Medha Antani

Romance Tragedy


4  

Medha Antani

Romance Tragedy


'સોનાક્ષી' કોમ્પ્લેક્ષ

'સોનાક્ષી' કોમ્પ્લેક્ષ

6 mins 13.9K 6 mins 13.9K

એની ખાસ મોટી દુનિયા ન હતી. સારું કમાતો, સવારે નીકળીને મોડી સાંજે ઘેર આવતો. પતિ, ડે બૉર્ડિંગમાં ભણતો દીકરો અને ટુ બીએચકેનો સુસજ્જ ફ્લેટ. છેક સાંજ સુધી નવરાશ જ નવરાશ. નાનકડા ઘરનું કામ આટોપતાં વાર કેટલી લાગે ? સ્થૂળકાય હતી, પણ કામકાજમાં ઝડપી, પાક-કલામાં પાવરધી. આ બે ગુણોને લીધે જ તો મોડેમોડે ય લગ્ન થયાં ખરાં. સિરિયલો જોવી અને ફેસબુકમાં લટારો મારવી એ એના મુખ્ય શોખ અને પ્રવૃત્તિ.

આજે ફેસબુક પર માસિયાઈ બેને પોતાના તાજા લગ્નના ફોટા મુક્યા હતા. એને પણ ટેગ કરેલી. રસપૂર્વક તે એક એક ફોટા નિહાળી રહી. કેટલી મજા કરેલી લગ્નમાં! બધાં સાથે તે પણ કેટલું નાચી હતી. ઘણાં વર્ષે સહુ ભેગાં થયેલાં એ ખુશી સહુના ચહેરા પર દેખાતી હતી. પોતે પણ અમુક ફોટાઓમાં હતી. મહેંદીવાળો પોઝ, સંગીતમાં, ફેરા વખતે ચોરીમંડપ પાસે...ભાભીઓ સાથે સેલ્ફી વખતે...

પોતાની સાથે રહેલી બીજી કઝીન્સ અને ભાભીઓને નીરખી રહી. નીચે કૉમેન્ટ્સ વાંચી..."વાઉ સ્નેહા ! યુ લુક એઝ સ્લિમ એઝ યુ વેર યર્સ બિફોર... " "આહા ..દીપિકા ભી શરમા જાયે.."

‎કોઈકે પોતાને મેન્શન કરીને ટીખળ પણ કરી હતી. "ખાધેપીધે સુખી તો પહેલેથી જ હતી.લગ્ન પછી વધુ સુખી થઈ ગઈ છો હોં.." છોભીલી પડી ગઈ એ. ફરીફરીને બધા જ ફોટા વારંવાર જોયા. બધી જ સ્ત્રીઓ એની સરખામણીમાં સુંદર,પાતળી, કમનીય લાગતી હતી. પહેલીવાર એને ન સમજાય એવી જલન થઈ આવી.પોતાની વોલ તરફ વળી. એના પોતાના ફોટાઓને માંડ ગણ્યો ગાંઠયો પ્રતિસાદ મળતો એ પહેલી વાર નોંધમાં આવ્યું.

એકાએક લેપટોપ પરથી હટીને ઉઠી અને અરીસા તરફ વળી. પોતાના શરીરને, ચહેરાને આંખ નીચેના કુંડાળાંને ધારીધારીને જોવા લાગી. એને એનાં સાંબેલાં જેવા સ્થૂળ બાવડાં પર ચીતરી ચડી. પેટ અને નિતંબની ચરબીના થર પર ગુસ્સો આવ્યો. પોતે તેજહીન, આત્મવિશ્વાસહીન પોતાને જ બોજારૂપ જેવી લાગવા માંડી. અચાનક લઘુતાગ્રંથિનો ભાર શરીર કરતાં વધુ વજનદાર થઈ ગયો હોય એમ

અરીસા સામે ફસડાઈને બેસી રહી. પોતાના પ્રતિબિંબ સામે તાકી રહી. આજ દિવસ સુધી વિચાર કેમ ન આવ્યો કે પોતે હદ કરતાં વધુ સ્થૂળકાય છે ? સૌંદર્યના માપદંડમાં આવે એવી તો જરાય નથી. પેલી સામેવાળી સ્મિતા અને એની વચ્ચે ઉંમરનો ફરક નથી તો ય એ કેવી સુડોળ લાગે છે ! રિદ્ધિભાભી પણ એટલા વર્ષે એકવાડિયા બાંધાનાં જ છે ને. ડોલીનું શરીર ડીલીવરી પછી ભરાયું છે, પણ જાજરમાન લાગે એ રીતે. અને પોતે ! કદાચ એટલે જ સુજીત પોતાના તરફ બેપરવા થઈ ગયા હશે ! અરીસાની આરપાર થઈ, નજર અને વિચારો ધીરેધીરે બીજી જ દિશામાં ફંટાયા.

