"Komal" Deriya

Romance

4  

"Komal" Deriya

Romance

સફર પ્રેમની - ૨

સફર પ્રેમની - ૨

5 mins
176


ઘણીય ગડમથલ કરી પોતાની જાત સાથે અને સાગર લડતો રહ્યો પોતાના જ મન સાથે, કંઈ કેટલાય જવાબો આપી સમજાવતો રહ્યો એના જ અંતરમનને, હૃદયની આ ધકધકને શાંત કરતા કરતાં કોણ જાણે કેટલાય વર્ષોથી અદ્રશ્ય થયેલી બધીજ ઘટનાઓ માનસપટ પર ટકોરા કરીને નિકળી ગઈ. એ હજુય અસ્વસ્થ હતો પણ સમય તો જાણે અટકી જ ગયો હતો. એની વિચારોની હારમાળા એને લઈને કેટલીય દૂર નિકળી ગઈ હતી. આંખોમાંથી દડ દડ પ્રેમ વરસી રહ્યો હતો એના લાખ પ્રયત્ન કરવા છતાં એ કામમાં મન પરોવી શકતો નથી એટલે એ કામ અધૂરું મૂકી ઘેર પરત ફર્યો અને જાણે કંઈ જ યાદ ના કરવાનો આદેશ આપતો હોય એમ બધું ભુલાવવા માટે ઉંઘી ગયો. પણ આ વખતે ફરી એ નિષ્ફળ થયો. પછી એ પોતાની સાથે જ વાતો કરવા લાગી ગયો. જેમ તેમ એ રાત વિતાવી અને નવો દિવસ શરૂ કર્યો એ જ જુની ગડમથલ સાથે. 

"એક ગીત હું રોજ ગણગણતો હતો, 

જ્યારે તને નજરે હસતાં જોતો હતો,

કે "ખુદાની એવી માસુમ બંદગી છે તું"

જેને હું રોજ પ્રાર્થનામાં માંગતો હતો... "

પછી તો એક, બે, ત્રણ એમ ગણતા-ગણતાં દિવસો પસાર થઇ ગયા અને આખરે રવિવાર આવી ગયો. સાગર ખુબ વહેલો જાગી ગયો. રવિવારે આમ તો રજા હોય એટલે મોડે સુધી ઉંઘવાની આદત હોવા છતાં આજે વહેલો ઉઠી ને તૈયાર થઇ ગયો અને દસેક વાગ્યા હશે એટલામાં તો એ ક્યાક જવા માટે નિકળી ગયો. આખો દિવસ પસાર થયા પછી સાંજે એ અચાનક જ આરતીના ઘેર આવી ગયો. સાંજના પાંચ વાગ્યા હશે કેમકે એ સમયે આરતી એના ઘરમાં એકલી હતી, સાગર એને પૂછે કે, "તું એકલી કેમ છો? ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? "એ પહેલાં તો સાગર માટે તદ્દન અજાણી એક વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો. તરતજ આરતી એ સાગરને કહ્યું, "સાગર આ હેમંત છે. અમે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા અને છ મહિનાથી આ જ શહેરમાં રહીએ છીએ અને હેમંત આ સાગર છે મારો કોલેજ સમય નો મિત્ર જેના વિશે આપણે થોડા દિવસ અગાઉ વાત કરી હતી. "

હેમંતને યાદ આવ્યું એટલે એ તરત જ ખુશીથી બોલ્યો, "અરે! તો આ છે એ સાગર. કેમ છે મિત્ર? "

સાગર: "હું મજામાં છું. તમે કેમ છો?"

હેમંત : " હું તો મજામાં જ છું, તમે બંને એક કામ કરો વાતો કરો મને થોડું કામ છે તો હું જાઉં છું. આરતી મને સાંજે આવવમાં મોડું થશે તું સાગરને જમાડીને જ મોકલજે. "

આમ નાનકડી વાતચીત કરી હેમંત એના કામ માટે જતો રહ્યો. આરતી ઝડપથી રસોડામાં ગઈ અને ચા નાસ્તો બનાવીને લઇ આવી.  સાગર અને આરતી ચા પીવા બેઠાં અને સાથે સાથે એમની અલકમલક ની વાતો અને કોલેજની જુની યાદો વાગોળવાનું ચાલુ જ હતું.  ત્યાં અચાનક જ આરતીએ સાગરને પુછી લીધું, "પેલી તારી વાર્તાઓ જેવી છોકરી શું કરે છે? એ દિવસે તમે બંને સાથે ગયાં પછી ક્યારેય મને કે કોઈને મળ્યાં જ નહીં. 'ને વળી કોઈપણ રીતે તમને તો શોધી શકાય એમ હતું જ નહીં. 

