સોનપરી
સોનપરી
મા વગરની નાનકડી ત્રણ વર્ષની નિતી બંગલાના બગીચામાં એકલી એકલી બોલથી રમતી હતી. રમતાં રમતાં તેનો બોલ બંગલાનાં કોટ પરથી ઉછળીને બહાર રસ્તા પર પડી ગયો એથી નિતી બંગલાની બહાર બોલ લેવા માટે દોડી. ઝાંપે ઊભેલો ચોકીદાર મોબાઈલમાં વ્યસ્ત હતો એટલે એને બેબી બહેન ક્યારે બહાર નીકળી ગયા તેની ખબર જ ના પડી. નિતી મુખ્ય રસ્તાની વચોવચ પડેલા બોલ ને લેવા દોડી, અને એ જ વખતે સામેથી એક ગાડી પુરપાટ વેગે આવી. હવે ગાડીનાં ડ્રાઈવરે બ્રેક તો જોરદાર મારી પણ ગાડી એકદમ નિતીની નજીક આવી ગઈ હતી, ત્યાંજ કોઈકે નિતી ને ખભેથી ઉંચકીને બાજુ પર મૂકી દીધી. નીતિએ પાછળ વળી ને જોયું તો એક ખૂબ સુંદર યુવતી મીઠું હસીને નિતીને ગાલે ટપલી મારીને કહી રહી હતી," અરે ! કેમ ! વાગી જાત તો મમ્મીની વઢ ખાવી પડતને ?" આ સાંભળીને નિતી રડતાં રડતાં બોલી ઊઠી," આંટી, મારી મમ્મી તો ભગવાનના ઘરે ગઈ છે, ખબર નહીં, રોજ ફોન કરું છું પણ પાછી જ નથી આવતી. આંટી,તમે તમારા મોબાઈલથી ભગવાનને ફોન કરો ને, તો મારી મમ્મી ચોક્ક્સ પાછી આવી જશે." આ સાંભળી ને એ સુંદર યુવતી એટલે કે લજ્જા ફરીથી મીઠું હસી પડી ને નિતીને ઉંચકીને તેના બંગલામાં પાછી મૂકવા આવી. નિતી તેને ખેંચી ને તેના પપ્પાને મળવવા લઈ ગઈ. નિતીનાં પપ્પા એ જ સમયે કોઈની સાથે ફોન પર નિતી માટે આખા દિવસની આયાબહેન એટલે કે એક નેેની રાખવાની વાત કરી રહ્યા હતા અનેે એ માટે જાહેરાત આપવાની વાત પણ કરી રહ્યા હતા. લજ્જાએ આ સાંભળ્યું. આમ પણ તે નોકરીની શોધમાં હતી અને રહેવા માટે પણ જગ્યા શોધી રહી હતી, આથી તેને નિતીની નેની બનવાની તૈયારી દર્શાવી, અને નીતિ એ પણ લજ્જાએ તેને કેવી રીતે અકસ્માતથી બચાવી તેે કહ્યુંં. નિતીને ખુશ જોઈને તેના પપ્પાએ લજ્જાનેે નિતીની નેેની તરીકે રાખી લીધી અને આમ નિતીને લજ્જાનાં રૂપમાં એક સોનપરી મળી ગઈ.
