સંસ્કાર ની સંસ્કૃતિ
સંસ્કાર ની સંસ્કૃતિ


"પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો"બચપણથી જ આ ગીત રૂહીનાં રૂહ માં છવાયેલું હતું. ગીતની આ પંક્તિ સાંભળતા જ રૂહી ના પાનખર જેવા જીવનમાં જાણે વસન્ત ની બહાર છવાઈ ગઈ.
જિંદગી નો વનપ્રવેશ કેટકેટલા વેશ પરિવર્તિત કરેલો હતો. સ્વભાવ નો, સંસ્કાર નો, સંસ્કૃતિ નો વેશ- પરિવેશ ધારણ કરેલો રૂહ, રૂહીના માનસ પટલ પર આયખાની સફર લટાર મારવા લાગી.
બચપણની એ માસુમ રૂહી મમ્મી ને વારંવાર પૂછતી, " મારા પપ્પા ક્યારે આવશે બહારગામથી?" પપ્પાની લાડકડી...ભાઈબહેનના અઢળક વ્હાલ છતાં પપ્પાનો અસાંગરો સદાય કરતી. મમ્મી સંજોગવશાત જીવનની આકરી કસોટીમાંથી પસાર થઇ રહી હતી. છતાંય સન્તાનો ને સંસ્કાર નો વારસો સદાય આપીને ઉછેર્યા.રૂહી નો સ્વભાવ અતિશય લાગણીશીલ. એટલે સદાય સતર્ક રહે ..."મારા વર્તન થી કોઈ દુભાઈ તો નહીં જાય ને ? "
" શુ થયું ? શું કામ રડે છે એકલી એકલી ? " દીદી એ લાડકી રૂહી ને
પ્રેમ થી પૂછ્યું .
"શાળામાં કોઈએ મને ચીડવી." રૂહી એ ડૂસકાં ભરતા કહ્યું .
દીદી એ સમજાવતા કહ્યું ," જો આમ જ જીવીશ તો દુનિયા ખાઈ જશે .કરડવું નહીં પણ ફૂફાડો જરૂર મારવો ."
રૂહી ના નાનકડા મન માં વિચાર આવ્યો ..' તો પછી મારા અને એનામાં શું ફેર ? વ્હાલથી વાત પતી જાય તો વેરઝેરથી વાતને વણસાવવી શા માટે ??'
આમ ..સ્વભાવની સંસ્કૃતિનો વારસો રૂહમાં અંકિત કરીને રૂહી મોટી થવા લાગી.સદાય શાંત , ઋજુ દિલ ,સમજુ , સમજદાર પણ એટલી બધી બુદ્ધિશાળી કે પગલાં પરથી વ્યક્તિ ને માપી લે.દરેક બાબતનો સ્વીકાર ..એ જ સ્વભાવ ..કોલેજકાળ દરમ્યાન પણ હર્ટ થઇ જાય તો તુરંત મન ને મનાવી લેતી. લાગણીઓના પ્રવાહમાં તણાઈ ને સુખદુઃખ રૂપી સરિતામાં વહી જતી .શાંતિનો સ્તોત્ર શોધીને અશાંતિને અલવિદા કરી દેતી..
"કેમ શું થયું ? આટલી બધી અપસેટ ? '" સખી માહી ને નવાઈ લાગી. સદાય ખુશ રહેતી રૂહી આજે ઉદાસ ??
" કઈ નહીં ..આ જ નથી સમજાતું કે આ દોસ્તી કે પ્રેમ ? આ કઈ ભ્રમણા ની માયા ? " રૂહી ના જવાબ થી માહી સમજી ગઈ.. રૂહી ના મનમાં વિચારવમળ નો ચક્રવાત ચાલુ છે..રૂહી બધાજ અરમાન મન માં ધરબી ને બની ગઈ " શ્રીમતી રૂહી"
સંસ્કારી ખાનદાન ની પુત્રવધુ ,ગૃહલક્ષ્મી બનીને પારિવારિક જવાબદારી નિભાવતી ગઈ ..આદર્શ પત્ની .આદર્શ માતા.આદર્શ વહુ ..નો ખિતાબ મેળવીને જિંદગી પસાર કરતી ગઈ .
"આશા , ઉમંગ , અરમાન બધાને મનમાંજ ઢબૂરીને કેમ રહે છે ? સદાય શિસ્તબધ્ધજ જીવવાનું ?" ઓફિસ ની સહુથી પ્રિય સહેલી સીમા એ પૂછ્યું .