પેલાં દિવસે મેં જ્યારે તને જોયો તો મારા મનમાં એજ પ્રશ્ન હતો કે તારો પડછાયો ક્યાં છે? હવે તો કહી દે એ છે ક્યાં? 

સાગર જાણે જવાબ આપવા ના માંગતો હોય એમ એણે વાત જ બદલી દીધી, "આરતી, તું પહેલા એ કહે કે તું ખાલી ઘરકામ જ કરે છે કે કંઈ બીજું પણ કામ કરે છે? " 

આરતી કંઇ બોલે એ પહેલાં જ ડોરબેલ વાગી. તેણી તરતજ દરવાજો ખોલવા ગઈ. એટલામાં સાગર પણ એની પાછળ છેક દરવાજા સુધી પહોંચી ગયો. દરવાજે હેમંત આવીને ઉભો હતો એ અંદર આવે એ પહેલાં જ સાગરે આરતીને કહ્યું, "હું જાઉં છું. મારે કંઈક કામ બાકી છે તો હવે હું તમારી રજા લઈશ."

કંઈપણ બોલ્યાં કે સાંભળ્યા વિના હેમંત સાગરનો હાથ પકડીને એને ઘરની અંદર ખેંચીને લઇ ગયો. 

હેમંત: અરે તમે પણ જબરાં છો! હું આવ્યો અને તમે જવાની વાત કરો છો! જમ્યા વિના હું તમને જવા દેવાનો નથી. 

આરતી: સાચી વાત છે રોકાઈ જા. એમ પણ આપણી વાત અધૂરી છે. તે મારા પ્રશ્ન નો જવાબ પણ આપ્યો નથી. હવે તો કહી દે મારી મિત્ર છે ક્યાં? 

સાગર: અરે તું જા અને ફટાફટ જમવાનું બનાવ.

હેમંત: એ તો જમવાનું બનાવશે પણ આ કંઇ વાત છે જે તમે ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છો? 

એટલે આરતી તરત જ બોલી ઉઠી, "એ દિવસે છેલ્લે તમે બંને સાથે નિકળ્યા હતાં કોલેજમાંથી અને પછી ના એને કોઈ સંપર્ક કર્યો કે ના સાગર તે કોઈ દિવસ અમને મળવાની કે યાદ કરવાની તસ્દી લીધી. તને આમ અચાનક જોયો તો મને થયું હાશ છેલ્લે આ બંને જણ મને મળ્યાં ખરાં? પણ કેટલાં દિવસથી હું તને પુછી રહી છું કે એ છે ક્યાં જે મને કહેતી કે આપણી મિત્રતા ક્યારેય નહીં તુટે! પણ તું ના જવાબ આપે છે કે ના વાત કરે છે. તું મને હવે તો કહી જ દે કે શું ચાલી રહ્યું છે આ બધું? "

સાગરે આરતીના ખભા પર હાથ મૂક્યો અને એને શાંત પાડતાં બોલ્યો, "જે પ્રશ્નના જવાબ તું મારી પાસે માંગી રહી છે ખરેખર તો હું એ જ પ્રશ્નોના જવાબ મેળવવા તારી પાસે આવ્યો હતો. મને એમ કે તને તો ખબર જ હશે કે એ ક્યાં છે. હું એના ઘરે ગયો હતો પણ ત્યાં હવે કોઈ રહેતું નથી! અને એ ક્યાં છે એની મને ખબર પણ નથી. મેં ઘણાં શહેરોમાં એને શોધી છે. તું એમ સમજ કે અહીં પણ એને શોધવા જ આવ્યો છું. તને મળ્યો એટલે થયું કદાચ એ અહીં જ હશે પણ એ અહીં નથી એની ખબર તારી પાસેથી જ મળી એટલે હું કામ પતાવી કાલે જ પાછો જવાનો હતો પણ મને થયું લાવ એક વાર આરતીને મળીને જાઉં. બસ એટલે જ હું આજે સાંજે અહીં આવ્યો. મારું કામ એવું છે એટલે હું નવી નવી જગ્યાએ જતો હોઉં છું એટલે હું એને બધે જ શોધતો રહું છું પણ અફસોસ કે હજુ સુધી મને ક્યાંય મળી નથી કે ના એની કોઈ ખબર મળી છે. "


Rate this content
Log in

Similar gujarati story from Romance