહેલી ગૂંગળામણ અતિ તીવ્ર થઇ ઊઠી. એ સમજી ગયો કે શા માટે હવે તૈયાર થઇ રહેલ દરેક કેક પછી મનમાં થી "હા,આજ છે મારુ કેક!" એ સંતોષ અને આનંદ ઉઠી રહ્યાજ ન હતા. કારણકે એ કેક એના હતાજ નહીં. એ તો ફક્ત અન્ય લોકોની કલ્પનાને સાધન સામગ્રી દ્વારા સજાવવા માટે એના હાથનો નિષ્ક્રિય ઉપયોગ હતો, બીજું કંઈજ નહીં.

ટીવીના પરદા ઉપર અભિનવના તૈયાર થઇ રહેલ એ કેક નિહાળી એના મમ્મી, એના ગ્રાહકો, મિત્રો, સગાવ્હાલા પણ અચંભામાં સરી પડ્યા હતા. બધાના મનમાં એકજ પ્રશ્ન હતો: 'આ અભિનવ શું કરી રહ્યો છે? આ કેક એના ન હોય શકે!'

આખરે પોતાની ગૂંગળામણ જોડે અને નિષ્ણાંતોનો પડ્યો બોલ ઝીલીને અભિનવ સ્પર્ધાના નિર્ણાયક ફાઇનલ રાઉન્ડમાં આવી પહોંચ્યો. બધાની અપેક્ષાઓ અભિનવના હાથ પર તકાઈ હતી. નિષ્ણાંતો અને સ્પર્ધકો તેમજ ટીવી ઉપર હાજર તમામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય દર્શકોની સૂક્ષ્મ દ્રષ્ટિ અભિનવ ઉપર મંડાઈ હતી.

અભિનવની નજરો સામે સ્પર્ધાની આકર્ષક ટ્રોફી અને ઇનામ ચમકી રહ્યા હતા. પોતાના સ્વપ્ન અને બેકિંગ પ્રત્યેના પ્રેમને નવી ઊંચાઈઓ પર લઇ જવા ફક્ત એકજ પગલું ભરવાનું હતું. પરંતુ આ પગલું ખુબજ સાવચેતીથી ભરવાનું હતું. નિષ્ણાંતોના માર્ગદર્શનથી અને દોરવણીથી સહેજે ખસવાનો અવકાશ ન હતો. બે સ્પષ્ટ વિકલ્પો હતા: મનનું સાંભળવું કે નિષ્ણાંતોનું. પોતાની કલ્પનાને વફાદાર રહેવું કે સ્પર્ધા જીતવું. એક દ્રષ્ટિ નિષ્ણાંતો ઉપર ઠરી. એમના ચ્હેરાઓ ઉપરના અભિમાન અને હાસ્યથી મનમાં કંઈક ક્રાંતિ જેવું સળવળી ઉઠ્યું.

સ્પર્ધાની શરૂઆત થઇ. અભિનવે પોતાની આંખો ગાઢ મીંચી દીધી. કોઈ કઈ સમજી જ ન શક્યું. અભિનવ શું કરી રહ્યો હતો? આ રીતે અંતિમ ચરણમાં સમયનો વ્યય કઈ રીતે કરી શકાય? પ્રેક્ષકો મૂંઝવણમાં મૂકાયા. નિષ્ણાંતો અંદરોઅંદર આંખોના ઈશારાઓથી વિસ્મયની વહેંચણી કરી રહ્યા. એક મિનિટ ધ્યાન ધર્યા પછી અભિનવે આંખો ઉઘાડી. નિષ્ણાંતોની આંખોમાં આંખો પરોવી એક રહસ્યાત્મક હાસ્ય એમની તરફ ફેંક્યું. એ આંખોમાં ક્રાંતિનો બળવો નિહાળી નિષ્ણાંતોની નજરોમાં ક્રોધ અને અભિમાન સમુદ્રની લહેરો જેમ ઊંચે ઉછળી રહ્યા. આગળ શું થવાનું હતું એ તેઓ કળી ચુક્યા હતા અને તેઓ હવે શું કરશે એ પણ એમની આંખોમાં સ્પષ્ટ ચેતવણી રૂપે ઝબકી રહ્યું હતું.

