પ્રથમ મુલાકાત
પ્રથમ મુલાકાત


આજે શાળામાં એક નવા જ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. "સપનામાં થયેલી પહેલી મુલાકાતનું વર્ણન" એટલે કે સપનામાં જ્યાં પહેલી વખત ગયા હોય એવું નવીનતમ વર્ણન. બાળકો ખૂબ જ ઉત્સાહમાં હતા. કલ્પનાની દુનિયામાં માણેલી એ પ્રથમ મુલાકાતનું શાબ્દિક વર્ણન કરવાનું
હતું. મન તો વિચારોની સોનેરી પાંખના સથવારે ત્રણે લોકની મુલાકાત કરી શકે. પાછું સ્પર્ધાનું આયોજન. બધા સ્પર્ધકોના મનમાં વિજેતા બનવાનો અભરખો હતો.
સભાખંડમાં બધા એકત્રિત થયા, સ્પર્ધાનો શુભારંભ થયો. પહેલી સ્પર્ધક ઈનુએ વર્ણન શરૂ કર્યું.
"મારા સુંદર સપનામાં મેં સરસ મજાના સ્થળની મુલાકાત લીધી. રમણીય હિમાચ્છાદિત ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ એરપોર્ટ પર સોનેરી પાંખ વાળી પરી મને અને મારી સહેલી પિહુ, અને શિફાને હોંશથી રીસિવ કરવા આવી. સેસના પ્લેનમાંથી માઉન્ટ રૂપેહુની સુંદરતા માણીને અમે ક્વિન્સ ટાઉનમાં 'બંજી જંપિંગ'નો રોમાંચ અનુભવ્યો. પછી કાયકોરામાં ડોલ્ફિન શો, વ્હેલ વોચ, સિલને જોઈને આનંદ કર્યો. રિવર રાફટિંગ, કિવી બર્ડ, ઘેટાંના ટોળાં...બધી જ સુંદરતા માણીને ખૂબ જ ખુશ થઈને અમે ક્રૂઝની સફર કરવા ગયા. દરિયાનું પાણી જોઈને મને નહાવાનું મન થયું અને મારી આંખો ખુલી ગઈ.”
બીજી સ્પર્ધક પિહુએ સપનામાં કરેલી પહેલી મુલાકાતનું વર્ણન કરતાં ખુશીથી કહ્યું, "હા, મેં પણ ઈનુ અને શિફા સાથે એક અદ્ભૂત પ્રદેશ જોયો. ત્યાં તો કેટલા સરસ મજાના ઝગમગતા ફૂલડાં... અને રંગબેરંગી રંગોળી. સામે ચોકલેટના ઝાડ ને આઈસ્ક્રીમના ડુંગરા... અને ત્યાં સામે શરબતનો ધોધ પણ વહેતો હતો... શિફા, ઈનુ, જોજે, હાથ ના છોડતાં... આપણે બધા ભેગા મળીને મજા માણીએ... ત્યાં તો સરસ નાસ્તાની સુગંધ આવતાં જ મારી ઊંઘ ઉડી ગઈ.”
હવે વારો આવ્યો શિફાનો...
શિફાના મનમાં ઉદાસી અને અવાજમાં દર્દ હતું. એણે કહ્યું, “સપનામાં તો બધા સાથે મજા માણવાની જ હોય છે. મારા સપનામાં મારી પ્રથમવાર મુલાકાત થઈ મારા પ્રિય પાત્ર સાથે... સપનામાં શ્વેત પરી રાણી આવી હતી. એણે મને મારી ઈચ્છા પૂછી... મેં કહ્યું, મારે તો મોબાઈલ બનવું છે. મારા મમ્મી પપ્પા મોબાઈલ સાથે વધારે સમય વિતાવે છે. જો હું મોબાઈલ બની જઈશ તો કાયમ મમ્મી-પપ્પાની સાથે સાથે જ રહીશ. આયા પાસે તો નહીં રહેવું પડે... પરી રાણીએ કોઈ જ જવાબ ન આપ્યો, એણે તો ન બનાવી મને મોબાઈલ. આપ કોઈ પાસે છે આનો ઉપાય? મને બનાવશો કોઈ મોબાઈલ ? મારી પ્રથમ મુલાકાત હકીકત બનશે ?"
નિર્ણાયક સહિત ઉપસ્થિત સર્વે મનમાં વિચારવા લાગ્યા, 'સપનું હોય કે વાસ્તવિકતા... પહેલી મુલાકાત ક્યાં હકીકત બનવાનું સામર્થ્ય ધરાવે છે ? એ તો સદૈવ અધૂરી જ રહેવાની છે.
જાણે કે એક મૃગતૃષ્ણા.