હા..એટલે જ...!! વાત કરવા જાઉં તો મોં ફેરવીને વોટ્સએપમાં વ્યસ્ત થઈ જાય અને પછી ઊંઘી જાય. સવારે પણ સમય કરતાં વહેલા નીકળી જાય છે. છેલ્લે ક્યારે મારી ઉપર નજર પડેલી યાદ જ નથી. આ તો રસોઈમાં મારા હાથરસની કમાલ ન હોત તો એ લગ્ન પણ ન કરત. સૌરભ પણ શરમાતો હશે ને ! પોતાની માના દેખાવને લઈને ! પોતાના જ વિચારોથી થાકી ગઈ. વિના કારણ ધૂંધવાઈ ઉઠી .ઉતાવળે ઉભી થઇ. બહાર હોલમાં જઈ, સોફા પર બેસી મેગેઝીનનાં પાનાં ઉથલાવવા લાગી. હિરોઇનો અને મોડેલોના ફોટા જોઈ સ્વગત બબડી, "આ લોકો કઈ રીતે આવા પાતળાં સુંદર લાગતાં હશે. સુજીતને પણ આવી કોઈ ગમતી હશે ? ગમતી હશે તો ? ખરેખર કોઈ હશે ?એની કેબિનમાં બેસતી પેલી અનેરી એવી જ છે ને ! અરે હા, એના મેસેજીસ પણ કેટલા આવતા હોય છે ! સુજીત એને ઓફીસની સુસ્મિતાસેન જ કહેતા હોય છે ઘણીવાર..! છટ્...હું પણ કેવું કેવું ધારી બેઠી છું ? એવું થોડું હોય ?ના..ના.."

અકળાઈને વિચારોને ડામવા એણે ટીવી ચાલુ કર્યું. નાની ઉંમરની જાડી સાસુ અને છોકરડી જેવી વહુ ઝગડો કરી રહ્યાં હતાં. આજ તો સીરિયલમાં ય દમ ન લાગ્યો, ને ફરીથી ચકરાવે ચડી. "સુજીત મારા વિશે શું ધારતા હશે ? ક્યારેય ખુલીને કહ્યું તો નથી, પણ મારા જાડા હોવાની મજાક પણ નથી ઉડાવી કે કોઈ બાબતના વખાણેય નથી કર્યા. એના મનની વાત જાણવી હોય તો શું કરવું ?સીધું જ પૂછી લઉં ? પણ એ રીતે કંઈ સાચો જવાબ થોડો મળશે ?" ઊંડે ઊંડે ગરકાવ થઈ ગઈ. અચાનક કંઈક સુઝ્યું હોય એમ ટીવી બંધ કરી એ રૂમ તરફ ગઈ. લેપટોપ ઓન કર્યું. બે ચાર મિનિટ થોભી. ફેસબુક ખોલ્યું. ફરી બે ચાર મિનિટ માટે અટકી. અને કોઈ મક્કમ નિર્ધાર સાથે નવો એકાઉન્ટ બનાવ્યો.

શિલ્પા નામનો. પ્રોફાઈલમાં ભળતીસળતી ઓછી જાણીતી મોડેલનો ફોટો મુક્યો. ડરતાં ડરતાં સુજીતને રીક્વેસ્ટ મોકલી. દસેક મિનિટમાં તો કેટલાય અજાણ્યા લોકોની રીક્વેસ્ટ આવવા લાગી. પ્રોફાઈલ પર કૉમેન્ટ્સના ઢગલા પણ.! પણ સુજીતે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જરૂરી હતી. હવામાં જ તીર ચલાવ્યું હતુ, જે નિશાન પર લાગવું જરૂરી હતું. દિવસ આખો વીતી ગયો પણ ધાર્યું થયું નહીં.

સાંજે સુજીત આવ્યો ત્યારે એ ઓઝપાયેલી લાગતી હતી. પણ સુજીતના ધ્યાનમાં કંઈ આવ્યું જ નહીં. જમીને રાબેતા મુજબ ન્યુઝ જોઈ, થોડું વોટ્સઅપ જોઈને ઊંઘી ગયો. બીજે દિવસે સવારે જલ્દી જલ્દી પરવારીને ફરી લેપટોપ ખોલ્યું. શિલ્પાનું એકાઉન્ટ તો ધમધમવા લાગ્યું હતું. "અપ્રતિમ સુંદર... પ્રેટી વુમન.." જેવી મધઝરતી કૉમેન્ટ્સથી બે ઘડી એ પોરસાઈ ગઈ, એ જાણવા છતાં કે પોતે શિલ્પા નથી તો પણ..!

એની આંખો ચમકી ઉઠી,જ્યારે એણે જોયું કે, સુજીતે રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી. હિમ્મત કરી એણે મેસેન્જરમાં સુજીતને લખ્યું.."થેન્ક્સ.." સુજીત ઓનલાઇન હતો. જવાબની રાહમાં એ બેઠી રહી. લાંબા અંતરાલ પછી જવાબમાં બે હાથ જોડેલ ઇમોજી આવ્યું.

‎"ચાલો કંઈક તો શરૂઆત થઈ." એને હાશ થઈ. એણે અચકાતાં આગળ લખ્યું. "હું શિલ્પા" પછી લખ્યું, "તમારો પ્રોફાઈલ જોતાં લાગ્યું કે તમે સરસ સ્વભાવનાં હશો એટલે રિક્વેસ્ટ મોકલી. પરિણીત હશો એમ માનું છું." 'આ ખોટું થઈ રહ્યું છે. બસ કર..બસ કર.'અંદરથી આવતા કોલાહલને એણે પરાણે ધરબી દીધો.