પણ અભિનવ હવે મુક્ત હતો, સંપૂર્ણ મુક્ત. એની કલા નિયમોના બંધનો અને શરતોની સાંકળ તોડી સ્વતંત્ર વિહરવા તૈયાર હતી. આંખોમાં તેજ અને મનમાં ઉત્સાહ જોડે ઘણા દિવસો પછી અભિનવ ફરીથી પોતાની કલ્પનાઓને સામગ્રી અને રંગો તેમજ આકારો વચ્ચે એક કલાકારની જેમ ધૂનમાં ખોવાઈ ઉતારી રહ્યો હતો. એની અતુલ્ય કલ્પનાશક્તિ ભવ્ય રૂપમાં અને એક અવનવા સ્વરૂપમાં તૈયાર થયેલા કેકમાં ઉતરી આવી હતી. એના સ્પર્ધકની આંખોમાં હારની અનુભૂતિ તદ્દન પારદર્શક પ્રતિબિંબિત થઇ રહી હતી. નિષ્ણાતોને માટે તો એ કેક એમની કલ્પના શક્તિને અત્યંત પરેજ હતું. દર્શકો સ્પર્ધાનું પરિણામ જાણી ચુક્યા હતા. અભિનવનો ચ્હેરો સંતુષ્ટ અને તૃપ્ત હતો.કેક બની ગયા પછી અભિનવના મોઢામાંથી નીકળેલા શબ્દો સ્ટુડિયોના ખૂણે ખૂણે ગુંજી ઉઠ્યા :

"હા, આજ છે મારુ કેક!"

આખરે નિર્ણાયક ઘડી આવી ચુકી. બધાના આશ્ચર્ય વચ્ચે અભિનવ સ્પર્ધા જીતી શક્યો નહીં. અભિનવ માટે એ પરિણામ તદ્દન અપેક્ષિત હતું. પોતાના સ્પર્ધકને ગળે લગાવી, જીતના અભિનંદન પાઠવી, હસતા હસતા નિષ્ણાંતો જોડે હાથ મેળવી એ નીકળી ગયો.

પ્રેક્ષકોની આંખોમાં અસંતોષ અને ફરિયાદો ઉભરાઈ રહી. નિષ્ણાંતોનો અન્યાય પર્દાફાશ થઇ ગયો. નિષ્ણાંતો જીતીને પણ હારી ગયા અને અભિનવ હારીને પણ પોતાની કલાને જીતાડી ગયો.બેકરીમાં ફરીથી પોતાના બેકિંગ અને કેકના જગતમાં ખુશીથી પરોવાયેલા અભિનવને વિદેશથી એક કોલ આવ્યો.

"હું ઇન્ટરનેશનલ બેકિંગ કિંગ સ્પર્ધાનો સ્પોન્સરર છું. આપના દરેક કેક નિહાળ્યા. આપની કલા અતુલ્ય છે અને કલ્પના શક્તિ અદ્દભુત. સ્પર્ધાનું ઇનામ અમારી પક્ષે હતું પણ પરિણામ નહીં. નહીંતર ....તમે અમારી સંસ્થામાં શિષ્ય તરીકે જોડાશો તો અમને ગર્વ થશે."

અભિનવનો ઉત્તર એની ભાવનાઓ સમોજ પારદર્શક હતો .

"આભાર સાહેબ, પણ કલાને સાધનોથી નિખારી જરૂર શકાય. પણ એ સાધનોની મહોતાજ ક્યારેય નહીં. વિશ્વના સર્વશ્રેષ્ઠ સાધનો ભેગા થાય તો પણ કલાનું સર્જન કરી શકે નહીં. એને તો ફક્ત કલ્પ્નાઓનો સર્જનાત્મક ટેકો પર્યાપ્ત છે. સાધનોનું શિક્ષણ મેળવવા હું મારી કલ્પ્નાઓની બલી ક્યારેય ન ચઢાવીશ."

સામે છેડેથી સંભળાયેલા હાસ્યમાં સમજદારી, અનુભવ અને પરિપક્વતાનું સુંદર સંમિશ્રણ હતું.

"ચિંતા ન કરો.હું શિક્ષક છું. શિષ્યની શોધમાં છું. કઠપૂતળીની નહીં. "

શિક્ષક ઉપરથી અભિનવનો ઉઠી ગયેલો વિશ્વાસ જાણે ફરીથી ખુશીઓ જોડે પરત થઇ રહ્યો. સંમતિ જોડે એણે કોલ કાપ્યો અને ફરીથી પોતાની કલાત્મક જગતની ધૂનમાં વ્યસ્ત થઇ ગયો.

અન્ય છેડે કોલ કાપી રહેલ વિદેશી શિક્ષકના ચ્હેરા ઉપર પણ એટલીજ ખુશી અને આનંદ ઉભરાઈ રહ્યા હતા. અભિનવના ક્રાંતિકારી કેકમાં એમણે વરસો પહેલાના પોતાની અંદરના ક્રાંતિકારી કલાકારનું પ્રતિબિંબ નિહાળી લીધું હતું, જેણે અસંખ્ય સ્પર્ધાઓ અને ટેલેન્ટશૉ હાર્યા હતા. ફક્ત એટલેજ કે એને 'પોતાનું' કેક તૈયાર કરવું હતું,અન્યની કલ્પનાઓની આવૃત્તિ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Drama