"સુખ શાંતિ બધુજ હૃદય માં જ સ્થાપિત છે.શું એને બહાર શોધવાની જરૂર છે ?" રૂહી એ સસ્મિત ઉત્તર આપ્યો.
" હા હા ..તને તો તારું એકાંત જ વ્હાલું ."...સીમા એ કહ્યું.
રૂહી એ જવાબ આપ્યો ;"શું કરું ? મને આ ખટપટ ભરી દુનિયા કરતા સરળ જીવન ગમે છે .અને દરેક નો પોતાનો અભિગમ હોય જીવન પ્રત્યેનો ..એટલે પોતાનું કામ કરું વળતી અપેક્ષા ના રાખું એટલે દુઃખી થવાનો પ્રશ્ન જ ન આવે ."
સીમાએ ચિઢવતા કહ્યું " બસ હવે ..બ્રૅક કે બાદ ...આમ પણ લન્ચ ટાઈમ ઓછો છે ..ચાલ ..લન્ચ એન્જોય કરીયે ."
રૂહીને વાંચનનો જ્બરો શોખ ..નિતનવા વિચારોને યોગ્ય રીતે આત્મસાત કરીને બૌદ્ધિક તેમજ વૈચારિક સ્તર ને વિકસાવીને આત્મજ્ઞાન વધારતા રહેવું ..એ એની ખૂબી હતી .આમ ને આમ જિંદગીના પાંચ દાયકા વટાવ્યા બાદ વનપ્રવેશ ...અને આજ ઘણા વર્ષો બાદ બચપણ ની સખી માહી મળવાની હતી અને વહાલી પંક્તિઓ સાંભળીને રૂહી નું મન ગણગણવા લાગ્યું ." પલ પલ દિલ કે પાસ "....હા ....દિલ માં વસવું પ્રિયપાત્રના ....એ તો શ્રેષ્ઠ ભાવના ...
માહી સાથે નવરાશ ની પળો માણવા મનગમતા સ્થળે જઈને બેઠા ...
સાગરકિનારે ....જ્યાં દૂરદૂર સુધી પાણી જ પાણી ...એમાં થતો સૂર્યાસ્ત ...આકાશ અને ધરતી નું કાલ્પનિક મિલન ...આ દ્રશ્ય તો સદાય રૂહી ના દિલ માં વસેલું ....ક્ષિતિજ ...કાલ્પનિક મિલન અને વાસ્તવિકતા ખુબ જ અલગ ..વિચારો માં ડુબેલી રૂહી ને
માહી એ બોલાવી ..
" આટલી લાગણીશીલ રૂહી ..બચપણ ની માસૂમ કળી ..આજે જાજરમાન તાદ્શ થાય છે ..એક વિરક્ત.મન થી અસંસારી છતાં સંસાર માં રહીને બધાજ કર્તવ્યો સુપેરે નિભાવનાર વ્યક્તિ .
સાચેજ ..જિંદગી એ બરોબર ઘડી છે .."
રૂહી એ નિખાલસ હાસ્ય વેરતાં કહ્યું ,"હા ...તેં મને યથાર્થ પિછાણી છે ..ઘણીવાર માનવ સહજ સ્વભાવવશ ગુસ્સો, ક્રોધ,દુખ, ભય,નિરાશા થઇ જાય ..પરંતુ તરતજ એકજ વાત અપનાવી લીધી .અપેક્ષા નહીં કોઈથી ...બસ ફકત સ્વીકારભાવ ...જે પરિસ્થિતિ છે એજ રૂપ માં એનો સ્વીકાર ..કોઈ પણ નિષ્કર્ષ કાઢ્યા વિના ..ફકત નિરપેક્ષ રૂપે ..સાક્ષી ભાવે ...'
આમજ રૂહીની જિંદગી સરળ બની ગઈ ..પ્રભુનું શરણું તો સૌપ્રથમ સ્વીકારેલુંજ હતું ..પ્રેમ.સ્નેહથી સદૈવ મહેકતું મન ..પ્રસ્સન્નતા ભર્યું દિલ ...
આજ છે ..."સ્વભાવ ની સંસ્કૃતિ"
અથવા તો
" સંસ્કૃતિ નો સ્વભાવ "
ફકત એકજ ભાવ ..
""સ્વીકાર ભાવ ""