"હું સુજીત. સરસ સ્વભાવનો છું એ તો ખબર નથી પણ પરિણીત છું એ સાચું. અને..તમે ? પરિણીત કે અપરિણીત ?"

 "..‎..શો ફરક પડે છે ? દોસ્તીનો સંબંધ બધા સંબંધોથી પર હોય છે.." ખોટું બોલતાં અને કરતાં એને ખચકાટ તો થયો, પણ વાતના મૂળ સુધી પહોંચવા માટે જરૂરી હતું.

"હમ્મ..." વળતો સાદો જવાબ આવ્યો.

હવે ? આગળ વાત કેમ વધારવી ?..સંવાદ ચાલી જ રહ્યો છે તો સિફતથી પૂછી લેવાનો આ જ મોકો છે એમ સમજીને એણે ટાઈપ કર્યું..

"તમારા પરિવાર વિશે જાણી શકું ? જો તમને વાંધો ન હોય તો..આઈ મીન..તમારાં પત્નિ સુંદર હશે નહીં ?તમારી વોલ પર એમનો કોઈ ફોટો ન જોયો એટલે અનુમાનનો આધાર લઉં છું."

સામે છેડે ટાઈપિંગનાં ત્રણ ડોટ્સ આવ્યાં.. અને બંધ થઈ ગયાં. સુજીત ઓનલાઈન જ હતો પણ ખામોશ હતો. એની છાતી ધડકવા લાગી. આવનારા જવાબ પર બધો મદાર હતો. બે એક મિનિટ પછી જવાબ આવ્યો. "કામ આવી ગયું હોવાથી વાત અટકાવું છું." અને એ ઓફલાઈન થઈ ગયો.

ઉફ્ફ.. હાથમાં આવેલી બાજી સરકી ગઈ. એ સ્ક્રિન સામે જોઈ રહી." ક્યાંક એને ખબર પડી ગઈ હશે ?ઓહહ.. બહુ ગંભીર, અક્ષમ્ય ભૂલ કરી નાખી મેં... સુજીત જાણી જશે તો ?કેટલા દુભાશે ?મારી ઉપરથી ભરોસો ઉઠી જશે.." ગુનાહિત ભાવોથી ઘેરાઈ ગઈ. "બસ હવે નહીં...આ દિશામાં જવું જ નથી..એકાઉન્ટ ડીલીટ કરવામાં જ સાર છે... પણ, છેલ્લી કોશિશ. નહીંતર કાલે ચોક્કસ વાત પર પૂર્ણવિરામ મૂકી દઈશ."

અસ્વસ્થ મને જેમતેમ દિવસ પસાર તો કર્યો. રાત્રે ફરી સુજીતના ચહેરા પરથી તાગ મેળવવાની નિષ્ફળ કોશિશ કરી. રાત પડખાં ઘસતાં વીતી ગઈ. સવારે રોજ કરતાં બમણી ઝડપે કામ પતાવી અધીરાઈથી એણે શિલ્પાનું મેસેજબોક્સ ચેક કર્યું.આશ્ચર્ય વચ્ચે સુજીતનો મેસેજ હતો..અને સાથે પોતાનો એક ફોટો પણ.

‎"કાલે તમને સ્ત્રીસહજ ઉત્કંઠા થયેલી. મારી પત્નીની સુન્દરતા વિશે, તો તમને કહી દઉં કે સુંદરતાની વ્યાખ્યા માત્ર બાહ્ય દેખાવથી નથી થતી હોતી. મારી પત્નીના હાથમાં અન્નપૂર્ણા વસે છે. વિશ્વાસ એના દિલમાં અને પ્રેમ એના સ્વભાવમાં. વગર પૂછયે એ મારા તમામ સુખદુઃખ જાણી લે એવી સહૃદયી સખી છે અને એટલે જ મને કોઈ દિવસ સ્ત્રીમિત્રની જરૂર નથી પડી. તમને મારી પત્નિનો ફોટો મોકલું છું. એના શરીરની સુખાકારી કરતાં એના મનની સુખકારીને લીધે જ મારા જીવનમાં અને મારી આસપાસ પણ સુખજ સુખ છે. તમે સુંદર હશો એમાં ના નહીં..પણ મારી પત્ની તો શ્રેષ્ઠ છે.

હવે તમને વધુ માહિતીની જરૂર છે ખરી?"

  ...અને વાંચતાં વાંચતાં એની આંખો અને દિલ ભરાઈ આવ્યાં. સુજીતના આ મેસેજને કોપી પેસ્ટ કરી, સેવ કરીને પછી એક ક્લિકમાં જ અસલી "સોનાક્ષી" એ નકલી "શિલ્પા"નું એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું અને બમણા ઉત્સાહથી સાંજ માટે કેન્ડલ લાઈટ ડિનર બનાવવાની તૈયારીમાં લાગી પડી.


Rate this content
Originality
Flow
Language
Cover Design